ગુજરાતી નિબંધ-સંપદા/બકુલ ત્રિપાઠી/વૈકુંઠ નથી જાવું
વૈકુંઠ નથી જાવું
દુઃખો, વિપત્તિઓ, વેદનાઓ.
અને અસહાયતા.
મારી પોતાની વિપત્તિઓ અંગેની અસહાયતા મને પીડે છે. પણ એ પીડા સહ્ય છે. કારણ કાં તો સ્વસ્થ બની વિપત્તિના મૂળ સ્થાને હું મારો કોઈ દોષ જોઈ શકું છું. જોઈ ન શકું તો કલ્પી તો શકું છું જ, અથવા તો પછી માની લઉં છું કે આ કોઈ વિરાટ ન્યાયતંત્રનો ચુકાદો છે, અને શરણાગતિ સ્વીકારી લઈ કંઈક શાંતિ મેળવી લઈ શકું છું. મારી વિપત્તિઓ જોડે મને કામ પાડતાં આવડી ગયું છે! હજી હમણાંની જ વાત, મારી બાના અવસાન વખતેની. તે વખતે હું ખૂબ રડ્યો હતો. એક જ વર્ષ પછી પિતાજીના અવસાન વખતે? નહીં. પિતાજીને પોતાને તો જવાનું એ આનંદ જ હતો, કારણ બા રાહ જોતાં હતાં.
વાત એમ હતી કે જ્યારેય કોઈ સાથે બહાર જવાનું હોય ત્યારે… પિતાજી સ્વભાવે ઉતાવળા. એ ઘરના દરેક ખંડમાંથી બીજા ખંડમાં જાય ત્યારે વીજળીબત્તી અને પંખો બંધ કરતા જ જાય. ચોકસાઈનો એવો એમનો ગુણ. ક્યારેક એ કંઈ શોધવા કે બીજા કામે અનેક ઓરડાઓમાં આમતેમ આમતેમ ફરતા હોય ત્યારે બત્તીપંખા ઉઘાડવાસ ઉઘાડવાસ થતાં જોવાની મઝા આવતી. એવા ઉતાવળા અને ચોક્કસ મારા પિતાજી. એટલે જોડે બહાર જવાનું હોય ત્યારે એ તૈયાર થઈ આગળ નીકળી પડે. શેરીને નાકે જઈને ઊભા રહે. બા બિચારાં કંઈનાં કંઈ ચઢેલાં કામ પતાવતાં મોડાં જ પડે. સાંજે બહાર જવાનું છે એ વીસરી જઈને, પડોશીઓએ દૂધ લઈ રાખવા તપેલીઓ મૂકી હોય એ સ્વીકારી લે. પણ બહાર જવાનું છે એ હવે યાદ આવતાં એ તપેલીઓ, પેલાં પડોશીઓ તો નિરાંતે બહાર જતાં રહ્યાં હોય એટલે, ત્રીજા જ કોઈ પડોશીને સમગ્ર પરિસ્થિતિ સમજાવી આપી આવે. અને પછી યાદ આવે કે આપણાં દૂધનું શું? એટલે વળી પાછો બીજો ફેરો ખાઈને અમારી તપેલી આપી આવવી, અને પેલા પહેલા પડોશીએ આપતી વખતે તપેલી સાથે ઢાંકણું નહોતું આપ્યું પણ ઢાંકણા વિના એમના બિચારાના દૂધમાં કંઈક પડશે એ ચિંતાએ ઘરનું ઢાંકણું લઈને વળી પેલા પડોશીને આપી આવવું અને વળી પાછો એને સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આપવો કે જેથી કરી ગેરસમજ ન થાય, અને કોઈને કંઈ માઠું ન લાગે અને કોઈ નકામું દૂધ વિનાનું ન રહે — એ બધાંમાં એ મોડા જ પડતાં! અને હંમેશાં પિતાજીને પાંચ-સાત-પંદર મિનિટ રાહ જોવડાવીને જ એમની જોડે જઈ પહોંચતાં. પણ પછી ખરે ટાણે એમણે યુક્તિ કરી — પચાસ વર્ષની લગ્ન-જયંતી શાંતિથી સાથે ઊજવીને પછી જવાની તૈયારી પણ સાથે કરી, ને પછી એકદમ વહેલાં નીકળી ગયાં! પિતાજી સ્તબ્ધ બની ગયા. પછી તો દિવસો-મહિનાઓ વીતવા માંડ્યા, આંખમાં સહેજ સરખાં આંસુ, હાથમાં ગીતા. એક દિવસ સાંજે શાંતિથી કહે સહેજ સ્મિત સાથે, ‘તારી બા હોશિયાર તો ખરી. છેલ્લે છેલ્લે મને છેતરી ગઈ. મને ખબર જ ના રહી, અને આગળ નીકળી ગઈ.’ અમે સૌ હળવાં બન્યાં, અને બાની વાતો કરવા લાગ્યાં. દાદરા નીચે કોલસાની ગૂણ રાખતા ત્યાંથી કોલસા કાઢતાં એમને કેવો વીંછી કરડતો, ચાર-પાંચ વાર કરડેલો, અને તેવે વખતે એ કેવું રડી પડતાં, અને અમે પણ રડી ન પડીએ એ માટે કેવું રડતાં રડતાં હસવાનો પ્રયત્ન કરતાં… અને એવી બધી વાતો. પિતાજી મનમાં કંઈ ગણતરી કરતા હશે, પણ અમારું ધ્યાન જ ન રહ્યું. બાના ગયા પછી બરાબર બાર મહિને, સુવ્યવસ્થિત રીતે… પણ વાત શી હતી? હા, દુઃખની, વેદનાની, અસહાયતાની. હૉસ્પિટલમાં વહેલી સવારે ત્રણ વાગ્યે, ચાર વાગ્યે, ખૂબ ગમગીન — અને ભયાનક વાતાવરણ લાગે છે.
એક કવિમિત્ર કહેતા, ‘સાંજ હંમેશાં ક્યાંય પણ મને ખૂબ ગમગીન લાગે છે.’ પણ હૉસ્પિટલમાં એવું નથી હોતું. ત્યાં તો સાંજે વસ્તી જ વસ્તી. પછી રાત્રે કોણ સૂવા રહે એની તૈયારીઓ. ‘હું રહીશ, તમે આજે ઘેર જઈ આરામ કરો’ — ‘ના રે ના, તમારે હજી…’ ‘અરે, એમાં શું? આવે વખતે કામ નહીં આવીએ તો…’ વગેરે વિવેકવચનો, રાતનું દૂધ, રાતની દવાઓ, ગોઠવણો, વ્યવસ્થાઓ… સાંજ નહીં, રાત નહીં, છેક બે-અઢી-ત્રણ પછી વાતાવરણ ભયાનક બને છે. બધું તદ્દન શાંત. સવારે સાડા-આઠ વાગ્યે જેમ ડૉક્ટરસાહેબ એમના વિદ્યાર્થીઓ સાથે રેકૉર્ડ્ઝ જોતા જોતા દર્દીઓને તપાસતા તપાસતા સિસ્ટરોને સૂચનાઓ આપતા આપતા ખાટલે ખાટલે ફરવા નીકળે છે તેમ વહેલા પરોઢિયે સહેજ વહેલા, કદાચ મૃત્યુના દેવ એમના પાર્શ્વગણ સાથે ખાટલે ખાટલે જઈ નજરમાત્રથી નિર્ણય લઈ. હવેના ચોવીસ કલાક માટેની સૂચનાઓ લખાવતા ફરે છે, ખૂબ જ હળવે પગલે — નાઇટ-ડ્યુટિની સિસ્ટર્સ ઝોકે ચડી છે ને જાગી ન જાય તેમ, ખાટલા પાસે બેસીને બરફની કોથળી દર્દીને માથે ફેરવતાં ફેરવતાં સહેજ જંપી ગયેલા સ્નેહીજનને કંઈ જ ખ્યાલ ન આવે તેમ, ઠંડા પવનની આછી લહેરખીની જેમ…
મને તે સવારે રડવું ન આવ્યું. પછીય ન આવ્યું. ડરી જવાય. અન્યમનસ્ક બની જવાય, ક્યારેક વળી ‘પેલી દવા જો વખતસર લાવી શક્યા હોત… સહેજ… ત્યાં… વધારે તપાસ કરીને… એવા વિચારે ગુનાહિત મનમાં વેદનાનો સણકો ઊપડી આવે અચાનક!’ પણ જીરવી શકાય છે આવાં બધાંય દુઃખો, આપત્તિઓ, કરુણાઓ, વિધિના અનંત ચક્રનું અનિવાર્ય ગતિસાતત્ય વિચારતાં ક્યારેક તો જાતના દુઃખે રડતાં શરમ પણ આવે છે.
અને પછી હસવું આવી જાય છે — આપણી વેદનાઓમાંથી ક્યારેક વધારે પડતાં કરુણતાનાં ટીપાં નિચોવી લેવાની આપણી વિચિત્ર લોભવૃત્તિ પર!
હું મારાં સુખો જોડે પ્રેમમાં છું, હું મારાં દુઃખો જોડે પ્રેમમાં છું. ચગડોળની મને ભારે ઘેલછા છે. એક તો પેલી જેમાં ગોળ ગોળ હાથી-ઘોડી પર ફરીએ છીએ તે. અમારે ત્યાં મેળામાં હાથીઘોડા ઉપરાંત થોડી લાકડાની પરીઓ પણ ખરી ચગડોળમાં. એને ગળે વળગીને ચગડોળ માણવા પડાપડી કરતા અમે ભાઈબંધો. એ હાથી-ઘોડા અને પરીઓવાળાં ચગડોળ તો ગમે છે જ. ચગડોળમાંથી ઊતર્યા પછી દિશાઓ ચક્કર ચક્કર ફરે અને ધરતી ડોલંડોલ થાય! પણ મને જે મોટી ઘેલછા તે તો પેલી ઉપર-નીચેવાળા ચગડોળની, ફજેતફાળકાની. નાનો લાકડાનાં ઝુલણિયાંવાળો ફજેતફાળકો તો ખરો જ — બે જણ એને હંબો હંબો કરીને જમણેથી ઝીલીને ડાબે ફંગોળતા ચલાવે — એ તો ખરો જ, પણ આજેય મેળામાં-ઉત્સવમાં-ફનફેરમાં જાઓ તો દેખાય છે એ વિરાટ ફજેતફાળકો પણ મને ખૂબ ગમે છે. ખટાખટ્ ચાલતા યંત્ર અને ફટાફટ્ સરતા પટ્ટાની જોડે નીચે લાકડાનો મંચ હોય. એના પર પારણું આવે. તમે આડો, ઘરના આગળિયા જેવો સળિયો ખસેડાવી ડોલતા એ પારણા પર ગોઠવાઓ. ખટાક્ કરીને આડો સળિયો ફિટ કરી દેવામાં આવે. તમે બે મૂઠીથી કચકચાવીને એને પકડો અને સળિયો છૂટી જશે તો નહીં ને! એમ રોમાંચક કલ્પના કરતા હો ત્યાં, ફટાક્ કરતું ચક્કર ચાલે! તમે ઊંચે! બીજું પારણું મંચ પર. તમે ધરતીથી અધ્ધર. હવે ત્રીજું પારણું. બધું જ હવે નીચેનું આઘું દેખાવા માંડે છે! નજર ભરીને જોઈ લો દીવા, દૂરના માણસો ઠીંગુજીઓ! ચોથા પારણામાં સૌ બેસે છે, તમારું પારણું હવે ટોચ પર છે! ક્ષિતિજનું કમળ હવે ફુલ્લપ્રફુલ્લિત છે. અદ્ભુત રસ તમે માણી રહો છો ત્યાં… અચાનક આંચકા સાથે નીચું ઊતરવા માંડે છે તમારું પારણું. હજી નીચે. વળી નીચે. તદ્દન પાછા આવ્યા કે શું? હા, તમે લગભગ લાકડાના મંચ પાસે આવી ગયા છો, પેલી બાજુનું પેલું ઝૂલણું ભરાઈ ગયું છે અને હવે… ફટ્ ફટ્ ફટાક્ ફટ્… ફટ્ ફટ્ ફટાક્ ફટ્ યંત્ર ધૂણવા માંડે છે, ગર્જવા માંડે છે, ઊછળવા માંડે છે. તમારું ચગડોળ ઉપર-નીચે ગોળગોળ ઘૂમવા માંડે છે, કહે છે, સમુદ્રમાં ડૂબતો માણસ ત્રણ વાર ઉપર આવે છે, તમે ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર, વારંવાર, ડૂબકી ખાઓ છો, ઊંચે આવો છો. શ્વાસ ભરાઈ જાય છે, છાતી પર દબાણ, જાણે હમણાં નીકળી પડશે પ્રાણ. પેલા સામેના જ ઝૂલણા પર દૂર દૂર જોજનો દૂર કોઈ બાળક રડે છે. તમને થાય છે તમે બાળક હોત તો સારું થાત, બૂમો પાડી શકત. બૂમો પાડવાનું, રડવાનું, ખડખડાટ હસવાનું, ઝૂલવાનું, વાઘની તગતગતી આંખ સામે હરણાની જેમ ઠરી જવાનું, પેલા સળિયામાંના તમારા પ્રાણને કચકચાવીને પકડી રાખવાનું, સેંકડો દીવાઓને એક નજરે પી જવાનું! તમને ઘૂરી ચડે છે. મોજ આવે છે અને ખટાક્… ખટાક્… ખટાઆઆક્ અવાજ ધીમો પડવા માંડે છે. તેડાં રે આવ્યાં ઘનશ્યામનાં. છેલ્લી વાર તમે પશ્ચિમ ક્ષિતિજે અધ્ધર ઝૂલી રહો છો. ઊંચે જાઓ છો છેલ્લી વાર. આ આખીય સૃષ્ટિ તમારી છે છેલ્લી વાર. તમે નીચે ઊતરવા માંડો છો, નીચે, નીચે, ચાર, ત્રણ, બે, એક… ચગડોળવાળો તમારું પારણું પકડી લે છે. બંધનમાંથી તમને મુક્ત કરે છે. ચાલો, તમારી જીવનયાત્રા પૂરી… પારણું બે ક્ષણ ખાલી ઝૂલી રહે છે… હમણાં… હમણાં જ ચાલશે ફરી ફટાક્ ફટ… તમે નહીં હો… ચગડોળ તો ચાલ્યા કરવાનું!
પેલા ભયથી રૂંધાતા શ્વાસનો અનુભવ અને પેલું ખુલ્લું અકાશ એ બે કંઈ જુદાં નથી. પેલા ઊર્ધ્વગમન અને નિમ્નગતિ એ બે જુદાં નથી. એક વિરાટ ઉત્સવના જ એ અંશો છે. મીઠું- કડવું, ગમતું-અણગમતું, રમ્ય-ભયાનક, સુંદર-અસુંદર એ બધું જ અહીં છે. પેલાં પગથિયાં ચડી લાકડાના મંચ પર પહોંચતાં સામે ગિલોટીન પણ કલ્પી શકું છું, ને સામે શુભ્ર આરસની ધ્યાનમૂર્તિ પણ કલ્પી શકું છું. ઘૂંટણિયે પડી હું માથું ધરીશ. પણ મહાનાટ્યના જે દૃશ્યમાં મને પાત્ર મળ્યું છે તેમાં નથી તો ફ્રેંચ ક્રાંતિની રક્તસરિતામાં તણાવાનું કે નથી બૌદ્ધ સંસ્કૃતિના કોઈ પીત-સુવર્ણ પ્રકાશમાં નહાવાનું. મારે માથે આવ્યું છે આજના આ બહુ મોટા તો નહીં એવા મેળામાં પ્રસ્વેદસિક્ત ઘોંઘાટમાં લાકડાના પેલા મંચ પરથી ચગડોળના ઝૂલણામાં બેસીને યંત્રની ખટાખટ વચ્ચે ધીમે ધીમે ધીમે અધ્ધર ઊડી ઊંચે અાકાશમાં તારાઓ જોડે ઝૂલવાનું, સરવાનું, નીચે ખીણમાં પડવાનું, પાછા અંધકારમાં ખોવાઈ જવાનું.
‘આ બધું તો ઠીક…’ મન કો’કવાર કાનમાં પૂછે છે, ‘તારી બધી વાત બરાબર છે; પણ કોદરજીનું શું?’
‘કયા કોદરજી?’ મારા અવાજમાં ભય પ્રવેશે છે.
‘પેલા… રઘુનાથવાળા…’
હું ધ્રૂજી ઊઠું છું.
કોદરજી કાળા કાળા સીસમ જેવા. પણ સીસમ તો સુંવાળું હોય. કોદરજીની ચામડી કરચલિયાળી એટલે કેવી કરચલિયાળી! ચૂંચળી આંખો, ઝીણકું શરીર. પેલા ઊભા સાવરણાથી રસ્તો વાળે ત્યારે સાવરણાનો વાંસ કોદરજીથી વેંત ઊંચો લાગે!
નાનું ગામ. એક દિવસ શેરીમાં અચાનક બૂમ પડી. રૂઘનાથ ફોજદાર કોરદજીને મારે છે! હંટરે હંટરે!
ધડ ધડ ધડ દાદરો ઊતરીને અમે દોડ્યા. ધૂળમાં પડ્યો છે કોદર, ટૂંટિયું વળીને. કાળી ચામડી પર પરસેવાથી ચોંટી છે કાળીપીળી ધૂળ. પીઠે સોળ ઊઠ્યા છે. સોળ એટલે શું એ આજે જ ખબર પડી. લાલ ટશરો ફૂટી રહી છે. ફરીથી ફટકો પડે છે રૂગનાથ ફોજદારની હંટરનો. ફરીથી. ફરીથી. સાલા કમજાત.. સટાક્! સાલા હરામજાદા… સટાક્! હું કંપી ઊઠું છું, ચીસ પાડવા જઉં છું. નથી પડતી.
કામના ચાર આના વધારે લીધેલા કોદરજીએ. એક વાર રૂઘનાથજીએ આપેલા. પછી રૂઘનાથજીના દીકરા જયંતિની વહુએ પણ આપ્યા ત્યારે કોદરજીએ ના નહીં કહી… કે કહી હશે… કે જયંતિની વહુએ ઇનામના આપ્યા માન્યું હશે… કદાચ જયંતિની વહુએ ખોટું કહ્યું હશે સસરાજીને અને ચાર આના આપ્યા જ નહીં હોય કોદરજીને અને પોતે ગોરસ-આમલી લઈને ખાઈ ગઈ હશે… કશુંક હતું.
નૈતરની સોટી પર ચામડાની પટ્ટી ગોળ ગોળ સજ્જડ વીંટી હોય. હંટરની ઉપર દટ્ટો. નીચે ઉંદરના કાન જેવાં અને કૂતરાના કાન જેવડાં બે ચામડાનાં પાંદડાં, એ શોભા માટે. સટાક્ સટાક્. હંટર કોદરના વાંસા પર, પગ પર, ઢીંચણ પર, બોચી પર પડે. એ તરફડતો જાય તેમ તેમ જુદાં જુદાં અંગો હંટરના ઘા ઝીલતા જાય તેમ તેમ સોળ પડતા જાય…
રડી પડું છું. ડસડસી જાઉં છું. દોડતો ઘેર આવું છું. ફરી દાદરો એકશ્વાસે, લપસતાં, લથડતાં ફટાક્ બારણાં ખોલી બૂમ પાડું છું, ‘બા, રૂઘનાથ ફોજદાર કોદરને મારે છે… મારે છે… બચાવો… પિતાજી… રૂઘનાથ ફોજદાર છે ને તે…’ ઘરમાં બા નથી. બાપુજી નથી. ઓરડે ઓરડે ભટકું છું. ડૂસકાં. રૂઘનાથિયાના ઘર બાજુની અમારી જે પશ્ચિમની બારી એના સળિયા પકડી સળિયામાંથી જોયા કરું છું. રૂઘનાથ ગર્જી રહ્યો છે, ‘સાલા ચોર…’ ઘર દૂર હતું. સામે તડકો, ધૂંધળું બધું. રૂઘનાથનો ચહેરો ક્રુદ્ધ. એ નજર ઊંચી કરે છે. સૌ છોકરાં ભાગી ગયાં છે. રસ્તો સૂમસામ. કણસતો કણસતો કોદર પડ્યો છે. ટૂંટિયું વાળીને…
પછી ફોજદારને કશું ન થયું.
કોદરને મોડી સાંજે આવીને એનાં સગાંવહાલાં લઈ ગયાં હશે, આજેય સળિયામાંથી, મારા ઘરના, મારી જેલના, મારી અસહાયતાના સળિયામાંથી, ટૂંટિયું વાળીને પડેલા કણસતા કણસતા કોદરને હું જોઉં છું, જોયા કરું છું. આજે હવે ઈંટાળા ઊંચકી ઊંચકીને ફોજદારના માથા પર ઘા પર ઘા, ઘા પર ઘા કરું છું; પણ એને વાગતું નથી. સળિયામાંથી જોયા કરું છું.
ધીરેથી આજે હું કોદરજીને કહું છુંઃ
‘કોદરજી, હું કંઈ જ નહીં કરી શક્યો…’
‘હં…’
‘એનું કાંડું પકડી લેવાની મારામાં શક્તિ નહોતી કોદરજી, તમે જાણો છો. મને માફ કરશો ને?’
‘હે ભગવાન…’
‘કોદરજી… પણ મને યાદ છે તમે ઢોલક બહુ સારું વગાડતા.’
કોદરજીના આંખો સહેજ ખૂલે છે.
‘તમારા વાસમાં અમે દોડી આવતા ઢોલક સાંભળવા. તમારું ઢોલકું સાંભળીને મને તો નાચવાનું મન થઈ જતું. અમને બધાંય છોકરાંવને…’
એમની આંખમાં સહેજ ચમક આવે છે.
‘પિતાજી કહેતા, કોદરજી, મજાકમાં અને પ્રેમથી, તમને યાદ છે ને? કે આપણા ગામમાં રેડિયો આવશે ત્યારે કોદરજીનો ઢોલક વગાડવાનો પ્રોગ્રામ રાખીશું.’
કોદરજીના મોં પર આછેરું સ્મિત.
પિતાજી નથી. ગામમાં રેડિયો-સ્ટેશન આવ્યું નથી. કોદરજી નથી. રૂઘનાથ ફોજદાર પણ પછી તો મરી ગયા. પેલો ધૂળવાળો રસ્તોય હવે કાંકરિયાળો થઈ ગયો છે. જયંતિની વહુ હવે ડોશી બની ગઈ છે.
જાણું છું, જાણું છું, સાંભળું છું… સટાક્ સટાક્ હંટરના સટાકા સંભળાય છે. હજી સંભળાય છે. સાથે સાથે કોદરજીના ઢોલકાનો અવાજ પણ.
ઢોલકાના અવાજની વાત તમને સૌને ડરતાં ડરતાં પણ કહી દઉં એમ થયું એટલે આટલું લખ્યું.