અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/આવો!
Revision as of 05:20, 26 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> અમે રે સૂકું રૂનું પૂમડું, {{space}}તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્...")
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે ઊધઈ-ખાધું ઈંધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
(ગોરજ, ૧૯૫૭, પૃ. ૧૪૮)