સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/શાસ્ત્રોદ્ધારક મુનિ

From Ekatra Wiki
Revision as of 12:02, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૯૧૪-૧૫ની આસપાસ સુધીમાં પુસ્તક-પ્રકાશનમાં એક રૂઢ પ્રથા એ હતી કે જો પ્રસ્તાવના જેવું કાંઈ લખવું હોય, તો તે સંસ્કૃતમાં જ લખવામાં મહત્તા મનાતી. એક વાર મુનિશ્રી ચતુરવિજયજીએ પોતાની લખેલ સંસ્કૃત પ્રસ્તાવના મને જોઈ જવા કહ્યું. મેં તે જોઈ તો લીધી; પણ સાથે જ તેમને કહ્યું કે પ્રસ્તાવના આદિ સંસ્કૃતમાં લખો છો, તેનો શો હેતુ? તેમણે જવાબમાં બીજા અનેક પ્રસિદ્ધ મુનિઓનાં ઉદાહરણ આપી એ પ્રથાની પુષ્ટિ કરી. મેં કહ્યું: જુઓને અમુક પ્રસિદ્ધ વિદ્વાનોની સંસ્કૃત પ્રસ્તાવના: એમાં શબ્દાડંબર સિવાય શું હોય છે? વળી અમુક પ્રસ્તાવનાઓમાં કોઈ શિષ્ય કે આશ્રિત પંડિત અમુક સાધુની ભારોભાર પ્રશંસા કરતો દેખાય છે—પછી ભલે તે છેક જ જૂઠાણાંથી ભરેલી હોય! જો એ જ સંસ્કૃતના લેખકોને એમ કહેવામાં આવે છે કે મહેરબાની કરી તમે એનો અનુવાદ સંભળાવો, તો કાં તો એમાંથી સાંભળનાર શૂન્ય જ મેળવવાનો અને સંભળાવનાર પોતે શરમાવાનો. વળી મેં વધારે સખત ટીકા કરતાં એ પણ કહ્યું કે સંસ્કૃતમાં લખવું એનો અર્થ આશ્રયદાતાઓ અને અભણ દુનિયાની દૃષ્ટિમાં મહત્ત્વ સાચવવું અને સાથે સાથે પોતાનું અજ્ઞાન પોષ્યે જવું, એ જ છે. જો લેખકને કાંઈ સાચું નક્કર કહેવાનું જ હોય તેમજ અનેક વાંચનાર સમક્ષ કાંઈ મૂકવા જેવું સાચે જ હોય, તો તેઓ ચાલુ લોકભાષામાં લખતાં શાને સંકોચાય છે? પરંતુ જેઓ માત્ર સંસ્કૃતમાં પ્રસ્તાવના વગેરે લખે છે, તેઓ મોટેભાગે વાચકોને અંધારામાં રાખવા સાથે પોતાના અજ્ઞાનને છુપાવે છે. મારા કથનનો જરા પણ સામનો કર્યા સિવાય મુનિશ્રીએ ત્યારબાદ મોટેભાગે પ્રસ્તાવના સંસ્કૃતમાં લખવાનો શિરસ્તો બદલી નાખ્યો. એને પરિણામે તેમનાં તથા તેમના શિષ્યનાં પ્રકાશનોમાં આજે અનેક મહત્ત્વની ઐતિહાસિક વસ્તુઓ ગુજરાતી ભાષા દ્વારા જાણવી સુગમ બની છે. આ એમની સત્યગ્રાહી પ્રકૃતિએ મને વિશેષ વશ કર્યો. મુનિશ્રીની ખાસ ધ્યાન ખેંચે એવી એક વિશેષતા એ હતી કે તેઓ જ્યાં જતા ત્યાં પ્રથમ ત્યાંના ભંડારનું કામ હાથમાં લેતા. જો સૂચિ ઠીક ન હોય તો તે બનાવતા, પોથીઓને નવાં મજબૂત બંધનોથી બાંધતા, ક્રમવાર ડાબડામાં ગોઠવતા; એટલું જ નહિ પણ જ્યાં ગ્રંથોે રાખવા માટે કબાટ કે એવી બીજી સારી સગવડ ન હોય ત્યાં તે તૈયાર કરાવતા. એ રીતે ત્યાંના ભંડારને વ્યવસ્થિત અને ટકાઉ બનાવતા. પુસ્તકસૂચિ પ્રસિદ્ધ કરતા. આની સાથે તેઓશ્રીએ ભંડારમાંથી મળી આવતા નાનામોટા બધા જ ગ્રંથોની નવી લિખિત નકલો કરાવી તેનો એક પૂર્ણ અને ઉપયોગી સંગ્રહ કર્યો છે, જે આજે વડોદરામાં વિદ્યમાન છે અને ગમે તે વિદ્વાનનું મસ્તક નમાવવા માટે બસ છે. આ જ કામના અંગ તરીકે જે બીજાં કેટલાંક કામ છે, તેમાં પણ મુનિશ્રી સતત રોકાયેલા રહેતા. કાગળ અને તાડપત્રની જૂનામાં જૂની લિપિઓ ગમે તેવી જટિલ, ઘસાયેલી કે છેક જ ભૂંસાયેલી હોય તેને વાંચવી એ કામ સાહિત્યોદ્ધારનું પ્રથમ અંગ છે. એ જ રીતે નકલો કરવાનું અને સુંદરતમ અક્ષરોમાં યોગ્ય રીતે પ્રેસકોપી કરવાનું કામ પણ વિદ્વાન માટે એટલું જ આવશ્યક છે. મુનિશ્રીએ એ બંને કળાઓ અસાધારણ રીતે સાધેલી. તેઓ જિજ્ઞાસુ અને ધંધાર્થી શિખાઉને પણ આ વસ્તુ શીખવતા. તેમના હાથે પ્રતિવાચન અને સુંદર લેખનનું કામ શીખેલ કેટલાયે સાધુ અને ગૃહસ્થો આજે કાં તો ઐતિહાસિક સેવાના ક્ષેત્રમાં રોકાયેલા છે અથવા તો નિર્વાહ અર્થે એ કળાનો ઘેર બેઠે સરસ ઉપયોગ કરી રહ્યા છે. [‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]