સોરઠી બહારવટિયા ભાગ-2/ઇતિહાસમાં સ્થાન
સૌરાષ્ટ્ર વિષેનાં ઐતિહાસિક પુસ્તકો પૈકી ફક્ત નીચેનાં બેમાં આટલો જ ઉલ્લેખ છે. અને તેટલાની પણ પ્રમાણિકતા અચોક્કસ છે, કેમ કે એણે ભાવનગર રાજ્યના જ એક અહેવાલનો આધાર લીધો છે : કૅપ્ટન બેલનું કથન [‘હિસ્ટરી ઑફ કાઠિયાવાડ’ નામના પુસ્તકમાંથી] પાનું 168 : હવે વખતસિંહજીનું ધ્યાન કુંડલાના મામલા તરફ ખેંચાયું. એ મહાલ આલા ખુમાણ નામના કાઠીના હાથમાં હતો. આલાને છ દીકરા હતા; ભોજ, મૂળુ, હાદો, લૂણો, સૂરો ને વીરો : ઈ. સ. 1784માં આલો ખુમાણ મરી ગયો ત્યારે ગરાસની વહેંચણીમાં છયે ભાઈઓને ટંટો થયો. એમાંના ભોજ ખુમાણને એમ લાગ્યું કે ખાસ કરીને વહેંચણીમાં એને જ નુકસાની ગઈ. તેથી તેણે વખતસંગજીની પાસે જઈને અમુક હક્કો રાખીને પોતાના ભાગનો બધો ગરાસ સોંપી દીધો. સોંપીને એ કુંડલે પાછો આવ્યો. ત્યારે આવું આચરણ કર્યાને કારણે પોતાના બધા ભાઈઓ પોતાને મારી નાખવા તૈયાર દીઠા. ભોજ ખુમાણે મદદ માટે ભાવનગરની પાસે માગણી કરી. અને વખતસિંહજીએ કુંડલા શહેરનો કબજો લેવા અને ભોજ ખુમાણના હિતના રક્ષણ સારુ ફોજ મોકલી. પણ બાકીના પાંચ ભાઈઓ જૂનાગઢ ગયા અને ભોજ ખુમાણે જે લાલચો વખતસિંહ ગોહિલને આપેલી તે જ લાલચો નવાબ હામદખાનને આપી, તેના ભાઈ મૂળુ ખુમાણ સામે સહાય માગી. નવાબે પણ કુંડલા ફોજ મોકલી એને પણ મૂળુ ખુમાણે હાંકી મૂકી. હવે, જૂનાગઢ તો અમરજીના મૃત્યુ પછી અંધાધૂંધીમાં પડ્યું હતું. તેથી નવાબને ફરી વાર હલ્લો કરવાના સંજોગો નહોતા. તેથી ઈ. સ. 1790માં વખતસિંહજીને લાગ્યું કે કુંડલા માથે ફોજ લઈ જઈ ત્યાં પોતાની આણ સ્થાપવાની તક છે. ભોજ સિવાયના બીજા તમામ ભાઈઓએ એનો સામનો કરવાનું નક્કી કર્યું અને બે દિવસની ઉગ્ર લડાઈ પછી કાઠીઓએ રાતને વખતે સામે હલ્લો કર્યો; પરંતુ વખતસિંહજીને આ વાતની જાણ થઈ ગઈ હતી, તેથી તેણે કાઠીઓને પાછા હાંક્યા. ને બીજી બાજુ તેઓને પાછા કુંડલે પહોંચતા અટકાવવા માટે એક સૈન્ય મોકલ્યું, આ યુદ્ધકૌશલના પરિણામે કાઠીઓ નોખનોખી દિશામાં નાસી છૂટ્યા. અને વખતસિંહજી કુંડલામાં દાખલ થયા. થોડા દિવસમાં જ કાઠીઓ મીતિયાળે ભેળા થયા ત્યાં જૂનાગઢની નાની ફોજ પણ તેઓની મદદે પહોંચી. પરંતુ કુંડલા હાથ કરવા માટે આ એકત્રિત સેના પણ પૂરતી નહોતી અને બીજી બાજુ વખતસિંહજીએ કાઠીઓની આનાકાની પારખીને પોતે જ સામાં પગલાં ભર્યાં. મીતિયાળા પર કૂચ કરી, અને ત્યાં પણ કુંડલાની માફક જ ફતેહ મેળવી કુંડલા અને લીલિયા બન્ને કબજે કર્યાં. પાનું 199 : ઈ. સ. 1816માં વખતસિંહજીનું મૃત્યુ થતાં કાઠીઓએ પોતાનો મોટો કાળ ગયો માન્યો. અને 1820માં કુંડલાના ખુમાણ કાઠીઓએ હાદા ખુમાણની સરદારી નીચે બાબરિયાધાર અને બારબટાણા ગામ બાળ્યાં, અને મીતિયાળા તથા નેસડી લૂંટ્યાં. આ સાંભળીને કુંડલા મુકામના ભાવનગરી ફોજના સરદારે અમરેલી તથા લાઠીની ફોજની મદદથી કાઠી પર ચડાઈ કરી. પરંતુ કાઠીઓ છટકીને ગીરનાં આશ્રયસ્થાનોમાં ચાલ્યા ગયા. એમાંથી હાદા ખુમાણનો દીકરો ગેલો ખુમાણ પાછળ રહી ગયો, એણે આંબા ગામમાં આશ્રય લીધો. અને ત્યાં લાઠીની ફોજ સાથે યુદ્ધ થતાં એ ગોળીથી ઠાર થયો. પાનું 199 : દીકરા ગેલાના મૉતની વાત સાંભળી હાદા ખુમાણે કુંડલા તાબાના વંડા ગામ પર હુમલાની ગોઠવણ કરી. 1821માં વંડા ભાંગ્યું, પણ લૂંટનો માલ લઈને ગીર તરફ નાસતાં ડેડાણ પાસે તેઓને કુંડલાવાળી કાળા ભાટની ફોજ આંબી ગઈ. કાઠીઓ હાર્યા. લૂંટનો માલ મૂકીને નાઠા. નાસતાં નાસતાં જોગીદાસ ખુમાણનો દીકરો માણસૂર ખુમાણ ગોળી ખાઈને પડ્યો અને એનો ભાઈ લાખો ઘવાયો. આવી જાતના પરાજયો અને નુકસાનોથી રોષે ભરાયેલા બહારવટિયા ફરી પાછા વધુ ને વધુ હઠીલાઈથી તેમ જ ઝનૂનથી આવીને કુંડલા પ્રદેશમાં લૂંટફાટ કરવા લાગ્યા. એથી દેશમાં એટલી બધી મુસીબતો વધી કે ઈ. સ. 1822માં કૅપ્ટન બાર્નવેલ નામનો પોલિટિકલ એજન્ટ એક સૈન્ય લઈને અમરેલી ગયો. અને વજેસંગજી ગોહિલને તથા બીજા તમામ પાડોશી રાજાઓને મળવા તેડાવ્યા, બહારવટિયાનો નાશ કરવા માટે તેમનો સહકાર માગ્યો અને સુલેહ જાળવવામાં તથા ગુનેગારોને સજા કરવામાં તેઓને પોતે બનતી સહાય આપવા વચન દીધું. આ પરથી વજેસંગજી ઠાકોર આ આક્રમણકારીઓને ઘેરી લેવાની પેરવી કરવા માટે કુંડલા ગયા. ત્યાં એને માલુમ પડ્યું કે ખુમાણોને તો જેતપુર ચીતળના વાળાકાઠીઓ ચડાવે છે અને મદદ કરે છે. એણે આ વાત કૅ. બાર્નવેલને લખી. એણે વાળા સરદારોને બોલાવ્યા. તેઓએ આ વાતનો ઇન્કાર કર્યો. છતાં તેઓના જામીન લેવાયા. આટલું થયું ત્યાં તો ખુમાણોએ ભાવનગરનું જૂનવદર ગામ ભાંગ્યું, અને ઢોર ઉપાડી ગયા. તેઓનો પીછો લેવાયો. જેતપુર કાઠીનાં ઘુઘરાળા અને વાલરડી ગામમાં તેઓ સંતાયા હોવાનું માલૂમ પડ્યું. વજેસંગજીને ખબર પહોંચ્યા, અને એણે કુંડલાથી મોટી ફોજ મોકલી, રાતોરાત 36 માઈલ ચાલીને ફોજ પ્રભાતે ઓચિંતી વાલરડી આવી, અને જોગીદાસના બે દીકરા હરસૂર તથા ગોલણને તેમ જ દીકરી કમરીબાઈને કબજે કર્યાં. પછી તુરત ફોજ ઘુઘરાળે ગઈ, પણ મોડું થઈ ગયું હતું. હાદા ખુમાણ સિવાયના બીજા તમામ ભાગી ગયા. હાદા ખુમાણે તાબે થવા ના પાડી, એથી એને મારી નાખી એનું માથું વજેસંગજીને મોકલી દેવામાં આવ્યું. એણે કૅ. બાર્નવેલને ખબર આપ્યા. જેતપુર કાઠીઓની આ બહારવટામાં સામેલગીરી હોવાની સાબિતીઓનો હવે કાંઈ અભાવ નહોતો. તેઓને તેડાવીને કે. બાર્નવેલે કેદમાં નાખ્યા. પછી એવી શરતે છોડ્યા કે તેઓએ બાકી રહેલા ખુમાણ બહારવટિયાને પકડીને વજેસંગજીને સોંપવા 1824માં ભાવનગર લઈ ગયા. વજેસંગજી સાથે વિષ્ટિ ચાલી, પણ કાંઈ સમાધાની ન થવાથી આ હામીઓ ખુમાણોને લઈ પાછા પોતાને ગામ ગયા. પાનું 201 : વજેસંગજીના મનની આવી ડામાડોળને પરિણામે ફરી વાર વર્ષને અંતે ખુમાણો બહારવટે નીકળ્યા, અને ભાવનગરનું ગામ જેસર ભાંગ્યું. મહુવા ને કુંડલાની સિબંધી આ ખૂનીઓની પાછળ છેક મીતિયાળા સુધી પહોંચી ને ત્યાં ચાંપો ખુમાણ કામ આવ્યો. બાકીના બધા ગીરમાં નાસી ગયા અને ભાવનગરની ફોજને પાછા વળવું પડ્યું. પાનું 205 : જોગીદાસ ખુમાણે હવે ભાવનગર શહેરને જ લૂંટવાનો નિરધાર કર્યો. પાલિતાણા જઈને એણે જૂનાગઢ તથા ભાવનગર રાજના બહારવટિયાઓની ફોજ તૈયાર કરી. તેમાં હાલારિયાના ઓઘડ માત્રો પણ હતા. પાલિતાણા દરબાર કાંધાજીએ માણસો તેમજ સાધનોની મોટી મદદ કરી. પૂરતી ફોજ લઈને જોગીદાસે નાગધણીંબા ગામ પર પડી ગામ બાળ્યું. પણ પછી ભાવનગર લૂંટવાનો ઇરાદો છોડી દઈને પાછો વળ્યો ને માર્ગે આવ્યાં તે બધાં ગામને લૂંટતો તથા મોલાતનો નાશ કરતો ગયો. વજેસંગજીએ કાઠીઓનો રસ્તો રૂંધવા એક ફોજ પાલિતાણે મોકલી, પોતે ચારસો માણસોની ફોજ લઈ લૂંટારાઓની પાછળ ચડ્યા, અને શેત્રુંજી કાંઠે ટીમાણિયા ગામ પાસે આવ્યા. આંહીં એક સામસામું યુદ્ધ મંડાયું, જેમાં કાઠીઓ હાર્યા, પણ પોતાની નિત્યની યુક્તિ મુજબ તેઓ વીખરાઈને બીજી લૂંટની તૈયારીઓ કરવા ગીરમાં ચાલ્યા ગયા. ગીરમાં જોગીદાસ આળસુ બનીને પડ્યો ન રહ્યો. થોડા જ મહિના પછી એ ફોજ લઈને નીકળ્યો અને હળિયાદ ઉપર ચડ્યો. ફરી પાછી સિહોરથી ફોજ મોકલવામાં આવી પણ એ જોગીદાસને ન પકડી શકી. સમઢિયાળા પાસે તો ભાવનગરની ફોજ આંબી ગઈ. છતાં લૂંટનો માલ રોકવા જેટલી પણ એ ફોજ ફાવી નહિ. 1827 : ખુમાણોએ ફરી વાર ભાવનગરના પ્રદેશ પર હુમલા કર્યા. સિહોર લૂંટ્યું. ત્યાં રહેતા થાણાને હરાવ્યું. પણ તે પછી ટાણાથી મોકલાયેલી ફોજને હાથે તેઓએ હાર ખાધી. ટાણાની ફોજે તેઓને પાલિતાણા સુધી તગડ્યા. ઉપરાઉપરી થતા આવા હુમલાઓએ વજેસંગજીને બહુ થકવી દીધા. સાચા જિગરથી એને સુલેહ કરવાની ઇચ્છા થઈ. એટલે એણે કાઠીઓ પાસે કહેણ મોકલાવ્યું કે “જો તમે ભાવનગર આવો તો ફરી વાર સુલેહની વાટાઘાટ કરવા હું તૈયાર છું.” કાઠીઓ કબૂલ થયા. એક વરસ સુધી વાટાઘાટ ચાલ્યા પછી 1829માં કરારો નક્કી થયા. તેમાં કાઠીઓએ નેસડી, જીરા, વીજપડી, ભીમોદરા, મીતિયાળાનો અમુક હિસ્સો, પોતે રાજ્યને નુકસાન કરેલું તેના બદલા તરીકે રાજ્યને આપવાનું કબૂલ કર્યું. આ કરારો મુંબઈ સરકારના પોલિ. એજન્ટ મિ. બ્લેર્નેને મોકલ્યા અને તે મંજૂર થયા. કિનકેઇડનું કથન [‘આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’ નામના પુસ્તકમાંથી] પ્રકરણ 2 : પાનું 15 : કાઠિયાવાડના બહારવટિયાના મેં ત્રણ વિભાગ પાડ્યા છે : એક ગીરાસિયા બહારવટિયા, બીજા વાઘેરો અને ત્રીજા મિયાણા. પહેલા વિભાગમાં ઘણાં જાણીતાં નામો ગણાય છે, કે જેમાં એક નાજા વાળો. (એ નાજા વાળાને એક દુહામાં, વરસાદની ગર્જના સાંભળી પોતાનો કોઈ હરીફ ગર્જતો માની માથાં પછાડી મરનાર સાદુળા સિંહની સાથે સરખાવવામાં આવ્યો છે.) અને બીજો આંબરડીનો જોગો ખુમાણ પણ બોલાય છે. આ જોગો ખુમાણ ખરી રીતે બહારવટિયો નહિ પણ બળવાખોર કાઠીઓની ટોળીનો સરદાર હતો, પરંતુ જોગો ખુમાણ તો મને મારા સંશોધનની અંદર મળેલા એક ઉત્કૃષ્ટ દુહા માંયલો વીર હતો : ધ્રુવ ચળે મેરુ ડગે, મહીપત મેલે માન, જોગો કીં જાતી કરે, ક્ષત્રીવટ ખુમાણ. The Stars may fall from heaven’s dome, + The pride of thrones depart: Yet valour still will make home, in Joga Khuman’s heart.