વેળા વેળાની છાંયડી/૮. સાચાં સપનાં

From Ekatra Wiki
Revision as of 09:17, 31 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાચાં સપનાં|}} {{Poem2Open}} સૂરજ આથમવા ટાણે કપૂરશેઠ મેંગણીને સીમાડે પહોચ્યા ત્યારે પાદરમાં એભલ આહીર પણ પોતાનાં ગાયભેંસનું ખાડું ભેગું કરીને ગામમાં પ્રવેશતો હતો. ⁠શેઠને જોતાં જ એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સાચાં સપનાં

સૂરજ આથમવા ટાણે કપૂરશેઠ મેંગણીને સીમાડે પહોચ્યા ત્યારે પાદરમાં એભલ આહીર પણ પોતાનાં ગાયભેંસનું ખાડું ભેગું કરીને ગામમાં પ્રવેશતો હતો.

⁠શેઠને જોતાં જ એભલે આનંદપૂર્વક પૂછ્યું: ‘કાં કપૂરબાપા, ગામતરે જઈ આવ્યા ને ?’

⁠‘હા, હા.’ શેઠે પણ એટલા જ આનંદભેર ઉત્તર આપ્યો: ‘ગામતરે જઈ આવ્યાં ને એક સારા સમાચાર પણ લેતાં આવ્યાં—’

⁠‘શું સારા સમાચાર છે ?’

⁠‘આપણી ચંપાબેનનું સગપણ કરતાં આવ્યાં,’ શેઠને બદલે અધીરા સંતોકબાએ જ એભલને ઉત્તર આપી દીધો.

⁠‘બવ હારું, બવ હારું, મા !’ ભોળા આહીરે હરખ કર્યો. ‘હવે ઝટ ઝટ લગન કરો એટલે અમ જેવાનાં મોઢાં ગળ્યાં થાય—’

⁠‘અટાણે તો અમારે દોઢ શેર દૂધ જોઈશે’ સંતોકબાએ સામેથી કહ્યું, ‘હીરબાઈને કહે કે ઝટ ઢોર દોહી લિયે.’

⁠‘આ અબ ઘડીએ ઢોરાં દોવાઈ ગ્યાં હમજો ની !’ એભલે ઝાંપામાં દાખલ થઈને પોતાના વાડા તરફ વળતાં કહ્યું. કપૂરશેઠે વરસોથી આહીરને ઘેર દૂધનું લગડું બાંધી રાખેલું અને પરિણામે બંને ઘર વચ્ચે સારો નાતો બંધાઈ ગયેલો.

⁠ડેલીએ પહોંચતા જ સંતોકબાએ ચંપાને હુકમ કર્યો:

⁠‘જા, ઝટ હીરબાઈને વાડેથી દુધનો કળશો ભરી આવ્ય. અટાણે તાજેતાજું દોવાતું હશે. દૂધનું ગળું ને છાશનું તળું. ગામ આખું ઉલેચી જાય પછી એ દૂધમાં સ્વાદ ન રહે.’

⁠ચંપાએ ઝટપટ પાણિયારાની કાંધી પરથી દોઢશેરિયો કળશો ઉતારીને માથે રાખવાળો હાથ ફેરવી લીધો. પછી એ ઝગમગતા વાસણમાં પોતાના ઝગમગતા મુખારવિંદનું પ્રતિબિંબ નિહાળતી નિહાળતી એ એભલ આહીરના વાડા તરફ જવા નીકળી.

⁠એભલ આહીરના વાડાના વિશાળ ફળિયામાં હીરબાઈ ભેંસ દોહી રહ્યાં હતાં. ભગરીનાં આઉમાંથી તાંબડીમાં છમછમ દૂધની શેડ પડતી હતી. પાતળી સોટા જેવી સુડોળ આહીરાણીની ગૌરવરણી ખુલ્લી પીઠ પરનો બરડો, હરિયાળા ખેતર વચ્ચેથી વહેતા ધોરિયાની જેમ શોભી રહ્યો હતો. એ પીઠ પર અત્યારે એભલનો નાનકડો છોકરો બીજલ પલાણ કરતો હતો ને ‘મા, મને ભૂખ લાગી… રોટલો દે, નીકર ભગરીને ભડકાવી મેલીશ,’ એવી ધમકીઓ દઈ દઈને માતાને પ્રેમાળ રીતે પજવી રહ્યો હતો.

⁠હીરબાઈ આ અણસમજુ છોકરાને ફોસલાવી-પટાવી રહી હતી: ‘અબઘડી ચાર શેડ પાડીને તને રોટલો દઈશ. હો ગગા ! ભલો થઈને ભગરીને ભડકાવજે મા, નીકર અબઘડીએ ઓલી ચંપીબેને દૂધ લેવા આવી ઊભશે તો દૂધને સાટે શું દઈશ, મારાં કાળજા ?’

⁠‘કાળજાં નહીં, મારે તો દૂધ જોઈએ, દૂધ !’ વાડામાં પ્રવેશતાં જ ચંપાએ મીઠો ટહુકો કર્યો.

⁠ચંપાને જોઈને બીજલ માની પીઠ પરથી ઊતરી ગયો. ચંપાને આવકાર આપ્યો:

⁠‘આવો, બેનબા, આવો ! આજ તો કાંઈ બવ મલકાતાં મલકાતા આવો છો ને ! હરખ તો જાણે કે હૈયે માતો નથી ! આટલો બધો શેનો હરખ છે, મને વાત તો કર !

⁠‘એભલકાકાએ તમને સંધાય સમાચાર દઈ દીધા લાગે છે !’ ચંપાએ કહ્યું,

⁠‘મને કોઈએ કાંઈ સમાચાર નથી દીધા.’ હીરબાઈએ અજાણ હોવાનો ડોળ કર્યો.

⁠‘તમને સંધીય ખબર પડી ગઈ લાગે છે !’

⁠‘તારા વિના મને કોણ વાવડ આપે ?’ હીરબાઈએ દૂધની તાંબડી લઈને ખાટલા ઉપર બેસી જતાં કહ્યું.

⁠‘હીરીકાકી, હવે મને ઝટ દૂધ ભરી દિયો, નીકર વાળુમાં અસૂરું થાશે.’ હીરબાઈની ગોદમાં લાડપૂર્વક બેસી જતાં ચંપાએ કહ્યું.

⁠‘ભલે અસૂર થાય, મને સરખીથી વાત નહીં કરે ત્યાં લગણ હું દૂધ નહીં આપું.’

⁠હીરબાઈની વત્સલ ગોદમાં ચંપા વહાલસોયી માતાની હૂંફ માણી રહી. આહીરાણી પણ આ યુવતી કેમ જાણે પોતાનું પેટજણ્યું સંતાન હોય એવી મમતાથી ચંપાની પાંગરતી દેહલતા પર પ્રેમાળ હાથ ફેરવી રહી.

⁠સગપણના સમાચાર તો આહીરાણીએ પતિને મોઢેથી સાંભળ્યા જ હતા, છતાં એ અજબ રસપૂર્વક ચંપાને મોઢેથી સવિસ્તર અહેવાલ સાભળી રહી. ચંપાએ પણ મોકળે મને પોતાના મનોભાવ વ્યક્ત કર્યા. દૂધનો કળશો જાણે કે વિસરાઈ ગયો અને બંને સ્ત્રીહૃદયો સ્વાભાવિક રીતે જ સમયનું ભાન ભૂલી ગયાં…

⁠‘મોટીબેન, કેટલી વાર ? વાડામાં જસી આવી ઊભી અને ભાવી જીવનના સપનાં સંભળાવી રહેલી ચંપાને જાગ્રત કરી: ‘બા તો વાટ જોઈને થાકી ગયાં !’

⁠‘આય હાય ! મને હીરીકાકીએ વાત કરવા બેસાડી રાખી ને હું તો ભૂલી જ ગઈ !’ કહીને ચંપા ખાટલા પરથી ઊઠી.

⁠હીરબાઈએ દૂધ ભરી આપીને ચંપાને વિદાય આપી: ‘ઠીક લ્યો જાવ, અટાણે તો અસૂરું થયું, પણ પછે નિરાંતે પેટ ભરીને વાતું કરશું —’

⁠ચંપાએ ઘરના ઉંબરામાં પગ મેલ્યો કે તુરત સંતોકબાની જીભ ઊપડી:

⁠‘તારે હવે ટાણેકટાણે બવ બહાર જવાનું નહીં, સમજી ? હવે તું નાનકડી નથી, કાલ સવારે સાસરે જઈશ —’

⁠જનેતાની જીભમાંથી પહેલી જ વાર આવાં આકરાં વેણ છૂટ્યાં હતાં. આકરી જબાનથી અપરિચિત ચંપાને આ વેણ તીખાં પણ લાગ્યાં ને મીઠાં પણ લાગ્યાં. તીખાં એટલા માટે કે એ મુગ્ધાને આવા મેણાંટોણા સાંભળવાનો મહાવરો નહોતો. મીઠાં એટલા માટે કે એમાં કાલ સવારે સાસરિયે જવાનો મનગમતો ઉલ્લેખ હતો. ધીમે ધીમે આ ઉપાલંભમાં રહેલી તીખાશ ભુલાઈ ગઈ અને નરી મીઠાશ એના મનને ભરી રહી.

⁠‘કાલ સવારે !’

⁠શબ્દો તો ટૂંક સમયના ભાવર્થમાં વપ૨ાયા હતા, પણ વાઘણિયેથી ચંપા સપનાનો જે સોમ૨સ પી આવી હતી એના કેફમાં એણે આ શબ્દોને વાચ્યાર્થમાં જ ઘટાવ્યા: કાલ સવારે ! બસ, કાલ સવારે જ સાજનને ઘેર જવાનું છે ! વાસ્તવમાં તો, લગ્ન થવાને હજી એકાદ વરસ સહેજે વીતી જાય એમ હતું, પણ પતિમિલનની ઉત્સુકતાની આસવ વડે ચકચૂર થઈ ગયેલી ચંપાને મન તો એ વ૨સદિવસની મુદત એક પ્રલંબ વિરહરાત્રિ જ હતી.

⁠વાળુપાણી પતાવતાં આજે ઠીક ઠીક મોડું થઈ ગયું. અને એ પછી પણ કપૂરશેઠ અને સંતોકબા મોડે સુધી ઓસરીમાં જાગતાં બેઠાં. કપૂરશેઠ પોતાના રોજના નિયમ મુજબ ઓસરીને હીંચકે તકિયો નાખીને હીંચકતા બેઠા હતા. સંતોકબા પોતાના નિયતસ્થાને ઓસરીની થાંભલીને અઢેલીને પગ લાંબા કરીને બેઠાં હતાં. ઘરકામ તો બધું છોકરીઓ ઉપ૨ જ નાખેલું હોવાથી સાંજ પડતાં જ સંતોકબાના સ્થૂળ પગ થાકીને લોથપોથ થઈ જતા તેથી સૂતાં પહેલાં બંને પુત્રી પાસે એકેક પગ સારા પ્રમાણમાં દબાવડાવે તો જ એમને ઊંઘ આવી શકતી. અત્યારે પણ નિયમ મુજબ બંને પુત્રીઓ માતાના એકેક પગની માવજત કરી રહી હતી. ચંપા જમણો પગ દાબે ને જસી ડાબો પગ દાબે એવો એક અણલખ્યો નિયમ જ થઈ ગયો હતો. અને તેથી જ પુત્રવિહોણાં સંતોકબા બંને પુત્રીઓને ડાબી-જમણી આંખ ગણીને સંતોષ અનુભવતાં હતાં.

⁠હીંચકા ૫૨ કપૂરશેઠ સોપારી વાંતરતાં વાંતરતાં ભવિષ્યના લગ્નપ્રસંગની તૈયારીઓની આછી રૂપરેખા આંકતા હતા. સંતોકબા એમાં હા-હોંકારો ભર્યે જતાં હતાં.

⁠‘હવે કાલ સવારે ચંપા તો સાસરે જશે. પછી તમારો જમણો પગ કોણ દાબશે ?’ પતિએ મજાકમાં પૂછ્યું.

⁠સાંભળીને સંતોકબા જરા વિચારમાં પડી ગયાં. તેઓ હજી કશો ઉત્તર આપે એ પહેલાં તો જસીએ વચ્ચે જણાવી દીધું:

⁠‘હું દાબીશ. જમણો ને ડાબો બેય હું દાબીશ.’

⁠સંતોકબાએ નિસાસો મૂકીને કહ્યું:

⁠‘તું પણ પારકી થાપણ, તારા ઓરતા પણ હવે કેટલા દી ?’

⁠‘મારો વિચાર તો વાઘણિયામાં ચંપા ભેગું જસીનું પણ પતાવી જ નાખવાનો હતો.’ કપૂરશેઠ બોલ્યા. દકુભાઈના છોકરા બાલુ સારુ થઈને મકનજી મુનીમ મને બહુ દબાણ કરતો હતો.’

⁠‘કોને સારુ ?’ જસીના કાન ચમક્યા.

⁠‘ઓતમચંદ વેવાઈના સાળા દકુભાઈ હતા ને, એનો છોકરો — બાલુ—'

⁠સાંભળીને જસી મીઠી લજ્જામાં આંખો ઢાળી ગઈ અને પછેડાનો એક છેડો લઈને ચાવવા લાગી.

⁠પતિએ પત્નીને પૂછ્યું: ‘બાલુ કેવોક પાણીદાર લાગ્યો તમને ?’

⁠જસીએ વધુ લજ્જા અનુભવતાં નખ વડે જમીન ખોત૨વા માંડી.

⁠બાલુના ‘પાણી’નો તાગ લઈને સંતોકબા હજી તો કશો ઉત્તર આપેએ પહેલાં કોણ જાણે કેમ, ચંપાએ તિરસ્કારમાં પોતાનો ઓઠ મરડ્યો. ચંપાના એ આંગિક અભિનયનો, વાચિક અભિનયમાં આ પ્રમાણે અનુવાદ થઈ શકે: ‘જોયો હવે બાલુ ! એમાં તે વળી પાણી કયે દહાડે બળ્યું હતું !’

⁠મોટીબહેનનો આ અભિનય જોઈને જસી છેડાઈ પડી. એણે ઉગ્ર અવાજે પૂછ્યું: ‘કેમ હોઠ મરડવો પડ્યો, ભલા ?’

⁠આ પ્રશ્ન જ એવો હતો, જેનો ઉત્તર આપવા માટે ચંપાએ ફરી વાર એ જ ઓષ્ઠાભિનયનો આશરો લેવો પડે. સારું થયું એ પહેલાં સંતોકબાએ જ અભિનયનું વિવેચન કરી નાખ્યું:

⁠‘બાલુ તો સાવ બાઈમાલી જેવો લાગે છે. એનામાં રતિ ક્યાં છે ?”

⁠‘બોલો મા, બા, એવું બોલો મા,’ ચંપાએ સંતોકબાને અટકાવ્યાં. ‘જસીને તો બાલુ બહુ જ ગમી ગયો છે—જાણે રાજાનો કુંવર ! કેમ જસી ?’

⁠જસી ત્રીજી વાર લજ્જા અનુભવીને આંખો ઢાળવા જતી હતી. ત્યાં તો સંતાકબાએ તોડીફોડીને કહી જ દીધું:

⁠‘અરે ધૂળ રાજાનો કુંવ૨ ! મોઢા ઉપરથી માખ ઉડાડવાની તો સૂધ નથી. દિવસ આખો નાયકાની જેમ પટિયાં પાડીને ફર્યા કરે ને રાગડા તાણ્યા કરે એમાં શું વળ્યું ? દોકડાભાર રતિ તો એમાં દેખાણી નહીં.’

⁠‘મને પણ છોકરો સાવ મવાલી જેવો લાગ્યો,’ પતિએ સમર્થન કર્યું. ‘ક્યાં નરોત્તમ ને ક્યાં બાલુ… હાથીઘોડાનો ફેર… જેનામાં પાણી હોય એ કાંઈ અછતું રહે ?’

⁠જસીને બગાસું નહોતું આવતું છતાં એણે મોટે અવાજે કૃત્રિમ બગાસું ખાધું અને બોલી ઊઠી: ‘મને તો ઊંઘ આવે છે, સૂઈ જાઉં, જલદી.’

⁠કોઈ ત૨ફથી હજી બેસવાનો આગ્રહ થાય એ પહેલાં તો જસી ઊભી થઈને ચાલી પણ ગઈ.

⁠ચંપાએ કહ્યું: ‘બા, તમે બાલુની ઠેકડી કરી એ જસીને ન ગમ્યું.’

⁠‘જસીને વળી ગમવા-ન ગમવાનું શું હોય ? એને શું ખબર પડે કે સોનું શું કહેવાય ને કથીર કોને કહેવાય ? હજી એ છોકરીની ઉંમર શું ને વાત શું ?’ કપૂરશેઠે બાલુની સાથે જસીની શક્તિઓ ઉપર પણ વિવેચન કરી નાખ્યું. પછી પત્નીની જાણ માટે ઉમેર્યું:

⁠‘મકનજી મુનીમ તો મને વળગી જ પડ્યો કે બાલુ વેરે જસીનો ગોળ ખાઈને જ જાવ, પણ હું શું મૂરખ છું કે આવી રતન જેવી છોકરીને બાલુ જેવા વરણાગિયા વેરે વરાવી દઉં ?’

⁠‘તમે મુનીમને શું જવાબ આપ્યો ?’ સંતોકબાએ પૂછ્યું.

⁠‘એમ મોઢામોઢ ચોખ્ખી ના કહીએ તો તો એને માઠું લાગે ને !’ મેં કીધું કે, ‘બહુ ઉતાવળ કરવી ઠીક નહીં… મેંગણી જઈને વિચાર કરશે ને પછી તમને કાગળ લખશું… જાય ભેંસ પાણીમાં !’ કહીને શેઠ ખડખડાટ હસી પડ્યા.

⁠ચંપા બોલી: ‘બાપુજી, બહુ સારું કર્યું. બાલુમાં એકેય લક્ષણ સારું નથી.’

⁠‘ને પાછી દકુભાઈની વહુ પણ, કહે છે કે, બહુ કજિયાળી છે.’ સંતોકબાએ ઉમેર્યું. ‘આવી કંકાસણી ને વઢકણી સાસુ જડે તો તો મારી જસીને કાયમની કઠણાઈ થઈ પડે ને !’

⁠‘જસી સારુ પણ બરોબર નરોત્તમ જેવો છોકરો ગોતી કાઢશું.’ કપૂરશેઠે કહ્યું.

⁠‘મારી જસીને હજુ કાંઈ ઉતાવળ નથી,’ સંતોકબા બોલ્યાં અને પછી એમને એકાએક યાદ આવ્યું તેથી સૂચન કર્યું: ‘ચંપાને વરાવી એના સમાચાર એના મામાને લખવા પડશે ને ?’

⁠‘લખાશે હવે. ઉતાવળ શું છે ?’ પતિએ કહ્યું.

⁠‘ના, એમ, “લખાશે” કહો એ ન ચાલે. મારો મનસુખભાઈ તો પહેલો. સમાચાર મોડા લખીએ તો એને માઠું લાગી જાતાં વાર ન લાગે. ગઈ દિવાળીએ હું રાજકોટ ગઈ’તી ત્યારે એણે તો ચોખ્ખું કીધું હતું કે મને પૂછ્યા વિના ચંપાનું વેશવાળ જ ન કરશો.’

⁠‘એમ ?’

⁠‘હા, એ તો કહે છે કે ચંપા તો મોટા લખપતિને આંગણે શોભે એવી દીકરી છે. એને જેવેતેવે ઠેકાણે નાખી ન દેશો.’

⁠પણ આપણે ક્યાં મોળું ઠેકાણું ગોત્યું છે ?’

⁠‘પણ ચંપાના મામાને પૂછી-કારવીને પછી ગોળ ખાધો હોત તો ઠીક થાત,’ સંતોકબાએ એકાએક ગંભીર અવાજે કહ્યું.

⁠‘હવે ન પૂછ્યું તો એમાં શું ખાટુંમોળું થઈ જાવાનું હતું ?

⁠‘ખાટુંમોળું તો નહીં, પણ મારા ભાઈનો સ્વભાવ તમે જાણતા નથી ? ધૂળ જેવી વાતમાં એને માઠું લાગી જતાં વાર ન લાગે.’ સંતોકબા બોલ્યાં. ‘આ તો લગન જેવી મોટી વાત, એમાં મોસાળિયાંને મોટાઈ આપી હોય તો સારું લાગે; બીજું શું ?’

⁠‘ઠીક લ્યો, હવે કાલ સવારમાં જ હું મનસુખભાઈને મજાનો કાગળ લખી નાખીશ. આપણે ક્યાં મોળું ઠેકાણું ગોત્યું છે તે એને માઠું લાગે ?’

⁠ચંપાનું ચિત્ત આવી વહેવારડાહી વાતોમાં નહોતું. વસંતના વાયરાથી પુલકિત બનેલી એની મનોસૃષ્ટિમાં તો એક નવી જ દુનિયા વસી ગઈ હતી. એ નૂતન સૃષ્ટિમાં રમમાણ ચિત્ત લઈને એ મોડે મોડે મેડી ૫૨ સૂવા ગઈ.

⁠પથારીમાં પડી, પણ આંખમાં ઊંઘ જ ક્યાં છે ! એનાં પોપચાં ૫૨ નવજાત પ્રણયનો જે પરિમલ પથરાયો હતો એ બંને પાંપણને ભેગી થવા દે એમ ક્યાં હતો ?

⁠અત્યારે પણ આ પ્રણયમુગ્ધા સૂતી તો હતી. મેંગણી ગામની મેડીમાં, પણ એનું મનપંખી તો કલ્પનાની પાંખે ઊડતું ઊડતું એક સુમધુર સ્વપ્નભોમમાં પહોંચી ગયું હતું… પોતે નરોત્તમને વ૨માળા પહેરાવતી હતી… આજુબાજુ સુવાસણો મંગળ ગીતો ગાતી હતી… વ૨ઘોડિયાં વાજતેગાજતે વાઘણિયાના પાદરમાં પહોંચ્યાં હતાં… સૂરીલી શરણાઈ વડે સામૈયાં થતાં હતાં… ‘હરિનિવાસ’ની મેડીને આંગણે વરકન્યા પોંખાતાં હતાં… ચંપા પોતાની વત્સલ જેઠાણી લાડકોરને પગે પડતી હતી… જીવતાં રહો… સો વરસનાં થાવ… આડીવાડી વધારો…’ એવાં આશીર્વચનો વડીલો તરફથી ઉચ્ચારાતાં હતાં… મોડી રાતે નવવધૂ મેડી પરના શયનગૃહમાં ગઈ…

⁠અર્ધ-સુષુપ્ત અવસ્થામાં સ્વપ્નના સોમરસ વડે મત્ત બનેલી ચંપાને સ્વપ્નભંગ કરાવતું ડૂસકું સંભળાયું. એ ઝબકીને જાગી ઊઠી. જોયું તો નજીકમાં સૂતેલી જસી હીબકાં ભરતી હતી.