સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/ચારણની ખોળાધરી

From Ekatra Wiki
Revision as of 09:18, 4 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચારણની ખોળાધરી|}} {{Poem2Open}} વિક્રમ સંવત 1630ના વર્ષમાં, એક દિવસે, નવાનગરના જામ સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયો બનીને આમતેમ દોડતો હતો. દરબારગઢના દરેક માણસને, પશુને અને પથ્થરને જઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચારણની ખોળાધરી


વિક્રમ સંવત 1630ના વર્ષમાં, એક દિવસે, નવાનગરના જામ સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયો બનીને આમતેમ દોડતો હતો. દરબારગઢના દરેક માણસને, પશુને અને પથ્થરને જઈ પૂછતો હતો : “મારો રાણો ક્યાં?” “મારો રાણો ક્યાં, મારો રામદેવજી ક્યાં? રાણાને પાછો લાવો!” એવી એવી એ ચારણની કળકળતી બૂમોથી દરબારગઢના પથ્થરો ધણધણી ઊઠ્યા, ને આખો ગઢ કોઈ ઉજ્જડ ભૂતખાનાની માફક સામો પડઘો પાડીને પૂછવા લાગ્યો : ‘રાણો ક્યાં?’ માણસો એકબીજાને પૂછવા લાગ્યા : “રાણો ક્યાં?” કોઈએ ચારણને કહ્યું : “રાણાની મામીઓ એને મળવા ઝંખતી હતી, તે રાણો ગઢમાં ગયા છે.” ફડકે શ્વાસ લેતો ચારણ થોડી વાર વાટ જોઈને બેઠો. પણ રાણો મામીઓના ખોળામાંથી પાછો વળ્યો જ નહિ. રાણીઓના માઢમાંથી નીકળનારા એકેક માણસનું મોં કાળું શાહી જેવું થઈ ગયેલું દેખાતું હતું. ચારણ પૂછતો હતો : “રાણો ક્યાં?” માણસો અબોલ બનીને ચાલ્યા જતા હતા. દરબારગઢના ઝરૂખા સામે ઊભા રહીને ચારણ ચીસ પાડી ઊઠ્યો : “રાણા! બાપ રાણા! નીચે ઊતર. તારી માને મેં ખોળાધરી આપી છે. મારા રાણાને લાવો! રાણાને પાછો લાવો!” ચારણ બાવરો બન્યો. ઝરૂખાની ભીંત સાથે માથું પછાડવા લાગ્યો. પણ રાણાએ જવાબ દીધો નહિ, “લે, આ તારો રાણો!” એવો એક અવાજ આવ્યો. અને તે સાથે જ ઝરૂખામાંથી ધબ દઈને એક ગાંસડી ધરતી ઉપર પડી. એ લોહીતરબોળ ગાંસડીને ચારણે છોડી. અંદર જુએ તો રાણા રામદેવજીના કટકા! હાથ નોખા, પગ નોખા, ધડ નોખું અને જાણે મામીઓનાં મીઠડાં લેવરાવવા હસીને હમણાં જ નમ્યું હોય તેવું તાજું કાપેલું માથું પણ નોખું. “બસ, મારા બાપ! ક્યાંય રેઢો નહોતો મેલતો! અને આજ જંગલ ગયો તેટલી વાર રહી ન શક્યો? મામીનાં તેડાં બહુ મીઠાં લાગ્યાં? ઓય મારી અણમોલી થાપણ! પોરબંદરની રાણીને હવે હું શો જવાબ આપીશ?” ચારણ ખૂબ રોયો. દરબારગઢ આખો જાણે એની સાથે સાદ પુરાવવા લાગ્યો. આ ચારણનું નામ કાંવીદાસ લાંગો. જામ સતાજીનો એ દસોંદી. પોરબંદરના રાજા જેઠવાનો પુત્ર રામદેવજી, સતાજીનો સગો ભાણેજ હતો. સતાજીને નગરનું રાજ વિસ્તારવું હતું. નાના ભાણેજને એટલા ખાતર ટૂંકો કરવો હતો. ઘણી ઘણી વાર તેડાવે પણ ભાણેજ આવે નહિ, કેમ કે બહેનને ભાઈની મતલબના પડઘા આવી ગયા હતા. આખરે કાંવીદાસને જામે કહ્યું : “આપણે આંગણે લગન છે. ભાણેજ ન આવે તો દુનિયા શું કહેશે? ગઢવી, જાઓ, તમારી ખોળાધરી દઈને બહેનના ભાણિયાને તેડી આવો.” ચારણની ખોળાધરી એટલે વિધાતાનો લેખ : પોરબંદરની રાણીએ છોકરાને મીઠડાં લઈને ભાઈને ઘેર લગ્ન ઉપર વળાવ્યો. મામાએ લગ્નમાં ભાણેજને લોહીથી નવડાવ્યો. ચારણ ઘેર ગયો. એકનો એક દીકરો જમલદાસ હતો તેને કહ્યું : “બાપ! આપણા ધણીને આજ ભાણેજનાં લોહીની તરસ લાગી છે. વિશ્વાસઘાતથી ધ્રૂજી ઊઠેલી નગરની ધરતી ધા નાખી રહી છે. આપણા ઘરનાં નાના-મોટાં અઢાર માણસો છે. આવો, આપણે જામને લોહીથી ધરવી દઈએ.” કાંવીદાસ લાંગાના એક દીકરાએ છાતીમાં કટાર ખાધી. રુધિરનો ધોરિયો છૂટ્યો, એમાંથી ખોબા ભરીને કાંવીદાસે નગરના દરબારગઢ ઉપર છાંટ્યા. ચારણ્યોએ સ્વહસ્તે પોતાના થાનેલા કાપીકાપીને ‘લેજો રાણાજી!’ કહી નગરના ગઢની ભીંતો પર ફેંક્યા. વળી દૂધિયા દાંતવાળાં બાળકોનાં નાનકડાં માથાં શ્રીફળ વધેરે તેમ દરબારગઢની ભીંતે વધેરી વધેરી શેષ મૂકી. પછી ગાડું જોડ્યું, એમાં કપાસિયા ભર્યા, ઉપર ઘી રેડ્યું, એની ઉપર તેલમાં તરબોળ કરેલાં લૂગડાં પહેરી, પોતાનાં બાકીનાં પાંચ માણસો સાથે કાંવીદાસ બેઠો. હાથમાં માળા લઈને ‘હર! હર! હર!’ની ધૂન સાધી. કોળીનો એક છોકરો ગાડું હાંકતો હતો, તેને ચારણે કહ્યું : “બાપ! ગાડાને આગ લગાડીને તું બા’રો નીકળી જા.” કોળી બોલ્યો : “બાપુ! તમે માનો છો કે હું અગ્નિની ઝાળ દેખીને આખરને વખતે ભાગીશ ને તમારા ત્રાડાને ભોંઠામણ આપીશ? એમ બીક હોય તો જુઓ, નજર કરો મારા પગ ઉપર.” ચારણ જુએ છે. તો કોળીએ લોઢાની નાગફણી ઠોકીને પોતાના પગ ગાડાની ઊંધ સાથે જડી લીધેલા! ગાડું દરબારમાં ચાલ્યું. કપાસિયા સળગ્યા, ગાડાને આગ લાગી. ચારણ-પરિવારનાં લૂગડાં સળગ્યાં. કાયા ચડ ચડ બળવા લાગી. દેવતા હાડકાંમાં દાખલ થયો ત્યાં તો ફડ ફડ ફટાકિયા ફૂટવા લાગ્યા. છતાં એ પાંચ માણસોની જીવતી ચિતામાંથી કેવો સ્વર છે? ‘હર! હર! હર!’ પાંચેય માનવી જ્યાં બેઠાં હતાં ત્યાં થંભી ગયાં, અને છેવટે અગ્નિએ હાથ પાડી નાખ્યા ત્યારે જ હાથમાંથી માળા નીચે પડી. કોળીનો છોકરો ઊંધ ઉપર જ સળગી ગયો. સતાજી જામના દરબારગઢે તે દિવસે અઢાર દેવી-બાળકોના ભક્ષ લીધા.[1]

ભાણેજને પતાવીને સતાજીએ રાણાની ધરતી ધબેડવા માંડી. અરબી સમુદ્ર ને બરડા પર્વત વચ્ચે આવેલો ભાણેજનો તમામ મુલક મામો ગળી ગયો ને બોખીરાની ખાડીને તેણે પોતાની રાજ્યસીમા બનાવી. મરનાર રાણાનો પુત્ર રાણો ભાણજી બરડો છોડીને પોતાની રાણી કલાંબાઈ અને નાનકડા કુંવરને લઈને ભાગવા મંડ્યો. જંગલોમાં સંતાયો, ને આખરે એનો દેહ છૂટી ગયો. નિરાધાર રાણી કલાંબાઈને અને કુંવર ખીમજીને ઊંચે આભ ને નીચે ધરતી વિના બીજું કોઈ શરણ દેનાર ન રહ્યું. ધરતીમાંથી પણ ડગલે ડગલે જાણે જામના પગના ધબકારા સંભળાતા હતા. ત્યાં તો મેરોમાં હાક બોલી : “હાં! માટી થાઓ! આપણી રાજમાતા રઝળી પડી; આપણા બાળરાજાની હત્યા થશે. ત્રણસો મેરોએ જામના સીંકારા ગામ પાસેથી રાજમાતાને અને બાળરાજાને હાથ કર્યો. ઓડદરમાં લાવીને ઓરડા કાઢી આપ્યા. મેરોએ કહ્યું : “મા, મન હેઠું મેલીને રે’જે. આંહીં તારા દીકરાનો વાળ પણ કોઈ વાંકો નહિ કરે.” એક દિવસ ઓડદરને કાંઠે એક ભાંગલું વહાણ ઘસડાઈ આવ્યું. વહાણમાં ઈંટો ભરી હતી. મેરોએ રાણીમાને એ ઇંટોનું એક પાણિયારું કરાવી દીધું. એક દિવસ કલાંબાઈએ જોયું તો એક ઈંટનો ખૂણો ટોચાયેલો દેખાણો અને એમાંથી પીળું પીળું સોના જેવું કંઈક ચકચક કરતું હતું. રાણીએ તપાસ્યું, તો ઉપરના પડની નીચે આખેઆખી ઈંટ હેમની હતી. બધી ઈંટોમાં એ જ ભેદ જડ્યો. ધણીની ધરતી હાથ કરવા માટે સ્વપ્નમાંયે ઝંખતી રાણીને હૈયે હવે હિંમત આવી. એક દિવસ રાણીએ પૂછ્યું : “આ રબારીઓ ભેંસોને રાતમાં ક્યાં લઈ જાય છે?” મેરોએ જવાબ દીધો : “માડી, પહર ચારવા.” “પહર એટલે?” “એટલે અધરાતથી સવારોસવાર લગી ભેંસોને લીલાં ઘાસ ચારીને ધરવ કરાવે. સવારે ભેંસો દોણાં ભરીને દૂધ આપે.” “ત્યારે હું મેરોને અને રબારીઓને પહર ચારું તો?” “તો તને તારું રાજ કરી દિયે!” હેમની ઈંટો વેચી વેચી કલાંબાઈએ મેરોને અને રબારીઓને મીઠાઈ ખવરાવવા માંડી. ખવરાવવા-પિવરાવવામાં કાંઈ ખામી ન રાખી. છ મહિના થયા ત્યાં તો મેરોએ અને રબારીઓએ હાથીનાં કુંભસ્થળ જેવાં કાંધ કાઢ્યાં, લોઢાની ભોગળ જેવા બધાના હાથ બન્યા. શરીરનું જોર ફાટફાટ થવા લાગ્યું. ત્યાર પછી મેર રબારીઓએ કહ્યું : “માડી, હવે હુકમ કર, હવે નથી રહેવાતું.” રાણીનો હુકમ થયો. મેરોની ફોજ ચડી. જામ સતાજીનો ભાઈ ખેંગારજી બાર ગામ લઈને નગરથી ઊતરેલો, તેના મુખ્ય ગામ રાવળ ઉપર તૂટી પડ્યા, કેમ કે રામદેવજીને મરાવી નાખનાર ખેંગારજી જ હતો. મેરોએ ગઢ ભેળી લીધો, પણ ખેંગારજી કોઠા ઉપરથી નીચે ઊતરતો નહોતો. ત્યારે ચારણે કહ્યું : “આજ ખેંગારજી કોઠામાં ન હોય, કોઠો ખેંગારજીમાં હોય.” ખેંગારજી ઊતર્યો ને મરાયો. એનું માથું કાપીને મેરો કલાંબાઈ પાસે લાવ્યા. રાવળ ગામ લૂંટીને ખેંગારજીનાં નગારાં લઈ ગયા. આજ પણ રાણાને ઘેર ‘ખેંગાર-નગારાં’ પડ્યાં છે. ત્યાર પછી મેરોએ બરડામાંથી જામની ફોજ તગડવા માંડી. બોખીરામાં જામનો દાણી રહેતો હતો તેને ઉઠાડ્યો. જામની સેના સામે લડતાં 2450 મેર મૂઆ. કેસવાળિયા, મોઢવાડિયા, રાજસખા અને ઓડદરા, એમ ચાર વંશના મેરો સામેલ હતા. કેસવાળા મેરને માટે કહેવાય છે કે


કે’દી કેસવાળા તણો, નર નરસો ન થાય,
પડકાર્યો પડમાંય, કુંજર ઢાળે કેસવો.
કેસવાળા કેસવ તણો, પોરસ અંગ પોતે,
દજડે ભલ દાખ્યે, કુંજર ઢાળે કેસવો.

આખો મુલક હાથ કરીને મેરોએ કલાંબાઈને કહ્યું : “લે મા, તારું રાજ સંભાળી લે.” રાણીએ કહ્યું : “મારા વીરાઓ! જાઓ, આજ એક રાતમાં તમે જેટલાં ગામને તોરણ બાંધો તેટલાં ગામ તમારાં.” રબારી તો એવા રાજી રાજી થઈ ગયા કે રાત બધી સૂઈ રહ્યા! અને મેરોએ ચાળીસ ગામનાં તોરણ બાંધ્યાં. રબારીઓ ભળકડે ઊઠ્યા, અને માત્ર કાળીખડું અને રાંધાવું, એ બે ગામને જ તેઓ પહોંચી શક્યા.

આ વાર્તાના સંબંધમાં લોકો ગાય છે કે


ખીમજી શું ન ખાટિયે નાગર!
જેઠવો જોરાબોળ,
બરડે બેઠા બિલનાથ બંકા
દીએ નગારે ઠોર.
દીએ નગારે ઠોર ઠણેણે, ને સોળસેં બાંધી તેજણ હણેણે,
સાત સાયર ને સૂસવે સાગર, ખીમજી શું ન ખાટિયે નાગર!


વર વડાળું ને રાવળું4 કન્યા,
વિગતે વિવા થાય,
પ્રથમ કંકોતરી કુતિયાણે મોકલી,
જૂનેગઢ ખબરું જાય.
જૂનેગઢ ખબરું ૰જાય તે ૰જાશે, અમરજી દીવાન ભેળા થાશે,
તમે આવ્યે આંહીં ભાગશે ભન્યા, વર વડાળું ને રાવળું કન્યા.


રૂડી રધ રાવળે મંડાણી,
ચૂનેરી ગઢ ચણાય,
જામ વિભોજી ગોખમાં બેઠા,
જેઠવી ફોજું જાય.
જેઠવી ફોજું જાય તે જાણી, બોખીરે બેઠા જામના દાણી,
પાણો કાંકરો ૰લીધો ૰તાણી ૰રૂડી ૰રધ ૰રાવળે મંડાણી.

  1. એ કાવીદાસ લાંગાના વંશજો હાલ પોરબંદરના ગામ છાયામાં જેઠવા રાણાના આશ્રિતો થઈને રહ્યા છે.