સમુડી/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Revision as of 07:45, 13 November 2022 by Kamalthobhani (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય

આધુનિકતાના ધસમસતા પ્રવાહની સમાન્તરે કોઈ નીતર્યું સ્વચ્છ ઝરણું દોડી આવતું હોય – એ રીતે આ લઘુ નવલકથા સમુડી ગુજરાતીમાં અવતરેલી છે. ૧૯૮૪માં પ્રગટ થયેલી આ કૃતિ છેક ૨૦૧૭ સુધી ઘણી આવૃત્તિઓ પામતી રહી છે, એટલે કે સાહિત્યરસિક ભાવકોને સતત ગમતી રહી છે, યુનિવર્સિટીઓમાં ભણાવાતી રહી છે. ઉત્તર ગુજરાતના અંતરિયાળ ગામની એક સાદી-સીધી કામવાળી છોકરી સમુડી એના રમતિયાળ, બોલકા, ઉમંગી, કામગરા સ્વભાવથી હર્ષદ, શાંતાફઈ, તેજો, વગેરે પાત્રોનાં – અને વાચકોનાં પણ –મનને જીતી લે છે. સમુડી-હર્ષદ-નયના એવી એક રેખા દોરાય છે પણ એ પ્રણયત્રિકોણની કોઈ ચીલેચલુ રેખા નથી. સાદી, સરળ કથા અને પ્રવાહી શૈલી છતાં, નવલકથામાં હર્ષદના સંવેદન-વિચારનાં, તો સમુડીના ગામડેથી મુંબઈ સુધી જતાં થતા ફેરફારોનાં, ને સમયની બે સમાન્તર ધારાઓનાં કેટલાંક સંકુલ વલયો ઊપસે છે જે આ કથાને નવલકૃતિની કલાત્મકતાનો સ્પર્શ આપે છે. પહેલે પાનેથી જ રસપ્રદ બનતી આ નમણી કથામાં હવે પ્રવેશીએ…

(પરિચય – રમણ સોની)