યાત્રા/ફૂલ દીધું!
Revision as of 11:19, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફૂલ દીધું!|}} <poem> {{space}}મને તે ફૂલ દીધું, {{space}}{{space}} ફૂલની ખુશબૂ વળી દીધી, કરામત પ્યારની કૈં કૈં અનોખી તે ઘણી કીધી; અને છેલ્લે ઝુંટાવી ફૂલ મારા હાથથી લીધું. ઝુંટાવી માત્ર ના થંભ્યો, અર...")
ફૂલ દીધું!
મને તે ફૂલ દીધું,
ફૂલની ખુશબૂ વળી દીધી,
કરામત પ્યારની કૈં કૈં અનોખી તે ઘણી કીધી;
અને છેલ્લે ઝુંટાવી ફૂલ મારા હાથથી લીધું.
ઝુંટાવી માત્ર ના થંભ્યો,
અરે, તેં ફૂલને વીંધ્યું,
અને હર પાંદડીએ તેહની તાંડવ ખુંદી કીધું!
હવે હા એકલી ખુશબૂ,
મને તું આપવા આવે,
મનાવા કૈં કસબ લાવે;
પરંતુ ફૂલ વિણ ખુશબૂ,
હવે મુજને મળી તો શું?
અગર જો ના મળી તો શું?
૧૯૪૫