ગુજરાતી ગઝલસંપદા/ અઝીઝ ટંકારવી
Revision as of 12:16, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| અઝીઝ ટંકારવી |}} <poem> બારણે દસ્તક થયા વરસો પછી, ને સ્મરણ કૈં સળવળ્યાં વરસો પછી.<br> એમને ભૂલા પડ્યા ના કહી શકો, જે બધા પાછા ફર્યા વરસો પછી.<br> જેમને શોધ્યા કર્યા વરસો સુધી, એ જ ઉંબર પર...")
અઝીઝ ટંકારવી
બારણે દસ્તક થયા વરસો પછી,
ને સ્મરણ કૈં સળવળ્યાં વરસો પછી.
એમને ભૂલા પડ્યા ના કહી શકો,
જે બધા પાછા ફર્યા વરસો પછી.
જેમને શોધ્યા કર્યા વરસો સુધી,
એ જ ઉંબર પર મળ્યાં વરસો પછી.
આમ તો પથ્થર હતાં ને તે છતાં,
મીણ થઈને પીગળ્યાં વરસો પછી.
બે’ક ખેતરવા જ તો છેટુ હતું,
તે છતાં આજે મળ્યાં વરસો પછી.
લે ‘અઝીઝ’ સુધરી ગયું તારું મરણ,
દુશ્મનો ટોળે વળ્યા વરસો પછી.