ચાંદનીના હંસ/૬ Nostalgic ૪th July

From Ekatra Wiki
Revision as of 10:59, 16 February 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


Nostalgic 4th July

મેઘછાયા ધુમ્મસી આકાશ નીચે
ઘાસિયાની ધાર પર ચોમેર
ટમટમિયાની સોનેરી ઝાંઝરી પ્હેરી રણઝણતી
ધૂંધળી
પહાડી ચળકતી
ઝાડીઓમાં બધબધેબધ
વરસાદ રેલે તું જ પોતે વિસ્તરી — એ ખ્યાલ
તને હશે?
તું ક્યાં હશે?
અનંત શક્ય ઘટનાઓને
એક જ ધરી પર ફેરવી અખિલાય ક્ષણ
ઊછળતા સમુદ્રોની જેમ.
આ ક્ષણના કયા કાંઠા ઉપર તું અત્યારે?

ચોમાસું
ટેલિફોનના તાર પર
વરસાદી ટીપામાં સરકતું ધસી આવે
જાણે મારા કાંડાની ઊપસેલી નસો પર
તું આંગળી ફેરવતી હોય.
વરસાદ દ્વારા ચાખેલ
તારા ધબકતા લોહીના સાચુકલા થડકાર
ધારે ધારે ફરી વળે
ત્વચાના છિદ્રે છિદ્રમાં:
ખળભળે, ઊંચકાઈ આવી ઊઘડે
ઉદાસ ભેજલ આંખમાં તરતા ઉઘાડ.
તારું મળવું
અને આપણું અજસ્ર ધારે વરસ્યા કરવું... ...
ઝબકારે ઝગી ઊઠે
નાસી છૂટતા ચાંદા જેવો ફફડતો ઊડતો બગલો,
ચિરાતા આભ – ઝાભ ઝકઝોલાતા
લીરે લીરા થઈ ફરકી ઊઠે.
ડાળી ડાળીએથી
ખરતો ખખડે પવન. અમસ્તો
ક્યારીએ કયારીએ રખડે.

રેશમી વાદળોમાં લચી પડેલાં અંધારાં
ફુલાતા ફુગ્ગાની જેમ તાણે છે દૂર દરેક દિશામાં
આંખના ગોળાવ ઉપર ચીપકેલું આકાશ.
આકાશ આખું ગગડતું ખેંચાય, તણાય
અફળાતું જાણે ફાટી પડશે હમણાં જ
ફિક્કું વિવર્ણ થઈ
પોપચાંની બ્હાર—

બ્હાર પાછું એ જ એનું એ જગત
દર ઘડીએ
કાંચળી ઉતારતું સરક્યે જતું... ...

૪-૭-૭૪