ચાંદનીના હંસ/૫૧ ઝંઝા

From Ekatra Wiki
Revision as of 12:10, 16 February 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઝંઝા

દૃગાન્ત લગ છે કાદવ કાદવ
શીંગડીઓ ઉલ્લાળી આભે ચડે બીજનો ચાંદો.
ઘનઅંધારા લઈ ધસમસતો મહિષ આભલે,
એક કોરથી બીજી લગણ જઈ દૂર છલાંગે,
ટોચ ઉપરથી કૂદતે નીચે ભોંયે માથું પટકે.

ઘરની ભીંતો પડું પડું
ને ઘરમાં ઊછળ્યા સદીઓથી ગોંધેલા પૂરના ઘોડા.
બ્હાર બધે બધ મેઘફુવારે દળવાદળમાં હિંસ્ર અવાજે તિમિર ત્રાટકે
એક ઝાટકે અંદર પણ હાં, જળમાં જાગે જનમ જૂનો આવેગ.
આંગણિયે ધસમસતો ચાંદો
ચસચસતા કાદવિયે તીણાં શીંગ અફાળી
કચ્ચર કચ્ચર ભીંતનો ફેંકે દિશ દિશમાં ભંગાર.

જળનો જનમ જૂનો ઉન્માદ વછૂટે તીર શો આઘે.
કલકલ વહેતી લીલોતરી પણ સરકે આઘે.
આઘે આઘે
નભ થલ વચ્ચે અબ લગ ઝગતે હીરનો દોર અલોપ.

દૃગાન્ત લગ છે પાણી પાણી
શીંગડીઓ ઉલ્લાળી આઘે સરે બીજનો ચાંદો.

૩૧-૭-૮૬