ચિન્તયામિ મનસા/સંકેતવિજ્ઞાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

સંકેતવિજ્ઞાન


વચમાં આપણે ત્યાં સંરચનાવાદ’(બંધારણવાદ’ – ભાયાણી)નું એક મોજું આવી ગયું. હવે એ ઓસરી ગયું હોય એવું લાગે છે. હવે સંકેતવિજ્ઞાન વિશે અહીંતહીં સંભળાવા લાગ્યું છે. આ નવી વિચારણાઓ વિશેની પ્રમાણભૂત પુસ્તિકાઓ તદ્વિદો પાસે વિદ્યાપીઠો અથવા કોઈ સાહિત્યિક સંસ્થાએ તૈયાર કરાવવી જોઈએ. આપણા અભ્યાસક્રમો તો સહીસલામત રીતે આ નવી વિચારણાથી દૂર રહે છે.

‘ધ ટાઇમ્સ હાયર એડ્યુકેશન સપ્લીમેન્ટ’ના 1976ના 24મી સપ્ટેમ્બરના અંકમાં પ્રખ્યાત સાહિત્યવિવેચક અને ભાષાવિજ્ઞાની જોનાથન કલરે 1974માં મિલાનમાં મળેલી સૌ પ્રથમ સંકેતવિજ્ઞાન અંગેની પરિષદનો અહેવાલ આપ્યો છે અને સંકેતવિજ્ઞાનના કાર્યક્ષેત્ર વિશે, એની ઉપકારકતા વિશે, કેટલાક પાયાના પ્રશ્નો ઉઠાવ્યા છે. તે અહીં સંભારવાનું આપણે માટે પણ ઉપકારક થઈ પડશે.

‘સંકેતવિજ્ઞાન’ સંજ્ઞા સૂચવે છે તેમ એ સંકેતોનો અભ્યાસ કરતી જ્ઞાનની શાખા છે. અંગ્રેજીમાં ‘Semiology’ તથા ‘Semiotics’ એ બંને સંજ્ઞાઓ વપરાતી જોવામાં આવે છે. આ વિષયની આટલી જ ઓળખ સાવ અપૂરતી લાગે તે સ્વાભાવિક છે. જે કોઈને કશો અર્થ છે તે સંકેત એમ જો કહીએ તો અતિવ્યાપ્તિનો દોષ વહોરી લઈએ. એમાં માનવજ્ઞાનના મોટા ભાગના પ્રદેશને સમાવિષ્ટ કરવો પડે. માનવરચિત સર્વ પદાર્થો(પછી તે પુસ્તકો હોય, ચિત્રો હોય, ગીતો હોય કે સ્થાપત્યો હોય કે રોજ-બ-રોજના ઉપયોગના પદાર્થો હોય)નો આપણે મન કશોક અર્થ હોય છે. એ જ રીતે સમાજવિજ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, નૃવંશવિજ્ઞાન જે માનવવ્યવહારનો અભ્યાસ કરે છે તેનો પણ એમાં સમાવેશ કરવાનો રહે.

માનવરચિત પદાર્થો અને કાર્યોને જો આપણે અર્થર્નાં વાહક ગણીએ તો સંકેતવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ઘણું જ વ્યાપક બની જાય. આ ઉપરાંત એમાં પ્રાકૃતિક પદાર્થોનો પણ સમાવેશ કરવાનો રહે, કારણ કે એ પદાર્થો પણ સંકેત તરીકે કામ તો કરતા જ હોય છે. અમુક પ્રકારનાં વાદળો વરસાદ આવવાના સંકેતરૂપ હોય છે; અમુક પ્રકારનું જમીનનું બંધારણ ભૂસ્તરશાસ્ત્રીને માટે ખનિજ તેલના સંકેત રૂપ હોઈ શકે.

સંકેતવિજ્ઞાન જે કાંઈ સંકેતિત થાય છે તે બધાંનો જ અભ્યાસ કરતું હોય તો એમાં વિવિધ જ્ઞાનશાખાઓનો સમાવેશ થાય. આ દરેક જ્ઞાનશાખાને એનાં વિશિષ્ટ વિષયો અને કાર્યપદ્ધતિઓ હોય છે. મિલાનમાં ભરાયેલી આ સંકેતવિજ્ઞાનની પ્રથમ પરિષદમાં ખાસ્સો શંભુમેળો ભેગો થયો હતો. એમાં સાહિત્ય, સંગીત, ફિલ્મ, ચિત્રકળા, સ્થાપત્ય, જાહેરાતસંસ્થા, પ્રાણીઓ વચ્ચે ચાલતો સંદેશાવ્યવહાર, વૈજ્ઞાનિક પરિભાષા, ભાષાબાહ્ય વિનિમય, મનોવૈજ્ઞાનિક ઉપચાર જેવા વિષયો વિશે નિબન્ધો વંચાયા હતા!

આ તો જાણે સામ્રાજ્યવાદનો જ, જ્ઞાનના ક્ષેત્રમાં, આવિર્ભાવ થયો! એને શી રીતે ન્યાય્ય ઠરાવી શકાય? આ બધાંને સંકેતવિજ્ઞાનના નેજા નીચે શા માટે લાવવાં જોઈએ? સંકેતવિજ્ઞાનમાં એવું તે શું છે કે જે વિષયોનો બીજી જ્ઞાનશાખાઓ યોગ્ય રીતે અભ્યાસ કરે છે જ તેનો અભ્યાસ કરવો તેને પણ એ પોતાનું કાર્યક્ષેત્ર ગણે?

સોસ્યૂરને અહીં જરા યાદ કરી લઈએ. અર્વાચીન ભાષાવિજ્ઞાનનો એ પ્રણેતા ગણાય છે. ‘સામાન્ય ભાષાવિજ્ઞાનનો અભ્યાસક્રમ’ નામના 1917માં રચાયેલા પુસ્તકમાં એણે સૌ પ્રથમ સંકેતોનો અભ્યાસ કરતી આગવી જ્ઞાનશાખા હોવી જોઈએ એવી હિમાયત કરી હતી. ‘સંકેત કોને કહેવાય અને એ સંકેતો કયા નિયમોને વશ વર્તેર્’ એની એમાં મીમાંસા થાય. એના ચોક્કસ સ્વરૂપ વિશે સોસ્યૂરે વિચારવાનું માથે લીધું નહોતું. માત્ર એણે એવી ખાતરી આપી હતી કે ભવિષ્યમાં વિદ્યાક્ષેત્રમાં એનું મહત્ત્વનું સ્થાન સુનિશ્ચિત છે. ભાષાના વિદ્યાર્થીઓને સંકેત વિશે વિચારણા કરવી જ પડશે. ‘ભાષા એ એક પ્રકારની સંકેતવ્યવસ્થા છે એ હજી જોઈએ તેવું સ્પષ્ટ થયું નથી. પણ આપણે મોડોવહેલો સંકેતવિજ્ઞાનનો આશરો લેવો જ પડશે.’ ભાષા સિવાયના બીજા પ્રકારના સંકેતોના અભ્યાસથી ભાષાવિજ્ઞાની ભાષાની અન્ય સંકેતો સાથેની સમાનતા અને એની આગવી વિશિષ્ટતા વિશે જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. ‘આ પરિપાટીથી ભાષાવિજ્ઞાનની સમસ્યાઓનું યોગ્ય વર્ગીકરણ થશે એટલું જ નહીં, પણ આપણા રીતરિવાજો, વિધિઓ વગેરેને, જો એમનો પણ સંકેતો તરીકે અભ્યાસ થાય તો, જોવાનો એક નવો દૃષ્ટિકોણ પ્રાપ્ત થશે. એમનો પણ સંકેતવિજ્ઞાનમાં સમાવેશ કરીને એના નિયમોને આધારે એમને સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે.’

આ નવા પરિપ્રેક્ષ્યમાં, બહુ સરળ રીતે, માનવવ્યવહારના પારસ્પરિક વિનિમયના પાસા પર ભાર મૂકવામાં આવ્યો છે. માનવ જે રચે છે અને જે પદાર્થો વચ્ચે આપણે રહીએ છીએ તેનું મહત્ત્વ દર્શાવાયું છે. આપણી બધી પ્રવૃત્તિ કશાકનું ઇંગિત તો હોય છે જ. એ બીજાઓને આપણે વિશે કશુંક કહે છે, આપણા સમાજ વિશે પણ એ કશુંક કહે છે, એના નીતિનિયમો અને એની સાથેના આપણા સમ્બન્ધ વિશે પણ એ કંઈક કહે છે.

સંકેતવિજ્ઞાનનું ગૃહીત એવું નથી કે અમુક એક વ્યવહાર કે કાર્યનો સદાકાળને માટે એક નિશ્ચિત અર્થ હોય છે. પણ આપણાં કાર્યો હંમેશાં અમુક સંસ્કૃતિએ ઉપજાવેલી પ્રતીકવ્યવસ્થા સાથે સંકળાયેલાં હોય છે. આમ અર્થપ્રપંચનો એ એક મહત્ત્વનો અંશ બની રહે છે. છપ્પન ઇંચનો લાંબો કોટ, આલપાકાનો કાળો કોટ એ અમુક વ્યવસાયના સૂચક છે. પણ કોઈ મજૂર છપ્પન ઇંચનો લાંબો કોટ પહેરી નહીં શકે એવું નહીં. એ પણ કહી શકે, ‘હું શૅરદલાલ છું.’

ભાષાકીય તેમ જ બિનભાષાકીય વ્યવહાર પાછળ સંકુલ આશયો રહ્યા હોય છે અને એના સૂચિતાર્થો પણ અનેકવિધ હોઈ શકે. સંકેતવિજ્ઞાનનું કામ વ્યક્તિઓના વ્યવહારને સ્પષ્ટ કરવાનું નથી. વ્યક્તિનો વ્યવહાર વિલક્ષણ, રેઢિયાળ, સાહજિક કે દીર્ઘસૂત્રી હોઈ શકે. સંકેતવિજ્ઞાન તો સંસ્કૃતિએ ઉપજાવેલી સંહિતાનો અભ્યાસ કરે છે જેને કારણે માનવવ્યવહારને અમુક નિશ્ચિત અર્થ પ્રાપ્ત થાય છે. માનવવ્યવહાર અને પદાર્થોના અમુક અર્થ હોય છે ત્યારે એની પાછળ કશીક વ્યવસ્થા રહી હોય છે એવી કોઠાસૂઝ જ સંકેતવિજ્ઞાનનો પાયો છે. એક વાક્યનો, બીજાં વાક્યો સાથેના સમ્બન્ધની અપેક્ષાએ, અર્થ થાય છે. એ બંને વચ્ચેનો ભેદ ભાષાની અભિવ્યક્તિની પદ્ધતિના પર આધાર રાખે છે.

અમુક સંસ્કૃતિની પ્રતીકવ્યવસ્થામાં કશોક અર્થ ધરાવતા હોય એવા માનવવ્યવહાર અને પદાર્થો સાથે સંકેતવિજ્ઞાનીને સમ્બન્ધ છે. સંકેતવિજ્ઞાનની દૃષ્ટિએ કોઈ અમુક સમાજના પોષાકનો અભ્યાસ કરે તો એ કઈ વિગતને નોંધે? આજે અમુક વયની સ્ત્રીઓ મોગલ ઢબનો પોષાક પહેરે, કોલેજમાં ભણતી છોકરીઓ ડંગેરી કે જીન પહેરે, પણ ખમીસસલવાર પહેરીને કોઈ ગુજરાતી છોકરી પરણવા ન બેસે. યુવાનો અંગ્રેજી ઢબના કોટપાટલૂન, ટાઇ પહેરીને પરણે ખરા! આ બધાંનો શો સંકેત છે, માનવવ્યવહાર તેમ જ સમાજની આચારસંહિતાનું સ્વરૂપ કેવી રીતે ઘડાય છે તે સમજવામાં આ સંકેતોનો અભ્યાસ ઉપયોગી થઈ પડે. આ વસ્ત્રો કયાં કપડાંમાંથી બને છે તે ઝાઝા મહત્ત્વનું નથી. સમાજના જુદા જુદા વર્ગોને પોષાકભેદથી શી રીતે નોખા તારવી લઈ શકાય તે પણ આથી જાણવા મળે.

આ પ્રકારના અભ્યાસમાં માનવવ્યવહારમાં જે ઇંગિત રૂપે કે સૂચિત રૂપે રહ્યું હોય છે તેને સંકેતવિજ્ઞાન સ્પષ્ટ રીતે આલેખી આપે છે. કેટલીક વાર આપણે અમુક વાતને અર્ધજાગ્રત ચૈતન્યને સ્તરે જાણતા હોઈએ છીએ. એને જ કારણે સમાજમાં આપણે એકબીજાના વ્યવહારને સમજી શકીએ છીએ. આ જ્ઞાન વિશે એ આપણને વ્યવસ્થિત માહિતી આપવાનો પ્રયત્ન કરે છે. આપણો અમુક વ્યવહાર આપણા સમાજમાં વિવેકપૂર્ણ ગણાય, જ્યારે બીજા સમાજમાં એ અવિનય ગણાય, અમુક પ્રકારનો પોષાક સ્ત્રી પશ્ચિમના સમાજમાં પહેરે તો તે મર્યાદા જાળવે એવું લેખાય, જ્યારે આપણા સમાજમાં તો એ નિર્લજ્જતા જ લેખાય!

જ્યાં જ્ઞાન છે, માહિતી પરનું પ્રભુત્વ છે ત્યાં સમજાવી શકાય એવી કશીક પદ્ધતિ રહી જ હોય છે. માનવવ્યવહાર અને પદાર્થોમાં આરોપિત અર્થ યદૃચ્છાથી નથી આરોપવામાં આવેલા હોતા તો એની પાછળ કશીક તર્કસંગત વ્યવસ્થા હોવી જ જોઈએ અને એનો પરિચય શાસ્ત્રીય રીતે આપી શકાતો જ હોવો જોઈએ.

આ પદ્ધતિએ અનેક પ્રકારની ઘટનાઓનો અભ્યાસ થઈ શકે; અમુક અર્થવ્યવસ્થામાંથી જે તત્ત્વોને અર્થ પ્રાપ્ત થાય છે તેનો અભ્યાસ થઈ શકે. અહીં એક પ્રશ્ન થાય: જો સંકેતો વિવિધ પ્રકારના હોય તો એ જુદા જુદા પ્રકારના સંકેતો માટે જુદાં જુદાં સંકેતવિજ્ઞાનો ન હોવાં ઘટે?

આમ તો સંકેતોના ત્રણ પ્રકાર ઓળખાવવામાં આવે છે: આઇકોન(icon), ઇન્ડેકસ અને સાઇન(sign), આ બધામાં સંકેતક અને સંકેતિત વચ્ચેનો સમ્બન્ધ જુદા જુદા પ્રકારનો હોય છે.

આઇકોનમાં સંકેતક અને સંકેતિત વચ્ચેના સાદૃશ્યના પર આધાર રાખવામાં આવે છે: કોઈ વ્યક્તિનું તૈલચિત્ર એ મૂળ વ્યક્તિને જ ચીંધે છે. એમાં રૂઢિ પર નહીં પણ વાસ્તવિક સાદૃશ્યના પર આધાર રાખવામાં આવે છે.

‘ઇન્ડેક્સ’માંનાં સંકેતક અને સંકેતિત વચ્ચેના સમ્બન્ધ કાર્યકારણ સમ્બન્ધનો હોય છે. સંસ્કૃત ન્યાયમાં ‘યત્ર યત્ર ધૂમ્ર: તત્ર તત્ર વહ્નિન્’ આનું ઉદાહરણ છે. અહીં ધૂમ્ર એ વહ્મિનો સંકેત છે. પ્રાણીનાં પગલાં એ પ્રાણી ત્યાંથી થઈને પસાર થયું હોય તેના સંકેતરૂપ બની રહે છે.

‘સાઇન’ અથવા સંકેતમાં સંકેતક અને સંકેતિત વચ્ચેનો સમ્બન્ધ યદૃચ્છામૂલક અને રૂઢિગત હોય છે. કોઈને મળીએ ત્યારે વિનયપૂર્વક હાથ જોડીએ એ એક રૂઢિ છે. એ આદરનો સંકેત બની રહે છે. પશ્ચિમમાં મુખ્ય જમણ પૂરું થયા પછી પનીર ખાવાની રૂઢિ છે.

આ ત્રણનું સંકેતવિજ્ઞાનની દૃષ્ટિએ શું મહત્ત્વ છે? આ ત્રણ વિભાગો પાડવાથી કોઈ ખાસ અર્થ સરે છે? મુખ્ય હેતુ તો સંકેતને કેન્દ્રસ્થાને સ્થાપવાનો છે કારણ કે એમાં સંકેતક અને સંકેતિત વચ્ચે કશો કાર્યકારણ સમ્બન્ધ નથી. એ કોઈ વધારે વ્યાપક સ્વરૂપની સંકેતવ્યવસ્થાના અર્થરૂપ છે. સાદૃશ્યમૂલક સમ્બન્ધની ચર્ચા ફિલસૂફીનો વિષય છે. ઘોડાનું રેખાચિત્ર ઘોડાને કેવી રીતે રજૂ કરે છે, એ બન્નેમાં સત્ય શું – એ બધું ફિલસૂફી વિચારે. ભાષાવિજ્ઞાનના પાયા પર રચાયેલા સંકેતવિજ્ઞાનનો એ વિષય નથી. આમ આઇકોન સંકેતવિજ્ઞાનના ક્ષેત્રમાં સમાવિષ્ટ નથી.

સંકેતવિજ્ઞાની જો ‘ઇન્ડેક્સ’નો અભ્યાસ કરે તો સમસ્ત માનવજ્ઞાનને પોતાનો અભ્યાસવિષય બનાવવાનું જોખમ ખેડવા જેવું કરી બેસે. કારણ કે જે જે વિજ્ઞાન કાર્યકારણ સમ્બન્ધની પુનર્વ્યવસ્થા કરે તે બધાંને સંકેતવિજ્ઞાનની ગૌણ શાખા રૂપે જોઈ શકાય. વ્યાધિનિદાનના શાસ્ત્રમાં રોગનાં લક્ષણો અમુક વ્યાધિને સૂચવે છે. એ બે વચ્ચે કાર્યકારણ સમ્બન્ધ છે. પણ આનો અર્થ એ નથી કે સંકેતોના અભ્યાસમાંથી ‘ઇન્ડેક્સ’ને સાવ બાકાત જ રાખવામાં આવે, કારણ કે દરેક ‘ઇન્ડેક્સ’ને રૂઢિગત સંકેત રૂપે પણ પ્રયોજી શકાય. અમુક એક સંસ્કૃતિમાં એક વાર સંકેતક અને સંકેતિત વચ્ચેના કાર્યકારણ સમ્બન્ધને સ્વીકારવામાં આવે પછી એ સંકેતક સંકેતને સંકેતિત કરતો જ થઈ જાય, પછી ભલે ને બન્ને વચ્ચેના કાર્યકારણના સમ્બન્ધની ભૂમિકા નહીં રહી હોય, એ સમ્બન્ધ કેવળ રૂઢિગત જ રહ્યો હોય. રંગમંચ પર અગ્નિને સૂચવવા માટે ધુમાડાનો ઉપયોગ થઈ શકે, અલબત્ત એ ધુમાડાને અગ્નિ સાથે કાર્યકારણનો સમ્બન્ધ હોતો નથી.

રૂઢિગત પ્રકારના ઇન્ડેક્સમાં સંકેતવિજ્ઞાનીને રસ હોય છે; કારણ કે એ દ્વારા સંસ્કૃતિની social mythology આકાર લેતી હોય છે. આપણે જેને status symbol કહીને ઓળખાવીએ છીએ તે એનું ઉત્તમ ઉદાહરણ છે. એ કાંઈ સામાજિક મોભ્ભા સાથે કાર્યકારણનો સમ્બન્ધ ધરાવે છે એવું નથી; એ તો રૂઢિગત સંકેત જ બની ચૂક્યો હોય છે. સમાજમાં પ્રવર્તતી રૂઢિ એને પ્રતીકનો દરજ્જો આપે છે અને એ દ્વારા ‘ઇન્ડેક્સ’થી સૂચવાય તેથી વધુ અર્થ દ્વારા સૂચવાય છે. આપણા સમાજમાં ટેલિવિઝન, મોટરકાર, એરકંડિશ્નર વગેરે ‘સ્ટેટસ સિમ્બોલ’ બની ગયા છે. પશ્ચિમમાં રોલ્સરોય મોટરગાડી હોવી એ એક ઊંચા મોભ્ભાનો સંકેત બની રહે છે. એને અમુક અર્થમાં ‘ઇન્ડેક્સ’ જરૂર કહી શકાય, કારણ કે જેની પાસે અઢળક ધન હોય તે જ એ મોટર ખરીદી શકે.

આમ સંકેતવિજ્ઞાનના સામ્રાજ્યવાદને ક્યાં સુધી ફેલાવા દઈ શકાય? ઘણા વિષયોની સંકેતવિજ્ઞાનની પદ્ધતિએ ચર્ચા થઈ શકે, પણ એ બધા કેવળ સંકેતવિજ્ઞાનના જ વિષય ન પણ હોય. સંકેતવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર નક્કી કરવા માટે એ જે પ્રકારનાં ઉદાહરણો સાથે કામ પાડતું હોય છે તેની યાદી કરવી જોઈએ.

આ બધી પદ્ધતિઓમાં રૂઢિગત સંકેતો જ ખપમાં આવે છે. સાંકેતિક વ્યવસ્થાનાં એ બધાં શુદ્ધ ઉદાહરણો છે; પણ એ આટલાં સાદાંસીધાં ઉદાહરણો છે તેથી જ જે સિદ્ધાન્તને આધારે એ રચાયાં હોય છે તેને વર્ણવવાનું સામાન્યત: સરળ થઈ પડે છે. આથી એમાં ઝાઝો રસ પડતો નથી.

આ સ્પષ્ટ પ્રકારના સંકેતો ઉપરાંત એવી બીજી સંકેતવ્યવસ્થા પણ છે જેમાં વિનિમયનો હેતુ હોય જ છે, પણ એની સંહિતા સ્થાપવી એટલી સહેલી હોતીયે નથી. ખૂબખૂબ પ્રમાણમાં સન્દિગ્ધ હોય છે. સાહિત્યમાં આ પ્રકારની સંકેતવ્યવસ્થા હોય છે. સાહિત્યિક કૃતિઓ વાંચીને સમજવા માટે કેવળ ભાષાજ્ઞાનથી વિશેષની અપેક્ષા રહે છે, પણ વાચકોએ વિશેષમાં શું જાણવું જોઈએ તે નક્કી કરવું ખૂબ મુશ્કેલભર્યું બની રહે છે. સંહિતામાં જેને સરળતાથી મૂકી આપી દઈ શકાય એવા પ્રકારના જ્ઞાનની અહીં આપણે વાત કરતા નથી તે તો સ્પષ્ટ જ છે પણ આ પ્રકારની રસકીય ભૂમિકા પર આધાર રાખતી અભિવ્યક્તિનો અભ્યાસ વધુ રસપ્રદ બની રહે છે.

પહેલા પ્રકારમાં અસન્દિગ્ધ એવું વિચારોનું ‘નોટેશન’ મળી રહે છે. આ વિચારનાં લક્ષણો પર આધાર રાખતી અભિવ્યક્તિ આપણને જે ખ્યાલો તથા સંકુલતા તરફ લઈ જાય છે તેની આવી વ્યાખ્યા બાંધવામાં આવી નથી હોતી. સાહિત્યકૃતિઓ સંકેતવિજ્ઞાનની દૃષ્ટિએ આકર્ષક બની રહે છે તેનું કારણ સંકેતવ્યવસ્થાનો એમાં જે રીતે વિનિયોગ થતો હોય છે તે છે.

આ પછી આપણે જે મુખ્યત્વે અભિવ્યક્તિપ્રધાન કે વિનિમયપ્રેરિત હોતા નથી, પણ જેને કારણે અમુક ભેદની પ્રતીતિ થાય છે અને જેનો અર્થ અમુક એક સંસ્કૃતિવાળા સમાજના સભ્યોને મન મહત્ત્વનો હોય છે એવા સામાજિક વ્યવહારની વાત કરીએ. અમુક સંસ્કૃતિવાળા સમાજમાં પ્રવર્તતી શિષ્ટાચારની પ્રથા, ભોજન પરત્વેની ઔપચારિક રીતરસમ, પોષાક પરત્વેનું વલણ, વેપારવણજની વસ્તુઓ પ્રત્યેનો અભિગમ – ટૂંકમાં જે કોઈ પદાર્થ કે કાર્યને માટે સમાજ અમુક સંજ્ઞા વાપરે છે તે બધાંનો એમાં સમાવેશ થાય. સંકેતવિજ્ઞાની જ્યારે સામાજિક વ્યવહારનો અભ્યાસ કરતો હોય છે ત્યારે એની પાછળ જે વર્ગીકરણની પદ્ધતિ અસ્ફુટરૂપે પ્રવર્તતી હોય છે તેને એ સ્ફુટ કરી આપે છે.

છેલ્લે ‘ઇન્ડેક્સ’ની વાત વિચારવાની રહે છે. એમાં જુદાં જુદાં સમાજવિજ્ઞાન તથા પ્રાકૃતિક વિજ્ઞાને ઘટનાઓ વચ્ચેના કાર્યકારણના સમ્બન્ધો શોધી આપ્યા હોય કે સ્થાપી આપ્યા હોય તેની ચર્ચા થાય છે.

આ બધી જ જ્ઞાનની શાખાઓ સંકેતવિજ્ઞાનના જ ગૌણ વિભાગો છે એમ કહેવાથી કશો અર્થ સરતો નથી. એ બધી જ્ઞાનની પ્રવૃત્તિઓ પોતપોતાની આગવી રીતે સામાજિક અને પ્રાકૃતિક વિધિના ભેદને તાગતી જ રહેશે અને કાર્યકારણના સમ્બન્ધો શોધી આપીને સ્થાપતી રહેશે. સંકેતવિજ્ઞાનના અંશરૂપ એ ન હોય એમ બને, પણ એનો અર્થ એ નથી કે સંકેતવિજ્ઞાનીએ એ તરફ ધ્યાન જ આપવું નહીં.

આ બધી કાર્યકારણ સમ્બન્ધ શોધી આપતી જ્ઞાનની શાખાઓમાં સંકેતવિજ્ઞાની રસ તો ધરાવશે જ; સૌ પ્રથમ તો એટલા માટે કે એણે ‘ઇન્ડેક્સ’ જે રીતે સંકેત બન્યે જાય છે તેની પ્રક્રિયા સમજાવવાની જ રહે છે. આ ઉપરાંત આ જ્ઞાનની શાખાઓનો એક સંકેતવ્યવસ્થાની દૃષ્ટિએ પણ અભ્યાસ કરવાનો રહે છે અને આ સૌથી કપરું કામ છે. જ્યોતિષ જેવા શાસ્ત્રની પદવી જેને આપવામાં આવતી નથી તેવા વિષય માટે તો આવો અભ્યાસ સ્પષ્ટ જ છે. ગ્રહોની ગતિ અને માનવીના જીવનની ઘટના વચ્ચે કાર્યકારણનો સમ્બન્ધ બાંધી આપવા પ્રત્યે આપણને અવિશ્વાસ છે. આથી એ એક રૂઢિનું જ રૂપ ધારણ કરે છે. એને માટેના નિયમો આપણે ઘડી શકીએ એમ છીએ જેથી જ્યોતિષને લગતી ઘટનાઓના સમ્બન્ધને આપણે સમજાવી દઈ શકીએ. સંકેતવિજ્ઞાની આ રૂઢિઓનો અહેવાલ આપી શકે. એમાં જ્યોતિષની કાર્યપદ્ધતિનું સંકેતવિજ્ઞાનની દૃષ્ટિએ પૃથક્કરણ કર્યં હોય. એ અર્થપૂર્ણ હોય કે અર્થહીન તેની સાથે એને નિસ્બત નથી. એ તો એને એક નિરૂપણપદ્ધતિને રૂપે જ જુએ, એમાં અર્થઘટન માટે અમુક નિયમો અને રૂઢિઓ પ્રવર્તતાં હોય. એનો જ એ અહેવાલ આપી છૂટે. પણ જો જ્યોતિષનાં સાચાપણા કે ખોટાપણા સાથે સંકેતવિજ્ઞાનના પૃથક્કરણને નિસબત નહીં હોય તો પછી બીજા સક્રિય અને શ્રદ્ધેય વિજ્ઞાનોનું સંકેતવિજ્ઞાનની પદ્ધતિએ પૃથક્કરણ શા માટે નહીં થઈ શકે? એ વિજ્ઞાનોમાં વિશિષ્ટ પ્રકારના પદાર્થો અને કાર્યોને અર્થ અર્પવા માટેની જે રૂઢિ હોય તેનું પૃથક્કરણ જરૂર થઈ શકે.

આરોગ્યવિજ્ઞાન, ખનિજવિદ્યા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર તથા જ્યોતિષ જેવી જ્ઞાનની શાખાઓમાંના સંકેતવિજ્ઞાનની પદ્ધતિએ અભ્યાસ થઈ શકે. પણ વાસ્તવમાં આ કક્ષાએ કોઈ પણ જ્ઞાનની શાખા કે વિચારપદ્ધતિનો સંકેતવિજ્ઞાનની દૃષ્ટિએ અભ્યાસ થઈ શકે, કારણ કે એ પોતે જ એક ખાસ પ્રકારની ભાષા છે અને એને પોતાના આગવા નિયમો છે. એ જગતના એક અંશને અભિવ્યક્ત કરે છે.

આ બધામાંથી શો નિષ્કર્ષ તારવીશું? સંકેતવિજ્ઞાન આજને તબક્કે જે રીતે પ્રવૃત્ત થઈ રહ્યું છે તે જોતાં બે મુદ્દાઓ પર ભાર મૂકવો ઘટે: સંકેતવિજ્ઞાન એની મહત્ત્વાકાંક્ષાને નિયન્ત્રિત કરે અને બીજી જ્ઞાનની શાખાઓને પોતાના ગૌણ વિભાગ ગણવાનો દાવો નહીં કરે તોય એ એક પ્રકારની meta-discipline બનવાનો તો સ્પષ્ટ પ્રયત્ન કરશે જ. એ બીજી જ્ઞાનની શાખાઓ કેવી રીતે પોતાના સંકેતને ઓળખાવે છે અને એનું અર્થઘટન કરે છે તેની તપાસ કરવાનું તો માથે લેશે જ.

ઇતિહાસ અને વિજ્ઞાનમાંથી ઊભા થતા દાર્શનિક પ્રશ્નોના ક્ષેત્રમાં આજે જે કામ થઈ રહ્યું છે તે પોતાનું ધ્યાન અમુક તબક્કામાં તે તે જ્ઞાનની શાખામાં જે કામ ચાલી રહ્યું છે તેને નિયન્ત્રિત કરતા તત્ત્વ પર કેન્દ્રિત કરે છે. સંકેતવિજ્ઞાન એ વાત પર ભાર મૂકે છે કે જુદી જુદી જ્ઞાનની શાખાઓ કેવળ પ્રાયોગિક પદ્ધતિઓ નથી; એમાં અર્થઘટનની પ્રક્રિયા પણ ચાલ્યા કરતી હોય છે.

સંકેતવિજ્ઞાન અભિવ્યક્તિનાં ઘટકોનો અભ્યાસ કરે છે એ કારણે એની પોતાની વિભાગીકરણની પદ્ધતિ પર ધ્યાન આપવું કદાચ વિઘાતક નીવડે. કારણ કે એ બધું સમસ્યાપૂર્ણ હોય છે. વિભાગો જુદા પાડીએ ને તરત વ્યાવર્તક રેખાઓ ભૂંસાવા લાગે. આગળ જોયું તેમ ‘ઇન્ડેક્સ’ કાર્યકારણનો સમ્બન્ધ લુપ્ત થતાં રૂઢિગત સંકેત બની જાય અને સંકેત ‘ઇન્ડેક્સ’ બની જાય. કશાકને આપણે અમુક પ્રકારના સંકેત તરીકે ઓળખાવીએ કે તરત જ એ ઓળખાવવાની પ્રક્રિયાને કારણે, વળી બીજા પ્રકારનો સંકેત પણ બની જાય. એક વિભાગમાંથી બીજા વિભાગમાં જવાનાં આવાં ઉદાહરણો તો જાણે સર્વસામાન્ય બની રહે, પછી એને એક અપવાદ રૂપ ઘટના માત્ર લેખી શકાય નહીં.

પોતાનાં ઘટકોની વ્યાખ્યા બાંધવાનું કામ સંકેતવિજ્ઞાનને માટે તે એક અવિરત ચાલ્યા એવી પ્રક્રિયા કરે છે, કારણ કે વાસ્તવમાં એ મનુષ્યની એક સૌથી છટકિયાળ એવી પ્રવૃત્તિ – અર્થનું આરોપણ કરવાની પ્રવૃત્તિ – ના પાયાને તથા એમાં રહેલી સૂક્ષ્મતાને એ વ્યાખ્યાબદ્ધ કરવા મથે છે.

એપ્રિલ, 1978