શાંત કોલાહલ/૧ લલિત
Jump to navigation
Jump to search
રાગિણી
૧ લલિત
રે ધન્ય, આ નયન ધન્ય તને લહીને !
તું ઓસને સલિલ નિર્મલ કંજલક્ષ્મી,
તું ભાસ્વતી ગગનની અરુણા યશસ્વી,
મારે નિકેતન તને લહી ધન્ય, ધન્ય !
તારા પ્રસન્ન ઉરનો ટહુકંત છંદ
ઝીલી રહેલ દ્રુમકોકિલ, દિગદિગંતે
એની કશી ધ્વનિત જાગ્રતિ !- ફૂલગંધે
પોઢેલ વાયુ અવ તો લહરે રમંત !
તેં એવું અંજન કશું નયને ધર્યું કે
જે ન્યાળુ તે સકલ સુંદર વ્હાલસોયું !
ને પ્રાણનેય પણ સ્પંદન ! તાલપ્રોયું
અસ્તિત્વ મારું લહું નૃત્યતણા હિલોળે !
તારા મૃણાલવદને ઝૂક્યું વ્યોમ નીલ
સંમોહને, લલિત હે ! અનુરાગશીલ.