શાંત કોલાહલ/મારું ઘર
Jump to navigation
Jump to search
મારું ઘર
ખુલ્લાં આ ખેતરોની ઉગમણી ગમ જે દૂર દેખાય કુંજ
એમાં અશ્વત્થ-ટોચે ફરકત ધ્વજ ત્યાં બાજુમાં લાલ નેવે
છાએલું, સ્વર્ણ તેજે અનુપમ સુષમાનો ધરી સાન્ધ્ય રંગ,
જેની મેડીની બારી અહિં લગી નજરું ઢાળતી રે’ સનેહે
તે મારું કાળ-જૂનું ભવન; નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું:
એની સર્વત્ર, જ્યાં જ્યાં ગતિ મુજ ત્યહિં, રેલાય છાયા અદીઠ.
ક્ષેત્રે સંકલ્પ કેરાં અગણિત કંઈ જે બીજ વેરેલ તેનું
કૉળેલું સ્વપ્ન જાણે અનિમિષ દ્રગ માંડી નિહાળે વ્યતીત !
ને આંહી સૂર્ય, ઝંઝા, જલ, જીવ,વનના ફાલનો જે અનંત
મેળો જામેલ તેના ઋતુ સમ રમતાં નિત્ય કોલાહલે ય
એનો ગુંજંત ઝીલું અરવ શ્રુતિ તણો અંતરે શાન્તિમંત્ર,
જેના આનંદછંદે મન મુજ અનુસંધાનમાં રે’ સદૈવ.
હાવાં ગોધૂલિ-વેળા : દ્રુત દ્રુત રવ-દોણી ધરે દૂધ-સેર;
ચાલો એ ઘર, ઘેલા પવનની અડતી અંગને ઠંડી લ્હેર !