રચનાવલી/૨૧૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૧૨. પાયાનો ખાડો (આન્દ્રેઈ પ્લાનોતોવ)


‘તમારા માટે મનુષ્ય હોવું માત્ર એક ટેવ હશે, મારે માટે તો એ આનંદ ઉત્સવ છે.’ આવું કહેનારો કોઈ અન્ય ગ્રહથી ઊતરી આવેલો જીવ જ હોઈ શકે અને આ જીવ તે અન્ય કોઈ નહિ પણ વીસમી સદીનો રશિયાનો અત્યંત અસાધારણ લેખક આન્દ્રેઈ પ્લાનોતોય છે. પશ્ચિમના સાહિત્યમાં હજી એ એટલો જાણીતો નથી એનું કારણ કદાચ એ છે કે એનાં લખાણોનો અનુવાદ કરવો એ ખૂબ અઘરી વાત છે. વળી એ રશિયન રાજકીય જમાતનો પણ લેખક નથી, કે એનું ઝટ નામ લેવાય એ જુદા પ્રકારનો લેખક છે. કથાવસ્તુ પાત્રો પરાકાષ્ઠા કે ઉપસંહાર જેવું એની કૃતિઓમાં એકદમ ઓછું હોય છે. અનુભવો પણ એવા મૂકે છે કે જેને સંવેદવા પાંચ ઇન્દ્રિયોની બહારની ઇન્દ્રિયો જોઈએ. ભાષા તો એ બોલાતી રશિયન ભાષા જ વાપરે છે પણ એમાં એવા નાના નાના ફેરફારો કરી બેસે છે કે વાક્યે વાક્યે ફકરાએ ફકરાએ અર્થ ખોળવાઈ જતાં નવી જ લાગણી અને નવા વિચારનો સામનો કરવો પડે છે. આન્દ્રેઈ પ્લાનોતોવની નામના તો એના મરણ પછી થઈ છે. ૧૯૫૧માં ખૂબ ગરીબીમાં ક્ષય રોગથી એનું અવસાન થયું. જીવનનાં છેલ્લા વર્ષોમાં તો એ કોઈ સાહિત્ય સંસ્થાના મકાનમાં ચોકીદારની કોટડીમાં રહેતો હતો. પાનખરમાં પીળાં પાંદડાંના ઢગલા વાળતો. વર્ગો ભરવા માટે આવતા વિદ્યાર્થીઓ એને જોતાં, ખાસ તો સાંભળતાં પણ કોઈનું એના તરફ ધ્યાન નહોતું. કોઈક કહેતું કે આ ગાંડાએ થોડી વાર્તાઓ લખેલી છે. પ્લાનોતોવનો જન્મ ૧૮૯૯માં કોઈ નાના ગામમાં થયેલો. કુટુંબનો એ સૌથી મોટો દીકરો, દસ સભ્યોના પરિવારનું ભરણપોષણ નાની વયે એને માથે આવ્યું. પહેલાં ટ્રેન મિકેનિક, છાપખાનામાં ફોરમેન અને પછી કોઈ છાપામાં પત્રકાર તરીકે એ જુદાં જુદાં કામોમાં જોતરાયેલો રહ્યો. એની યુવાવસ્થા દરમ્યાન જ રશિયન ક્રાન્તિ થઈ. એની આસપાસનું જગત મોટી સામજિક ઊથલપાથલમાંથી પસાર થતું હતું, જેમાં ભાંગફોડ ઝાઝી અને રચનાત્મક કાર્ય ઓછું થઈ રહ્યું હતું. સમાજમાં ઠેરઠેર નવા માણસો નવા વર્ગો તા પર આવ્યા. નવી ભાષામાં વાત કરવા લાગ્યા. આ બૉલ્વેશિકોએ નવા વિશ્વનું વચન આપ્યું. ધરતી પર સ્વર્ગ ઉતારવાની, સંપૂર્ણ સુખની ખાતરી આપી પણ આ અંગે પ્લાનોતોવે એવી રીતે લખ્યું કે સાહિત્યના ક્ષેત્રમાં એને હાંસિયામાં ફેંકી દેવામાં આવ્યો. પ્લાનોતોવમાં રચનાત્મક કાર્યોનો ઉત્સાહ હતો પણ એ કોઈ સંપૂર્ણપણે રશિયન સામ્યવાદી વિચારસરણીને વરેલો નહોતો. આમ છતાં એ રશિયન સ્વપ્નસેવીઓથી જુદો નહોતો. રશિયન સ્વપ્નસેવી પોતાને અને પરિવારને જ સુખી કરવા નહોતો માગતો પણ માનવજાતને સુખી કરવાને અધીર હતો. એવું કહેવાય છે કે પશ્ચિમનો માણસ કોઈ નાનું યંત્ર શોધવાનું પસંદ કરે, જે ખરેખર કામ કરતું હોય, પછી ભલે એનું સામૂહિક ઉત્પાદન થાય. પણ રશિયનોને તો ભવ્યતાનો તાવ ચઢેલો હોય. અધીર થઈને જેવું તેવું આયોજન કરી નાંખે, મસમોટું, મહત્ત્વકાંક્ષી કદી કોઈએ કર્યું ન હોય તેવું ઊભું કરી નાંખે પણ એ ખરેખર કામ કરતું ન હોય. રશિયનેનો આ મિજાજ પ્લાનોતોવમાં વિચિત્ર રીતે ઊતર્યો છે.ગૌણ ગણાતી બાબતો પ્લાનોતોવનાં લખાણોમાં મુખ્ય બનીને આવે છે. પાત્રો કારણ વિના પ્રવેશે છે અને અદશ્ય થઈ જાય છે. એના નાયકો કોઈ મહત્ત્વની કામગીરીમાં સંડોવાયેલા હોય છે અને એમનું સમગ્ર ચિત્ત એમાં મૂકી દેતાં હોય છે પણ ભૂલભરી ગણતરી કે આપત્તિ એમની કામગીરીનું પરિણામ પૂરેપૂરું નષ્ટ કરી દે છે. અલબત્ત એમનું જીવન કીડી કે માખીની જેમ ભાંગી પડતું નથી પણ તરત એ નાયકો નવી સમજ અને સૂઝ સાથે નવા કામમાં લાગી જાય છે. પ્લાનોતોવનાં લખાણોમાં મુખ્ય વાત બુદ્ધિના અને હૃદયના સુખની છે. સુખ ખરેખર શું છે, સુખ કઈ રીતે અને શા માટે આવે છે, સુખને કઈ રીતે મેળવી શકાય, કઈ રીતે જાળવી વગેરેમાં રચ્યોપચ્યો પ્લાનોતોવ કોઈ મનુષ્ય નહીં પણ કોઈ અન્ય પ્રકારનો જીવ ભાસે છે. પ્લાનોતોવની ઘણી બધી શરૂની વાર્તાઓમાં ભૌતિકશાસ્ત્ર કે ટેકનોલોજી કલ્પી ન શકે એવા કોઈ તોતિંગ ઇલેક્ટ્રીક યંત્રની કલ્પના આવ્યા કરે છે. આ યંત્ર મનુષ્યની ઇચ્છાશક્તિ કે એના વિચારને આંટી મારે છે. આ યંત્ર દ્વારા આખી પૃથ્વીને ઊંધીચત્તી કરી શકાય દૂરના તારાઓને નાથી શકાય. નાના ગ્રહને સમુદ્રમાં તોડી પાડી વહાણને ડુબાડી શકાય, સમુદ્રમાં વિરાટ મોજું ઉછાળી શકાય – એવું એવું કલ્પનામાં આવે છે છતાં આ વૈજ્ઞાનિક કથાઓ નથી. પ્લાનોતોવના નાયકો કુદરતી પરિબળોનો કબજો લઈ પોતાનો વિનાશ નોતરે છે. પ્લાનોતોવ માને છે કે આજે યા કાલે માનવવિચારની શક્તિ કશુંક પહેલાં ન હોય એવું શોધી કાઢશે અને પછી સુખ જ સુખ હશે. રોજિંદા પશ્ચિમની યાતનામાંથી મુક્તિ હશે. પ્લાનોતોવની વાર્તાઓમાં આવતી આવી વૈજ્ઞાનિક બબાલો એ કોઈ પાત્રોની હાંસી ઉડાડવા માટે નથી આવતી. પ્લાનોતોવની એમાં પૂરી આસ્થા રહેલી છે. એક પત્રમાં પ્લાનોતોવ લખે છે કે ખેતરો, ગ્રામપ્રદેશ, એની માતા કે ચર્ચના ઘંટારવ ઉપરાંત સ્ટીમ એન્જિન, યંત્રો, તીણી વ્હીલસોને પણ એ ચાહે છે એ માને છે કે બધું માનવસર્જિત છે અને કશું આપમેળે નથી આવતું. ત્યાં સુધી કહે છે કે એ એવા ભ્રમમાં હતો કે માણસો બાળકોને પણ કોઈ ફેક્ટરીમાં બનાવતા હશે. છોડવા, ભિખારીઓ, ઇલેક્ટ્રીસિટી, લોકોમોટિવ એન્જિન, વ્હીસલ — ધરતીકંપ આ બધા વચ્ચે કોઈ કડી છે. આ બધાં પર એકસરખાં જન્મનિશાન છે. ઊગતું ઘાસ અને કામ કરતું વરાળ એન્જિન બંનેની એક જ પ્રકારની યાંત્રિકતા છે. પ્લાનોતોવે એની જાણીતી રચના ‘પાયાનો ખાડો’ (ધ ફાઉન્ડેશન પિટ)માં આથી જ દર્શાવ્યું છે કે આ એવું વિશ્વ છે ત્યાં પ્રાણીઓ ઘાસ, પથ્થર, વીજપ્રવાહ, માનવીઓ એટલે કે ચેતન અને જડ– બધું જ એના પાયામાં સમાન અને એક સરખું છે. આ બધાં હયાતી ધરાવે છે. આ હયાતી પાછળ જે ‘યાતના છે અને પ્લાનોતોવ સફળ યાતના’ કે ‘શૌર્યપૂર્ણ યાતના’ કહે છે. પ્લાનાતોવને મતે દુઃખ જરૂરિયાત, અસુખ આ બધું તો વેઠીએ છીએ પણ આપણે સુખ, પ્રેમ અને આનંદ પણ વેઠીએ જ છીએ. પ્લાનોતોવની હયાતીમાં એનું બહુ જ ઓછું સાહિત્ય પ્રકાશિત થયું છે. જેમ જેમ એના અનુવાદો હવે પ્રગટ થતા આવે છે તેમ તેમ એ જુદા પ્રકારનો લેખક છે એવી ખાતરી સાહિત્યજગતને થતી આવે છે.