ગંધમંજૂષા/મહાપ્રસ્થાન (પદ્યનાટક)
મહાપ્રસ્થાન (પદ્યનાટક)
ધર્મ :
કાળમાં વિલીન થયો છે કુરુક્ષેત્રનો રોદનધ્વનિ, યુધિષ્ઠિરના
રાજ્યાભિષેકનો વિજયધ્વજ
કુરુકુળનો નાશ જોઈ પોઢ્યા છે ભીષ્મ.
યોગમાં લીન થઈ વિદૂરે યુધિષ્ઠિરમાં વિસર્જિત કર્યા છે પોતાના પ્રાણ.
અરણ્ય હુતાશમાં ચિતાએ ચડ્યા છે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી.
વૃષ્ણિકુળનો થયો છે વિનાશ.
સાગરતટની ક્રીડાસ્થલિ બની યાદવોની મૃત્યુસ્થલિ,
પ્રભાસક્ષેત્રમાં લીલા સંકેલી છે કૃષ્ણે,
બલરામ સમાયા છે શેષનાગમાં,
કાળને વશવર્તે છે વૃષ્ણિવંશ, ગાંધાર, પૌંડ્ર, અંધક, મગધ, ચેદિ કે કુરુકુળ
કીટ હો વા કુંજર, કાળની સર્વને લાગે છે ઝાળ.
હસ્તિનાપુરના સિંહાસન પર આરૂઢ યુધિષ્ઠિરને નથી ચેન
છાતી પરની વિજય વરમાળ કોરી રહી છે છાતીમાં.
રાજ શું આ શ્રીહીન રાજ્ય પર ?
કાળની ગતિ જાણી ધર્મમતિ યુધિષ્ઠિરે મહાપ્રસ્થાનનો કર્યો છે સંકલ્પ.
અંતિમ પ્રયાણ
અંતિમ પ્રસ્થાન – નવા આરંભનું.
ગૃહાગ્નિ, યજ્ઞાગ્નિ સાથે ક્રોધાગ્નિ, ઈર્ષાગ્નિ ઠારીને આવ્યા છે યુધિષ્ઠિર,
ધારણ કરી વલ્કલ.
ચાલી નીકળ્યા છે પંચતાપસો અને એક તાપસી.
તપથી દીપ્ત તાપસો.
ધર્મમોક્ષની કોઈ આકાંક્ષા વગર પાછળ પાછળ ચાલી આવે છે એક શ્વાન
ક્યારનુંય ક્ષિતિજ પાર છોડ્યું છે હસ્તિનાપુર.
દૂરસુદૂર દૃષ્ટિમાંથી વિલીન થયાં છે જનપદો.
સંભળાતા નથી માનવકુળના કેલિ કોલાહલો, ધેનુઓના હંભારવો.
ધીમે ધીમે હવે આછું થતું જાય છે અરણ્ય.
દૃષ્ટિપથ ૫૨ દેખાતા નથી હવે દેવદ્રુમ દેવદાર.
સંભળાતા નથી ઘાસના નાજુક શ્વાસ.
હવે તો બસ હિમ, હિમ જ હિમ - શાશ્વત હિમ.
છૂટ્યું છે બધું જ
નથી છૂટ્યું તો કેવળ કુરુક્ષેત્ર.
વિજય પછીય હંફાવતું કુરુક્ષેત્ર
પાંડવો અને પાંચાલી ભીતર રહેલું કુરુક્ષેત્ર અસટ રણક્ષેત્ર.
(પદધ્વનિ)
યુધિષ્ઠિર :
ચાલ દ્રૌપદી ચાલ
અમારી સાથે ભ્રમણ કરતાં જને-વને ગ્રામનગરે તારા દેહ પર નથી જોઈ મેં કલાંતિ
દૂર નથી હવે અંતિમ વિશ્રાંતિ.
ચાલ ઊઠ દ્રૌપદી, લાવ તારો હાથ.
દ્રૌપદી :
ના, મહારાજ
આ પથ પર તો પોતે જ કરવો રહ્યો પ્રવાસ.
રક્તના આવેગમાં ફલાંગી ગઈ હું અટવિ અને ભવાટવિ.
અંતિમપથ પર હવે સંચિત થઈ છે ક્લાંન્તિ.
યુધિષ્ઠિર :
‘મહારાજ' કહી ઉપહાસ ન કરો દ્રૌપદી !
સુવર્ણસિંહાસન, રાજદંડ, રાજમુકુટ અને રાજ્ય સાથે છોડ્યું છે બધું જ.
સહસા કોઈ બોધનક્ષણે ખરી ગયું છે એ સંબોધન.
હવે હું ન આર્યપુત્ર, કે તું આર્યા કે ભાર્યા
આપણે સહુ તો મુક્તિપથના પ્રવાસી.
દ્રૌપદી :
નહીં ચાલી શકાય હવે. સુખેથી સિધાવો સહુ,
(ધરણી પર ઢળી પડતી દ્રૌપદી)
ભીમ :
ધર્માત્મા ! આ મોક્ષમાર્ગમાં પતિપરાયણ દ્રૌપદી કેમ લથડી પડી ? શો છે તેનો દોષ ?
યુધિષ્ઠિર :
જીવનભર ગુપિત રાખ્યો જે વ્રણ આજે કરું છું ઉજાગર પાંચાલી પાંચ પાંડવોની ભલે હો ભાર્યા પણ અંતરતમથી વિશેષ પ્રેમ કર્યો અર્જુનને તે જ તેનો દોષ. આપણો ::સહિયારો મર્મ
દ્રૌપદી (સ્વગત) :
ઉપાલંભ ન આપો મહારાજ.
હા,
અર્જુનને મેં પ્રેમ કર્યો વિશેષ.
મત્સ્યવેધ કરી અર્જુને જીતી મને.
પણ જીવનભર જીતી ન શકી અર્જુનને.
વિદ્ધ મત્સ્ય જેમ તરફડતી રહી સતત.
અર્જુનને મેં પ્રેમ કર્યો વિશેષ
પણ એ ક્યાં મારો રહ્યો શેષ ?
તે તો વહેંચાયો સુભદ્રા, ઉલૂપિ, ચિત્રાંગદામાં,
ને રહેંસાઈ હું.
પણ ના,
તે તો કદાચ રહ્યો કેવળ કૃષ્ણનો... કેવળ કૃષ્ણનો.
દ્રુપદનંદિની, પાંચાલી કુરુકુલસામાજ્ઞી
હું આજે ફરી નાથવતી અનાથવત્.
નિષ્ઠુર ક્રૂર ઠંડો પવન દેશે છે મારા અંગને, ખેંચે છે મારા વલ્કલ.
પણ હવે કોઈ નથી લજ્જા
હિમે સજાવી છે મારી સજ્જા.
યાજ્ઞસેની હું દ્રૌપદી
વહ્નિશિખાની જેમ સળગતી રહી અહર્નિશ ક્યારે પ્રજળી, ક્યારેક કજળી.
જ્વાલામુખી જેમ રહી ફુત્કારતી
ક્યારેક ઘુંઘવાઈ,
ક્યારેક ભભૂકી સળગી, તો
ક્યારેક સળગાવ્યું.
મારી આગને ક્યારેક તેં ઠારી ભીમ, આજે ઠા૨શે આ હિમ.
સ્વર્ગને દ્વાર ભલે જાવ ધર્મરાજ, ભીમ, પાર્થ, નકુલ ને સહદેવ
હું તો ઠરીશ આ હિમમાં,
હિમ !
આજે ઠાર તું આ યજ્ઞવેદીજ્ઞા યાજ્ઞસેનીના દેહને ઠાર તું જ્વાલામુખીશા મારા ચિત્તને.
(પાંડવોનું પ્રયાણ. સહસા સહદેવના પડવાનો અવાજ.)
ભીમ :
ભ્રાતા યુધિષ્ઠિર ! સદૈવ શુશ્રૂષારત અહંકારરહિત
માદ્રીનંદન સહદેવનું પતન કયા દોષથી થયું ?
યુધિષ્ઠિર :
ભ્રાતા ભીમ ! સહદેવને અહંકાર હતો તેની બુદ્ધિનો, ત્રિકાળવ્યાપ્ત તેના જ્ઞાનનો.
સહદેવ (સ્વગત) :
જાઓ, સર્વે સુખેથી સિધાવો સ્વર્ગે
ઉચ્છિષ્ટ જેમ પડી રહેવા દો મને.
ત્રિકાળજ્ઞાન એ શું વરદાન ?
વરદાન સાથે જ કોઈ પરોવી ગયું છે શાપ.
ભોગવાયેલું ભોગવ્યું,
જિવાયેલું જીવ્યો,
મરણ પહેલાંય મર્યો.
જીવિતોને જોયા મૃત-વિસ્મૃત
જ્ઞાનવૃશ્ચિકના અંતિમ અંકોડાનો લાગ્યો છે દંશ-દાહક છે પીડા.
કામિની કૃષ્ણામાં
ક્યારેક દેખાતી ચંચળબાળા
તો ક્યારેક ગલિતગાત્ર ક્ષેતકેશા વૃદ્ધા.
સંભ્રમથી ભમી ઊઠતું ચિત્ત.
ઉન્કત થઈ ઊઠેલો કામ
અચાનક થઈ જતો શાંત.
માસ, પક્ષ, પ્રહર ઘટિકા નહીં
પણ
નિમિષમાત્ર જો સૂચ્યગ્ર ક્ષણ એક વર્તમાનની મળી હોત તો
વસાવ્યું હોત મેં તેના ૫૨ એક હસ્તિનાપુર.
અસ્તિ-નાસ્તિના અંતિમો પર ભટકતા મનનું આશ્રય હોત એ હસ્તિનાપુર.
ભલે
ક્ષણ બે ક્ષણ હો
પણ શાંતિ મળી છે મહામના યુધિષ્ઠિરને,
શાંતિ મળી છે વીર અર્જુનને,
મહાબલિ ભીમને,
સુદર્શન નકુલને,
સદાય પ્રજળતી દ્રૌપદીને.
ને હું ?
હું ચિર અશાંત
ગત આગત અનાગતના સૂત્રને ગૂંચવતો ગૂંચવતો ગૂંચવાતો,
ઉકેલી ન શક્યો સમયના સળંગસૂત્રને.
કાળતટ પર સ્થિર...
તોય હું ન તટસ્થ.
ક્ષણ એક જો કુંવારી મળી હોત !
ભલે ન જોઉં સ્વર્ગનું દ્વાર
પણ હવે આ લઈ લો જ્ઞાનનો ભાર
ગળવા દો મને હિમમાં જ.
(પાંડવોનું પ્રયાણ. નકુલના પડવાનો ચિત્કાર)
ભીમ :
રાજન ! મનોહર ધર્માત્મા બંધુપ્રિય નકુલનો કેમ થયો પાત ?
યુધિષ્ઠિર :
પુરુર્ષભ ભીમ ! અપ્રતિમ રૂપનો ગર્વ એ દોષ હતો નકુલનો.
નકુલ (સ્વગત):
વીતી ગયેલી વસંત પછી શિશિરના આ પ્રપાતે
હું નકુલ પામ્યો કે
રૂપ એ જ ક્યાં છે સ્વરૂપ ?
સ્વરૂપ તો ઓળખ્યું ધર્મવેત્તા તમે, માત્ર તમે જ.
હું તો પુરાયેલો રહ્યો રૂપની રેખાઓમાં.
અને ક્યાં ગયું મારું એ રૂપ ?
દ્રૌપદીને આવેગથી સાહવા
દૃઢ આશ્લેષમાં બાંધવા છતાંય
સર્પની જેમ સરી ગયું છે મારા હાથમાંથી તેનું રૂપ
અને તેના હાથમાંથી મારું.
દેહ બને છે દેહનું સ્મારક.
અશ્વવિદ્યાવિદ્ હું નકુલ
જોઉ છું કે કાયા પલાણીને
ઊડતી ઝાળ જેવી કેશવાળી લઈ
પુરપાટ દોડી ગયો છે અશ્વ.
ડાબલાંય હવે દૂરસુદૂર...
... પડી રહ્યાં છે હવે માત્ર પગલાં પવન અને હિમની રાહમાં.
આ રૂપને હવે ભલે રેલાવે હિમ.
(શેષ પાંડવોનું પ્રયાણ અર્જુનના પડવાનો અવાજ)
ભીમ :
ધમાર્થદર્શિન મહાપ્રાજ્ઞ યુધિષ્ઠિર
પરિહાસમાં પણ જેણે અસત્ય ઉચ્ચારણ નથી કર્યું.
તેવો પરાક્રમી શ્વેતવાહન અર્જુન પણ પડ્યો.
એ કયા કર્મનું ફળ ?
યુધિષ્ઠિર :
ઋજુ આ અર્જુનને હતું અભિમાન તેના શૌર્યવીર્યનું.
અપમાનિત કર્યા તેણે ધનુર્ધરો એ જ એનું સ્ખલન.
અર્જુન :
હતપ્રભ, હતવીર્ય છે આજે આ બલિષ્ઠ અર્જુન.
દસ્યુ બની કાળ જ હરણ કરી ગયો મારું બળ.
હવે મહાપ્રસ્થાનપર્વે
યુદ્ધ છે તો માત્ર જાત સાથે,
એ જાણવા છતાંય છોડી ન શક્યો ગાંડિવનું મમત્વ.
ધિક્...!
ધિક્ છે મને.
સમુદ્રના ઉદ્બેલિત મોજાં જેવી યુદ્ધોન્મત્ત સેનાઓ થંભાવી
કૃષ્ણે મને જ આપ્યું જે ગીતાજ્ઞાન,
તે જ મિથ્યા કર્યું મેં.
પ્રેમ અને પરાક્રમ એ જ શું મારી ઓળખ ?
શુભદર્શના દ્રૌપદી, નાગકન્યા ઉલૂપી, ક્ષાત્રરમણી ચિત્રાંગદા
સુહાસિની સુભદ્રા કરતાંય વિશેષ પામ્યો કૃષ્ણ પાસેથી
કૃષ્ણ પાસે યુધિષ્ઠિર ભીમ પામ્યા પ્રણામ
નકુલ સહદેવ આશીર્વાદ
આલિંગન તો પામ્યો માત્ર હું જ.
પણ મેં શું આપ્યું કૃષ્ણને ?
ખાંડવદહન પ્રસંગે ઇન્દ્ર પાસે મેં માગ્યાં અસ્ત્રશસ્ત્ર
અને
કૃષ્ણે કામના કરી પાર્થ પ્રત્યે શાશ્વતપ્રેમની.
ગાંધારીના શાપનું નિમિત્તે અમે - પાંચ પાંડવો અને હસ્તિનાપુરનું રાજ્ય
પણ હતપુત્ર, હતકુલ, હતાજ્ઞાતિ થઈ એ શાપ ભોગવ્યો કૃષ્ણે.
ધાર્યું હોત તો કૃષ્ણ મિથ્યા કરી શક્યા હોત તે શાપને.
પણ શિરોધાર્ય કરી એ શાપ - મર્યા તુચ્છ મરણ.
હવે વધતું જાય છે કૃષ્ણનું કર્ષણ.
અસ્ત્રવિદ્યા પરીક્ષા પ્રસંગે
પૂછ્યું હતું દ્રોણે
‘સામે શું દેખાય છે વત્સ ?’
અભિમાનથી કહ્યું હતું મેં
‘દેખાય છે એક આંખ-નાનકડી લાલ ચળકતી.’
એ લક્ષવેધમાં જ ચુકાઈ ગયું સચરાચરનું લક્ષ.
ચિરમતિ યુધિષ્ઠિરને જ થયું સમગ્રનું દર્શન.
આજે
અમથો એવો કંપ
પ્રકંપિત થાય છે. ભીતર ફોરતી આવે છે કસ્તૂરીની ગંધ.
હવે કોઈ વેધ નહીં
કોઈ લક્ષ નહીં
સચરાચર સૃષ્ટિ જ હવે લક્ષ.
બે બે વાર સેવ્યો છે વનવાસ હવે સેવવો છે મનવાસ.
કરી છે નાગલોક ભૂલોક સ્વર્ગલોકની લક્ષહીનયાત્રા હવે અનંતયાત્રા.
જીવનપટ પર પૂરું થયું છે વિરાટનાઢ્ય શ્વેતહિમની જવનિકા પાછળ હવે નેપથ્યમાં જવાનો થયો છે સમય.
(પાછળ ભીમના પડવાનો અવાજ)
ભીમ :
રાજન્ આપનો પ્રિય એવો હું ભીમસેન પણ આ પડ્યો.
કહો રાજન્ શો છે મારો દોષ ?
યુધિષ્ઠિર :
પુરુષર્ભ ભીમ, તું સદૈવ રહ્યો અતિભુક્ત અને ક્રોધી
એ છે તારા પતનનું રહસ્ય.
ભીમ (સ્વગત) :
હું ભીમ
કુરુક્ષેત્રમાં મેં ઢગલો ઢાળ્યા ઢીમ
હવે હિમમાં હિમ.
વૃક્ષ પરથી કોઈ ઝંઝંડે જેમ ફળ
તેમ મેં ઝંઝેડ્યાં કૌરવબાળ.
આજે અમને એક પછી એક ઝંઝેડે છે કાળ.
ફેંક્યાં મેં ગદા, તોમરો, શક્તિઓ સહસ્ર
આજે ફેંકાઈ ગયો છું હું.
ઊંચક્યા દશેય દિગ્ગજોને એક બાવડે
પણ હવે ઊંચકાતી નથી મારી જ ભુજા.
કોણે શોષી લીધું આ બલિષ્ઠ બાહુઓનું બળ ?
હું જાણું નહીં ફૂલ બકુલ કે મન સંકુલ.
હું તો ભામિનીનો ભક્ત,
તેના કેશમાં સિંચ્યું દુઃશાસનનું રક્ત.
દ્રૌપદીના એ રક્તચૂડામાંથી વહે છે ઉષ્ણરક્ત - ધવલ હિમને ઓગાળતું
હિમમાં ભળે છે દુર્યોધનના ઉરુભંગનું રક્ત.
દુઃશાસનની છાતીનો રક્તધરો. જ્વાલામુખી જેમ ફુત્કારે છે રક્તને
રક્ત-લાવા દઝાડે છે મને હિમમાં.
આજે આ હિમગિરિમાં ગાંધારીએ જોયેલું કુરુક્ષેત્ર આજે છેક દેખાય છે :
રુદ્રની ક્રીડાસ્થલિ જેવી રણભૂમિ
રક્તકદર્મથી દલદલ થઈ ઊઠેલું ક્ષેત્ર
દશેય દિશાઓના દરવાજે લટકે છે વિદિર્ણગાત્રો.
ચૂંથાયેલાં, ચેપાયેલાં રક્તનીંગળતાં અંગો
આકાશમાં કાળાં વાદળોની જેમ મંડરાતા શ્યેન. બાજ અને ગીધનાં ઝુંડ
રાજીવલોચન આંખોને ઠોલતા કાગડાઓ.
આભૂષણોને ખેંચતાં ગીધો.
હાથમાં પતિનું મસ્તક લઈ વિહ્વળ બની ધડ શોધતી
તો કોઈ કપાયેલા હાથ ઢસડતી, ટીટોડીની જેમ આક્રંદ કરતી કુલવધૂઓ.
તેમના વિલાપનો અસ્પષ્ટ અવાજ
ઘોર પ્રતિઘોષ બની પડઘાય છે આ શાંતિમાં.
ઉગ્ર આવેગી ચંડમૂર્તિ હું ભીમ
હવે શાંતિથી રાહ જોઉં છું મૃત્યુની.
લાક્ષાગૃહની ઝાળથી બચ્યા તો અહીં હિમમાં ઢળ્યા.
સર્વત્ર હિમ.
નિષ્ઠુર દૈવ જેવું હિમ-હિમ મૃત્યુ જેવું.
આ અંતિમ પડાવે શાતા આપો ઓ હિમ !
યુધિષ્ઠિર :
એક પછી એક છૂટ્યો સર્વનો સંગ
પ્રિય પાંડવો પાંચાલીનો સંગ,
તોય હું નહીં નિઃસંગ.
આત્મસંગ જ સાચો સંગ એ જ સાચો રંગ.
આત્માર્થે પૃથ્વી તજવાનો હવે આવી ગયો છે કાળ.
અર્જુનભીમની ભ્રાતૃભર્ત્સનાની,
પાંચાલીના વલવલતા વિલાપની, કલકેલિની,
રાજ્યાભિષેકના જયઘોષની,
નથી હવે કોઈ સ્મૃતિ.
પૂર્ણ થયું છે પક્ષ માસ ઋતુ સંવત્સર
જન્મજન્માન્તરનું આવર્તન.
ચાલ શ્વાન, ચાલ મારા ચિર સાથી શ્વાન, જ્યાં ધર્મનું જ હો પ્રવર્તન.
અઢારમા દિવસે જ મળી ગયો જીતનો સ્વાદ
મૃગયા કરવા નીકળ્યા
ને હાથમાં આવ્યું એક કરાલ કંકાલ.
જાણે અજાણે કોણે વાવ્યાં આ વેરનાં બીજ ?
દ્રુપદે ? દ્રુપદનંદિનીએ ? અંબાએ ? પિતામહ ભીષ્મે ?
કે સ્વયં કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે ?
દુર્યોધનનો નથી જોતો કોઈ દોષ.
દોષ નથી પુત્રાસક્ત ધૃતરાષ્ટ્રનો.
દોષ કદાચ દૈવનો
કે
સહુનો સહિયારો.
દૈવદોષે જ કુરુક્ષેત્ર બન્યું. વેરનું વિષક્ષેત્ર.
– તેની વિષાક્ત જ્વાળામાં સુકાયું શોષાયું સળગ્યું ભસ્મ થયું બધું.
અકળ છે દૈવની લીલા.
આજીવન બ્રહ્મચર્યની ઘોર પ્રતિજ્ઞા કરી જે ભીષ્મે તે જ આજીવન ગૂંચવાયા કુરુકુળ સંસારમાં.
સૂર્યપુત્ર કર્ણ રહ્યો અહર્નિશ અંધકારમાં પ્રજળતો.
– મરણોત્તર જ પામ્યો ક્ષાત્રોચિત શ્રાદ્ધવિધિનું માન.
મહાજ્ઞાની વ્યાસપુત્ર વિદૂર પર જ લાગ્યું હીનકુળનું લાંછન.
નરપુંગવ અર્જુન બૃહનલ્લા બની નાચ્યો વિરાટની સભામાં.
પુષોત્તમ કૃષ્ણને મળ્યું પારધીના હાથે તુચ્છ મરણ,
અંધ ગંધારીએ ખોલ્યાં નેત્રો ને જોયો કુરુકુળનો વિનાશ.
પરીક્ષિતમાં જ બસ બચી હવે પાંડવકુળની આસ.
હું સત્યાગ્રહી
ને મારા મુખે જ ઉચ્ચારાયું અસત્ય.
વિજય રૂપે જ મળ્યો પરાજય.
અકળ છે દૈવની લીલા.
હસ્તિનાપુરની ચતુર્સીમાને બેડીની જેમ છોડીને આવ્યા પછી હવે
અષ્ટદિશાવ્યાપી ક્ષિતિજનું નથી આહ્વાન.
આહ્વાન હવે ઊર્ધ્વનું.
ચાલ શ્વાન, ચાલ હજી અધૂરું છે આરોહણ
વિરાટ આ સભામાં ગુપ્તવેશે છે સર્વ.
રૂપમાં ગોપિત અરૂપને, સ્વરૂપને ઓળખવાનો કર્યો સર્વે યત્ન.
ચાલ શ્વાન, ચાલ હજી અધૂરું છે આરોહણ.
(આકાશમાંથી વિમાનમાં ઇન્દ્રનું પ્રગટીકરણ – સાંકેતિક સંગીતથી)
યુધિષ્ઠિર
પ્રણામ દેવાધિદેવ ઇન્દ્રને.
ઇન્દ્ર :
ધર્મરાજા યુધિષ્ઠિર, હું આવ્યો છું આપને સદેહે સ્વર્ગે લઈ જવા
પધારો, આરૂઢ થાવ આ વિમાનમાં.
યુધિષ્ઠિર :
દેવાધિદેવ ! આપને એક વિનંતી છે.
અંત સુધીનો મારો સાથી આ મારો ભક્ત શ્વાન પણ સ્વર્ગમાં
આવશે મારી સાથે.
ઇન્દ્ર :
શ્વાનનો સ્વર્ગપ્રવેશ નિષિદ્ધ છે ધર્મવેત્તા યુધિષ્ઠિર
છોડ્યું. આપે દિગંતવ્યાપ્ત હસ્તિનાપુરનું સામ્રાજ્ય
પથમાં જ છોડ્યા ભ્રાતા અને ભાર્યા ત્યારે આપે
એક વાર પણ પાછું વળીને જોયું સુધ્ધાં નથી.
તો, શા માટે આટલું મમત્વ આ હીન પ્રાણી માટે ?
યજ્ઞ જેનાથી ભ્રષ્ટ થાય છે, ચાંડાલોનો જે નિત્ય સાથી છે
એવા અપવિત્ર શ્વાન માટે શોભે નહીં આટલું મમત્વ.
છોડો શ્વાનને.
આપ મારી સાથે પધારો વિમાનમાં.
યુધિષ્ઠિર :
હસ્તિનાપુરનું રાજ્ય એ મારું નહીં ભગવન
–એ તો મારા પૂર્વજોનો વારસો અને ઉત્તરાધિકારીઓની થાપણ
ભ્રાતા કે ભાનિ ત્યજ્યા નથી મેં પથમાં જ છૂટી ગયાં છે તે
આ શ્વાન તો છેક હસ્તિનાપુરથી રહ્યો છે મારી સાથે. આવ્યો છે મારા શરણે.
શું પવિત્ર શું અપવિત્ર
પ્રત્યેક જીવમાં દૃષ્ટિ જુએ સમત્વ.
કરું હું પ્રાણત્યાગ પણ શરણે આવેલાનો કેમ કરું ત્યાગ ?
શ્વાન વગર સ્વર્ગનું સુખ મારે મન દુઃખ
આપ સુખેથી સિધાવો સ્વર્ગે
(આકાશ તરફ દૃષ્ટિ કરીને)
છલના ન કરો દેવ
નહુષ, બક, નકુલ બની છદ્મવેશે
શા માટે લો છો મારી પરીક્ષા, ફરી ફરી એ જ પરીક્ષા
તમે મારા ગુરુ, તમે મારા તાત આવો હવે સાક્ષાત
(ધર્મ રૂપે શ્વાનનું પ્રગટીકરણ)
અરે ! ક્યાં અદૃશ્ય થયો શ્વાન ?
ઓહ !
પિતા ! તો શ્વાન રૂપે તમે જ છાયા બની રહ્યા મારી સંગ !
ધર્મ :
ધન્ય છે વત્સ.
તું સદૈવ રહ્યો જ્ઞાનાર્થી - મારો પરીક્ષાર્થી.
દેહમાં રહી તું રહ્યો વિદેહી.
ભલે નથી તારા જીવનમાં પ્રેમ - પરાક્રમના સુવર્ણશ્રૃંગો
પણ
અનેકાનેક નદીઓના સંસ્કાર સિંચન કરી જનપદપોષક
ગંભીર વહેતા નદની જેમ વહ્યું તારું જીવન.
વીતરાગ વીતમન્યુ થઈ તેં ભોગવ્યું જીવન.
એક અબોલ પ્રાણી માટે તે તજ્યું સ્વર્ગ.
ધન્ય છે વત્સ,
તને,
માત્ર તને જ છે સદેહે સ્વર્ગનો અધિકાર
આવ, તને લેવા આવ્યો છે ઇન્દ્ર, મરુત અને અશ્વિનિકુમાર
જો
આ આ ખૂલ્યાં સ્વર્ગનાં દ્વાર
યુધિષ્ઠિર :
પિતા ! ભલે પોયણાંની જેમ ખૂલ્યાં સ્વર્ગનાં દ્વાર
સ્વર્ગ માત્ર પાંડવોને ?
જીવમાત્ર તો અહીં આ ધરતી પર
સ્વર્ગની સન્મુખ સમજાઈ છે પૃથ્વીની માયા.
હિમગિરિથી ઊર્ધ્વ કોઈ સ્વર્ગે નથી કરવું આરોહણ.
હું ચાહું અવરોહણ નાનકડા નિર્ઝર જેવું,
જે નાદ કરતું બંકિમ કંદરાઓ ઉપત્યકાઓમાં વહી નદી બની
વનપ્રાંત૨ જનપદને સીંચે યુગોયુગો સુધી.
મારે નથી ભળવું શતભિષા, બાણરજ, અભિજિત કે કૃત્તિકામાં, મારે ભળવું આ મૃણ્મય મૃત્તિકામાં.
જ્યાં હિમમાં હિમ થઈ ઢળ્યા છે અનુજ ભીમ, અર્જુન, નકુલ ને સહદેવ.
જ્યાં ભસ્મરૂપે ભળ્યા છે પિતા પાંડુ, માતા માદ્રી અને કુંતી. યોગેશ્વર કૃષ્ણ.
પિતાસમ વિદૂર, પિતામહ ભીષ્મ, ભ્રાતા કર્ણ અને દુર્યોધન
પૂર્વજોની ભસ્મ સાથે ભળ્યા છે જ્યાં અમારા પુત્રો.
જ્યાં લહેરાય દેવવ્રૂમ દેવદાર ભુર્જ અને અશ્વત્થ
જ્યાં સંભળાય ઘાસના શ્વાસ
જ્યાં વિહરે કુંજ કુરંગ અને કીટ
તે મૃણ્મય મૃત્તિકામાં ભળી જવા દો મને.
હું પૃથાપુત્ર
સર્વમાં શેષ થઈ શોધું મને
સિધાવો પિતા ધર્મરાજ !
આપ સિધાવો સ્વર્ગે
મને સ્વીકારો એ માતા પૃથ્વી !
સ્વીકાર કરો મારો માતા.
સ્વીકારો.