નારાયણ દેસાઈ
દેસાઈ નારાયણ મહાદેવભાઈ (૨૪-૧૨-૧૯૨૪) : ચરિત્રકાર, અનુવાદક. જન્મ વલસાડમાં. જાણીતા સર્વોદય કાર્યકર. સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછીના સંચાલક. ‘પાવન પ્રસંગો’ (૧૯૫૨) અને ‘જયપ્રકાશ નારાયણ' (૧૯૮૦) એમની ચરિત્રાત્મક પુસ્તિકાઓ છે. ગાંધી કથાંક હશે ભારતમાં ગીત-સંવાદોમાં લખાયેલી કટાક્ષિકા છે. ‘સામ્યયોગી વિનોબા (૧૯૫૩), ‘ભૂદાન આરોહણ' (૧૯૫૬), ‘મા ધરતીને ખોળે' (૧૯૫૬), ‘શાંતિસેના' (૧૯૬૬), ‘સંત સેવતાં સુકૃત વાધે' (૧૯૬૭), ‘સર્વોદય શું છે?’ (૧૯૬૮), ‘ગાંધીવિચારી જૂનવાણી થઈ ગયા છે?’ (૧૯૬૯), ‘અહિંસક પ્રતિકારની કહાણી' (૧૯૭૫) વગેરે ગાંધીજીના આચારવિચારમાં રહેલી જીવનદૃષ્ટિનું મૂલ્યાંકન કરતાં અને ભૂદાન. પ્રવૃત્તિ વિશેનાં પુસ્તકો છે. ‘સોનાર બાંગ્લા' (૧૯૭૨) અને ‘લેનિને અને ભારત' (૧૯૭૬) ઇતિહાસ અને રાજકારણને લગતાં પુસ્તકો છે. ‘વેડછીનો વડલો' (૧૯૮૪)નું એમણે સંપાદન કર્યું છે. ‘માટીનો માનવી' (૧૯૬૪) અને ‘રવિછબી' (૧૯૭૯) એમના અનુવાદો છે.