એકોત્તરશતી/૧૪. વસુન્ધરા
અયિ વસુન્ધરે, મને પાછો લઈ લે, ખોળાના સંતાનને તારા ખોળામાં વિપુલ અંચલ નીચે. હે મા મૃણ્મયી, તારી મૃત્તિકામાં વ્યાપીને રહું, વસંતના આનંદની પેઠે પોતાને દિશાઓમાં ફેલાવી દઉં, આ છાતીનું પંજર ચીરી નાખીને પથ્થરનું બાંધેલું સાંકડી દીવાલવાળું પોતાનું આ નિરાનન્દ અંધ કારાગાર તોડી નાખીને—હિલોળા લેતો, મર્મરધ્વનિ કરતો, કંપતો, સ્ખલન પામતો, વિખેરાઈ જતો, ફેલાતો, ધ્રૂજતો—ચમકતો પ્રકાશ અને પુલકથી સમસ્ત ભૂલોકમાં એક છેડેથી બીજે છેડે, ઉત્તરમાં અને દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં વહેતો વહેતો ચાલ્યો જાઉં; શેવાળમાં હરિયાળીમાં ઘાસમાં શાખામાં વલ્કલમાં પત્રમાં નિગૂઢ જીવનરસથી સરસ બની જાઉં; અંગુલિનાં આંદોલનથી સાનેરી ડૂંડાંથી લચી પડેલાં ધાન્યનાં ખેતરોને સ્પર્શી જાઉં; નવાં પુષ્પદલને ગુપ્ત રીતે સુવર્ણ રેખાથી, સુધાગંધથી અને મધુબિંદુભારથી ભરી દઉં; મહાસિંધુનાં નીરને નીલિમાથી પરિવ્યાપ્ત કરી દઈને સ્તબ્ધ ધરણીના અનંત કલ્લોલગીતે તીરે તીરે નૃત્ય કરું; ઉલ્લાસભર્યા રંગથી તરંગે તરંગે દિગ્દિગંતરમાં ભાષા ફેલાવી દઉં; શૈલશૃંગ ઉપર નિષ્કલંક નીહાર(બરફ)ના ઉત્તુંગ નિર્જનમાં, નિઃશબ્દ એકાંતમાં શુભ્ર ઉત્તરીયની પેઠે પોતાને બિછાવી દઉં. જે ઇચ્છા મારા અજાણતાં લાંબા સમયથી ગુપ્ત રીતે મનમાં ઝરણાંની પેઠે જાગ્યાં કરે છે, હૃદયના ચારે ખૂણા ધીમે ધીમે પરિપૂર્ણ કરીને ઉદ્વેલ, ઉદ્દામ, મુક્ત, ઉદાર પ્રવાહથી તને સિંચવાને માટે બહાર નીકળવા ચાહે છે; તે રૂંધાયેલી(વ્યથિત) વાસનાને બન્ધમુક્ત કરી દઈને કરોડો ધારે દેશે દેશે અને દિશાએ દિશામાં અંતર ભેદીને કેવી રીતે મોકલીશ? માત્ર ઘરના ખૂણામાં બેઠો બેઠો કુતૂહલને વશ થઈને કોણે કોણે દેશ દેશાંતરમાં ભ્રમણ કર્યું છે તેનું લુબ્ધચિત્તે સદા અધ્યન કર્યા કરું છું, મનમાં મનમાં કલ્પનાની જાળ વડે તેમની સાથે સાથે હું તને વીંટી વળું છું. અત્યંત દુર્ગમ દૂરનો દેશ,— પથશન્ય, તરુશૂન્ય અનંત વેરાન પ્રદેશ, મહાપિપાસાની રંગભૂમિ; તડકાના પ્રકાશથી બળતી રેતી આંખમાં સોય ભોંકે છે; જાણે દિગન્ત સુધી વિસ્તરેલી ધૂલિશય્યા ઉપર જ્વરથી પીડાતી તપ્તદેહ, વહ્નિજ્વાલામય ઉષ્ણશ્વાસ, શુષ્કકંઠ, સંગીહીન, નિઃશબ્દ, નિર્દય વસુન્ધરા પડી પડી આળોટે છે, કેટલાય દિવસ ઘરને ખૂણે બારીમાં બેઠાં બેઠાં સામે જોઈ રહીને મેં દૂર દૂરનાં દશ્યો મનમાં ને મનમાં આંક્યાં છે.- ચારે બાજુ શૈલમાલા છે, વચમાં નિસ્તબ્ધ, એકાંત, સ્ફટિકના જેવું નિર્મલ સ્વચ્છ નીલ સરોવર છે; ખંડ મેઘો માતૃસ્તનપાનરત શિશુની માફક શિખરને વળગીને પડ્યા છે; નીલગિરિશ્રેણી ઉપર હિમ રેખા દૃષ્ટિને રૂંધતી દૂરથી દેખાય છે, જાણે યોગમગ્ન ધૂર્જટિના તપોવનદ્વારે હારની હાર નિશ્ચલ નિષેધ સ્વર્ગને ભેદીને ખડા છે. મનમાં ને મનમાં દૂર સિંધુપારના ધ્રુવ પ્રદેશમાં મહામેરુના દેશમાં ફર્યો છું—જ્યાં ધરાએ અનંત કુમારીવ્રત લીધું છે, હિમનાં વસ્ત્રો પહેર્યાં છે, નિઃસંગ છે, નિસ્પૃહ છે, બધાં આભરણોનો ત્યાગ કર્યો છે; જ્યાં દીર્ઘ રાત્રિ પછી શબ્દશૂન્ય સંગીતવિહીન દિવસ પાછો આવે છે. રાત્રિ આવે છે, (પણ) ઊંધનાર કોઈ નથી, (એટલે) અનંત આકાશમાં તે શૂન્યશય્યા મૃતપુત્રા જનનીની પેઠે નિદ્રાતન્દ્રાહીન અનિમેષ જાગતી બેસી રહે છેઃ જે જે નવા દેશનાં નામ વાંચું છું, વિચિત્ર વર્ણન સાંભળું છું. તે બધાંને ચિત્ત આગળ જઈને સ્પર્શ કરવા ચાહે છે.— સમુદ્રને કિનારે નાના નાના નીલવર્ણા પર્વતોની ઘાંટીમાં એક ગામ છે: તીરે જાળ સુકાય છે, પાણીમાં હોડી તરે છે, સઢ ઊડે છે. માછીમાર માછલાં પકડે છે. પર્વતોની વચમાં થઈને સાંકડી નદી જેમ તેમ કરીને વાંકીચૂકી થતી ચાલી આવે છે. મને એવી ઇચ્છા થાય છે કે તે એકાંત ગિરિના ખોળામાં સુખથી બેઠેલા ઊર્મિમુખરિત લોકોના માળા (ગામ)ને બાહુપાશથી વીંટીને હૃદય ઉપર ધરી રાખું. એવું મન થાય છે કે જ્યાં જ્યાં જે કાંઈ છે તે બધું પોતાનું કરી લઉં; નદીના સ્ત્રોતમાં નીરમાં પોતાને ઓગાળીને બંને તીરે તીરે નવાં નવાં લોકાલયો (ગામ વગેરે)ને તરસ મટાડવાનું જલ આપતો જાઉં, રાત દિવસ કલગાન ગાતો જાઉં; પૃથ્વીની વચમાં ઉદય સમુદ્રથી અસ્ત સિન્ધુ તરફ પોતાની ઉત્તુંગ ગિરિમાળા પ્રસારીને પોતાના અત્યંત દુર્ગમ રહસ્યમાં વિરાજું ; કઠણ પાષાણના ખોળામાં તીવ્ર હિમભર્યા વાયુમાં છુપાવી છુપાવીને સંતાડી સંતાડીને નવી નવી જાતિઓ ઉછેરું. મનમાં ને મનમાં ઇચ્છા થાય છે કે દેશદેશાંતરમાં બધા લોકો સાથે સ્વજાતિ થઈને રહું, ઊંટનું દૂધ પીને મરુભૂમિમાં દુર્દમ સ્વાધીન આરબ સંતાનરૂપે ઊછરું; તિબેટના ગિરિતટ ઉપર નિર્લિપ્ત પાષાણપુરીમાં બૌદ્ધ મઠમાં વિચરું; દ્રાક્ષારસ પીનારા ગુલાબના વનમાં રહેનારા પારસિક (ઈરાની), નિર્ભીક અશ્વારૂઢ તાતાર, શિષ્ટાચારી સતેજ જાપાન, રાતદિવસ કર્મમાં અનુરત વૃદ્ધ (પ્રવીણ)પ્રાચીન ચીન —બધાને ઘેરઘેર જન્મ લઉં એવું થાય છે. નીરોગી (અરુગ્ન), બલિષ્ઠ હિંસ્ત્ર બર્બરતા — નહિ કોઈ ધર્મા—ધર્મ કે નહિં ચિંતા, નહિ કશાં દ્વિધાદ્વંદ્વ, નહિ ઘર કે પર, ઉન્મુક્ત જીવનસ્ત્રોત નિર્ભયપણે આઘાત કરતો અને અકાતરે આઘાત સહેતો રાતદિવસ સામે વહે છે; પરિતાપથી જર્જર થયેલા પ્રાણે વૃથા ક્ષોભથી તે અતીત તરફ જોતી નથી, ખોટી દુરાશા (પૂરી કરવી મુશ્કેલ આશા)પૂર્વક એ ભવિષ્યને જોતી નથી, વર્તમાનના તરંગના શિખરે શિખરે નૃત્ય કરતી કરતી આવેગ અને ઉલ્લાસથી ચાલી જાય છે- એ જીવન ઉચ્છ્રુંખલ છે, તે પણ મને ગમે છે: કેટલીય વાર ઇચ્છા થાય છે કે એ પ્રાણના ઝંઝાવાતમાં ફૂલેલા સઢવાળી નાની નાવડીની જેમ દોડતો ચાલ્યો જાઉં. જંગલનો હિંસક વાઘ — પોતાના પ્રચંડ બળથી પ્રકાંડ શરીરને અવહેલાપૂર્વક ઉપાડે છે; દેહ દીપ્તોજ્જ્વલ છે, અરણ્યમેઘની તળે છૂપા અગ્નિવાળા વજ્રના જેવો —રુદ્ર મેઘમન્દ્ર સ્વરે અસાવધ શિકાર ઉપર વીજળી વેગે આવી પડે છે, એ મહિમા અનાયાસ છે— એ હિંસાતીવ્ર આનંદ, એ દર્પભર્યું ગૌરવ, એનો એક વાર સ્વાદ લઉં એમ ઇચ્છા થાય છે;—એવી ઇચ્છા થાય છે કે વારંવાર ઇચ્છા પૂરી કરવા માટે વિશ્વનાં બધાં પાત્રોમાંથી નવા નવા સ્ત્રોતમાં આનંદમદિરાધારાનું પાન કરું. હે સુંદરી વસુંધરા, તારા તરફ જોઈને કેટલીય વાર મારા પ્રાણ ભારે ઉલ્લાસપૂર્વક ગાઈ ઉઠ્યા છે; મને એવી ઇચ્છા થઈ છે કે સમુદ્રમેખલા પહેરેલો તારો કટિદેશ આ છાતી પાસે જોરથી જકડીને પકડું; પ્રભાતના તડકાની પેઠે દિશે દિશામાં અનંત અને અશેષરૂપે વ્યાપ્ત થઈને અરણ્યમાં ભૂધર ઉપર કંપમાન પલ્લવના હિલોળા ઉપર આખો વખત નૃત્ય કરું, પ્રત્યેક કુસુમકળીને ચુંબન કરીને સઘન કોમળ શ્યામ તૃણક્ષેત્રોને આલિંગન કરું, પ્રત્યેક તરંગ ઉપર આખો દિવસ આનંદને ઝૂલે ઝૂલું, રાત્રે ગુપચુપ નિઃશબ્દ ચરણે વિશ્વવ્યાપી નિદ્રારૂપે તારાં બધાં પશુપક્ષીનાં નયનો ઉપર આંગળી ફેરવી દઉં, પ્રત્યેક શયનમાં, પ્રત્યેક માળામાં, પ્રત્યેક ઘરમાં, પ્રત્યેક ગુહામાં પ્રવેશ કરીને વિશાલ અંચલની પેઠે પોતાને વિસ્તારીને સુસ્નિગ્ધ અંધકારથી વિશ્વભૂમિને ઢાંકું. તું બહુ વર્ષોની મારી પૃથ્વી છે. તારી મૃત્તિકા સાથે મને ભેળવી દઈને અનન્ત ગગનમાં અશ્રાન્ત ચરણે તે સૂર્યમંડળની અસંખ્ય રજનીદિન યુગયુગાંતર સુધી પ્રદક્ષિણા કરી છે; મારામાં તારું તૃણ ઊગ્યું છે, થોકના થોક ફૂલ ફૂટયાં છે, તરુરાજિએ પત્રફૂલફલ ગંધરેણુ વર્ષાવ્યાં છે; તેથી આજે કોઈ દિવસ અન્યમનસ્ક થઈને પદ્માતીરે એકલો બેઠો બેઠો, મુગ્ધ આંખોને સામે માંડીને મારાં સર્વ અંગોમાં સર્વ મનથી એવો અનુભવ કરું છું કે – તારી માટિમાં કેવી રીતે તૃણાંકુર થરથરી ઊઠે છે, તારા અંતરમાં શીય જીવનરસધારા રાતદિવસ સંચરણ કરે છે, કુસુમકળી શાય અંધ આનંદથી સુંદર દાંડીની ટોચે ખીલીને આકુળ બને રહે છે, નવા તડકાના પ્રકાશમાં તરુલતાતૃણગુલ્મ શાય ગૂઢ પુલકથી, શાય મૂઢ પ્રમોદરસથી, માતાના સ્તનપાનથી થાકીને પરિતૃપ્ત હૃદયે સુખસ્વપ્ન જોઈને મુખ પર હાસ્ય ફરકાવતા બાળકની જેમ હરખાઈ ઊઠે છે. તેથી આજે કોઈ દિવસ જ્યારે શરત્-નાં કિરણ પાકાં કણસલાંવાળાં સોનેરી ખેતરો ઉપર પડે છે, નારિકેલનાં પાદડાં વાયુથી પ્રકાશમાં ચમકતાં કંપે છે, ત્યારે મહા વ્યાકુલતા જાગે છે,- તે દિવસોની વાત યાદ આવતી હોય એમ લાગે છે જ્યારે મારું મન જળમાં સ્થળમાં અરણ્યના પલ્લવનિલયમાં આકાશની નીલિમામાં સર્વવ્યાપી થઈને રહેલું હતું. જાણે આખું જગત મને અવ્યક્ત આહ્વાનરવથી સો સો વાર પુકારે છે, તે સુંદર અને બૃહત્ રમવાના ઘરમાંથી મિશ્ર મર્મર જેવો સદાના સાથીઓનો લાખ્ખો પ્રકારનો આનંદભરી રમતનો પરિચિત અવાજ જાણે સાંભળતો હોઉં એમ લાગે છે. મને ફરીથી ત્યાં પાછો લઈ લે. તે વિરહ દૂર કર, જે વિરહ રહી રહીને મનમાં જાગી ઊઠે છે જ્યારે હું સામે સંધ્યાકિરણમાં વિશાલ વગડો જોઉં છું, જ્યારે ગાયો ખેતરને રસ્તે ધૂળ ઉડાડતી દૂર કોઢારામાં પાછી ફરે છે, જ્યારે વૃક્ષવીંટ્યા ગામમાંથી સંધ્યાકાશમાં ધુમ્રરેખા ચડે છે, જ્યારે ચંદ્ર શ્રાંત પથિકની પેઠે ખૂબ ધીમે ધીમે નદીને છેવાડે જનશૂન્ય રેતીને તીરે દૂર દૂર દેખા દે છે; ત્યારે હું પોતે એકલો નિર્વાસિત પ્રવાસી હોઉં એવું લાગે છે; હાથ લંબાવીને સમસ્ત બહાર (બાહ્યવિશ્વ)ને અંતરમાં લેવાને દોડી આવું છું—આ આકાશ, આ ધરણી, આ નદી પરનો શુભ્ર શાન્ત સુપ્ત જ્યોત્સનારાશિ. હું કશાને જ સ્પર્શી શકતો નથી, કેવળ વિશાદવ્યાકુળ બનીને શૂન્યમાં જોઈ રહું છું. મને તે બધામાં પાછો લઈ લે, જ્યાંથી રાતદિવસ પ્રાણ સેંકડો હજારો રૂપે અંકુરિત, મુકુલિત અને મંજરિત થાય છે; ગીત કરોડો સૂરે ગુંજી ઊઠે છે, નૃત્ય અસંખ્ય ભંગીમાં ઊભરાય છે, ચિત્ત ભાવસ્ત્રોતમાં વહી જાય છે, છિદ્રે છિદ્રે વેણુ વાગે છે;—તું શ્યામ કામધેનુ શી ઊભી છે, હજારો દિશાએથી તરુલતા પશુપક્ષી કેટલાંય અગણિત તરસ્યાં પ્રાણી તને દોહી રહ્યાં છે, આનંદનો રસ કેટલેય રૂપે વરસી રહ્યો છે, કલ્લેાલ ગીતથી દશે દિશાઓ ગાજી રહી છે. સમસ્ત વિશ્વના બધા જ વિચિત્ર આનંદનો એક ક્ષણમાં એક સાથે આસ્વાદ લઈશ, બધા સાથે એક થઈને, મારા આનંદને લીધે તારાં અરણ્ય વધારે શ્યામ નહિ થાય? પ્રભાતમાં પ્રકાશમાં નવીન કિરણકંપ સંચાર નહિ પામે? મારા મુગ્ધભાવથી આકાશ અને ધરણીતલ હૃદયના રંગે અંકાઈ જશે, જે જોઈને કવિના મનમાં કવિતા જાગશે,—પ્રેમિકની આંખોમાં પ્રણયનો નશો ચડશે, પંખીઓને મુખે એકદમ ગીત આવશે, હે વસુધે. હજારોનાં સુખથી તારાં સર્વાંગ રંજિત થયેલાં છે. પ્રાણધારા કેટલી વાર ફરીફરીને તને મંડિત કરીને પોતાના જીવનમાં પાછી ગઈ છે અને આવી છે, તારી માટી સાથે તેણે અંતરનો પ્રેમ મેળવ્યો છે, કેટલાય લેખ લખી ગઈ છે, દિશાઓમાં કેટકેટલાં વ્યાકુલ પ્રાણનાં આલિંગન બિછાવ્યાં છે, તેની સાથે મારો સમસ્ત પ્રેમ ભેળવીને જતનપૂર્વક તારો અંચલ સજીવ રંગે રંગી દઈશ; મારા સર્વસ્વથી તને શણગારીશ, શું નદી કિનારેથી કોઈ મુગ્ધ કાન નદીના જળમાં મારું ગીત નહિ સાંભળી શકે? શું કોઈ મર્ત્યવાસી નિદ્રામાંથી ઊઠીને ઉષાના પ્રકાશમાં મારું હાસ્ય નહિ જોઈ શકે? આજ સો વર્ષ પછી આ સુંદર અરણ્યના પલ્લવના સ્તરમાં મારા પ્રાણ નહિ કંપે? ઘરે ઘરે સેંકડો નરનારીઓ ચિરકાલ સુધી સંસારની રમત માંડશે, તેમના પ્રેમમાં શું હું થોડો પણ નહિ રહું? તેમના મુખ ઉપર હાસ્યની પેઠે, તેમના સર્વાંગમાં સરસ યૌવનરૂપે, તેમના વસન્ત દિને અચાનક સુખરૂપે, તેમના મનના ખૂણામાં નવીન ઉન્મુખ પ્રેમના અંકુરરૂપે હું ઊતરી નહિ આવું? હે માતૃભૂમિ, તું શું મને બિલકુલ છોડી દેશે, યુગયુગાંતરનું મહા—મૃત્તિકાબંધન શું એકાએક તૂટી જશે? લાખ્ખો વરસોનો સ્નિગ્ધ ખોળો છોડીને હું ચાલ્યો જઈશ? ચારે બાજુએથી આ બધાં તરુલતા ગિરિ નદી વન, આ ચિરકાળનું સુનીલ ગગન, આ જીવનપરિપૂર્ણ ઉદાર સમીર, જાગરણપૂર્ણ પ્રકાશ, સમસ્ત પ્રાણીના અંતરે અંતરે ગૂંથાયેલો જીવન–સમાજ મને ખેંચી નહિ લે? તને ઘેરીને હું ફરીશ, તારા આત્મીયોની વચમાં હું વિરાજીશ; કીટ પશુ પંખી તરુ ગુલ્મ લતારૂપે વારંવાર મેલાવીને તું મને તારી પ્રાણતપ્ત છાતી ઉપર લેશે; યુગે યુગે જન્મે જન્મે મુખમાં સ્તન દઈને કરોડો આનંદની સ્ત્ન્યરસસુધા નિબિડ સ્નેહપૂર્વક નિઃશેષે પાન કરાવીને જીવનની કરોડો ક્ષુધા મટાડશે, ત્યાર પછી ધરત્રીના યુવક સંતાનરૂપે હું જગતના મહાદેશમાં અતિ દૂર દૂરાંતરમાં ગ્રહનક્ષત્રોના સમાજમાં સુદુર્ગમ માર્ગે નીકળી પડીશ. હજી મારી આશા પૂરી થઈ નથી; હજી તારા સ્તનના અમૃતની પિપાસા મોંમાં લાગી રહી છે; તારુ મુખ હજી પણ આંખમાં સુંદર સ્વપ્ન જગાડે છે; હજી મેં તારું કશું જ પૂરું કર્યું નથી. બધું જ રહસ્યપૂર્ણ છે, અનિમેષ આંખો વિસ્મયનું છેવટનું તળિયું શોધી નથી શકતી; હજી તારી છાતીએ બાળકની માફક વળગેલો છું. મોં તરફ તાકી રહ્યો છું. જનની, સઘન બંધનવાળા તારા બાહુયુગલમાં મને પકડી લે, મને તારી છાતીનો બનાવી લે, તારા વિશાળ પ્રાણના વિચિત્ર સુખનો ઝરો જ્યાંથી પ્રગટે છે તે ગુપ્ત પ્રદેશમાં મને લઈ જા—દૂર ન રાખીશ. ૧૧મી નવેમ્બર ૧૮૯૩ ‘સોનાર તરી’