એકોત્તરશતી/૨૦. સ્વર્ગ હઈતે વિદાય

From Ekatra Wiki
Revision as of 01:56, 17 July 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સ્વર્ગમાંથી વિદાય (સ્વર્ગ હઈતે વિદાય)


હે મહેન્દ્ર, કંઠની મંદારમાલા મ્લાન થવા આવી છે. મલિન લલાટ ઉપરનું જ્યોતિર્મય તિલક બુઝાઈ ગયું છે, પુણ્યબલ ક્ષીણ થયું છે. હે દેવ હે દેવીગણ, આજે મારે સ્વર્ગમાંથી વિદાયનો દિન છે. લાખ લાખ વર્ષો મેં હર્ષપૂર્વક દેવતાની પેઠે દેવલોકમાં ગાળ્યાં છે. આજે છેવટના વિચ્છેદની ક્ષણે લેશમાત્ર અશ્રુરેખા સ્વર્ગનાં નયનોમાં જોવા પામીશ એવી આશા હતી. શોકહીન, હૃદયહીન સુખસ્વર્ગભૂમિ ઉદાસીન નયને જોયા કરે છે. લાખ લાખ વર્ષો વહી જાય છે તોય તેની આંખની પલક પડતી નથી. અશ્વત્થની શાખાને છેવાડેથી કોઈ જીર્ણતમ પાંદડું ખરી પડે અને તેને જેટલું લાગે, તેટલીય વ્યથા સ્વર્ગને થતી નથી, જ્યારે અમે સેંકડો ગૃહચ્યુત હતજ્યેાતિ નક્ષત્રોની પેઠે ક્ષણમાં આ દેવલોકમાંથી ધરિત્રીના અંતહીન જન્મમૃત્યુસ્રોતમાં ખરી પડીએ છીએ. તે વેદના જો થતી હોત, વિરહની છાયારેખા જો દેખા દેતી હોત, તો સ્વર્ગની ચિરજ્યોતિ મર્ત્યની પેઠે કોમલ શિશિર બાષ્પથી મ્લાન થાત; નંદનકાનન નિશ્વાસ નાખીને મર્મરધ્વનિ કરી ઊઠત; મંદાકિની કાંઠે કાંઠે કલકંઠે કરુણ કાહિની ગાતી જાત, દિવસ પૂરો થતાં સંધ્યા આવીને નિર્જન પ્રાંતરની પાર દિગંત તરફ ઉદાસીન બનીને ચાલી જાત અને નિસ્તબ્ધ નિશીથ ઝિલ્લીમંત્રો દ્વારા નક્ષત્ર સભામાં વૈરાગ્ય સગીત સંભળાવત. મહીં મહીંથી સુર સભામાં નૃત્યપરાયણા મેનકાના કનક નૂપુરમાં તાલ ભંગ થાત, ઉર્વશીના સ્તન ઉપર ઢળીને સ્વર્ણ વીણા રહી રહીને જાણે અન્યમનસ્કભાવે એકાએક કઠિન પીડનથી નિદારુણ કરુણ મૂર્ચ્છના ઝંકારત, અને દેવતાઓની અશ્રુવિહોણી આંખોમાં નિષ્કારણ અશ્રુરેખા દેખા દેત. પતિની પાસે એકાસને બેસીને એકાએક શચી ઇન્દ્રના નયનોમાં જોત—જાણે પિપાસાનું વારિ ન શોધતી હોય; ધરતી ઉપરથી કોઈ કોઈ વાર વાયુની લહરી સાથે ધરણીનો સુદીર્ઘ નિ:શ્વાસ ઊભરાઈને આવત, અને નંદનવનમાં કુસુમમંજરીઓ ખરી પડત. સ્વર્ગ, સદા હસતુ રહે, દેવગણ, સુધાપાન કરતા રહો! સ્વર્ગ તમારું જ સુખસ્થાન છે, અમે તો પ્રવાસીઓ છીએ, મર્ત્યભૂમિ સ્વર્ગ નથી, તે તો માતૃભૂમિ છે, તેથી જ તેને જો કોઈ બે દિવસ પછી બે ક્ષણ માટે પણ છોડી જાય છે, તો તેની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડે છે. ગમે એવાં ક્ષુદ્ર હોય, દુર્બળ હોય, અપાત્ર હોય, પાપી હોય, તાપી હોય—સૌને તે વ્યગ્ર આલિંગનમાં કોમળ છાતી સરસાં બાંધવા ચાહે છે, તેમના ધૂળભર્યા સ્પર્શથી જનનીનું હૃદય ઠરે છે. તમારા સ્વર્ગમાં ભલે અમૃત વહેતું, મર્ત્યલોકમાં અનંત સુખદુઃખથી મિશ્રિત પ્રેમધારા અશ્રુજલથી ભૂતલના સ્વર્ગખંડોને ચિરશ્યામ કરતી રહો. હે અપ્સરે, તારી નયનજ્યોતિ પ્રેમવેદનાથી કદી મ્લાન ન થાઓ—હું વિદાય લઉં છું. તું કોઈની પ્રાર્થના કરતી નથી કે નથી કોઈને માટે શોક કરતી. ધરતી ઉપર દીનતમ ઘરમાં, નદીતીરે કોઈ એક ગામને છેવાડે પીંપળાની છાયામાં ઢંકાયેલી ઝૂંપડીમાં જો મારી પ્રેયસી જન્મે, તો તે બાલિકા પોતાના હૃદયમાં મારે માટે જતનપૂર્વક સુધાનો ભંડાર સંચી રાખશે. બાળપણમાં નદીને કિનારે શિવમૂર્તિ ઘડીને સવારમાં મને વર તરીકે માગી લેશે. સંધ્યા થતાં જલતો દીપ જળમાં વહેતો મૂકી શંકિત કંપિત હૃદયે એક ચિત્તે જોઈ રહીને એકલી ઘાટ ઉપર ઊભી ઊભી પોતાની ભાગ્યની ગણના કરશે. એક દિવસ શુભ મુહૂર્તે સન્નત નયને, ચંદનચર્ચિત ભાલે, રક્ત પટ્ટામ્બર ધારણ કરીને ઉત્સવની વાંસળીના સંગીત સાથે તે મારા ઘરમાં આવશે. ત્યાર પછી સુદિને અને દુર્દિને, કરે કલ્યાણ–કંકણ ધારી, સીમંત સીમાએ મંગલ સિંદુરબિંદુ સોહાવી, દુ:ખમાં અને સુખમાં ગૃહલક્ષ્મી બનીને રહેશે, જાણે સંસારસમુદ્રને માથે પૂર્ણિમાનો ઇન્દુ. દેવગણ, કોઈ કોઈ વાર મને આ સ્વર્ગ દૂર સ્વપ્નની જેમ યાદ આવશે, જ્યારે કોઈ મધરાતે એકાએક જાગીને જોઈશ કે નિર્મલ શય્યા ઉપર ચંદ્રનો પ્રકાશ પડેલો છે, પ્રેયસી ઊંઘી ગયેલી છે, શિથિલ બાહુ ઢળી પડેલા છે, શરમની ગ્રંથિઓ ખસી ગયેલી છે; અને પછી મૃદુ પ્રેમચુંબનથી ચમકીને જાગી ઊઠીને ગાઢ આલિંગનપૂર્વક તે મારી છાતી ઉપર વેલની પેઠે ઢળી પડશે, દક્ષિણ અનિલ ફૂલની સુગંધ વહી લાવશે, જાગ્રત કોકિલ દૂર દૂરની શાખાઓમાં ગાશે. અયિ દીનહીના, અશ્રુપ્લુતનયના, દુ:ખાતુરા, મલિના જનની, અયિ મર્ત્યભૂમિ, આજે બહુ દિવસો પછી મારું અંતર તારે કાજે રડી ઊઠ્યું છે. જે ક્ષણે મારી શુષ્ક આંખો અશ્રુથી ભરાઈ ગઈ, કે તરત જ આ સ્વર્ગલોક અલસ કલ્પનાની પેઠે છાયાછબિસમો કોણ જાણે ક્યાં અલોપ થઈ ગયો! તારું નીલાકાશ, તારા પ્રકાશ, તારાં જનપૂર્ણ લોકાય, સિંધુતીરે સુદીર્ઘ વાલુકાતટ, નીલગિરિની ટોચે શુભ્ર હીમરેખા, તરુશ્રેણીમાં નિઃશબ્દ અરુણોદય, શૂન્ય નદીપારે અવનતમુખી સંધ્યા, બધુંય જાણે દર્પણમાં પ્રતિબિંબ ન હોય એમ એક બિન્દુ અશ્રુજલમાં પ્રતિબિંબિત થઈ ગયું. હે પુત્ર ખોઈ બેઠેલી જનની, છેવટના વિચ્છેદને દિવસે જે શોકાશ્રુધારાએ આંખોમાંથી ઝરી પડીને તારાં માતૃસ્તનને અભિષિક્ત કર્યાં હતાં, તે આજે આટલે દિવસે સુકાઈ ગઈ છે, તો પણ હું મનમાં ને મનમાં જાણું છું કે જ્યારે હું પાછો તારા ઘરમાં આવીશ કે તરત જ બે બાહુ મને પકડી લેશે, મંગલ શંખ વાગી ઊઠશે, અને તું સ્નેહની છાયામાં દુ:ખથી, સુખથી અને ભયથી ભરેલા પ્રેમમય સંસારમાં, તારા ઘરમાં, તારાં પુત્રકન્યાઓની વચમાં મને ચિરપરિચિતની જેમ સ્વીકારી લેશે. તેના બીજા જ દિવસથી તું ફડફડતે પ્રાણે, શંકિત અંતરે, ઊંચે દેવતા ભણી કરુણ દૃષ્ટિ માંડીને, જેને પામી છું એને ક્યારે ખોઈ બેસીશ એ ચિંતામાં ને ચિંતામાં આખો વખત જાગતી મારા માથા આગળ બેસી રહીશ. ૯ ડીસેમ્બર, ૧૮૯૫ ‘ચિત્રા’

(અનુ. નગીનદાસ પારેખ)