એકોત્તરશતી/૨૫. ભ્રષ્ટ લગ્ન

From Ekatra Wiki
Revision as of 02:01, 17 July 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભ્રષ્ટ લગ્ન

શયનને ઓશીકે હમણાં જ દીવો બુઝાયો છે, મળસકાના કોકિલરવથી જાગી ઊઠી છું. અલસ ચરણે આવીને બારીએ બેસું છું. શિથિલ કેશમાં નવી માળા પહેરી છે. આવે વખતે અરુણધૂસર માર્ગ ઉપર રાજરથમાં તરુણ પથિકે દેખા દીધી. સોનાના મુગુટ ઉપર ઉષાને પ્રકાશ પડ્યો છે, મુક્તાની માળા ગળામાં સુંદર રીતે શોભી રહી છે. વ્યગ્ર ચરણે મારા જ આગણામાં ઊતરીને કાતર સ્વરે પૃછ્યું “તે ક્યાં છે”, “ તે ક્યાં છે. ” શરમની મારી હાય, હું બોલી ન શકી, “નવીન પથિક, તે હું છું, તે હું જ છું.” ગોધૂલિ સમયે હજી દીપ સળગાવ્યા નહોતા, કપાળ ઉપર "સોનાનો ચાંદલોલા ચોડતી હતી. સોનાનું દર્પણ હાથમાં લઈને બારીમાં એક ધ્યાન થઈને ચોટલો વાળતી હતી. એવે વખતે સંધ્યાધૂસર માર્ગે : કરુણનયનવાળો તરુણ પથિક રથમાં આવ્યો. ફીણથી અને પસીનાથી ઘોડાઓ આકુળ થઈ ગયા છે. વસ્ત્રમાં અને આભૂષણોમાં ધૂળ ભરાઈ ગઈ છે. ક્લાન્ત ચરણે મારે જ બારણે ઊતરીને કાતર સ્વરે પૂછ્યું, “તે ક્યાં છે”, “તે ક્યાં છે.” શરમની મારી, હાય, હું બોલી ન શકી, “તે હું છું, તે હું જ છું.” ફાગણની રાત્રે ખંડમાં દીવો બળી રહ્યો છે. દક્ષિણનો વાયુ છાતી ઉપર આવીને શમી જાય છે. સોનાના પાંજરામાં બોલકી મેના ઊંઘે છે, બારણા સામે દ્વારપાળ ઊંઘી ગયો છે. ધૂપના ધુમાડાથી વાસરગૃહ ધૂસર થઈ ગયું છે, અગુરુની ગંધથી આખો દેહ આકુળ થઈ ગયો છે. દૂર્વા જેવું શ્યામ વસ્ત્ર છાતી ઉપર ખેંચીને મયૂરકંઠના રંગની કાંચળી મેં પહેરી છે, નિર્જન રાજપથ તરફ તાકી રહી છું. ધૂળમાં ઊતરીને બારી હેઠળ બેઠી છું. ત્રણ પ્રહર રાત સુધી એકલી બેસીને ગીત ગાઉં છું, “હતાશ પથિક, તે હું છું, તે હું જ છું. ” ૨૦ મે, ૧૮૯૭ ‘કલ્પના’

(અનુ. નગીનદાસ પારેખ)