અમૃતા/તૃતીય સર્ગ - નિરુત્તર/એક

From Ekatra Wiki
Revision as of 11:45, 27 August 2023 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
એક


મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાને સહુથી છેલ્લો ન મૂકે ત્યાં લગી એની મુક્તિ નથી.

—મો. ક. ગાંધી

સમુદ્રની નજીક અને એકબીજાથી દૂર.

તે દિવસ સમુદ્રથી દૂર અને એકબીજાની નજીક બેઠાં હતાં.

તે દિવસ કારને પાર્ક કરીને મરીન ડ્રાઇવ પર ઊછળતા જળના સંગે સંગે અમૃતા ચાલી રહી હતી. પાછળથી આવીને ઉદયને હાથ પકડીને અમૃતાને રોકી હતી. પંદરેક મિનિટ મોડો પડ્યો હતો તેથી અમૃતા નારાજ હતી. એને મનાવવી પડેલી.

આજે ક્રોસિંગ આગળ આંખ મળતાં અમૃતાએ વિવેક બતાવ્યો હતો અને જૂની ટેવ પ્રમણે ઉદયન કારમાં બેઠો હતો, પણ પાછળની સીટ ઉપર.

તે દિવસ આષાઢ બેઠો હતો.

આજે આસો માસની એક સાંજ છે.

બીજાં ત્રણ વરસ વચ્ચે વીતી ગયાં છે.

સમુદ્રનાં મોજાં થકી ઊડતાં જલબિંદુ એકબીજા સાથે ટકરાઈ ટકરાઈને વીખરાઈ જાય છે. પોતાના અંશોને હવામાં મૂકીને એ જલબિંદુ નજીક બેઠેલાંના ચહેરા સુધી પહોંચે છે.

તે દિવસ હવાનો સ્પર્શ એમને આર્દ્રતાનો અનુભવ કરાવતો હતો. આષાઢના આક્રમક મેઘે નગરના ઉકળાટને જમીનદોસ્ત કરીને રસ્તાઓ પર વહાવી દીધો હતો.

આજે સમુદ્રનાં ઊછળી આવતાં જલબિંદુમાંથી એક ઉદયનની આંખમાં પડ્યું અને ખારાશ આંજી ગયું. છીછરું ફીણ આગળ કરીને શિથિલ ગતિએ મોજાં આગળ વધે એવી જગાએ આજે એ બેઠાં ન હતાં. મોજાંની સીમા જાણ્યા વિના એ બેઠાં હતાં. સમુદ્ર સ્થળથી બંધાયેલો હોય છે, કાળથી પ્રભાવિત. આ વસ્તુ અમૃતા જાણે છે. એ તો જૂહુના સમુદ્રને નજીકથી ઓળખે છે તેથી દૂર જ બેસત. પરંતુ એ છેક અહીં સુધી ચાલ્યો આવ્યો. અમૃતા એને અનુસરતી હતી.

‘તે દિવસ’ ઉદયનને યાદ આવ્યો છે —

‘ઉદયન!’ પાલવનો છેડો હાથમાં લઈને એ બોલી હતી.

‘શું!’ પોતાને ડિસ્ટર્બ કરવામાં આવ્યો હોય એ રીતે એ બોલ્યો હતો. કદાચ બોલ્યો પણ ન હતો, ફ્કત હાજરી પુરાવી હતી.

‘હું તારું ઋણ કેવી રીતે ચૂકવીશ?’

‘આવા શબ્દો ક્યાંથી વીણી લાવે છે તું? ઋણ શેનું? એ શબ્દ મને ગમતો નથી.’

‘તો શું ગમે છે?’

‘નજીકથી સાંભળવા મળતા, માત્ર હું જ સાંભળી શકું એટલા ધીમા સ્વરની હલક. એ મને ગમે છે.’

‘તું તો પાછો ઉપકાર વધારવા લાગ્યો.’

‘જો પાછો ઉપકાર! બીજાની પ્રશંસા સાંભળીને જે ફૂલી જાય એનો આત્મવિશ્વાસ ડગુમગુ કહેવાય. એને દઢ કર્યા વિના નહીં ચાલે.’

બોલતાં બોલતાં એણે અમૃતાની હથેલી ગ્રહીને બલપ્રયોગ કર્યો હતો. પવનના આઘાતથી નમી જતી કદલીની જેમ અમૃતા દબાતો હાથ ખેંચવા ઝૂકી ગઈ હતી. ઉદયને હાથ છોડ્યો ન હતો, છેવટે હવામાં ઉછાળ્યો હતો.

‘જો તું આમ પજવ નહીં. તું આવો નિષ્ઠુર પુરુષ કેમ છે?’

‘વાહ! કેવો વ્યતિક્રમ! હમણાં ઉપકારી કહ્યો, હવે નિષ્ઠુર!’

‘દુભાયા વિના તું પોતાને બરોબર પ્રગટ કરી શકતો નથી. તેથી જ મેં તને નિષ્ઠુર કહ્યો. બાકી સાચું કહું? બસ કહી જ દઉં ઉદયન? તારા એવા નિષ્ઠુર આઘાતથી જે દર્દ જાગે છે ને, જે દર્દ! તે મારા અંતસ્તલને એકસામટું ઝંકૃત કરી જાય છે. તારો આઘાત મારામાં દુ:ખને સ્થાને આવી વિરોધી લાગણી કેમ જન્માવે છે?’

‘એનો જવાબ શબ્દોમાં ન અપાય. એ જવાબ માટે આજે તું ભલે તત્પર થઈ હોય પણ હજી તારી સજ્જતા ઓછી છે. જોજે ઘેર જઈને, તારી આંખોની બિલોરી ઝાંયમાં નરી મુગ્ધતા તરવરે છે!’

‘તું મારી વાતને જુદી રીતે ઘટાવી રહ્યો છે. હું કંઈક બીજું કહેતી હતી.’

‘બનાવટ ન કર.’

‘જો પાછો અવિશ્વાસ પર આવી ગયો. પોતાની આદતથી તું આટલો બધો લાચાર કેમ છે? બસ અવિશ્વાસ, ડગલે ને પગલે અવિશ્વાસ. હું બીજું જ કહેતી હતી. હું તારા સ્પર્શ માટે આતુર નથી.’

‘એમ?’

અમૃતાની ભુજા પકડીને એણે નજીક ખેંચી. બીજી ક્ષણે એ દૂર ખસીને બેઠો. તેથી પોતાને છોડાવીને ઊભી થવા ઉત્કંઠિત થઈ ગયેલી અમૃતા પછી એમ જ બેસી રહી.

‘એક શરત છે ઉદયન!’

‘શેની શરત? શા માટે?’

‘તને એટલી પણ ખબર નથી કે શરત કશુંક જીતવા માટે હોય છે.’

‘મને હારવામાં રસ હોય તો?’

‘હારવાનું ગૌરવ અનુભવવાનો તને શોખ છે.’

‘કબૂલ. કહે તારી શરત.’

‘તારે સુધરવાનું છે.’

‘કઈ બાબતે?’

‘એકથી વધારે છે: 1, તું સહુને અવગણે છે. 2, તું પોતાના વિશે થોડું વધારે ધારે છે. 3, તું સામાને સાંભળતો નથી. અને એને સુધારવા માગે છે. 4, તું કોઈની સિદ્ધિથી વિસ્મય પામતો નથી. સઘળું શંકિત નજરે જુએ છે. અને છેલ્લી વાત કે…’

‘એ પણ હું માની લઉં અને તારા આદેશ પ્રમાણે સુધરી જાઉં. પણ મને એ જાણવાની છૂટ છે ખરી કે એમ કરવાથી હું શું હાંસલ કરવાનો છું?’

‘અમૃતા!’

‘એટલે કે તું મારા વ્યક્તિત્વને ગીરો મુકાવીને પછી પોતાની સાથે મને પરણાવી દેવા માગે છે? તારા જેવી અગણિત અમૃતાઓને હું આવા શરતી મામલામાં હારી જવા તૈયાર છું. અમૃતા, તારો અભિગમ બાલ્યાવસ્થામાં જ શોભે એવો છે. તું શીખેલું, બલ્કે સાંભળેલું બોલે છે. તું મને સુધારવા માગે છે એટલે કે મારામાં ક્ષતિઓ જુએ છે. તું મારું આવું મૂલ્યાંકન કરવા લાગીશ તે જાણતો હોત તો તારા બૌદ્ધિક વિકાસમાં રસ લઈને સમય ન બગાડત. તને તો હયાતી સાથે નિસ્બત જ નથી. સદા ઉપરછલ્લી બાબતોથી દોરવાતી રહે છે. તું મને સમજતી નથી, અમૃતા. નથી સમજતી અને મને આશા છે કે તું નહીં સમજે.’

‘સમજતી ભલે ન હોઉં, ચાહું છું. એથી પ્રેરાઈને તારામાં કશી અપૂર્ણતા જોઈને એને ચલાવી લેવા હું રાજી નથી. તારી પ્રશંસા કરવાનું હું શરૂ કરું તો મારું વક્તવ્ય આપણી જિન્દગી જેટલું લાંબું ચાલે. પણ જવા દે એ વાત. તને લાગશે કે હું પાછી તને ખુશ કરવા બેસી ગઈ. એમ કરવાનો આજે ઈરાદો નથી. આજે તો હું તને એક વાત કહીશ જ — તું સહુને સુધારવાના મનસૂબા ધરાવે છે. તારા લેખોમાં, તારાં વકતવ્યોમાં સુધારકના અસંતોષના પડઘા હોય છે. પણ તારે સુધારવું નથી. તું શાંત નથી, ધીર નથી. આપણને બીજાં પર આટલું બધું અકળાવાનો શો અધિકાર છે, ઉદયન! બધાયને નગણ્ય માનીશ તો તું જીવીશ શું? લડી લડીને દર વર્ષે, કોઈક વાર વરસમાં એકથી વધારે વાર તું નોકરી છોડે છે. આ બધું બરોબર છે?’

‘તું પોતાની સલામતીની ચિંતાથી મને સુધારવા માગે છે! હવે સમજ્યો!’

અને એ ઊભો થઈ ગયો.

‘તો જા, આ તને છોડી દઈને ચાલ્યો.’

અમૃતાએ દોડી જઈને એને પકડી પાડ્યો હતો. મનાવ્યો હતો. એના ખભા પર હાથ મૂક્યો હતો. એના નાક ઉપર ટકોર મારી હતી. પોતાને ન ભાવતાં પણ ઉદયનને ભાવે છે માટે તળેલાં કાજુ લઈને ખૂબ ખૂબ ખાધાં હતાં પછી ઉદયનના બુશશર્ટનાં બન્ને ગજવાં ભરી દીધાં હતાં. ઉદયનની રુચિ પ્રમાણે કારને પચાસ-સાઠેક માઈલની ઝડપે ચલાવીને નરીમાન પોઈન્ટ સુધી આંટો લગાવીને એને મલબાર હિલ પર પહોંચાડ્યો હતો.’ગુડનાઈટ’ કહીને એ છૂટી પડી હતી.

આજે હજી અમૃતા એકે હરફ બોલી નથી. બેસી રહી છે. આકાશમાં સમસ્ત નગરથી ઉપેક્ષિત એવા પાંડુર ચંદ્રને કોઈક વાર જોઈ લે છે, તો કોઈક વાર એના પર છવાઈ જતાં વાદળને જોઈ રહે છે. વરસી ચૂકવાથી વાદળ સાવ શ્રમિત લાગતાં હતાં. ચાંદનીના આગમનથી વિવેકી અંધકાર સમુદ્રના પેટાળમાં જઈને પોઢયો છે. એ જાગશે તો પોતાના ભણી ધસી આવશે એવું વારંવાર એને લાગ્યા કરે છે.

‘અમૃતા, હું આવતી કાલે મદ્રાસ જાઉં છું. દક્ષિણમાં થોડુંક રોકાઈશ. પછી ઇંદોર જઈશ. જયપુર, દિલ્હી, લખનૌ અને કલકત્તામાં મળીને ચારેક માસ ભારતમાં રહીશ. પછી જાપાન જવાનું થશે. આ મારો કામચલાઉ કાર્યક્રમ છે.’

‘મારી કોઈ મદદ ખપ લાગે તેમ હોય તો કહે. હું તને કેવી રીતે ઉપયોગી થઈ શકું?’

‘મને છિન્નભિન્ન કરવામાં.’

‘તારી પ્રતિક્રિયાનું કારણ મારાથી અજ્ઞાત નથી. અને એનો મારી પાસે ઉપાય પણ નથી.’

‘તું સાચું બોલવા તૈયાર થાય તો ઉપાય હું બતાવું.’

‘તારો આ વક્ર અને સંશયગ્રસ્ત ઉદ્ગાર અસહ્યા છે ઉદયન. હવે મારો ઉપહાસ કરવાનું તું છોડી દે. મને મારી હાલતમાં છોડી દે. તારા આરોપોથી હું દિગ્ભ્રાન્ત બની જઈશ. કૃપા કરીને તું મારી ઉપેક્ષા કર. મારી મુશ્કેલી છે કે હું તારી ઉપેક્ષા કરી શકતી નથી અને તને સ્વીકારી પણ શકતી નથી. અનિર્ણયભરી અરાજકતામાં જીવું છું. તારી પ્રતિક્રિયાઓને હું સમજું છું પણ…’

‘સમજતી હોત તો મને સ્વીકારી શકત.’

‘ના. કદાચ તને સમજું છું તેથી જ સ્વીકારી શકતી નથી. જે મૌગ્ધ્યમાં તારા વિના મને અન્ય કશું દેખાતું ન હતું. તેને વીતી ગયે તો વરસો થયાં. આજે હું તટસ્થતાપૂર્વક તને જોઈ રહી છું. ધરી વિનાના ચક્રની ગતિએ તું આગળ વધ્યે જાય છે. મને જીવનમાં કેવળ ગતિ અભિપ્રેત નથી. મને આનંદ પણ અભીષ્ટ છે. હા, કેવળ સુખનો નહીં, વેદનાનો આનંદ પણ હું વાંછું છું. તું દુ:ખ અને વેદનામાં અંતર જોતો નથી. તું સંઘર્ષપ્રિય છે. એની સામે પણ મને વાંધો નથી, પણ તારા સંધર્ષની મને કશી ફલશ્રુતિ દેખાતી નથી. તારો સંઘર્ષ લક્ષ્યરહિત છે અથવા તારા સંઘર્ષનું લક્ષ્ય છે સંઘર્ષ. કોઈને કશું ન ગણવાની વૃત્તિના મૂળમાં અશ્રદ્ધા રહેલી છે. તેં વાંચ્યું છે પણ એવું કે જેથી તારી અશ્રદ્ધા જ વિસ્તરી. અલબત્ત એ બધું વાંચીને પણ અનિકેત પોતાની ધરીને સાચવી શક્યો. એની જેમ મને પણ લાગે છે કે દુનિયા અસુન્દર નથી. આપણા મૌગ્ધ્યને ટકાવી રાખે એવું પણ એનામાં છે ખરું… આજ સુધીના મારા સાહચર્યની તારા વ્યક્તિત્વ પર કશી અસર થઈ નથી. તો પછી… તારી સાથે જોડાયા પછી મારે વિમાસવાનું જ હોય તો… જવા દે આ વાત, તને બહાનું લાગશે. પણ મારી વિનંતી છે કે તું મારા અનિશ્ચયને સમજવાનો પ્રયત્ન કર. જે સ્વીકારવાથી — જે પામવાથી હું ‘અમૃતા’ ન રહું, તે પામવાથીય શું? તેને પામીને હું શું કરવાની?’

ઉદયન ઊભો થયો. સમુદ્ર તરફ ચાલ્યો. વાતાવરણમાં છવાઈ રહેલી લવણતા એના શ્વાસ દ્રારા ઊંડે ને ઊંડે ઊતરી રહી હતી. એનું શરીર પણ ત્વચાનાં છિદ્રો દ્રારા વાતાવરણમાં લવણતા શોધી રહ્યું હતું. રક્તમાં કાતિલ બળતરા જાગી ઊઠી હતી. વંટોળમાં ફસાઈ ગયેલા પંખીની જેમ એની જિજીવિષા તરફડી ઊઠી. પોતાની પાંખોની શક્તિ ગુમાવી બેઠેલું પંખી પાંખ બીડીને ઊંડી ખાઈમાં પડી જવા ઇચ્છે તેમ ઉદયનને પોતાનો ભાર ફેંકી દેવાનું મન થયું. એને થયું કે પાછા વળતા મોજાને આ શરીર સોંપી દઉં. અથવા સામેથી ધસી આવતા મોજા ભણી દોડી જાઉં. મોજાંની ગતિ ગ્રહીને એમના નીચેની સ્થિતિમાં સરકી જાઉં. અતલ નીરના અંધકારમાં ઊતરીને સમાપન પામું. અને સમુદ્ર બની જાઉં. અમૃતા ભલે બહાર રહે અને મારા કાંઠે ફેંકાઈ ગયેલા શબને જોઈને પોતાના અંતર્દ્વંદ્વને ક્ષણિક અશ્રુની અંજલીમાં ઓગાળીને, થોડાક દિવસ મારું સ્મરણ કરીને પછી ર્નિવિકલ્પ વરણી કરી શકે. શબ એને સોંપીને મારા પ્રાણ વડવાગ્નિમાં ભળી જશે. પછી એ વડવાગ્નિ મોજામાં ઊછળીને ફણિધરની જેમ કિનારા પર ભલે માથું પટક્યા કરે.

નિર્ણય કરવા એ ઊભો રહ્યો અને પછી તો ઊભો જ રહ્યો. આ તો પલાયન થશે. નિર્ણય ન કરી શક્યો. વિચારશક્તિ મંદ પડતી ગઈ અને આખરે વિચારશૂન્ય બનીને એ ઊભો રહ્યો. સમુદ્રની સતત તરંગલીલાના સ્પર્શથી સજીવન લાગ્યા કરતો ઘેરે ઘેરો સૂનકાર એની આંખોમાં ઝિલાવા લાગ્યો. કાળો અને અનંત અવકાશ એના ચિત્તમાં છવાતો રહ્યો. પૂતળું બનીને એ ઊભો હતો. અમૃતા બાજુમાં આવીને ઊભી હતી.

હાથ પકડીને એણે ઉદયનને પાછો લીધો. ચોપાટી વટાવીને એ મરીનડ્રાઈવના બાંધેલા સાગરકાંઠા પરના ફૂટપાથ પર ચાલતાં રહ્યાં. ઉદયન થાક્યો હોય એમ ઊભો રહ્યો. પાળ પર બેસી ગયો.

અમૃતાએ એના ખભે હાથ મૂક્યો.

‘સાથે વીતેલા સમયના દોષે મારે સહન કરવું જોઈએ એમ તું માનતો હોય તો કહે. તને મારી અનિવાર્યતા લાગતી હોય તો કહે. હું મારો ભોગ આપવાનો સંકલ્પ આ સમુદ્રની સાક્ષીએ કરવા તૈયાર થઈ છું.’

ખભા પરથી હાથ ફગાવી દઈને એ ચારેક ફૂટ ઊંચી પાળ પર ઊભો થઈ ગયો. અમૃતાથી એની ઊંચાઈ ઘણી વધી ગઈ.

અમૃતાએ એનો હાથ પકડ્યો.

‘અરે છટ્, દયા ન ખપે મને. જા વેરાનમાં જઈને વરસ. ભોગ આપવા માટે એ ઉચિત સ્થાન છે. આત્મનિર્ધારિત નિયતિ તરીકે હું એકલતાને અપનાવી લઈશ. હું તારા વિના જીવીશ અમૃતા! તારા સ્મરણ વિના પણ.’

અને એ નીચે ઊતરવા ગયો. ક્ષણાર્ધ તો એને લાગ્યું કે પોતાનો ભાર સમુદ્ર તરફ ઝૂકવા માગે છે. એના અંતરવ્યાપી અંધકારમાં વિદ્યુતરેખાઓ ચમકી ઊઠી, કડાકા થયા. એ સંતુલન જાળવીને ફૂટપાથ પર ઊતર્યો. ચાલ્યો.

ચાલ્યો ગયો.

અમૃતા એમ જ ઊભી હતી.

હવે અમૃતા પાછળ ફરીને એને જોવા માગે તોપણ એ દેખાય તેમ ન હતો. એ ચાલી રહ્યો હતો. પોતાના શરીરને ઊંચકીને, પોતાની ચારેકોર ફરતા રહેતા પડછાયાને ખેંચતો ધકેલાતો એ ચાલી રહ્યો હતો.

અમૃતા કાર લઈને એને પહોંચી વળવા ગઈ. મલબાર હિલ જઈને એના રૂમ પાસે જઈને તાળું જોઈને ઊભી રહી. ધીમે ધીમે દાદર ઊતરી. રસ્તા પર પણ એને જોવા ઇચ્છતી રહી. એ ન આવ્યો.

સિક્કાનગર ન જતાં એ જૂહુ ગઈ.

જીપ આવી જશે. અમૃતાએ અનિકેતને જણાવવાનું વિચારીને છોડી દીધું. એ અહીં આવીને લઈ જાય. એને સમાચાર આપવામાં આવે તો જરૂર આવે. પણ મુંબઈ આવે અને અહીં પોતાના ઘર સુધી ન આવે તો… અને એને કશું યાદ ન રહે અને અહીં સુધી સીધો ચાલ્યો આવે તો… અહીં એકાન્તમાં એની દૃષ્ટિનો સ્પર્શ હું જીરવી શકું? અહીં આવે તો જોવા મળે કે એ ક્યાં સુધી દૂરત્વ જાળવી શકે છે? અને એને દૂરત્વ જાળવવું યાદ ન રહે તો? પોતાનામાં શક્તિ નથી એનાથી દૂર રહેવાની… ના. હવે તો એ ન આવે એ જ ઉચિત છે… ના, એ તો નિરપેક્ષ જ રહે, આ તો મારું આરોપણ છે, મારી કામનાઓનું એના પર આરોપણ છે. નિરપેક્ષતા એનું લક્ષ્ય છે. અહીં આવે તોપણ એ એકાન્તને વશ ન થાય. એના સ્પર્શથી એકાન્ત સીમાહીન વિસ્તાર પામે.

તોપણ જીપને અહીંથી છોડાવીને એને જોધપુર પહોંચતી કરીશ. ઉદયન અહીં હોત તો અમે બંને જીપ ચલાવતાં જોધપુર જાત. શું હવે ઉદયન મારી સાથે આવે?

જીપ મળ્યા પછી અનિકેત આભાર માને છે. બીજું કંઈ લખતો નથી. પોતાની ડાયરીના પહેલા પાને લખે છે—

‘સમયને માણી રહું સ્વાદમુકત.’

અમૃતાની અધ્યયન-નિષ્ઠા અને કાર્યશીલતાની પુરાતત્ત્વમંદિરના સંચાલક નોંધ લે છે.

અનિકેત જીપમાં અઠવાડિયાનો પ્રવાસ કરી આવે છે.

તમામ કેલેન્ડરો પરથી પાનાં ફાટતાં રહે છે. અમૃતા અને અનિકેતનાં કેલેન્ડર પરથી એક સાથે પાંચ-પાંચ દસ-દસ પાનાં ફાટતાં રહે છે. સમયને એ પાનાંના ઓછા થવા સાથે સીધો સંબંધ નથી. એ પોતાની ગતિએ વહેતો રહે છે. અમૃતા જાણે છે કે સમય નિસ્સંગ છે.

અનિકેત પ્રયત્ન કરે છે. સમયથી નિસ્સંગ થવા.

જોધપુરથી મંડોર જતા માર્ગ પરના મકાનમાં હવે એ ગોઠવાઈ ગયો છે. આરામના સમયે એ બેઠો હોય છે ત્યારે અવારનવાર એ એક પંખીયુગલને જોઈ રહે છે. ગુલમહોરની ડાળી પર ચાંચથી આઘાત કરતાં એ પંખી થાકતાં નથી. બંગાળી શીખતાં ‘સુનીતિસુધા’ નામની પાઠમાળામાં આ ‘કાઠઠોકરા પાખી’ની એણે વાર્તા વાંચેલી. નવપરિણીત યુવકને એની ભાગિની કહે છે કે ઘરમાં બળતણ વિના મુશ્કેલી પડે છે. યુવક વરવેશે જ નીકળી પડે છે. વનમાં જઈને વૃક્ષને કુહાડાથી આઘાત કરે છે. વૃક્ષ ઘાની વેદનાથી સમસમી ઊઠે છે અને એને એની પત્ની સાથે પંખી થઈ જવાનો શાપ આપે છે. યુવક સામો શાપ આપે છે. અને ત્યારથી વરવધૂ જેવાં એ પંખી વૃક્ષોને કોતર્યા કરે છે. અને મનુષ્ય તરીકે જીવવાની છિનવાઈ ગયેલી તકનો આ રીતે બદલો લીધા કરે છે.

એણે જોયું — પંખીયુગલ ગુલમહોરને કોતર્યા કરે છે. એમના માથે કલગી છે. એમનાં પીછાં યૌવનપ્રિય રંગોથી ચમકે છે.

એમની ચાંચના આધાતથી થતો અવાજ અનિકેતનાં કર્ણમૂલને સજગ રાખે છે.

દિવસો પછી એ એ જ રીતે વિરત બેઠો હોય છે.

ટક્ ટક્ ટક્…

ટક્ ટક્ ટક્

પંખીની ચાંચમાંથી લીલા કાષ્ટનો ટુકડો પડે છે.

એ જોઈ રહે છે.

એને ખ્યાલ આવે છે પંખી બે નથી, એક જ છે. બીજું ક્યાં ગયું? એ વૃક્ષ નીચે જઈને જુએ છે. બીજું દેખાતું નથી.

એ અવાજ કરે છે.

પંખી ઊડી જાય છે. એની પાછળ ઊડનાર નથી.

એ આભો બનીને ઊભો છે. પેલા એકને ઉડાડી મૂકવાનો એને રંજ છે. લીંબડાની ડાળ પરથી પાન ખરે છે. આંગણાની બહારની પીલુડી પર બે કાગડા લડી રહ્યા છે.

કાઠઠોકરા પાખી પાછું આવે છે.

ટક્..ટક્..ટક્..

ટક્..ટક્..ટક…

અમૃતાની સામે પડેલા પુસ્તકનાં પાનાં ફરે છે. પવન છે. એ ઊભી થાય છે. બારીના પડદા પાડી દે છે.,

‘તાકલા – માકન.’ એક રણ. ભૂગોળવેત્તા સ્વેન હેડિનની આત્મકથાનું એક પ્રકરણ એની સામે ખૂલી ગયું છે. એ વાંચે છે.

મુસાફરની સામગ્રી ખૂટતી જાય છે. રેતના ટેકરા પરથી ઊતરતાં ઊંટ બેસી જાય છે. જ્યાં પહોંચવાનું છે તે સ્થળ કેટલા દિવસે આવશે તેની ખબર પડતી નથી. પાણી ખૂટી ગયું છે. સાથીઓને અને સામગ્રીને છોડીને મુસાફર આગળ વધે છે. સૂર્યના તાપથી બચવા રેતમાં ખાડો કરીને ધડ સુધી શરીરને રેત નીચે રાખે છે. એની નજીક અને એની દૂર એક માત્ર સૂનકારનો જ આભાસ છે. મુસાફરનું શરીર સુકાઈ ગયું છે. ને થાકી ગયું છે એનું શરીર. છતાં એ ઘસડાતો રહે છે. હવે મુસાફર સ્વેન હેડિન નથી, અનિકેત છે. રેતના બસો બસો ફૂટ ઊંચા ઢગ વચ્ચે છ ફૂટની આકૃતિને અટવાતી જોઈને અમૃતા પુસ્તક વાંચવાનું બંધ કરે છે.

હમણાં હમણાં એવી આદત પડી ગઈ છે કે કામનું આયોજન કર્યા વિના એ નીકળી પડે છે. કોઈ કોઈ વાર આજુબાજુ જોયા વિના જ એ જીપને ઝડપથી હંકારી મૂકે છે. જોવાનું ભૂલી જાય છે. ખાડાટેકરાવાળા રસ્તે એને ઊછળતી, નમી જતી જીપને જોવાનું ગમે છે. પાછળની સીટના ઊછળવાથી થતો અવાજ એને સદી ગયો છે. રેતમાં જીપનાં વ્હીલ ખોડંગાઈ જાય છે ત્યારે એ સ્ટિયરિંગ વ્હીલ પર માથું મૂકીને આરામ કરે છે. પથરાળ માર્ગે જીપને વાંકીચૂકી ગતિ આપવાની રમત એણે શરૂ કરી છે. કોઈકવાર સવારે આરામ કરે છે, બપોરે કામ કરે છે.

એક ડોસાને એણે લિફટ આપી હતી. એમણે પૂછેલું —

‘અહીં શું શોધો છો?’

‘જે નથી તે.’

અમૃતાએ ના ન પાડી. બે શોધછાત્રાઓ સાથે એ ઉદયપુર, એકલિંગજી, નાથદ્વારા થઈને ચિતોડગઢ પહોંચી. કેસરિયા રંગની માટી પર સંધ્યાને ઢાંકીને સૂર્ય જવા લાગ્યો. તે પછી એમણે નીચે ઊતરવાનો વિચાર કર્યો.

‘તમારા જૂહુના દરિયાથી આપણે અઢારસો પચાસ ફૂટની ઊંચાઈએ ઊભાં છીએ, દીદી.’

‘હં.’

‘દીદી, એણે કહ્યું એથી પણ વધુ ઊંચાઈએ આપણે હમણાં હતાં. વિજય- સ્તંભના નવમા માળે ચડીને તમે દૂર દૂરનું કશુંક જોવા મથતાં હતાં ત્યારે સમુદ્રની સપાટીથી 1850+122 ફૂટની ઊંચાઈએ આપણે હતાં. મને આશ્ચર્ય થાય છે દીદી કે બધા સમુદ્રની ઊંચાઈ સરખી અને પર્વતોની ઊંચાઈ જુદી જુદી.’

દીદીએ ઉત્તર આપ્યો નહીં. તેથી બીજી છાત્રા બોલી —

‘પર્વતો ઊંચા છે તેથી જ તો નદીઓ એમના તરફથી સમુદ્ર ભણી દોડે છે. અને સમુદ્રની લવણતામાં શોષાતી રહે છે. દીદી, આ વિજયસ્તંભ વિશે શું માનવું છે? ટોડ આ વિજયસ્તંભને કુતુબમિનાર કરતાં રચના અને કલામાં ચડિયાતો માને છે. ફર્ગ્યુંસન રોમના ‘ટાવર ઑફ ટ્રેજન’ કરતાં આને સ્થાપત્યની ઊંચી અભિરુચિનું પ્રતીક માને છે.’

‘હં’

‘કેમ કંઈ બોલ્યાં નહીં?’

‘હું રોમ સુધી ગઈ નથી. ફક્ત ફોટાઓ પરથી શો ખ્યાલ આવે? ફોટોગ્રાફી પણ એક કલા હોવાથી એમાં મૂળ વસ્તુ વધતા-ઓછા અંશે પણ નવવિધાન પામે જ. ચાલો, હવે આપણે નીચે ઊતરી જઈએ.’

‘ઊતરતાં તો વાર નહીં થાય. માઈલેક જેટલો રસ્તો છે. ચાલો, હરીફાઈ કરીએ. કોણ વહેલું ઊતરે છે?’

‘તમારે વહેલું ઊતરવું હોય તો અહીં ગોમુખી કુંડ પાસે સીધું ઉતરાણ છે. હિંમત હોય તો ચાલો.’

‘ચાલો દોડો.’

‘સાચવજો, નહીં તો સહેજ લપસ્યાં તો શોધ્યાં નહીં જડો.’

અનિકેત જેસલમેરથી દક્ષિણ-પશ્ચિમમાં સાઠ માઈલ દૂર જઈને મયાજલાર ગામની સીમમાં રોકાયો છે. અહીંના માણસો એને ગમ્યા છે. આમેય માણસો અહીં ભાગ્યે જ દેખાય છે. માઈલોના માઈલો સુધી કોઈ ચહેરો ન દેખાય. અને પછી જોવા મળે તો હોય જવાંમર્દ. પહાડ જેવા ઊંચા માણસો. મૈત્રી અને દુશ્મનાવટ અપવાદ રાખ્યા વિના નિભાવે. સ્ત્રીઓની રક્ષા કરે, સ્ત્રીઓ સુંદર. બાળકો વધુ સુંદર.

અનિકેતની જીપની ત્રણ બાજુ રેતની ટેકરીઓ છે. એક ટેકરી પર બાવળની કાંટ્યા છે. વચ્ચેની સમતલ ભૂમિ પર એક ખીજડો છે. ભોમિયો મયાજલાર ગામમાં ગયો છે.

અમૃતાનો પગ ખસી જાય છે. એ પથ્થરને બાથ ભીડી લે છે. બેસીને એ ઊતરતી જાય છે. ઊભી થાય છે. એના પગમાં ફરીથી બેદરકારી દેખાય છે. ઝડપથી ઊતરવા લાગે છે. ઊભી રહે છે. છાત્રાઓ પહોંચે ત્યાં સુધી એ ઊભી રહેશે. ઢોળાવની ડાબી બાજુ એક વૃક્ષનાં પાંદડાં ફરકે છે —

મીરાંબાઈ અને પદ્મિનીના મહેલ વચ્ચે અવકાશ ફરકી ઊઠે છે. એક કૃશકાય વૃદ્ધાના હાથમાં ખખડી ગયેલો તંબૂરો છે. બાજુમાં મંજીરા પડ્યા છે. ભજનની નાની નાની પુસ્તિકાઓ પડી છે. દીવો બળે છે. દીવેટ કાળી પડી ગઈ છે. મંદિરનાં પગથિયાં —

તળાવ વચ્ચે પદ્મિનીનો મહેલ. બાજુમાંના રાજપ્રસાદના ગુંબજની ચારે દિશાઓમાં ગોઠવેલા મોટા આયના. એક આયનામાં પદ્મિનીના મહેલનો ખાલી ઝરૂખો.

મીરાંબાઈના મંદિર અને પદ્મિનીના મહેલ વચ્ચેનો અવકાશ હવે ફરકતો નથી. વચ્ચે એક જૂનું જર્જર કાલિમંદિર છે. તામ્રવર્ણી માટી પર ઊતરતો અંધકાર — મહાકાલનો કૃપાપ્રસાદ…

‘ચાલો.’

નોંધવા જેવું આજે કંઈ જણાયું નહીં. ડાયરીના કોરા પાના પર એ રેખાઓ દોરી રહ્યો છે. કોઈ આકૃતિ ઊપસતી નથી. જીપની પાછલી સીટ પર પૂરતો આરામ નહીં મળે.

રેતની ટેકરી પર એ ચડવા લાગ્યો. તારકોના આછા આછા અજવાળામાં રેત પર પવનથી રચાતી ડિઝાઈન દેખાય, છતાં એ જોઈ શકે છે. ટેકરીની ટોચ પર થોડોક ભાગ સમતલ છે. ત્યાં બેઠા પછી એને રેતમાં ખૂંપી ગયેલાં પોતાનાં પગલાં દેખાય છે. એને દૂરનો અંધકાર પણ હવે દેખાય છે. કલાકેક બેસી રહ્યા પછી એ સૂઈ ગયો. બૂટ કાઢીને ઉશીકું કર્યું. ટેરી-વૂલનું કાળું પેન્ટ અને ક્રીમ કલરનું વૂલન શર્ટ પહેર્યું છે. હમણાં ચશ્માં નથી પહેરતો. આંખનો નંબર એકમાંથી અડધો થઈ ગયો છે. ઊંઘના અણસાર વરતાયા. એણે પડખું બદલ્યું. ઊંઘી ગયા પછી ચત્તો થઈ ગયો.

અમૃતા ગેલેરીમાં બેસીને વાંચતી હતી. રૂમમાં આવીને એણે લાઈટ કરી. છાત્રાઓ ઊંઘી ગઈ હતી. બંને પ્રવાસમાં એક જ બેડિંગ રાખે છે. ચીપકીને ઊંઘી ગઈ છે. શાલ ઓઢી છે.

બારણું બંધ કર્યું. સ્ટોપર ધ્યાનથી વાસી. બારીઓને સળિયા છે. એ સૂઈ ગઈ. થાક વરતાયો. ઠંડી છે. બારીઓ બંધ કરું? એ ઊભી ન થઈ.

એ ઊંઘમાં લાંબા શ્વાસ લે છે. પૃથુલ વક્ષ શ્વાસથી ભરાતાં શર્ટનાં બટન તંગ થાય છે… આ શ્વાસને સૂંઘતો સૂંઘતો એક સર્પ આવી રહ્યો છે. કદીય ઉતાવળ કર્યાનો અનુભવ ન હોય તેવી અતિ મંદ ગતિથી એ આવી રહ્યો છે. એ કરડતો નથી. અનિકેતના પેન્ટના રંગ કરતાં એની ત્વચા ઝાંખી છે, પણ સુંવાળપને કારણે એ ચમકે છે. કાપડ પર એ ધીમેથી સરકે છે. કશો અવાજ થતો નથી.

અનિકેતની છાતી પર પહોંચ્યા પછી એ મોં ઊંચું કરે છે. જોઈ રહે છે. કહે છે સાપને આંખ નથી હોતી.

અનિકેત શ્વાસ લે છે અને સાપનો ઉચ્છ્વાસ એમાં ભળે છે. અનિકેતના ઉચ્છ્વાસમાં એને રસ નથી. અનિકેત ફરી શ્વાસ લે છે. સાપનો ઉચ્છ્વાસ એમાં ભળે છે. આ ક્રમ જળવાઈ રહે છે. ચોતરફનો અંધકાર વધુ ઘેરાય છે. અનિકેતનાં ફેફસાંમાં નશો છવાતો જાય છે. સાપ ઉતાવળથી ટેવાયેલો નથી. એ નિશ્ચિંત છે.

બેટરીની લાઈટ… સાપને બેસી રહેવાનું ફાવ્યું નહીં.

લિસોટો જોઈને ભોમિયો એ તરફ ધસ્યો. સાપ ધીરે ધીરે જતો હતો. ભોમિયો પહોંચે તે પહેલાં એને દર મળી આવ્યું.

એણે અનિકેતનો હાથ પકડીને નાડીનો ધબકાર માપ્યો. રાહત અનુભવી. અનિકેતને જગાડ્યો. સાથે લાવ્યો હતો તે દૂધ આપ્યું. બેડિંગ લઈ આવ્યો. એના પર ગરમ કાંબળો પાથર્યો. નીચે ચારે ખૂણે ડૂંગળી મૂકી. અનિકેત સૂઈ ગયો.

ભોમિયો કલાકેક બેસી રહ્યો. પછી એણે અનિકેતના કપાળ પર હાથ મૂક્યો. એ બેફિકર બનીને ઊભો થયો. લોકગીતની એક પંક્તિ એના હોઠ પર ફરકી ઊઠી.એ જીપમાં જઈને ટૂંટિયું વાળીને સૂઈ ગયો. આગળની સીટ પર તાલ દઈને એ ગાવા લાગ્યો.

અમૃતા જાગે છે. ચાર શતક પૂર્વેનો સમય એની સંવિતમાં વર્તમાનકાળ બને છે — ‘અંસુવન જલ સીંચ સીંચ પ્રેમ બેલ બોઈ.’

એ પડખું બદલે છે —

એ પડખું બદલે છે —

એક નાનુંસરખું સરોવર. એની ફરતે પથ્થરથી બાંધેલો રસ્તો. રસ્તાની સરોવરવાળી કિનાર પર નાળિયેરી અને ખજૂરીનાં વૃક્ષો. એમની વચ્ચેની શાંતિમાં અવાચક નીહાર. પૂર્વ બાજુએ પાંચ લીંબડી.એ પાંચેયની સરખી છાયા. છાયામાં મંજરીની ઝર ઝર મહેક. એ મહેકની બંને બાજુ ઉટજ, જેમનાં નામ ઉત્તરાયણ અને દક્ષિણાયન.

સૂર્યના ઉદય-અસ્તનાં બદલાતાં સ્થાનને અનુરૂપ રહેવા એ વારાફરતી બંને ઉટજમાં રહે છે. ગ્રહપતિની ગતિને સાથ આપવાનો એને શોખ છે. દક્ષિણ કુટિર સામે અશ્વત્થ. ઉત્તર કુટીર સામે વટવૃક્ષ, જેની વડવાઈઓ ધરતીને અડી નથી પણ એક શાખા પર દર્ભરજ્જુથી બાંધેલા ઝૂલા પર એ બેસે છે ત્યારે એના પગ ધરતીને અડકે છે.

એ ઝૂલા પર બેસે છે ત્યારે પશ્ચિમ તીરના ફુલ્લ કુસુમિત ઉપવનમાંથી કેવડાની સુગંધ પવનની પાંખ પલાણીને સરોવરને ઓળંગતી એના નેત્રરાગને સ્પર્શી રહે છે.

સરોવરની દક્ષિણે એક ડુંગર છે, જેની ઊંચાઈને એની દૃષ્ટિ અનાયાસ આંબી શકે છે. ઉત્તર બાજુ શિલ્પમંડિત અતિથિગૃહ છે. એના પટાંગણમાં યજ્ઞવેદી છે. વેદીના પથ્થર ઉપર શ્લોકનું એક ચરણ કોતરેલું છે — વિદ્યયા અમૃતમ્ અશ્નુતે.

પ્રાત:કાલીન નીહાર અને સંધ્યાકાલીન સુવર્ણરેણુ એને રમ્ય લાગે છે. પ્રદોષકાળ પહેલાં એ પ્રતિદિન તાડપત્ર પર લખાયેલ ઉપનિષદ્ હાથમાં લઈને ઊભો હોય છે. એક શ્લોક વાંચે છે અને પછી પોતાના વિશ્વને નીરખતો શ્લોકનો અર્થવિસ્તાર કરે છે. એક શ્લોક વાંચ્યા પછી એ ઊભો છે. સામે વાયવ્ય તરફ ધૂળની ડમરીઓ ઊડી રહી છે. નજીક ને નજીક આવી રહી છે. એ ધ્યાનને કેન્દ્રિત કરે છે. એક કાળો અશ્વ આવતો દેખાય છે. એના મસ્તક ઉપર ધ્વજા ફરકે છે, ગળે બાંધેલી ઘંટડી રણકે છે. અશ્વની પાછળ પાછળ આવે છે એક ઊંટ. એની આકૃતિ પ્રચંડ છે. એનાં અંગો પર તમામ શણગાર છે. ઉપર બેઠેલો પુરુષ સરોવર જોઈને ઊભો થાય છે અને ભવાં ખેંચે છે. કેડ પર હાથ મૂકીને ભ્રમર નીચી કરે છે. એનું ખેંચાયેલું બખ્તર સશબ્દ ચમકે છે.

એણે રાજાશાહી ફેંટો બાંધ્યો છે. એ ફેંટાના છોગલાને સ્થાને સાપની ફણા શોભે છે, એમાં લીલા રંગનો હીરો તગે છે. એના કાનમાં વીંછીના કાંટાના આકારનાં કુંડળ ઝળહળે છે. એની આંખોના નેપથ્યે રોકવામાં આવેલો ઝંઝાવાત પેલા પ્રચંડ ઊંટની હલકમાં પ્રગટ થઈ જાય છે,

આગંતુકને જોઈને એણે ઉપનિષદ્ પોતાના વેત્રાસન પર મૂકયું. અને એ સામે ગયો. અશ્વ ઊભો ન રહેતાં એની કેશવાળી પકડીને એણે રોક્યો, અને મસ્તક પરથી ધ્વજા ઉપાડી લીધી. અશ્વ આગળના બે પગે કૂદ્યો અને હણહણતો ડરાવવા ગયો. એણે ખરી પાસેથી અશ્વનો પગ પકડી લીધો અને એક આંચકે વળ દઇને ઉછાળ્યો. અશ્વ ઊંધો વળતો ઊંટના પગ પાસે જઈ પડ્યો.

ઊંટ પર ઊભા થયેલા પુરુષના હોઠ ખૂલ્યા અને એમાંથી ઘનઘોર અવાજ પ્રગટ્યો —

‘એ…’ પર્વતો વચ્ચે પડઘાઈને મેઘ કોઈ મોટી શિલા તોડી નાંખે. અવાજ થાય. પછી એ શિલા રળતી — રવડતી નીચે સ્થિર થાય અને શાંતિ જન્મે. શાંતિના અનુભવ પછી એ બોલ્યો —

‘કોણ છે તું? આ તપોભૂમિમાં પશુ પર બેસીને પ્રવેશવાનો નિષેધ છે.’

‘હું ભસ્માસુર છું.’

‘એનો તો ક્યારનોય નાશ થઈ ગયો. આવું છળ ન આચર.’

‘હે અબોધ યુવક! તું તપોવનકાળમાં જીવે છે તેથી તું મને નથી ઓળખતો. હું ભસ્માસુર છું. યંત્રોના અવાજો આકાશમાં એકત્રિત થયા અને એમાંથી મારો જન્મ થયો. ભગવાન કાલપુરુષની મારા માથે છત્રછાયા છે.’

‘હું તપોવનકાળમાં જીવું છું તેમ કહીને ઉપહાસ કરનારનું સાહસ હાસ્યાસ્પદ છે. હે આગંતુક, હું સમગ્ર સમયમાં જીવું છું. હું શાશ્વતીનો દૂત છું. અહીં જે કંઈ છે તે સકલ ઈશ્વરમય છે. અહીં આશ્રય જોઈતો હોય તો નીચે ઊતરવું પડશે. આ ધરિત્રીનો પ્રત્યેક કણ મધુમય છે. હું અહીં ઊછર્યો છું તેથી કોઈની અવમાનના કરતો નથી. અતિથિરૂપે આવવું હોય તો સ્વાગત કરવા ઉદ્યત છું. આક્રમણકારીને પરાભવ આપવાની શક્તિ મારા બાહુઓમાં સંચિત છે.’

પાછળ હતો તે રથ છેક નજીક આવી ગયો. રથ પર કોઈ સારથિ ન હતો. ચાર સ્વેત અશ્વો સ્વયંનિયંત્રિત લાગતા હતા. રથ ફરતે મખમલી આવરણોથી ઢંકાયેલો હતો. આગળનો પડદો હાલી ઊઠયો અને એને ખેસવતો એક હાથ બહાર આવ્યો.

‘અમૃતા?!’

એ હાથ અમૃતાનો હોય એવું એને લાગ્યું. એ આગળ વધ્યો.

ચહેરો પ્રગટ થયો.

એ ક્ષુબ્ધ થઈ ઊઠયો. પડદો ફરી છવાઈ ગયો. મેઘાચ્છાદિત શાંત ગગનમાં એકાએક વીજક્ષેપ થાય અને પછી આકાશ અનુભવે એવી ગંભીરતા ચહેરા પર ઉપાડતો એ પેલા પુરુષ કને ગયો.

‘આપ ભસ્માસુર ન હોઈ શકો. કોણ છે આપની સાથે આ… આ રહસ્યમયી રૂપસી કોણ છે? યંત્રોના પ્રતિનિધિક સ્વરૂપ સાથે આવી સજીવ ઉપસ્થિતિ?’

‘એ મારી જ ઉપલબ્ધિ છે. એ મારી શિષ્યા છે. મારી સાધનાનો આનંદાંશ એણે ગ્રહણ કર્યો છે. એણે જ મને આ તરફ વાળ્યો. હું એનું વચન ઉથાપતો નથી. કેમ કે એ મારી એકમાત્ર શિષ્યા છે.’

‘ભસ્માસુરની શિષ્યા આ? અખિલ સૌંદર્યનો સાર?’

‘હે મુગ્ધ યુવક, એ માત્ર સુંદર નથી, વિદુષી પણ છે.’

રથ આગળ વધ્યો. એની નજીક આવતાં ચોતરફ આવૃત મખમલ અદૃશ્ય થઈ ગયું.

એ ચહેરામાં સૃષ્ટિના તમામ ચહેરાઓનું સૌંદર્ય હતું. પણ સૃષ્ટિના ચહેરાઓમાં તો કશુંક માનવીય તેથી પરિચિત તત્ત્વ હતું. આ ચહેરો સૃષ્ટિના ચહેરાઓમાંનો કોઈ એક ન હતો. બધાથી કંઈક વિશેષ હતો. એનું સ્મિત અધર, કપોલ અને નયનમાં એક સાથે પ્રગટતું હતું. એ સ્મિતને અનુભવતાં પણ એને ન ફાવ્યું. કદાચ એ અનુભવ પ્રાપ્ત કરી શકવા માટેની સજ્જતા એની ઓછી હતી. એ ચહેરાને ચહેરો કહેવા કરતાં અનંત સૌંદર્યનું કલ્પન કહેવામાં સત્યની વધુ નજીક રહેવાશે એવું એને લાગ્યું.

‘અતિથિ માટે આપના પ્રાંગણમાં સ્થાન નથી કે રાર્જષિ?’

‘હું રાર્જષિ નથી. સાધક છું. આપ અતિથિ હશો તેની મને ખબર ન હતી. મેં માન્યું કે આ તો આક્રમણ થઈ રહ્યું છે!’

‘ઓહો! એટલે તમે વિક્ષુબ્ધ થઈ ગયા હતા? ડરી ગયા કે શું?’

‘ડરને હું જાણતો નથી. વિક્ષુબ્ધ થઈ ગયો હતો એમ પણ આપ કહો છો. મેં આપને જોયાં ન હતાં. અને જોયાં ત્યારે આશ્ચર્ય થયું જે એટલું બધું તીવ્ર અને સબળ હતું કે…’

‘આશ્ચર્ય શેનું? માનવીને જોઈને આશ્ચર્ય! તમે એકાન્તવાસી લાગો છો.’

‘પ્રત્યેક સાધકે પોતાનું એકાન્ત સુરક્ષિત રાખવું પડે. આપ માનુષી હશો તેમ માની લઉં છું કેમ કે સકલ માનવલોકને મેં જોયો નથી. આજથી એક મનુષ્ય તરીકે હું ગૌરવ લઈશ કે મેં એક એવા ચહેરાનું દર્શન કર્યું છે જે માનવરૂપે જ મને દેખાયો હતો.’

‘બસ કરો સાધક, મારે તમારી સ્તુતિ નથી જોઈતી, આતિથ્ય જોઈએ છે. તમારી પાસે કોઈ વિદેશિની માટે સ્થાન હોય તો ઉપકૃત કરો.’

‘ઉપકૃત તો હું થઈશ. પધારો. મારા કલ્પિત સદ્ભાગ્યને આજે સાક્ષાત્ થતું જોઈશ. પધારો.’

એ આગળ થયો. એમને અતિથિગૃહ સુધી પહોંચાડ્યાં. પુરુષ અંદર ચાલ્યો ગયો. અને એણે શંકરની સ્તુતિ આરંભી.’

‘તમારું નામ?’

‘અનિકેત.’

‘અનિકેત? એક જ સ્થળે રહેનાર! સુંદર નામ છે તમારું. અનિકેત!!’

‘તમારું નામ જાણવાનો લોભ રોકી શકતો નથી.’

‘મારે નામ નથી. એ મને ‘’કન્યા’’ કહે છે. પણ તમે મને નામથી સંબોધવા માગતા હો તો આપો એક નામ. તમારી આ સૃષ્ટિ જોઈને તમારી અભિરુચિ વિશે ઊંચો અભિપ્રાય બંધાયો છે. તમે આપશો તે નામ હું સ્વીકારીશ.’

‘અમૃતા. નારીમાત્રને એ એક જ નામ હોઈ શકે.’

‘ભલે.’

‘તો હું જાઉં? અનુજ્ઞા મળે તો.’

‘જેવી તમારી ઇચ્છા. પણ આમ ઉતાવળ કરવાને કારણ ન હતું.’

‘એ તમારી પ્રતીક્ષા કરતા હશે.’

‘ના, એ કોઈની પ્રતીક્ષા કરતા નથી… મને પ્રશ્ન થાય છે કે આ મરુભૂમિ વચ્ચે તમે આટલું બધું જલ કેમ કરીને એકઠું કર્યું? આ સરોવર તો સંસ્કૃતિ સમું નિર્મલ છે.’

‘મારી સાધના ચાલે છે અને એનું જલ વધતું જ જાય છે.’

‘એમાં સ્નાન કરવાની મનાઈ હશે.’

‘ના.’

‘તો, રાત્રિનો પ્રથમ પ્રહર પૂરો થાય અને ચાંદનીની નિરંધ્ર વર્ષાથી ધરાતલ આનંદિત થઈ ઊઠે ત્યારે હું સરોવર વચ્ચે હોઉં તો કેવું સારું!’

‘આ સરોવર કૃતાર્થ થશે.’

‘તો મારી રક્ષા કરવા તમે કિનારે બેસી રહેજો. મારી પાછળ પાછળ એક ઘોડેસવાર આવતો હોય છે. એ મને એકલી જુએ તો ઉપાડી જાય. જોકે હું માનું છું કે એ રસ્તો ભૂલી ગયો છે, મને શોધી નહીં શકે.’

‘હું જરૂર આવીશ. અહીં સંપૂર્ણ શાંતિ હોય છે તેથી મારી કુટીરમાં બેઠો બેઠો પણ હું તમારો પદરવ સાંભળી શકીશ. જુઓ પેલી હંસના આકારની નૌકા છે ને? તેનાં લંગર છોડીને હું એમાં બેસીશ. તમે સરોવરના જલને બહુ ઝોલે ન ચડાવતાં, નહીં તો મારી નૌકા ડોલી ઊઠશે.’

‘તમે તો અતિ સાવધ પુરુષ લાગો છો. તમારું અંગસૌષ્ઠવ જોતાં તો તમે નિર્ભીક લાગો છો. પછી આવી સાવધતા શા માટે? અચ્છા, હું જાઉં.’

‘ભોજન માટે ફળફળાદિ મોકલું છું.’

‘ભલે. અમારા સેવકોને ફળ ગમે છે.’

અનિકેત જમતો હતો ત્યારે એને લાગ્યું કે આ અવિવેક થઈ રહ્યો છે. યજમાન તરીકે પોતે પોતાનો ધર્મ બજાવતો નથી. અતિથિ સાથે જ જમવું જોઈએ.પણ કન્યા? એ અમૃતા તો નથી ને?

બીજો પ્રહર આરંભાઈ ચૂક્યો. પદરવ સંભળાતાં એનું વાતાવરણ સૌરભભર્યું બની ગયું.એ પ્રતીક્ષા કરી રહ્યો હતો. ગયો. સરોવરમાં દેખાતી કિનારા પરનાં વૃક્ષોની પ્રતિચ્છાયાઓને પણ સ્પર્શવા માગતી હોય તેમ ચાંદની ઊંડે ઊતરી રહી હતી. ચીનાંશુક ધારણ કરીને એ સામે કાંઠે ઊભી હતી. એનાં વસ્ત્રોનો રંગ ચાંદનીમાં ભળી રહ્યો હતો.તેથી એનાં અંગો પર સોનચંપાની આભાદ્યુતિ ઝલકતી હતી. એ પંખિનીની વિધિથી સરોવરમાં ઊતરી. સરોવરના જલમાં પ્રવેશેલી ચાંદની એકાએક બહાર આવી અને સપાટી પર લહેરાઈ ઊઠી. અનિકેતની ચારે ગમનું સ્થિર મૌન ડોલી ઊઠયું.

જલતરંગ… કન્યાની ક્રીડાથી લયાન્વિત જલનું સ્થિર નૌકા સુધી પહોંચવું… શાંતિ… એના પ્રકંપિત શ્વાસનું જલની શીતળતામાં નિરુપદ્રવી ભાવે ભળી જવું… કન્યાના તરવામાં હાથ-પગની તાલબદ્ધ હલકનું દેખાવું… અનિકેતની આંખોમાં જલનૃત્યમાં વિશિષ્ટ હાવભાવનું સમાવું… અગ્નિ ખૂણામાં જઈને કમલદંડ તોડીને હાથમાં ગ્રહીને અનિકેત ભણી એનું આવવું… કન્યાના દૃષ્ટિસ્પર્શનું એકાએક ઓળખાઈ જવું… એનું બોલી ઊઠવું — આમિ ચિનિ ગો ચિનિ તોમારે ઓગો વિદેશિની!

અનિકેતના કંઠથી સરોવર અને સમગ્ર રણદ્વીપ આંદોલિત થઈ ઊઠયાં. બીજો પ્રહર પૂરો થાય ત્યાં સુધી સરોવર ઊર્મિલ બની રહ્યું. એક દ્વિધા અનિકેતના મનમાંથી ભૂંસાતી ન હતી. આ અમૃતા તો ન હોય? આ અંગો… એક જ ચીનાંશુકથી ઢંકાયેલાં અંગો… એ અંગો જોઈને જાગતો અનુરાગ… એનાં લોચનનો પ્રતિભાવ… આ અમૃતા ન હોય તો બીજું કોણ? એ છદ્મવેશે મારી કસોટી કરવા આવી હોય તો નવાઈ નહીં.

‘અમૃતા!’

‘કહો.’

‘તમે અમૃતા જ છો ને?’

‘હા જ તો, તમે જ નામ આપ્યું છે ને!’

‘મેં આપેલું નામ બાદ કરીને જવાબ આપો. તમે અમૃતા જ છો ને?’

‘હું તો હું છું. એ મને કન્યા કહે છે. પેલો મારી પાછળ પડેલો ઘોડેસવાર મને શું કહેતો હશે તેની ખબર નથી. તમે અમૃતા કહો છે. તમે મને જે રીતે ઓળખવા માગતા હો તે રીતે ઓળખો.’

‘હે નારી! તું મને ક્ષિતિજ જેવી રહસ્યમય અને અપ્રાપ્ય લાગે છે. હું જેમ જેમ તારી નિકટ આવતો જઈશ તેમ તેમ તું વધુ ને વધુ વિદેશિની બનતી જશે એ જાણું છું.’

‘તો હું નિકટ આવું.’

એણે હાથ લંબાવીને એને ઊંચકી લીધી. નૌકાને આપોઆપ ગતિ મળી ગઈ, જાણે એ હંસરૂપા બની ગઈ ન હોય! અનિકેતના બાહુમાં પોતાને અવશભાવે સોંપી દેતી એ નતનયન ઊભી હતી. આ સ્પર્શ તો પરિચિત છે. તો શું પોતે છેતરાયો? આ અમૃતા જ છે? નૌકાની ગતિને કેમ કરીને રોકવી? અને આ એણે પહેરેલું વસ્ત્ર પણ ભીંજાઈને હવે તો એનાં અંગોને આવૃત કરવાને સ્થાને વધુ સંમોહક રીતે છતાં કરે છે. કામનાઓને વધુ ઉદ્દીપ્ત કરે છે. અનાયાસ પ્રાપ્ત થયેલો આશ્લેષ અસહ્યા બનતાં એના શરીરના કોષેકોષ ગતિ પ્રાપ્ત કરવા ઇચ્છતા હતા.

‘એક સેવાકાર્ય કરશો?’

‘આજ્ઞા કરો.’

‘મારાં વસ્ત્ર વટવૃક્ષ નીચેના તમારા ઝૂલા પર લટકે છે. જરા બહાર જઈને લઈ આવશો? આવાં ભીનાં અને તમારા સ્પર્શથી ખસી ગયેલાં વસ્ત્રોમાં હું બહાર નીકળું તો જોઈને અહીંની નિસર્ગશ્રીને અરુચિ થશે.’

એ નૌકા કૂદીને પાણીમાં પડ્યો. તરીને કાંઠે ગયો. વસ્ત્ર લઈ આવીને ઊભો રહ્યો. કન્યા પગથિયાં ચડતી બહાર આવી. અનિકેતે જોયું કે નૌકા પોતાને સ્થાને જઈને સ્થિર થઈ ગઈ છે. કન્યાના અગાંગનું લાવણ્ય… એનાં ચરણોનો ગતિલય… શ્રોણીભારાત્ અલસગમના…

ક્ષણમાત્રમાં નવાં વસ્ત્ર ધારણ કરીને એ સામે આવી. એણે વિદાય લીધી. એ કંઈક પૂછવા જતો હતો પણ અવાચક રહી ગયો. ઉટજમાં જઈને મનને મથતો રહ્યો. સંધ્યાકાળે હાથમાં લઈને ઊભો હતો તે ઉપનિષદની સહાયથી પણ એ પોતાના વીખરાયેલા ચિત્તભાવોને કેન્દ્રિત કરી ન શક્યો. ત્રીજો પ્રહર પૂરો થાય ત્યાં સુધી અનિદ્રાથી પીડાતો એ શય્યા પર પડખાં બદલતો રહ્યો. આખરે ઊભો થયો અને અતિથિગૃહ તરફ વળ્યો.

‘ગાડીનો સમય થઈ ગયો દીદી!’

એ સસંકોચ આગળ વધી રહ્યો હતો. પહોંચીને જોયું તો અતિથિગૃહ ખાલી. ખાલી. યજ્ઞવેદી પરથી ઢળી પડેલા પથ્થર પર પગ ટેકવીને એ ઊભો રહ્યો બધું જ ખાલી ખાલી. ઉપવનમાં ગયો. કશો સંચાર ન હતો. બહાર નીકળીને દક્ષિણ તરફ વળ્યો. એણે ધ્યાનથી જોયું — પગલાં કઈ તરફ લઈ જાય છે? હા, આ અશ્વનાં પગલાં, આ ઊંટનાં. આ રથચક્રના ચીલા… એ ચાલ્યો. ઝડપથી ચાલ્યો… દોડ્યો. દૂર-સુદૂર નજર પહોંચતી હતી. કશું દેખાતું ન હતું. રસ્તો સારો ન હતો. રેતની ઊંચી ઊંચી ટેકરીઓ ઓળંગીને આગળ વધવાનું હતું. ઊભા ઊભા ચાલી શકાતું ન હતું. બેસી બેસીને શરીરના વજનના આશ્રયે ઘસડાવું પડતું હતું. પગમાં બરછટ પથ્થરોની ધાર વાગવાથી ચાલતાં ન ફાવે તેવી ઈજાઓ થતી હતી. પણ એ તો ઊભો થઈને, બેસીને, નમીને, ઊભો થઈને આગળ ચાલ્યે જ જતો હતો. ન હતાં પંખી, ન હતાં વૃક્ષ, ન હતી પાણીની કોઈ નિશાની, ન હતો દિવસ: હતી કેવળ રાત. પાછલા પ્રહરની રાત. જે સૂર્ય ઊગવાનો ભ્રમ પણ જગાવતી ન હતી. એ ચાલ્યો જતો હતો.

ચીમળાઈને સુકાઈ ગયેલું એક ઝાડવું જોઈને આશા બંધાઈ. એના પગ નીચે કંઈક ખખડ્યું. એણે નમીને જોયું — ચાંદીના સિક્કાઓની ઢગલી. જોયું ન જોયું કરીને એ આગળ વધ્યો. તૂટેલી દીવાલ પર ચીતરાયેલી આકૃતિઓએ એનું ધ્યાન ખેંચ્યું. છેલ્લા પ્રહરના ઉજાસમાં એ બધુંય બરોબર જોઈ શકતો હતો. એક ખાડા તરફ એ વળ્યો. અંદર ઊતર્યો. લાકડા જેવું કંઈક પગને વાગ્યું. હાથમાં પકડીને એને એક તરફ ફેંકવા ગયો. એક આખું હાડપિંજર ઊંચું થયું. એની પાંપણ કંપી ઊઠી. છતાં ધ્યાનથી જોઈ લીધું. નાની મોટી ખોપરીઓ સાજી અને તૂટેલી અવસ્થામાં પડી હતી. એ આગળ વધ્યો. ઘણી બધી વસ્તુઓ એને રોકવા મથતી હતી. ‘અમને પણ ઓળખતો જા, પ્રવાસી! અમે પણ છીએ.’ રણ વચ્ચેના આ મૃત નગરની ક્ષણિક મુલાકાતને ભૂલવા મથતો એ આગળ વધ્યે જતો હતો.

હવે તો કોઈનાં પદચિહ્ન ન હતાં. જેના પર ચાલી રહ્યો છે તે માત્ર ધરાતલ હતું, માર્ગ ન હતો. એના ચાલવાથી નવી કેડી રચાય તેમ પણ ન હતું. રણવાસી પવન રેત પરની તમામ નિશાનીઓ ભૂંસી નાંખીને મનફાવતી રેખાઓ રચે છે. એ જાણતો હતો છતાં ચાલતો જ રહ્યો. જેમ દિશા ભૂલી ગયો હતો તેમ શા માટે ચાલી રહ્યો છે તે પણ ભૂલી ગયો છે. જેને શોધવા નીકળ્યો છે તેને ભૂલીને પણ એ ચાલી રહ્યો છે. એની નિરપેક્ષ ગતિ અટકે તેમ નથી. હમણાં દોડવા લાગશે, હમણાં દોડવા લાગશે એવું સૂચવતા એના પગ ઉપર શરીર લઈને એ ચાલી રહ્યો છે.

ભોમિયાએ જોયું કે બાબુજી પોતાની આદતથી વિરુદ્ધ સૂઈ રહ્યા છે. એને પોતાને જોઈને નાસી ગયેલો સાપ યાદ આવ્યો. એણે અનિકેતને જગાડ્યો. જાગ્યા પછી પૂર્ણપણે જાગતાં વાર લાગી.

‘આજે તો હું જવાનો હતો. જોધપુરમાં તારા સરનામા પ્રમાણે તને શોધવા મથ્યો. મકાન જડ્યું. એક ચામાચિડિયાએ કહ્યું કે તું નથી. પોસ્ટમાં જાણ્યું કે તું જેસલમેર ગયો છે. ત્યાં ડાકબંગલામાં રોકાયો હશે. અહીં આવ્યો તો કોઈ તારા વિશે કશું ન જાણે. ત્રણ દિવસ થઈ ગયા. આજે જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં જીપનો અવાજ સાંભળ્યો.’

‘સારું થયું કે તું રોકાયો, આપણને મળ્યે ઘણો સમય થઈ ગયો કહેવાય.’

ડૉકટરને મળીને બંને આવી રહ્યા હતા. અનિકેતને ભોમિયાની વાત પરથી લાગ્યું કે સાવચેતીનાં પગલાં લેવાં સારાં. જોકે એણે કહ્યું હતું કે સાપ આખી રાત છાતી પર બેસી રહે તો જ એના ઝેરની અસર થાય. ચિંતા કરવા જેવું કંઈ ન હતું છતાં એણે અસાવધ રહેવાનું સ્વીકાર્યું નહીં અને જેસલમેરથી નીકળ્યે પણ દિવસો થયા હતા. એ અહીં આવ્યો. બંને થોડીક વાર બેઠા. ડૉકટરને મળવા ગયા. અનિકેતની તબિયત બરોબર હતી. ઉદયનને થયેલી ઉધરસ માટે દવા આપી. પણ એ એનો ઉપયોગ કરશે જ એની અનિકેતને ખાતરી નથી.

‘કેવું લાગ્યું જેસલમેર?’

‘જૂનું-પુરાણું.’

‘ગમ્યું કે નહીં?’

‘થોડા ફોટા પાડી લીધા. સાલમસિંહની હવેલીની બાંધણી વિશિષ્ટ લાગી. એના ઉપરના બે મજલા તો કહે છે કે ઉતારી લીધા છે. એના પાંચમા મજલાનું સ્થાપત્ય ધ્યાન ખેંચે છે. એકદંડિયા મહેલનો આભાસ કરાવે છે. લોખંડના ઉપયોગ વિના ઉપરનો વિસ્તાર કુશળતાપૂર્વક ટકાવ્યો છે. નગરથી લગભગ વાયવ્ય તરફ એકલી અટૂલી એ હવેલી ઝૂર્યા કરતી હોય એમ લાગે છે. મેં એની અટારીઓ પર વધુમાં વધું સમય ગાળ્યો અને મારી સહાનુભૂતિ પ્રગટ કરી. મને લાગે છે આપણે પથ્થરો અને માણસોમાં બહુ ભેદ કરવો ન જોઈએ. પદાર્થવિજ્ઞાન તો કહે છે કે પદાર્થનું શક્તિમાં અને શક્તિનું પદાર્થમાં રૂપાંતર કરી શકાય છે. મને લાગે છે કે આપણે પણ સંવેગશૂન્ય થઈને એક વસ્તુ તરીકે જીવવું જોઈએ. અન્યની નજરે તો આપણે સદા ઑબ્જેકટ જ હોઈએ છીએ ને?’

અનિકેતે સ્ટવ બંધ કરીને ચા ગાળવી શરૂ કરી. બે કપ અને એક ગ્લાસ ભરીને ચા ગોઠવી. સામે બેઠો.

‘આગળ બોલું?’

‘હા, આપણે બીજા માટે તો ઑબ્જેકટ જ હોઈ શકીએ, સબ્જેકટ નહીં. શક્તિનું પદાર્થમાં રૂપાંતર થઈ શકે માટે જે સચેતન છે તેને પદાર્થવત્ માની લેવાય નહીં. પણ, તારું વલણ હું સકારણ સમજું છું. આગળ ચાલ.’

‘દીવાન નથમલની હવેલીનું શિલ્પ નોંધપાત્ર છે. દક્ષિણ તરફનો પેલો ટેકરો ઉપરથી અડધા કપાઈ ગયેલા મોટા પિરામિડ જેવો લાગે છે. ધૂળમાં એનું વ્યક્તિત્વ ઢંકાઈ ગયું છે. ખંડિયેર બન્યા વિના આ નગર ટકી રહ્યું છે એનું મને તો ભારે આશ્ચર્ય છે.’

‘તને આશ્ચર્ય થવા લાગ્યું એ સારી નિશાની છે.’

‘આશ્ચર્ય કેમ ન થાય મિત્ર! કલ્પનાતીત અનુભવો થયા છે. તું જાણે છે મુંબઈમાં ‘’અમૃતા’’ નામની એક છોકરી છે — યુવતી થવા છતાં એ છોકરી છે. એના ગુમાનનો પાર નથી. એ એક દિવસ મારી જ આંખે જોતી હતી અને આજે મને ત્રીજા નેત્રથી જોવા લાગી છે. સારું છે કે તું એને ઓળખતો નથી.’

‘કિલ્લા પરનાં જૈનમંદિર જોયાં? જ્ઞાનભંડાર?’

‘જૈન અને મંદિર અને ભંડાર અને અજ્ઞાન અને ગંદકી અને અંધકાર બધું જ જોયું. મોકળાશ અને સંકડાશ — બંનેનો અનુભવ કર્યોં. કોટના છેક ઉપરના પથ્થર પર ઊભા રહીને નજર ઢાળી અને ચોતરફનો વંધ્ય વિસ્તાર જોયો. સારું છે કે અહીં વરસાદ પડતો નથી નહીં તો આ બધા પીળા પથ્થર સાવ કાળા પડી ગયા હોત. સિંદૂરિયા રંગી પથ્થરો મલિન થઈ ગયા હોત.’

‘લે ચા. ઠંડી થવા આવી.’

ઉદયને ચા લઈને બાજુ પર મૂકી. અનિકેતે બહાર જોયું-

‘સમયની કેવી ઝડપી અસર છે! ક્ષણ પહેલાંની ગરમી કેવી અદૃશ્ય થઈ જાય છે!’

‘અહીં ત્રણ દિવસ બેધ્યાનપણે ગુજારવાથી Boredom ઓછું થયું. લોકોને હસતા મલકાતા એકબીજાના કાનમાં કંઈક કહેતા, તાલી દઈને કૂદતા જોઉં છું ત્યારે મને વિચાર આવે છે કે જો આ બધા માણસ છે તો હું માણસ નથી અને હું માણસ છું તો આ બધા માણસ નથી. એક જ જાતિમાં આટલો બધો તફાવત ન હોઈ શકે. મને લાગે છે કે મારા માથામાં સીસું ભરેલું છે. સમય સીસું બની બનીને એમાં એકઠો થતો રહ્યો છે. ઇચ્છા થાય છે કે આગમાં મૂકીને એને ઓગાળી દઉં… ગઈ કાલે રાજકીય શ્મશાનભૂમિ જોવા ગયેલો. સૂર્યાસ્ત પછી બધું ધીરે ધીરે નિષ્પંદ થઈ ગયું. ચારે તરફ નીરંધ્ર અંધકાર સ્થિર થયો. પછી શ્મશાનમાંથી ઊભો થયો. શ્મશાન મારી સાથે આવતું હોય તેમ લાગ્યું. મને આનંદ થયો.પછી વિચાર આવ્યો કે આ ભૂતપ્રેત મને કેમ કદી દેખાતાં નથી? એમને ન જોયાનો વસવસો રહી ગયો છે.’

‘તને એ પોતાનામાંનો ગણીને… ના ના, તારા ચિત્તને ભયશૂન્ય જાણીને એ દેખા દેતાં નહીં હોય. તને સખત શરદી થઈ છે. આ દવા લઈશ?’

દવા આપી. ઉદયન સૂઈ ગયો. એના કપાળ પર, ગળા પર છાતી પર બામ ઘસીને અનિકેતે એને ઊંઘવા કહ્યું. પાંચેક મિનિટ આંખો દાબી રાખીને એ બેઠો થયો.

‘કેમ?’

‘ઊંઘી લીધું.’

‘એટલી વારમાં?’

‘તેં ક્યાં સમયમર્યાદા બાંધી આપી હતી.? અને મને લાગે છે કે મને કંઈ થયું નથી. અલ્યા, જોધપુરમાં તેં મંડોરના રસ્તે મકાન કેમ રાખ્યું?’

‘એક દિવસ મંડોર જતાં જાણ્યું કે એ મકાન મળી શકે તેમ છે. મંડોર સુધી ફરવા જવું હોય તોપણ દરરોજ જઈ શકાય. બહુ સારું સ્થળ છે એ. ચોતરફ પર્વતભૂમિ અને વચ્ચેના ભાગમાં વૃક્ષો અને બાગ. લોકોનું એ પ્રિય સ્થળ છે.’

‘હું પણ ત્યાં ગયેલો. સાંજવેળાએ ગયેલો. ઘોડાગાડીવાળાએ ભલામણ કરી. સામાન્ય માણસોમાં મને વિશ્વાસ, તેથી હું ગયો. એની વાત ખોટી ન હતી. ત્યાંનું સિચ્યુએશન વ્યક્તિત્વવાળું છે. વૃક્ષો પણ ખેંચી રાખે એવાં છે. પણ ભીડ ભારે હતી. રોકાવાનું મન ન થયું. કાચી અવસ્થાનાં લોકો સલામત સ્થળ શોધવા આવતાં હોય એવું લાગ્યું. વળી, ઊંચાં ઊંચાં દેવળ જેવાં લાગતાં મકાનો વિશે જાણ્યું કે આ તો રાજાઓની સમાધિઓ છે. ત્યારે તો હું સો ટકા કંટાળ્યો. ઘોડાગાડીવાળો મને મંડોર પાસેનું શરાબનું કારખાનું બતાવવા લઈ ગયો. તું જાણે છે કે અમુક સ્થળે જવાય અને અમુક સ્થળે ન જવાય એવું હું માનતો નથી. ઘોડાગાડીવાળાએ ગાંજો ફૂંક્યો હતો. એણે કહ્યું — ‘સાહેબ, લે ચલૂં?’ હું શા માટે ના પાડું? હું તો કારખાનું જોઈને પાછો વળ્યો. મને લાગ્યું કે સાહિત્યની પ્રક્રિયા શરાબ ગાળવાની પ્રક્રિયાને મળતી આવે છે. મૂળ વસ્તુ વરાળ બનીને પછી આકાર ગ્રહણ કરે. પેલાની ઈચ્છા હશે કે સાહેબની સાથે એને પણ પીવા મળશે. પણ મને એમ જ પાછો વળતો જોઈને એ નિરાશ થયો, બલ્કે ભોંઠો પડ્યો.

‘તને પીવાની ઇચ્છા પણ ન થયેલી?’

‘ઇચ્છા થાય તો તારી જેમ એને હું ભાગ્યે જ રોકું. લોકો કહે છે કે શરાબ પીવાથી નશો ચડે છે અને નશાના વર્ચસમાં જાગૃતિની સત્તા રહેતી નથી. સ્મરણોથી મુક્તિ મળે છે. હું પણ કેટલુંક ભૂલી જાઉં તો રાહત અનુભવું — સુખી થાઉં. પરંતુ સુખી થવા માટે કેટલુંક ભૂલવા માટે નશાનો આશ્રય લઉં એટલો બધો હું નિર્બળ નથી.’

પવન સાથે આછી આછી ધૂળ ઊડી આવતી. અનિકેત જોઈ રહ્યો.

‘શું વિચારે છે?’

‘દક્ષિણે, અહીંથી દસ માઈલ દૂર જેસલમેરની જૂની રાજધાની છે, લોદ્રવા. આખું નગર નિ:શેષપણે ધૂળ બની ગયું છે. લોકો કહે છે કે ધૂળમાં દટાઈ ગયું છે. ત્યાંનું જૈનમંદિર સલામત છે. મંદિર પાસે એક કલ્પવૃક્ષ છે. તને જીપમાં સવારે ફેરવી આવીશ.’

‘તો અત્યારે જ ચાલ ને! સૂર્યાસ્તને હજી વાર છે. વાર ન હોય તોપણ શું? વિનાશને તો અંધારામાં જ જોવો સારો, બલ્કે વિનાશમાં તો જોવું પણ શું? એને તો અનુભવવાનો હોય. એની સંનિધિમાં પોતાનું નિરીક્ષણ કરી લેવું અને આશ્વાસન મેળવીને આગળ વધવું.’

ડ્રાઈવિંગ ઉદયને કર્યું. સમ નામના ગામ તરફ પાકી સડક વળી ગઈ. પછીના ખરબચડા રસ્તે ઉદયને જીપ ચલાવવામાં બેકાળજી ભરી હિંમત દાખવી. અનિકેત ઊંડે ઊંડે મલકાતો હતો — એ માનતો હશે કે હું એને ખામોશીથી જીપ ચલાવવા સૂચવીશ. પણ એને ક્યાં ખબર છે કે હું…

ઉદયને બ્રેક મારી. સામે મોટો પથ્થર હતો. એણે જીપને રિવર્સમાં લઈને રસ્તે પાડી. કહ્યું —

‘મને એમ કે આવો સારો પથ્થર તૂટી જાય તે બરોબર નથી.’

લોદ્રવા પહોંચીને પાંચેક મિનિટ મંદિરમાં ફરીને પાણી પીને, પૂજારીને એક રૂપિયો આપીને ખંડિયેરની હાલતમાં ટકેલાં ચારપાંચ મકાન વચ્ચેથી પસાર થતાં ઉત્તર-પશ્ચિમ તરફ ગયાં. એક ઊંચી અને ખંડિત દીવાલ પર જઈને બંને બેઠા. કેમેરા વાપર્યો. પછી ઉદયને પાછળ તરફ નજર કરી.

‘અલ્યા, આપણી પાછળ પણ મંદિર જેવું કંઈક લાગે છે. તોબા આ મંદિરોથી તો. જ્યાં જાઓ ત્યાં મંદિર, ચાલ, ઊઠ અહીંથી.’

સૂર્યાસ્તની ધૂસર ચમક ઓસરતી રહી. પછી ચમક વિનાની ધૂસરતા વરતાવા લાગી. પછી ધૂસરતા કાળી પડવા લાગી. જુદી જુદી દિશાઓ અંધારું લઈને એકઠી થઈ.

‘અમૃતા કેમ છે હમણાં?’

‘મુંબઈ તરફથી તો તું આવે છે. હું તો ક્યારનોય એનાથી દૂર છું.’

‘તદ્ દૂરે તદ્ અન્તિકે!’

ઉદયન ઊભો થયો. અનિકેતે હાથ પકડીને એને બેસાડ્યો.

‘ઉદયન! તને નથી લાગતું કે મારે કારણે તારું અહિત થયું છે?’

‘નથી લાગતું.’

‘ખરેખર?’

‘મારું અહિત તું શું કરી શકે ભલા? ઈશ્વર પણ મારું અહિત કરી શકશે એવું હું માનતો હોત તો એનું અસ્તિત્વ કબૂલત નહીં? હિત-અહિતનો વિચાર કર્યા વિના, પોતાની જાતને બચાવવાની જરા સરખી પણ ગણતરી કર્યા વિના હું જીવું છું.’

‘પણ એક વિપરીત પરિસ્થિતિરૂપે તારી સામે મારાથી ભાગ ભજવાયો હોય એવું મને લાગે છે. હું તારી ક્ષમા માગું છું.’

‘મારે પણ તારી ક્ષમા માગવી જોઈએ. મેં તારી સાથે અમૃતા વિશે સ્પર્ધાનો ભાવ અનુભવ્યો છે. અને તેથી એને સમજવામાં પણ મેં ઉતાવળ કરી છે… હવે લાગે છે કે હું એને સમજી નહીં શકું. મારે હવે એને ભૂલવી છે. કારણ કે એ યાદ આવે છે ત્યારે મને વ્યગ્રતાનો અનુભવ થાય છે. મારે એને ભૂલવી છે… પણ એ ધુમ્મસ બનીને મારા ચિત્તમાં છવાઈ ગઈ છે.’

‘ચાલ, ઊઠીએ. બહુ મોડું થયું.’

‘આ રેતી મને વતનનો સ્પર્શ આપે છે. એના માટે વધુ મમતા જાગે એ પહેલાં જવું જ રહ્યું, ચાલ.’

અનિકેતે મંદ ગતિએ જીપ ચલાવી: ઉદયન કહે છે કે એ મારા ચિત્તમાં ધુમ્મસ બનીને છવાઈ ગઈ છે… ધુમ્મસ બનીને છવાઈ ગઈ છે.