કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૪૭. હાથરસનો હાથી

From Ekatra Wiki
Revision as of 01:41, 21 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૭. હાથરસનો હાથી

સાત પૂંછડિયા ઉંદરડાને
એક પૂંછડિયો થાવું’તું,
સઘળા ઉંદર જેવો થઈને
ઉંદરશાળા જાવું’તુંઃ
બાળક સૌ જાણે એ જાત,
આજે કરવી ઊંધી વાત.
ઉંદર છોટો, હાથી મોટો,
ક્યાં ઉંદર ને હાથી ક્યાં !
અંતે તો સરખી વાતો છે
ઊંધીચત્તી દુનિયા જ્યાં !
ઉંદર બાદબાકી વાળો;
હાથી શીખ્યો સરવાળો.
હાથરસના રાજાને ત્યાં
એક હતો હાથીડો મત્ત;
માનવ જેવો હાથી ધૂની
એને થાવું ઐરાવત !
સાત સૂંઢ માગે હાથી,
એક સૂંઢે ચાલે ક્યાંથી?
રાજા વિક્રમ મૂછોવાળો,
રજવાડામાં પહેલો વર્ગ;
પણ ઇંદ્ર હરોળે ક્યાંથી આવે
રાજપાટ જેનું છે સ્વર્ગ !
સ્વપ્ન સવારી ઇંદ્ર તણાં !
વિક્રમ જેવા જોયા ઘણા !
એકલવાયી સૂંઢ ધુણાવી
હાથી રોતો, રડતો જાય;
હાથીખાને પાછા ફરતાં
ઢગલો થઈને નાખે હાયઃ
“દુનિયામાં ના ન્યાય મળે !”
મોટું દિલ મોટું કકળે !
હાથીભાને રોતો જોઈ
”મારું લ્યો પૂંછ,” ઘોડો વદે
“બનશો બે સૂંઢાળા રૂડા.”
શિખર ધુણાવે હાથી મદેઃ
“ચમ્મર રૂપે જે શોભે !
શું જડી શકું મારે મોભે?”
જિરાફને જાતો ભાળીને
માગી લીધી લાંબી ડોકઃ
વડલાની ધીંગી વડવાઈ
જે લેતી’તી ખાસ્સો ઝોકઃ
અજગર લાવ્યો એક મદારીઃ
છગછગ બંબાનું ભૂંગળઃ
પડઘમવાળો મેજર લાવ્યો
વાજું મોટો લેતું વળઃ
પાંચ સૂંઢ નવી ભાલે,
છ તોય થાયે સરવાળે !
“ક્યાંથી ગોતું સૂંઢ સાતમી?”
વિહ્વળ હાથીડો થાતો.
જેમ વિચાર વધારે કરતો
છયે સૂંઢમાં રઘવાતો;
વીજળી ચમકો થયો વિચારઃ
“થશે જ મારો બેડો પાર !”
બબડ્યો હાથી ડોક ધુણાવીઃ
“કાપું કેમ ન મારું પૂંછ?
એમાં નાનમ કેમ નિહાળું?
એને શાને ગણવી મૂછ?”
આમ થયો છે ઐરાવત !
સાત ગણો થાતો મદમત્ત !
દુનિયાનો ઐરાવત ઊભી
સ્વર્ગ ભણી ફેંકે પડકારઃ
ઇન્દ્ર તણું સિંહાસન ડોલ્યું
પણ એમાં નહોતો ઇન્દ્ર સવાર.
વાવડ આવ્યા, “ઇન્દ્ર પલાયન,
સ્વર્ગ તણું આપી ભૂદાન.
લોકશાહી શી દેવશાહી ત્યાં
ન પાલવે હાથીનાં માન !”
હાથરસના રાજાને ત્યાં
ખડ નહોતું તો સાત ગણું;
સાત સાત મોઢાં ભરવામાં
દીવાળું થ્યું રાજ્ય તણું.
અરજી મળતાં કમર કસીને
ખડું થયું ટાટાનું ટ્રસ્ટ;
ખતમ થયો ખજાનો વરસે
ટ્રસ્ટ તણુંયે થયું જ બસ્ટ.
રાજાઓને હાક પડેઃ
“ઐરાવત નવાજો ખડે !”
ભેગાં થ્યાં સઘળાં રજવાડાં,
રાષ્ટ્રસંઘ સ્થપાયો આમ.
પેટ હાથીનું વધતું ચાલ્યું,
દુનિયા કરતી ખડનું કામ.
સાત સૂંઢોથી ઘાસ ઉછાળી
એક પેટની પૂજા થાય.
દુનિયાના ગોળા જેવો એ
ઐરાવત મનમાં મલકાયઃ
“હું શું ખાનારો? આમાં તો
આખી દુનિયા છે ખડ ખાય !”

(પુનરપિ, પૃ. ૭૬-૮૦)