ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/કવિનું વસિયતનામું
Jump to navigation
Jump to search
કવિનું વસિયતનામું
સુરેશ જોષી
કદાચ હું કાલે નહીં હોઉં–
કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે;
કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના
ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;
કાલે સાગર છલકે તો કહેજો કે,
મારા હૃદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે;
કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;
કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રગટાવવી બાકી છે
કદાચ હું કાલે નહીં હોઉં.