ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/મૃણાલ

From Ekatra Wiki
Revision as of 02:12, 11 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મૃણાલ
સુરેશ જોષી

મૃણાલ, મૃણાલ
તું શી રીતે સાંભળશે મારો અવાજ?
મૃણાલ, તું કોણ, હું કોણ?
મારા જખમને ટેકે ઊભી છે રાત
તારા શ્વાસે ખીલે છે સ્વર્ગનાં પારિજાત
હું દેશવટો ભોગવું છું આંસુના બિલોરી મહેલમાં
તારા સ્મિતનું પાનેતર લહેરાય છે હવામાં.
ઉર્વશીના નૃત્યભંગનો લય બહેકાવી મૂકે છે તારાં ચરણ,
કરોળિયાની જાળમાં ઝિલાયેલા ઝાકળની આંખે
તાકી રહ્યું છે મારું મરણ.
મૃણાલ, પૂછું એક વાત?
તારી આંખોના અંધારિયા ભોંયરામાં
કોણ લટકે છે ઊંધે મસ્તકે?
તારી શિરાઓની ભુલભુલામણીમાં
કોણ સળગે છે જામગરીની જેમ? તારા સ્પર્શનાં અડાબીડવનમાં
કેટલા તેં સંતાડ્યા છે મણિધર નાગ?
તારી કાયાના આ સાગરમાં
કોના ડૂબાડ્યા તેં કાફલા સાતેસાત?
તારા શ્વાસના ખરલમાં
કોણ ઘૂંટી રહ્યું છે ગરલ?
મૃણાલ, મૃણાલ
સાંભળે છે તું?
તને મેં જોઈ હતી એક વાર
લીલીછમ તળાવડી
ને લીલો લીલો ચાંદો
લીલી તારી કાયા
ને લીલો એનો ડંખ
લાલ ચટ્ટક ઘા મારો
ને ભર્યું એમાં લાલ ચટ્ટક મધ
એને ચાખે લાલ લાલ કીડીઓની હાર
એની સંખ્યા ગણતી બેઠી ભૂવાની જમાત
મારી આંખે લીલો પડદો
ઢળે લીલો ચારે કોર અન્ધાર.
મૃણાલ, જો ને–
ચારે બાજુ ઊડી રહ્યા પવનના લીરા
કૂવાના ચોર-ખિસ્સામાં થોડા સૂરજના ટુકડા
શહેરના બાગમાં ફૂલોની શિસ્તબદ્ધ કવાયત
પાનની દુકાનના અરીસાઓની ચાલે મસલત
પૂલ નીચે સૂકી નદી વાગોળે મરણ
રસ્તે રસ્તે તગતગે આસ્ફાલ્ટનાં રણ
ચૂંથાયેલા રેશનકાર્ડ જેવા બધે ચહેરા
ફરીશું શું અહીં કહે સપ્તપદી ફેરા?
મૃણાલ,
હું જાણું છું;
ઢીંગલીઓનો પહેરો ગોઠવીને
તું સાચવી રહી છે તારું શમણું
ચન્દન તળાવડીને કાંઠે છે એક મહેલ
રૂમઝુમ એમાં નાચે પરીઓ
પવન વગાડે પાવો
એ મહેલમાં એક ઝૂલો
એના પર તું કદી એકલી એકલી ઝૂલે
કદીક તારી આંખો ઊડી જાય દૂર દૂર
તારા કાન સરવા થઈ ને સાંભળે
રજનીગન્ધાની સુગન્ધ જાણે હમણાં લાવશે સંદેશો
હમણાં પૂરપાટ દોડ્યો આવશે રાજકુમાર
ઊંચા ઊંચા મહેલની ઊંચી અટારીએ
તું મીટ માંડીને જોઈ રહે
એક રાત જાય, બીજી રાત જાય
કોઈ આવે નહિ
પરીઓ થાકીને બની જાય ઝાકળ
સૂરજ કરી જાય એમનું હરણ
ઢીંગલીઓના ચીંથરા તાણી જાય ઉંદર
ચન્દન તળાવડીનાં નીર સૂકાય
મહેલના બને ખંડેર
અસવાર વગરનો અશ્વ દોડ્યા કરે દશે દિશા
તારા શ્વાસમાં ગાજે એના પડછંદા
એ સાંભળતી તું બેસી રહે
કહે તો મૃણાલ, આમ કેટલા વીત્યા યુગ?
સોનાવાટકડીમાં શેઢકઢાં દૂધ પડી રહે
રૂપલાવાટકડીમાં ચન્દન સૂકાય
સૂરજ થાકે ને થાકે ચાંદો
તારી આંખો ના તો યે પલકાય
પણ મૃણાલ
મહેલને મિનારે બેઠું છે એક પંખી
કાળું કાળું ને મોટુંમસ
લાલ એની ચાંચ
આંખો એની જાણે અગ્નિની આંચ
ઊડી જશે એ લઈને તને
ભાગી આવ, ભાગી આવ.
મૃણાલ, ભાગી આવ.
મૃણાલ, શું કરીશ તું?
રોજ સવારે અખબારના અક્ષરો ઘૂંટેલી ચા પીશે
પછી નાના બાબલાનું બાળમંદિર
મોટી બેબીની સ્કૂલ-બસ
પછી પતિદેવના શર્ટની કફલિન્કની શોધાશોધ
ઝરૂખામાં ઊભા રહી ‘આવજો, આવજો!’
ભોજન, આરામ, રેડિયો પર દાદરા-ઠુમરી
ટેલિફોનની રણકે ઘંટડી
‘વારુ જરૂર, બરાબર છ વાગે’
વાળ હોળતાં નજરે ચઢશે બે ધોળા વાળ
તરત તોડીને ફેંકી દેશે
એમ્બેસેડોર કાર
દોડે પૂરપાટ
ચારે બાજુ ઝળાહળાં
‘કેમ છો?” ‘હાઉં સ્વીટ યુ આર’
બોદું હાસ્ય શરાબભીના અવાજ
બજારના ભાવતાલ, સાડી ને ઝવેરાત
ધીમે ધીમે થાય મધરાત
પછી વફાદાર પત્નીનો પાઠ
થોડાં સ્વપ્નાંનો ભંગાર
વળી પાછી સવાર
ક્યારેક વળી આવી ચઢે તાર
બિઝનેસનો મામલો, ડિયર, સમજી જાને–
કદીક તો કહેવું પડે બેચાર દિવસ બહાર.
મૃણાલ, મૃણાલ મારી સોનાની મૂરત
આ તે શા તુજ હાલ!
મૃણાલ, તું તો જાણે છે બધું
તો પછી મન્ત્ર મારીને મને કરી દે પથ્થર
અથવા ફૂંક મારીને કરી દેને અલોપ
અથવા ચાંપી દેને કોઈ પાતાળમાં
લાળ ઝરતે મોઢે ઘરડું મરણ
ભટકે છે બારણે બારણે
પૂછે છે મારું નામ.
મૃણાલ, હું છું અહીં
શહેરના ટોળામાં ભૂંસતો ફરું છું મારો ચહેરો
દવાની દુકાને વાંચું છું દવાનાં નામ
કે પછી મ્યુઝિયમમાં વાંચું છું જૂનાં તામ્રપત્ર
પ્રાણીબાગમાં અજગરને જોયા કરું છું કલાકના કલાક
બસમાં બેસી શહેરના ગણું છું મકાન
હૉસ્પિટલમાં મરનાર દર્દી પાસે બોલું છું રામનામ
સરઘસમાં જોડાઈ ને ગજાવું છું નારો
કોઈક વાર ભાષણ આપવાનો મારો ય આવે છે વારો
આંધળી શેરીને વાંચી આપું સૂરજ
કોઈક વાર ફુટપાથ પર બેસીને જોઈ આપું નસીબ
જાદુગરના ખેલમાં કદીક લઉં છું નાનો પાઠ
સ્ટેશને બેસીને જોઉં દુનિયાનો ઠાઠ
કોઈક વાર આવે તાવ તો એની નથી કરતો રાવ
આમ તો છું મારા જેવો જ
પણ કોઈક વાર લાગે જુદું
શ્વાસની અમરાઇઓમાં ટહુકી ઊઠે કોકિલ
મસ્તકમાં ઠલવાય હજાર અરેબિયન નાઈટ્સ
હાથ લંબાઈ ને પહોંચે ત્રેતાયુગમાં
ચરણ બની જાય બેદુઈન આરબ
તેથી તો કહું છું મૃણાલ,
ઘેરી લેને મને તું બનીને ક્ષિતિજ
મૃણાલ, નિંદરથી બીડેલાં તારાં પોપચાંમાં
ઢળી જાઉં બની હું ય નિંદરનું એક બિન્દુ.