ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/કાશીરામકાકાની વાત

From Ekatra Wiki
Revision as of 01:51, 16 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કાશીરામકાકાની વાત
(એક સાદીસીધી કવિતા)
મણિલાલ હ. પટેલ

કરમસદના કાશીરામકાકા કશે જતા નથી
એ ભલા ને ભલી એમની કેળ બાજરી
ખમતીધર ખોરડાના ધણીની ખેતીમાં
કણનું મણ થાય ને કાયા પરસેવે ન્હાય
હાથી મૂકો તોય પાછો પડે એવી કેળ
તે લૂમો લેવા મુંબાઈનો મારવાડી આવે...
ટ્રૅક્ટરનો જમાનો આવ્યો તે એય લાવ્યા
પણ હળબળદ ને ગાડું : વાડામાં તૈયાર હોય
યંત્રોનું એવું તે ખરે તાકડે બગડી બતાવે
ને વીજળી તો વારે વારે પિયર જાય, એટલે
પંપ બાપડા પાંગળા, છતે ડીઝલે ઓશિયાળા... .

કાશીરામકાકા કહે છે કે -
“ઋતુઓ રાજાનીય રાહ નથી જોતી
 ને ધરતીમાતા બીજ નથી ખોતી
બાકી જિન્દગી અને ધોતી ઘસાય... જર્જર થાય...
આ જુવોને પંડનાં છોકરાં પરદેશ ગયાં તે
જમીન થોડી પડતર રખાય છે, હેં!
માલિકે આપણી વેઠવા વાસ્તે વરણી કરી તે
આપણે જાતને સાવરણી કરી –
લીલાલ્હેર તે આ સ્તો વળી...!”

કાશીરામકાકાનો સંદીપ
સીમાને પરણીને સીડની ગયો
વિનોદ વિધિને પરણીને વેનકુંઅર જઈ વસ્યો
ને બીના બોરસદના બિપિનને પરણીને
બાલ્ટીમોરમાં, – હા બાબરી બાધા માટે બધાં
બે વર્ષે આવે, પણ –
બાજરીનું ખેતર તો બાધરે સાચવવાનું...!

કાશીરામકાકા તો કશે જતા નથી, પણ –
સરદાર પટેલનાં વતનવાસીઓ
શિકાગોમાં ઘણાં... તે ત્યાં ચરોતરની
ન્યાત મળી, આરતી અને પ્રસાદ પછી
નક્કી થયું કે વતનની સેવા કરીએ!
કાશીરામકાકાને તેડીએ ને સન્માન કરીએ...
કાકા મને કહે કે – “મનુ ભૈ ચાલો ત્યારે
તમેય પેન્સિલવેનિયામાં
પરેશનાં પોતરાંને રમાડતા આવજો...”
મોટા હૉલમાં મેળાવડો થયો
એકેય થાંભલા વિના આભલા જેવી છત....
કાશીરામકાકાને આઈપેડ આપ્યું ને
ઘઉંની સાથે ચીલ પાણી પીવે તેમ
મનુભૈને આઈફોન અર્પણ કરીને
ન્યાત તો રાજી રાજી...
અરે, કાશીરામકાકાને કહો : ‘બે શબ્દો બોલે...’
કાકાને થયું-ભલે ત્યારે! બોલ્યા :
‘વ્હાલાં વતનવાસીઓ... ભગવાન ભલું કરજો!
આપણી ભૂમિ તે આપણી ભૂમિ! મોતી પાકે મોતી!
મેં નાપાડના નરસીને બોલાવીને નર્સરી સોંપી, તે -
બેપાંદડે થયો! ને એનો નીતિન
નર્સરીમાં રોપા ગણતાં ગણતાં
દાક્તરી કૉલેજમાં ગયો... બુદ્ધિ બુશના બાપની થોડી છે?!
પણ મૂળ વાત તો ભીતર ભોંયની છે, ભાઈઓ!
માલીપાનો ખાલીપો બઉ ખખડે હાં કે!
પ્રાર્થનાઓ કરીએ કે કૂતરાં પાળી બચીયો ભરીએ-
–બધું જ ફાંફાં અને ફોતરાં છે-!
ભીતરની ભોમકા ફળવતી જળવતી બને તો ભયો ભયો
અમેરિકાએ આટલું શીખવાનું છે...
બાકી તો પરિશ્રમ જ પારસમણિ છે...
બહેનો ને બંધુઓ! સુખી થજો ને સુખી કરજો...”

દેશીઓ કાશીરામકાકાને કેટલું સમજ્યા
એની તો ખબર નથી પડી
પણ સીઆઈઆઈએ આ ટૂંકા પ્રવચન વિશે
લાંબો અભ્યાસ ક૨વા કમર કસી છે, ને -
કાશીરામકાકા કરમસદ આવી ગયા છે.