કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/ર. કોહવાણ

From Ekatra Wiki
Revision as of 16:11, 18 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ર. કોહવાણ

એક
બે
ત્રણ
કોરડા વીંઝાતા સબોસબ
સોળ ઊઠે લોહી લેતાંક લાલલીલા

ખણ્ખણણન્
હથોડે હથોડે ઠોકાતા જાય ખીલા
ઊંડે ઊંડે
એક પછી એક ભેદાતાં આવે પડ
એક પછી એક જનમ
એક પછી એક મરણપાર ફેલાયેલાં
કાળાં ધાબાં ખોતરતો
માખીઓનો બણબણાટ
કીડીઓનો ખદબદાટ
બ્રહ્મરંધ્રમાં સરકતી ઈયળનો સળવળાટ
ઊધઈનો ચરચરાટ
ફરી વળે
છિદ્રે છિદ્રમાં પુરાઈ ગયેલો ભેજ
સૂંઢને ખૂંપાવી દઈ નાભિકેન્દ્રમાં
ચૂસ્યા કરે સંઘરેલું પ્રવાહી.
નસ ફૂલે ફૂલે ફાટી પડે ગળાસોંસરવી
તંગ હવા ઊંચક્યા કરે હવડ ઊંડાણ
તિરાડ પડેલી જે તેમાં પ્રવેશી જાય
સૂસવતું અંધારું
ખૂણે ખૂણા ફુગાયા કરે પડ્યા પડ્યા
ચત્તાપાટ
લાંબાં ટૂંકાં પહોળાં તીક્ષ્ણ પોલાં અનેક
ઓજાર નક્શીકામ કરે
રંધો ફરતો જાય ધીમે ધીમે
આકાર ઘડાતા જાય એમ
સુંવાળા કૈં કેટલાક ખરબચડા
કોઈ ઊપસેલા તો કોઈ ઊંડા
ચકરાવ્યા કરે
કાગળના ડૂચાની જેમ ફંગોળી દે
ઘડીકમાં ક્યાં ને ક્યાં
ભૂંડની દાઢમાં ડૂચો થઈ જવા
ખારો ખાટો તીખો તૂરો ડચૂરો
થૂ થૂ હોજરી ડખોળી દે

ચારેકોરથી ફુંકાયા કરતી રેતી ઠલવાયા કરે
રૂંવે રૂંવે છમકારા બોલાવતા સવાલાખ
દીવડા ઝગે
એટલી વાર

અવાજ ચિચિયારી દેકારો ખોંખારો
અંતરિયાળ આંતરી લે
એટલી વાર.

વળી પાછું કાળું ડિબાણ તીર કાનસૂરીને
અડતું સૂસવતું પસાર થઈ જાય
ઓકળી લીંપાય હળવે હાથે
અંધારું ભાતીગળ બનતું જાય
બંગડીનો ખણખણાટ આંખમાં ચીતરતો
આવે ભૂતાવળો ભડકા નાચ તાળીઓ
હાંજા ગગડાવી નાંખે એવું હસતું
લાલ ફરફરતું ગવનનું પોત
સઘળું અંધારામાં આછરતું.
ડ્હોળ બધો બેસી ગયો છે તળિયે
વીરડા જેવું જ આછું તંબોળ
પોશે પોશે પીધા કરીએ એટલે

ભોગળ ખૂલી જાય ખટ્ટાક
અજવાળું કિચૂડાતું ઊઘડતું આવે

ઝળહળાટ મહેલ ઝાકમઝોળની
રેલમછેલ ચારેકોર કોટકાંગરા
ઝળહળે ચાંદોસૂરજ ચોકી ભરે
ખડેપગ અજવાળું હવા જેમ
હરેફરે પડદે પડદે ફરફરે ઝીણું ઝીણું
રણકે રોકડા રાણી સિક્કાની જેમ
ખણકે, અજવાળું સાવ સાચું સોનું

અજવાળાનો ઝૂલો ઝૂલે
પોપટરાય તે ઝૂલે હિંચોળે

પોપટ તને આપું અજવાળાનાં બેસણાં
પોપટ તને આપું અજવાળાનાં પોઢણાં

પોપટ સીતારામ બોલે ને
બાચકોક અજવાળું ખરી પડે
ઢળી પડે
ઢગલોક ચામાચીડિયાં ભીંતે અથડાતાં
તરફડે ધમણે ચઢે

અજવાળું હળુ હળુ ફગફગે
રગેરગ ચટકે રાણીનું રૂસણું

સાત કમાડ ખોલ્યાં સાત ઉંબરા
વળોટ્યા ઝરૂખે ઝરૂખે જોયું
પણ ક્યાંય કંકુપગલાં ન જડ્યાં
કે ન મળી કશી એંધાણી રાતરાણી
મઘમઘ્યાની.
ઘોડાર્યમાં જઈ જોયું તો માણકી
બાપડી બગાઈઓ વચ્ચે ઘેરાયેલી
પલાણ કેમ નાંખવું? ધરાર સાંઢ્યે
ચઢવું પડ્યું ને સાંઢ્ય તો ઊપડી
પવનવેગે સાત સાત રણ વીંધ્યાં
વીંધ્યાં રેતીનાં તોફાન ગાંગરતાં
પેટાળ વટાવ્યાં તો કઉતક

અડખેપડખે રૂપાની ભીની વાસ
અધવચ પડતલ છીપ છીપમાં સચવાયેલું
રાણીનું સાત ખોટ્યનું આંસુ ડળક ડળક

રુંગું આવી ગ્યું ગામની જોવનાઈને
ને ભફાંગ કરતો બૂરજ તૂટી પડ્યો
ધુબાકાભેર

ક્યાંકથી ઊગી નીકળ્યો છે પીપળો પોલાણમાં
હવે
એના ટેકે ટકી રહ્યા છે રડ્યાખડ્યા કાંગરા.