કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૪. ચાંદો

From Ekatra Wiki
Revision as of 16:13, 18 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચાંદો

તારા હાથમાં શું છે?
‘ચાંદો.’
કે’તાં તો કે’વાઈ ગયું
પણ પછી ...

રાત પડે ને રોજ હાજર
આખી સૃષ્ટિ એમાં આવી વસે
ધીમે ધીમે બધા આકાર ઊઘડે

એક પંખી ઊડતું આવે
જળનું ટીપું મૂકે
એટલામાં તો હિલ્લોળાવા લાગે
ચાંદે જળ.
એક ઘડીમાં ચંદનતળાવ
બીજી ઘડીએ કમળનાં વન
રામજીમંદિરને ઓટલે વાગતું
રામસાગર જંપે
ત્યાં સુધીમાં તો મ્હેલ ઊભો.
એક પછી એક પરદા વળોટતો
છેક ઝરુખે આવી
સાવ અડોઅડ બેસું.
સાત સાગરની ખેપનો થાક શમે
એવું હવ્વાથીય હળવું પંપાળે.
ઊંડે ઊંડે ધરબાઈ જવાનું મન મને.
હંમેશ માટે આમ જ પડ્યો રહું
બસ સુખ પીધાં કરું.
હાથ ફરતો રહે આંખ ખૂલે નહીં
બંધ આંખે બધું સચવાઈ રહે તો
મોતી નીપજે.

પણ તમે પૂછ્યું :
‘તારા હાથમાં શું છે?’
કે’તાં તો કે’વાઈ ગયું
‘આ રહ્યો ચાંદો’
...ને મુઠ્ઠી ખૂલી ગઈ.