નવલકથાપરિચયકોશ/સરસ્વતીચંદ્ર ભાગ-૩

From Ekatra Wiki
Revision as of 15:54, 14 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦

‘સરસ્વતીચંદ્ર’ ભાગ - ૩ : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

– રાઘવ ભરવાડ
રત્નનગરીનું રાજ્યતંત્ર

ત્રીજા ભાગમાં ગોવર્ધનરામ રત્નનગરીના આદર્શ રાજ્યના રાજાઓ, ભાયાતો, પ્રધાનો અને રાજતંત્રનો પરિચય આપે છે. એમાં નાગરાજ-મલ્લરાજ-મણિરાજનો વિસ્તૃત ઇતિહાસ રજૂ થાય છે. પરંતુ એ પહેલાં સાધુઓનું ટોળું સરસ્વતીચંદ્રને સુંદરગિરિ પર્વતના યદુશૃંગ શિખર પર લઈ આવે છે. વિષ્ણુદાસના મતે આ અતિથિ (સરસ્વતીચંદ્ર) બધાંનો ઉત્કર્ષ સાધશે. વિષ્ણુદાસ સરસ્વતીચંદ્રને અલખવાદ સ્વીકારવા કહે છે. સરસ્વતીચંદ્ર તરત જ અલખવાદ સ્વીકારવાની ના પાડે છે, ને એના વિશે વિચારવાનો સમય માંગે છે. વિષ્ણુદાસ સરસ્વતીચંદ્રને અલખવાદનું રહસ્ય સમજાવે છે. સરસ્વતીચંદ્ર પણ અલખરહસ્યનું પુસ્તક વાંચે છે. તો આ બાજુ સરસ્વતીચંદ્રના ગયા પછી તેના પિતા લક્ષ્મીનંદન ગાંડા જેવા થઈ જાય છે. ગુમાનનો ભાઈ ધૂર્તલાલ તેમની મોટાભાગની દોલત પચાવી પાડે છે. વળી, શેઠને ગાંડા સાબિત કરી બધી મિલકતનો ધણી થવાની યુક્તિ કરે છે. પણ લક્ષ્મીનંદનનો ખાસ માણસ હરિદાસ ફૂટતો નથી, અને તેની મદદથી ધૂર્તલાલને ઘર-દુકાનમાંથી કાઢવામાં આવે છે, પોલીસને સોંપવામાં આવે છે. ગાંડા જેવા થયેલા લક્ષ્મીનંદન શેઠ પત્રમાં છપાવે છે, કે એક મહિનામાં સરસ્વતીચંદ્ર પાછો નહિ આવે તો પોતે દશરથજીને પેઠે પ્રાણ ત્યજશે. તો આ બાજુ ૧૮૫૭ આસપાસથી કે તેની પહેલાં પણ અંગ્રેજોની સાથેના રત્નનગરી અને આસપાસનાં રજવાડાંઓના સંઘર્ષ, સંબંધ અને તેના વિકાસને પણ ગોવર્ધનરામ રજૂ કરે છે. અંગ્રેજોની ચક્રવર્તી સત્તાનો વિજય થતાં દેશી રજવાડાઓમાં થયેલી અવ્યવસ્થા, મલ્લરાજ દ્વારા શરૂઆતે થતો અંગ્રેજોનો વિરોધ, જરાશંકરના સમજાવવાથી અંગ્રેજોની સ્વીકારાતી મિત્રતા, તેથી ભાયાતો સાથે થતો મતભેદ. ઉપરાંત મલ્લરાજને પુત્રધન પ્રાપ્ત ન થવું, પત્ની તથા સામંતના સમજાવવા છતાં તે બીજું લગ્ન કરતો નથી, અને પછી ઘણાં વર્ષે મણિરાજનો જન્મ, તેનું રાજા બનવું વગેરેનું ગોવર્ધનરામે નિરૂપણ કર્યું છે. “સરસ્વતીચંદ્રને જોગી લોક લઈ ગયા ત્યારે કુમુદને આમ નદી લઈ ગઈ. બન્નેના માર્ગ જુદા હતા; દિશા એક હતી. અનેક આંખો એમની પાછળ ખેંચાતી હતી અને એમના માર્ગ શોધતી હતી. પણ દૈવની ઇચ્છા કઈ દિશામાં દોડે છે તેની તો માત્ર કલ્પના જ હતી.” બીજા ભાગનો આ અંતિમ ફકરો હતો. તેમાં જેમ અનેક આંખો સરસ્વતીચંદ્ર અને કુમુદની પાછળ ખેંચાઈ, એમના માર્ગ શોધતી હતી, તેમ અનેક વાચકોને પણ નાયક-નાયિકાનું શું થયું હશે એનું કુતૂહલ થાય છે. ત્રીજા ભાગમાં એ કુતૂહલ શમે છે. સરસ્વતીચંદ્ર સુંદરગિરિનાં સાધુઓનો, ખાસ કરીને વિષ્ણુદાસનો પ્રીતિપાત્ર બને છે. તો કુમુદ ચંદ્રાવલી મૈયાને પ્રિય થઈ પડે છે. પરંતુ એ બંનેની કથા થોડી આગળ ચાલે ત્યાં ગોવર્ધનરામ રત્નનગરીના રાજાઓનો ઇતિહાસ રજૂ કરે છે. કારણ કે સરસ્વતીચંદ્ર અને કુમુદ જે સુંદરગિરિ પર રહે છે એ રત્નનગરીની હદમાં છે. એટલે રત્નનગરીના રાજાઓના આદર્શ પ્રસ્તુત થાય છે. લગભગ અડધા ઉપરનો ભાગ કથામાં રોકાય છે. નવલકથાના પહેલા ભાગમાં દેશી રજવાડાંનો સામાન્ય પરિચય આપવામાં આવ્યો હતો. પરંતુ અહીં ગોવર્ધનરામ ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યનું આદર્શ દેશી રાજ્ય કેવું હોય અને અંગ્રેજોના આગમનથી તેની સ્થિતિ કેવી થઈ, ઉપરાંત તત્કાલીન સમયમાં રહેલી મૂંઝવણો, પ્રશ્નો, મથામણો કેવી હતી તેનું આલેખન કરે છે. ઉમાશંકર જોશી, સુન્દરમ્, રમણલાલ જોશી, શિરીષ પંચાલ અને બીજા ઘણા વિદ્વાનોને આ ભાગ સામે ફરિયાદ છે. તેમાં નિરૂપિત રાજકારણ, રાજખટપટને મૂળ કથા સાથે ઓછો સંબંધ હોવાથી તેઓ ત્રીજા ભાગ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરે છે. ગોવર્ધનરામે નવલકથામાં દેશી રજવાડાં વિષયક વિચારણા પણ રજૂ કરી છે. દેશી રજવાડાંની તત્કાલીન સ્થિતિ, અંગ્રેજો સાથેનો તેમનો સંબંધ, રાજ્ય-રાજ્ય વચ્ચેના પ્રશ્નો વગેરેને ગોવર્ધનરામે વાચા આપી છે. કેશવલાલ કામદારે એ સંદર્ભે વિશદ અવલોકન રજૂ કર્યું છે. તેમના મતે નવલકથામાં આવતું વિષયવસ્તુ, દરેક પ્રસંગો, પાત્રોના આચાર-વિચાર વગેરેને સૂક્ષ્મ દૃષ્ટિએ તપાસીએ તો રાષ્ટ્રોના સંગઠનની ચર્ચા એ ‘સરસ્વતીચંદ્ર’નો મુખ્ય હેતુ છે. તેમણે ગોવર્ધનરામનું બ્રિટિશયુગનું દર્શન, હિંદની શસ્ત્રહીનતા, ગોવર્ધનરામે વિચારેલું રાજસ્થાનતંત્ર વગેરેની પર્યેષણા કરી છે અને એમાં ગોવર્ધનરામ દ્વારા થયેલી ચૂક પણ બતાવી આપી છે. ગોવર્ધનરામે સુવર્ણપુર અને રત્નનગરીનાં ચિત્રો દ્વારા તત્કાલીન દેશી રજવાડાંનું સદ્-અસદ્ ચિત્ર નિરૂપ્યું છે અને એને સુધારવા માટેના નિર્દેશો પણ કર્યાં છે. વળી ચંદ્રકાન્ત, વીરરાવ ધમ્પાટે, પ્રવીણદાસ, શંકર શર્મા વગેરેની મલ્લમહાભવનના વિદુર ભવનમાં થયેલી ચર્ચા પણ નોંધપાત્ર છે. વીરરાવ અને ચંદ્રકાન્ત દેશી રાજ્યોના ભવિષ્યને ધૂંધળું જૂએ છે. જ્યારે પ્રવીણદાસ અને શંકર શર્માને દેશી રાજ્યોનું ભવિષ્ય ઉજ્જ્વળ ભાસે છે. વીરરાવને બધાં રજવાડાં અંદરખાનેથી સડેલાં દેખાય છે એટલું જ નહીં પણ એમાં સુધારો થવાનાં કોઈ ચિહ્નો પણ જણાતાં નથી. રાજાઓ પ્રજાના હિત કાજે નહીં પણ પોતાના સ્વાર્થ, મોજશોખ માટે દ્રવ્ય વાપરે છે ને પ્રજા ભિખારીની ભિખારી જ રહે છે. ચંદ્રકાન્ત આ વાતનો સંપૂર્ણપણે સ્વીકાર કરતો નથી. કારણ કે કેટલાંક રાજાઓ ઉદાત્ત પણ હોય છે એમ તેનું માનવું છે. દેશના વિકાસ અને ઉત્કર્ષ માટે એક ફેડરેશન રચાય, જેમાં બ્રિટિશ હિંદુસ્તાન તે ઇંગ્લૅન્ડનું સંસ્થાન અને દેશી રાજ્યો કે હિંદુસ્તાનનાં સંસ્થાન બને તેવો વિકલ્પ ચંદ્રકાન્ત સૂચવે છે. તો ‘મહાભારતનો અર્થવિસ્તાર’ એ ગોવર્ધનરામની કલ્પના અને અર્થઘટનનું પરિણામ છે. તેમાં રાજા અવારનવાર અતિથિઓ, પ્રજાના પ્રતિનિધિઓને મળે, વિચાર-વિનિમય કરે અને જુદાં-જુદાં ભવનોમાં બેસીને રાજ્યને લગતાં જુદાં-જુદાં કામો વિશે વિચારે તથા નિર્ણય લે એ પ્રકારની યોજના કરવામાં આવી હતી. એ મલ્લમહાભવનનાં ભવનોનાં નામ ‘મહાભારત’નાં પાત્રોના નામ પ્રમાણે રાખવામાં આવ્યાં હતાં. ઉપરાંત સરસ્વતીચંદ્ર અને કુમુદને સંયુક્તપણે જે સ્વપ્નો આવે છે એમાં પ્રથમ આપણા દેશના રોગનો પિતામહપુર, રાફડા, નાગલોક, કુરુક્ષેત્ર અને પાંચાલીનાં દર્શન દ્વારા દેશની ઉન્નતિનું માર્ગદર્શન મળી રહે છે. અને પછી અર્જુનના વાયુરથ (પ્રગતિ), કપિ (ઇંગ્લૅન્ડ), ચકોર-ગરુડ (ફ્રાંસ), મયૂર (ઇટલી), હાથી (જર્મની) તથા રીંછ (રશિયા) વગેરેનાં સ્વપ્નદર્શન દ્વારા દેશના જે પ્રશ્નો હતા તેના નિવારણ માટેનું સૂચન મળી રહે છે.

ડૉ. રાઘવ એચ. ભરવાડ ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા મો. ૮૮૬૬૩૮૩૪૩૩ Emailઃ raghavbharvad૯૩@gmail.com

ડૉ. રાઘવ એચ. ભરવાડ
ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
મો. ૮૮૬૬૩૮૩૪૩૩
Emailઃ raghavbharvad૯૩@gmail.com