નવલકથાપરિચયકોશ/જીવતર

From Ekatra Wiki
Revision as of 17:56, 24 December 2023 by Meghdhanu (talk | contribs) (added pic)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦૮

‘જીવતર’ : યોગેશ જોષી

– વીરેન પંડ્યા
Jivatar.jpg

‘જીવતર’, પ્રથમ આવૃત્તિ : જાન્યુઆરી ૧૯૮૭, પ્રકાશક : બાબુભાઈ એચ. શાહ, પાર્શ્વ પ્રકાશન-અમદાવાદ. નવલકથા સર્જકનો પરિચય : યોગેશ જોષીનો જન્મ તા. ૦૩/૦૭/૧૯૫૫ના રોજ મહેસાણા ખાતે પિતા ભાનુપ્રસાદ જોષીને ત્યાં થયો હતો. તેમનું મૂળ વતન વિસનગર છે. વિજ્ઞાન શાખામાં અનુસ્નાતક સુધીનો અભ્યાસ કરી, ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશનમાં જૂનિયર એન્જિનિયર તરીકે જોડાયા અને છેલ્લે ભારત સંચાર નિગમ લિમિટેડમાં ડેપ્યુટી જનરલ મૅનેજર તરીકે સેવાનિવૃત્ત થયા. આ દરમિયાન કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા, ચરિત્ર, નિબંધ, બાળસાહિત્ય, અનુવાદ જેવા સાહિત્યના વિભિન્ન પ્રદેશોમાં તેમણે કલમવિહાર કર્યો અને બધાં જ ક્ષેત્રોમાં ભાવકો અને વિવેચકો બંને પક્ષે ધ્યાનાર્હ રહ્યા. આ સાથે ઉત્તમ સંપાદનો પણ યોગેશ જોષી પાસેથી મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના સંપાદક તરીકે તેમણે નોંધપાત્ર સેવા આપી છે. શાળાજીવનથી જ કવિતા લખતા થયેલા યોગેશ જોષીની સર્જક-પ્રતિભાને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારો, ઉશનસ્ પારિતોષિક, જયંત પાઠક પુરસ્કાર, ડૉ. જયંત ખત્રી-બકુલેશ એવૉર્ડ, નર્મદ સુવર્ણચંદ્રક, ધનજી-કાનજી સુવર્ણચંદ્રક, ગોવર્ધનરામ ત્રિપાઠી તથા ઘનશ્યામ સરાફ સાહિત્ય પુરસ્કાર, કલાગૂર્જરી-મુંબઈનો પુરસ્કાર... જેવા વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે. તેમની પાસેથી નીચે મુજબ નોંધપાત્ર કૃતિઓ મળે છે : કવિતા : ૧. ‘અવાજનું અજવાળું’ (૧૯૮૪); ૨. ‘તેજના ચાસ’ (૧૯૯૧); ૩. ‘જેસલમેર’ (૨૦૦૭); ૪. ‘ટકોરા મારું છું આકાશને’ (૨૦૧૧); ૫. ‘કલરવનું અજવાળું’ (૨૦૧૬); ૬. ‘આખુંયે આકાશ માળામાં’ (૨૦૧૮). નવલકથા/લઘુનવલ : ૧. ‘સમુડી’ (૧૯૮૪); ૨. ‘જીવતર’ (૧૯૮૭); ૩. ‘નહીંતર’ (૧૯૯૧); ૪. ‘આરપાર’ (૧૯૯૨); ૫. ‘વાસ્તુ’ (૨૦૦૧); ૬. ‘ભીનાં પગલાં’ (૨૦૦૪); ૭. ‘અણધારી યાત્રા’ (૨૦૧૧) ટૂંકી વાર્તા : ૧. ‘હજીયે કેટલું દૂર?’ (૧૯૯૩); ૨. ‘અધખૂલી બારી’ (૨૦૦૧); ૩. ‘યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૨૦૦૮); ૪. ‘અઢારમો ચહેરો’ (૨૦૧૩) ચરિત્ર : ૧. ‘મોટીબા’ (૧૯૯૮) નિબંધ : ૧. ‘અંતઃપુર’ (૨૦૦૨) પરિચય-પુસ્તિકા : ૧. ‘અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ’ (૨૦૦૩) અનુવાદ : ૧. ‘મૃત્યુ સમીપે’(૧૯૮૭) સંપાદન : ૧. ‘ગૂર્જર અદ્યતન કાવ્યસંચય’ (૧૯૯૮); ૨. ‘ગૂર્જર ગીતસંચય’ (૧૯૯૮); ૩. ‘ગૂર્જર પ્રણય કાવ્યસંચય’ (૧૯૯૮); ૪. ‘ગૂર્જર ગઝલસંચય’ (૧૯૯૮); ૫. ‘ગુજરાતી નવલિકાચયનઃ ૧૯૯૯’ (૨૦૦૧); ૬. ‘વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા’ (૨૦૦૭); ૭. ‘આત્માની માતૃભાષા’ (૨૦૧૧); ૮. ‘અવકાશપંખી’ (૨૦૧૫); ૯. ‘નવલેખન ગુજરાતી વાર્તાઓ’ (૨૦૧૬); ૧૦. ‘ભોગીલાલ ગાંધી જન્મશતાબ્દી ગ્રંથ’ (૨૦૧૬) બાળસાહિત્ય : ૧. ‘પતંગની પાંખે’ (૧૯૮૯); ૨. ‘કેસૂડાંનો રંગ’ (૧૯૯૦); ૩. ‘રસપ્રદ બોધકથાઓ’ (ર૦૦૧); ૪. ‘રામાયણનાં અમર પાત્રો’ (૨૦૦૨); ૫. ‘મહાભારતનાં અમર પાત્રો’ (૨૦૦૨); ૬. ‘પંચતંત્ર’ (૨૦૦૨); ૭. ‘હિતોપદેશ’ (૨૦૦૨); ૮. ‘ઇસપનીતિ’ (૨૦૦૨); ૯. ‘તેનાલીરામ’ (૨૦૦૩); ૧૦. ‘મુલ્લા નસરુદ્દીન’ (૨૦૦૩); ૧૧. ‘વિક્રમ-વેતાલ’ (૨૦૦૪); ૧૨. ‘સિંહાસન બત્રીસી’ (૨૦૦૫); ૧૩. ‘કૃષ્ણલીલા’ (૨૦૧૧); ૧૪. ‘જાણવા જેવું’ (૨૦૧૩) કવિહૃદયે ઝીલેલી – માનવતાભર્યા હૂંફાળા સંબંધોની – વાત યોગેશ જોષીની લઘુનવલોમાં વિશિષ્ટ રીતે આલેખાઈ છે. તેમની આ વિશિષ્ટતા, તેમની કૃતિઓની આગવી ઓળખ છે. નવલકથાનું કથાનક : ‘જીવતર’ લઘુનવલમાં સ્નેહના તાંતણે બંધાયેલા વૃદ્ધ-યુગલની કથા છે. ચૌદશની રાતથી અમાસના દિવસ સુધીના એટલે કે એક દિવારાત્રીના નાનકડા સમયખંડમાં નામ વિનાના સંબંધથી જોડાયેલાં વૃદ્ધ-વૃદ્ધાની રસપ્રદ કથા આકાર લે છે. કથાના આરંભે જ કથાનાયક મનુદાદા(માસ્તર) મૃત્યુ પામ્યા છે. માસ્તરની ઘરના માણસની જેમ ચાકરી કરનાર પડોશી રેવામા અને અન્ય પડોશીઓ મૃત શરીર પાસે બેઠાં છે. સવારે માસ્તરનાં પુત્ર-પુત્રી આવે ત્યાં સુધી અંતિમક્રિયા માટે રાહ જોવાની છે. માસ્તરના ચાદર ઓઢાડેલા શબ પાસે અરધાં જાગતાં અને અરધાં ઊંઘતાં બેઠેલાં સૌ પડોશીઓ વચ્ચે રેવામાને પોતાના જીવતરના વિતેલા દિવસો યાદ આવે છે. માસ્તર સાથેના પ્રથમ મેળાપથી માંડી, પોતાના પતિ અને માસ્તરના પત્નીના મૃત્યુ પછી પોતે શ્વાસની બીમારીથી પીડાતા માસ્તરની સેવા-ચાકરી સ્વયંભૂ ઉપાડીને મૃત્યુ સુધી માણેલા નિષ્કલક સહવાસની આખી યાત્રા ટુકડે-ટુકડે રેવામાનાં સંસ્મરણો રૂપે ભાવક સામે તાદૃશ્ય થાય છે. લેખકે પાત્રોના સંવાદો લોકબોલીમાં મૂકીને પરિવેશને વધુ બળકટ બનાવ્યો છે. સ્મશાને જતી માસ્તરની નનામી જોઈ, ‘મારી ચૂડીઓ ફોડવાની વિધિ કેમ નોં કરાઈ?!’ – એવો પ્રશ્ન અને આશ્ચર્ય લઈ ઊભેલાં રેવામાનો માસ્તર સાથેનો અલૌકિક સંબંધ ભાવકને પણ ગમગીન કરી મૂકે છે. પ્રેમ, લાગણી, લગ્ન, કુટુંબ, પરિવાર જેવા શબ્દો દિવસે-દિવસે પોતાનો અર્થ ગુમાવી રહ્યા છે, એવા સમયના ભાવકની સંવેદનાને પુનર્જીવિત કરનારા આ અંતિમ દૃશ્ય સાથે પ્રેમ કરતાંય કંઈક વિશેષ સંબંધની આ કથા પૂરી થાય છે. નવલકથાની લેખન પદ્ધતિ : ‘નવનીત-સમર્પણ’ના વાચકો માટે ઘનશ્યામ દેસાઈના આગ્રહથી યોગેશ જોષી ‘જીવતર’ લઘુનવલ લખે છે. અઢાર પ્રકરણોમાં વહેંચાયેલી આ લઘુનવલ નાયિકાપ્રધાન છે. કથાનાયક તો કથા આરંભથી જ મૃત્યુ પામ્યા છે. પાત્રકેન્દ્રી ત્રીજા પુરુષ કથક દ્વારા રેવામાના પાત્રને કેન્દ્રમાં રાખી કથા કહેવાઈ છે. નાયકના મૃત્યુની ઘટના અને નાયક સાથે વિતાવેલા જીવતરની લેખકે નકશીદાર ગૂંથણી કરી છે. વર્તમાન-પીઠ ઝબકાર-વર્તમાન એમ નાયિકાના મનમાં ચાલતું ભૂતકાળનું સ્મરણપૂર અને કથાની વર્તમાન ઘટના બંને સાથે-સાથે કથામાં વહે છે. ધીમે ધીમે પસાર થતી મૃત્યુની રાત અને ઝપાટાભેર વીતી ગયેલ જીવતર – બંનેના આલેખનમાં અનુભવાતો દ્રુત-વિલંબિત લય કથાને પણ આગવો લય આપે છે. રેવામા અને માસ્તર વચ્ચેના સંબંધને કોઈ નામ ન આપવા છતાં તે સંબંધ નિષ્કલંક અને ગરિમામય રીતે ભાવક સુધી પહોંચે તે રીતે પ્રકરણે-પ્રકરણે બંનેના સંબંધને ઊંડો ને ઘનિષ્ઠ બતાવવાની લેખકની સૂઝ આકર્ષિત કરે તેવી છે. નવલકથાની સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વો : ‘જીવતર’ એક વિશિષ્ટ સંબંધની કથા છે. યુવાહૈયાના પ્રેમની કથાઓ તો સાહિત્યમાં અનેક મળી રહે, પણ પ્રેમ કરતાંય કંઈક વિશેષ હૂંફાળા સંબંધની કથા લેખકને અભિપ્રેત છે. એક વૃદ્ધ અને વૃદ્ધા વચ્ચેના આવાં નરવા સંબંધની વાત નાનકડા સમયખંડમાં આલેખાઈ છે. કથામાં મુખ્ય ઘટના તો મૃત્યુની છે, પણ એ મૃત્યુની પહેલાં જિવાયેલું જીવતર મૃત્યુની સાક્ષીએ લેખક આલેખે છે. રેવામા આ કથાનાં નાયિકા છે. આખી કથા તેમની આસપાસ જ ગૂંથાયેલી છે. લઘુનવલમાં આવતાં અન્ય પાત્રો – રેવામાના પતિ, માસ્તરનાં પત્ની-બાળકો, પડોશીઓ – ખપ પૂરતાં જ કથામાં પ્રવેશે છે ને વિદાય લે છે. ઉત્તર ગુજરાતનું ગામડું પાત્રોના મુખે મુકાયેલી લોકબોલી જીવંત રીતે પ્રગટ્યું છે. ‘કોંય હોંભળ્યું?’, ‘ચમ?’, ‘શીતી?’ જેવાં ટૂંકા સંવાદો કે શબ્દપ્રયોગો દ્વારા લેખક કથામાં આગવો પરિવેશ રચી શક્યા છે. ઓલવાતું ફાનસ, કંટાળતા પડોશીઓ અને તે સૌનાં મનમાં ચાલતા વિચારો પણ અવકાશ મળે ત્યાં ઝીલીને નાના ફલક પર વ્યાપક ચિત્ર આપવા લેખકે પ્રયાસ કર્યો છે. ‘-મનીયો, મનુડો, મનુ, મનુ માસ્તર, મનુભઈ માસ્તર, ગોરબાપા, મનુદાદા...’ એવી બદલાતા નામની યાદી દ્વારા માસ્તરની વધતી ઉંમરને લાઘવથી છતાં અસરકારક રીતે રજૂ કરતા લેખકની સજાગતા ધ્યાનાકર્ષક છે. કથાનો આરંભ અમાસ તો આવતી કાલે છે, એવા વાક્યથી થાય છે. કથાના અંતે સ્થૂળ રીતે તો ચોદશ પછી અમાસ આવે જ છે, પણ રેવામાનું જીવતર પણ હવે અમાસના અંધકારમાં ડૂબી રહ્યું છે તેવું સૂક્ષ્મ સંવેદન ભાવક અનુભવે છે. લઘુનવલમાં પ્રયોજાતા માનસ નિરૂપણને પણ અહીં અનિવાર્ય લાગે એવી સહજતા પ્રયોજીને એક રસાળ લઘુનવલ લેખકે નિપજાવી છે. નવલકથાનો પ્રકાર : ‘જીવતર’ એક મનોવિશ્લેષણાત્મક લઘુનવલ છે. અહીં કોઈ ગહન ચિંતન રજૂ કરવાનો ઉદ્દેશ્ય નથી. પણ એક સાત્ત્વિક સ્નેહ-સંબંધનું દર્શન કરાવવાનું સર્જકને અભિપ્રેત છે. રેવામાના મનમાં સ્મરણો રૂપે તાદૃશ્ય થતા પ્રસંગો જ અહીં કથાનો મહત્તમ હિસ્સો છે. પોતાના પ્રિય પાત્રના શબ પાસે બેસીને, તેની સાથે માણેલી મધુર પળોને ફરી માણવાની માનસિક પ્રક્રિયા મૃત્યુને પણ મંગલમય બનાવે છે. સતત મનમાં માસ્તર સાથેનાં સ્મરણો વાગોળતા રેવામા પોતાના મૃત પુત્રને યાદ કરીને રડવા લાગે છે, ત્યારે તેની આ મનઃસ્થિતિ તેના માસ્તર સાથેના પ્રેમને એક નવી ઊંચાઈ આપે છે. મનોજગતને નિરૂપતી હોવા છતાં આ લઘુનવલ કંટાળાજનક નથી બનતી એ લેખકની કુશળતા સૂચવે છે. નવલકથા વિશે વિવેચક : “...‘જીવતર’ને સ્નેહની મર્મવિદારક કથા યથાર્થ રીતે કહી શકાય એમ છે. છતાં લેખકે તો પ્રેમનું નામ ક્યાંય કશે જ આપ્યું નથી. અહીં પ્રેમ કરતાંય એકમેક સાથેના માનવતાભર્યા હૂંફાળા સંબંધની વાત વર્ણવી છે. એમાં તીવ્રતાની સાથે સચ્ચાઈ તો છે જ. પણ લાગણી નિમિત્તે તો એ સમસ્ત સમાજની એક સંવેદનકથા બની રહે છે. ઉદાત્ત પ્રેમ, રાગદ્વેષ, અંધશ્રદ્ધાભરી માન્યતાઓનું-લોકવ્યવહારનું લેખન અસરકારક રીતે નવલકથામાં વ્યક્ત થયું છે. ‘જીવતર’ ગ્રામપ્રદેશના વાતાવરણ વચ્ચે મહોરતી કથા છે, જે તળપદા જીવનથી વાચકને પરિચિત કરાવે છે. લગ્નપ્રસંગનું વર્ણન, મેળાનું વર્ણન, રેવલીની યુવાવસ્થાનું વર્ણન, પતિ રમણના નશાનું વર્ણન ખરે જ આકર્ષણ રૂપ છે. એક રીતે પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ના કેટલાક પ્રસંગો એક યા બીજી રીતે કૃતિમાં અલપઝલપ શા પડઘાયા કરે છે... – ડૉ. ભીખાભાઈ પટેલ (“ ‘જીવતર’ આધેડ વયનાં પાત્રોના હૂંફાળા સંબંધોનું વેધક આલેખન”માંથી)

સંદર્ભગ્રંથ : ૧. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ગ્રંથ : ૮ (ગુજરાતી સાહિત્ય પરિષદ - અમદાવાદ) ૨. પટેલ, ભીખાભાઈ. “ ‘જીવતર’ આધેડ વયનાં પાત્રોનાં હૂંફાળા સંબંધોનું વેધક આલેખન”, Sahityasetuઃ Year-૩, Issue-૧, Continuous issue-૧૩, January-February ૨૦૧૩. ૩. પ્રજાપતિ, મેહુલકુમાર. “ ‘જીવતર’માં પ્રગટ થતી યોગેશ જોષીની વર્ણનકલા”, Sahityasetuઃ Year-૯, Issue-૬, Continuous issue-૫૪, November-December ૨૦૧૯.


પ્રા. ડૉ. વીરેનકુમાર ય. પંડ્યા
આસિસ્ટન્ટ પ્રોફેસર (GES-૨) અને અધ્યક્ષ ગુજરાતી વિભાગ,
ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કૉલેજ, ગઢડા (સ્વા.)
મો. ૯૪૨૮૪૩૧૮૧૬
Email: veeren.pandya@gmail.com