વાર્તાવિશેષ/૧૪. એક તેલુગુ નવલિકા

From Ekatra Wiki
Revision as of 09:49, 25 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૪. એક તેલુગુ નવલિકા


‘તોફાન’

તેલુગુ લેખક પી. પદ્મરાજૂની નવલિકા ‘તોફાન’ (ગાલિવાન)માં પહેલાં એક પાત્રનો વિગતે પરિચય આપવામાં આવે છે અને પછી બીજા પાત્રને સામે મૂકી એ પૂર્વ-પરિચયનું પરિવર્તિત રૂપ સિદ્ધ કરવામા આવે છે. અહીં વાતાવરણનો નિર્ણાયક પરિબળ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. વાચક છેવટ સુધી વરસાદ અને પવનના તોફાનની અસરમાં રહે છે. પણ કૃતિને અંતે તો એક એવું વિરામબિન્દુ લાધે છે જે જીવન-મરણ અને શરીર-મનના અણધાર્યા મિલનમાંથી પરિણમ્યું છે. ઉપેક્ષા, ભાવદ્વિધા, લાગણી, હૂંફ બધું એક પાત્રના સંદર્ભે પ્રગટે છે અને બીજું પાત્ર તો જાણે એને આપવાનું હતું એ બધું આપીને વિદાય થઈ જાય છે. એણે જે કંઈ લીધું હતું એ બદલા તરીકે ન હતું, એ તો એની જરૂરિયાતમાંથી જન્મેલી ટેવ-કુટેવ હતી. એ બધા સાથે એ મૃત્યુ પામે છે. મૃત્યુ પામવાને કારણે એ સદ્‌ભાવ જીતે છે અને અંતે તો કેન્દ્રમાં આવી જાય છે પણ લેખકે એ પાત્રને આધાર તરીકે જ ખપમાં લીધું છે. જેના સંવેદન સાથે કામ પાડ્યું છે જેના અસ્તિત્વને વિક્ષિપ્ત અને સ્પંદિત કર્યું છે એ છે શ્રી રાવ. જે વકીલ તરીકે તાજેતરમાં જ નિવૃત્ત થયા છે, પચાસ વર્ષના જ છે, શરીરે સ્વસ્થ છે, પત્નીથી ઉંમરે ઘણા નાના દેખાય છે. ચાર સંતાનોના પિતા છે. સુખસગવડભર્યું ઘર છે. આજે વરસાદના તોફાનમાં મુશ્કેલીમાં મુકાઈ જવું પડ્યું. ગાડીના બીજા વર્ગના ડબ્બામાં પ્રવેશતાં જ એમને એ બધું યાદ આવી ગયું. આ સુખના સ્મરણનો સંદર્ભ સૂચક છે. એમાં એની અભિજાત રુચિનો પણ નિર્દેશ છે. પછી થનાર ઘટનામાં પ્રગટ થનાર રાવનો નવો પરિચય આપવા માટે આ આખી પૂર્વભૂમિકા પ્રસ્તુત બનશે. ડબ્બામાં બીજાં ચાર મુસાફરો છે. એમાં એક યુગલ છે, જેની એકબે મુદ્રાઓ આગળ જતાં અસંપ્રજ્ઞાતપણે રાવ માટે ઉદ્દીપક વિભાવનું કામ આપવાની છે એનો વાચકને તે ક્ષણે તો ખ્યાલ નહીં જ આવે. કદાચ છેવટે પણ ન આવે. કોઈક કહી શકે કે બીજાં મુસાફરોની વિગતો ટાળી શકાઈ હોત. ભીખ માગતી યુવતીને જ વિના વિલંબે હાજર કરવાની હતી. એ બીજા સ્ટેશને દાખલ થાય છે. લેખકે સહજતાના ખ્યાલથી આમ કર્યું હશે. જેમ રાવનો પૂર્વપરિચય આધાર તરીકે જરૂરી માન્યો છે તેમ મુસાફરોની હાજરીમાં એમની પાસે ભીખ માગતી વખતે એ ત્રીસેક વર્ષની યુવતીનો પણ કંઈ પરિચય મળી રહે છે. એ દરમિયાન રાવને એની આંખોની ચમક, એની વાચાળતા, જવાબ અને અભિપ્રાય આપી દેવામાં ઉદ્દંડતા જોવા મળે છે. લેખકે રાવને કેન્દ્રમાં રાખીને વાર્તાની ગતિ સાધી હોઈ જે કંઈ થાય છે એ વિશે એની પ્રતિક્રિયા નોંધી છે જ. રાવ ‘આસ્તિક સંઘ’માં ભાષણ આપવા જતા હતા. સ્ટેશને ઊતરે છે. તોફાન ચાલુ છે. ભિખારણ યુવતી રાવનો સામાન ઉતારવા તૈયાર થાય છે. રાવ પાસે વિકલ્પ ન હતો. પૈસા લઈ, કંઈક કહીને યુવતી અદૃશ્ય થઈ ગઈ. રાવ વેઇટિંગ રૂમમાં એકલો મૂઢ બેઠો છે. કપડાં પલળી ગયાં હતાં. પેટીમાંથી હાથબત્તી મળી. ખુશ થઈ ગયો એ. કપડાં બદલ્યાં. ઠંડી સામે રક્ષણ મેળવ્યું. ઊપડતી ગાડીનો પ્રકાશ દેખાયો. પ્લેટફોર્મ પર બે આકાર દેખાયા. સ્ટેશન-માસ્ટર અને કુલી. એમને પૂછ્યું. અહીંથી આગળ જઈ શકાય એમ નથી. તોફાન છત્રીસ કલાક સુધી રહેશે. વેઇટિંગ રૂમમાં એકલા રોકાવું પડશે. પેલા લોકો તો ગયા. તોફાનના સુસવાટાથી એ ભયભીત થાય છે. આ થોડીક ક્ષણોનું વર્ણન ટૂંકું પણ અસરકારક છે. કપડાં બદલ્યાં પછી પેટીને તાળું મારવાનું અને રૂમનું બારણું બંધ કરવાનું રાવને સૂઝ્યું નથી એમાં પણ પરિસ્થિતિની અસરમાં એ મૂઢ થતો સૂચવાયો છે. ઉપરાંત એ બધાનો પછીની ક્ષણો સાથે સંબંધ છે. અચાનક એને લાગે છે કે રૂમમાં કોઈક છે. એ પેલી ભિખારણ યુવતી છે. એ કંપી રહી હતી. એના ભીના વાળ મોં સાથે ચોંટી ગયા હતા અને લટકતી લટોમાંથી પાણી ટપકી રહ્યું હતું. એ કહે છે, ‘તમે બારણું બંધ કેમ નથી કર્યું? ઓરડામાં હૂંફ વળત.’ રાવ યંત્રવત્‌ ઊભો થઈ બારણું બંધ કરવા લાગે છે. યુવતી એને મદદ કરે છે, પણ વાયરાની ઝાપટથી આગળો તૂટી જાય છે. પણ યુવતી એક ભારે ટેબલ ખેંચી લાવી ત્યાં અટકાવી દે છે. રાવે સલામતી અને કંઈક હૂંફ અનુભવી. ત્યાં એક ભારે ધડાકો થયો. આગળો તૂટી જાય છે તે અને આ ધડાકો બંને સાંકેતિક છે. યુવતી તોફાનની ભયંકરતાની વાત કરે છે પણ રાવની સરખામણીમાં એ નિર્ભય છે. એ એક ખૂણામાં બેઠી હતી. રાવ પેટીમાંથી એક ધોતિયું કાઢી આપે છે. બદલીને એ પાછી ત્યાં બેસી જાય છે. રાવને ભૂખ લાગે છે. બિસ્કિટનું પડીકું કાઢે છે. યુવતીને પણ થોડાંક આપે છે. માફી માગતો હોય એમ કહે છે મારી પાસે બસ આટલાં જ છે. પાછો એ એની સૂટકેસ પર બેસી જાય છે. રાવની ભાષા બદલાઈ છે કેમ કે ભાવ બદલાયો છે. આ સ્ત્રીની હાજરીથી એની બેચેની કંઈક ઓછી થઈ હતી. વળી, એ દરેક વસ્તુને તોફાનને પણ સ્વાભાવિક માનતી હતી. રાવને થયું કે આ સ્ત્રી જીવનની કઠોરતા અને ચડતી-પડતીથી ટેવાયેલી છે. આમ, એ ભિખારણ યુવતીના વ્યક્તિત્વમાં રસ લે છે. પ્રસ્તુત ભાવ-પરિસ્થિતિમાં ભાવક એના અસ્તિત્વનું વજન અનુભવે છે. નવ વાગ્યા હતા. રાવને વિચાર આવે છે કે આગલા સ્ટેશને ઊતર્યો હોત તો સારું. ત્યાંથી પણ જઈ શકાતું હતું. આકસ્મિક ભયથી એ ચેતનાશૂન્ય થઈ જાય છે : ‘તને લાગે છે કે આ ઇમારત ઢળી પડશે?’ ‘કોને ખબર? લાગે છે તો મજબૂત પણ બનવાજોગ છે કે તોફાન એનાથી પણ મજબૂત નીકળે.’ ભિખારણના અવાજમાં સહાનુભૂતિ અને પ્રેમ છે. એ રાવની નજીક સરકી આવે છે : ‘જ્યાં હું બેઠી હતી ત્યાંથી એકબીજાનો અવાજ નથી સંભળાતો.’ રાવ કહે છે કે તોફાનની આટલી ભયંકરતા એણે કલ્પી નહોતી. ભિખારણ આશ્વાસન આપે છે : ‘આપણે એકલાં નથી, બે છીએ.’ ટિકિટ-કલેક્ટરને એ સત્યનાશી કહે છે કેમ કે એણે ધક્કો મારીને ચાલતી ગાડીમાંથી એને ઉતારી મૂકી હતી. એનો જોકે એને હવે અફસોસ નથી. રાવ આ ક્ષણે બેવડી લાગણી અનુભવે છે. ભિખારણની હાજરી મનમાં ઘૃણા જગવતી હતી તોપણ એના સાથે માટે એ કૃતજ્ઞતા અનુભવી રહ્યો હતો. એનાં સગાંવહાલાં વિશે પૂછે છે. જાણવા મળે છે. પતિ શરાબી છે. પડ્યો રહે છે. બે છોકરાં છે. નાનાં છે. હજી ભીખ માગવાનું શીખ્યાં નથી. ભીખની આવકની વાત થાય છે. ‘મને લોકોને પટાવતાં આવડે છે.’ રાવ હાથબત્તી કરે છે. યુવતી મલકાઈ રહી હતી. રાવને થાય છે કે આ સ્ત્રી અજાણ્યાને શરીર સોંપતાં ખમચાય એવી નથી. ‘તમે આમ શું જોઈ રહ્યા છો? હું હવે એટલી સુંદર રહી નથી.’ રાવને એના સંકેતથી ઘૃણા થઈ. હાથબત્તી બંધ કરવાનું ભૂલી ગયો હતો એવું એ કારણ આપે છે. ત્યાં ભારે જોરથી ધડાકો થાય છે. આ બીજી ક્ષણ બે વચ્ચેનું અંતર ઓગાળી નાખે છે. રાવે આશ્રયની શોધમાં ભિખારણને ખેંચીને પકડી લીધી. એને જાત પર શરમ આવી. પણ બીજી ક્ષણે ભિખારણ એને પકડીને બીજા ખૂણામાં લઈ જવા લાગી ત્યારે એણે વાંધો ન લીધો. બેસાડ્યો. અડીને બેઠી. એના ગળામાં હાથ નાખ્યા. આલિંગનની હૂંફથી રાવને સુખ થયું. અહીં યુવતી એની ઝૂંપડીની ચિંતા કરે છે. રાવને કશું સંભળાતું નથી. એ આવેશ અને તીવ્ર માનસિક વેદનાની અસરમાં ભિખારણ યુવતીને આલિંગનમાં જકડી લે છે. યુવતીએ જ પહેલ કરી છે. પણ લેખકે પરિસ્થિતિની અસરથી રાવને વિચારશૂન્ય થતો બચાવી એટલા જ પ્રમાણમાં પ્રેર્યો છે. એક પાત્ર બીજાનો ઉપયોગ કરતું હોય એવું લાગતું નથી. શરીર છૂટાં પડ્યાં પછી રાવ વધુ સારી જગાએ ખસીને હાથબત્તી કરે છે તો એને યુવતીનું મોં પાવન અને શાંત લાગે છે. અહીં સુધીમાં રાવના સંવેદન પર લેખકે કરવાનું કામ પૂરું થઈ ચૂક્યું છે. પણ વાર્તાનો અંત નાટ્યાત્મક હોય એવી એમની અપેક્ષા લાગે છે. એમાં કંઈક અતિરંજનનું તત્ત્વ પણ આવી ગયું છે. રાવ જાગીને જુએ છે તો રૂમમાં ભિખારણ નથી. ગજવામાં પાકીટ ન હતું. ભિખારણ એ લઈ ગઈ હોય એવું માનવાનું મન થતું ન હતું. સૂર્ય ઊગી રહ્યો હતો. ઘણું બધું તૂટી પડ્યું હતું. માણસો ઘાયલ પડ્યાં હતાં. એક કાટમાળ નીચે માનવ આકાર દેખાયો. એ ભિખારણ હતી, નિષ્પ્રાણ. એક હાથમાં રાવનું પાકીટ અને બીજા હાથમાં ટિકિટ-બારીના પૈસા. રાવ મૃત ભિખારણના માથાને વારંવાર ચુંબન કરે છે. રાતની નાની નાની ઘટનાઓ એને યાદ આવી રહી છે. જે વ્યક્તિએ તોફાનમાં એને એટલું સુખ અને ધૈર્ય આપ્યું હતું એ પ્રિય વ્યક્તિ તોફાનનો ભોગ બનીને સામે પડી હતી. એણે પાકીટ ચોર્યું એમાં કશો દોષ નહોતો દેખાતો. એની ભાવનાઓને એ સમજતો હતો. આ સુખ, આ નિકટતા એણે જીવનમાં પહેલી વાર અનુભવી છે. લોકો આવતાં લાગ્યાં. ભિખારણના હાથમાંના પૈસા ટિકિટ ઑફિસની દરાજમાં મૂકી દીધા અને પોતાનું પાકીટ લેવાને બદલે એના પરનું પોતાના નામનું કાર્ડ કાઢી લીધું અને ત્યાંથી ખસી ગયો. રાવ મૃત્યુ પામેલી ભિખારણના હાથમાં પોતાનું પાકીટ રહેવા દે છે એ દ્વારા લેખકે એનામાં ભિખારણને કારણે જાગેલા ત્યાગનો નિર્દેશ કર્યો છે. પણ આ સાંકેતિકતા કંઈક જૂની થઈ ગયેલી લાગે છે. એણે જે ક્ષણે ઘૃણા ગુમાવી એ જ ક્ષણે એનો સાચો ત્યાગ સૂચવાયો હતો અને બે શરીરના સંયોગ પછી ઊંઘતી ભિખારણનો ચહેરો પાવન અને શાંત દેખાયો હતો એમાં જ પ્રેમની આકસ્મિક, ક્ષણિક છતાં અપૂર્વ અનુભૂતિ હતી. વળી, રાવના સંવેદન-વિકાસના લક્ષ્ય સાથે વિકટ પરિસ્થિતિમાં આકસ્મિક રીતે સધાતી બે માનવ-અસ્તિત્વની હૂંફ પણ ભાવકના અનુભવનો વિષય છે. એ પ્રાપ્તિ અને શાતાની ક્ષણને લેખકે ભિખારણના મૃત્યુથી કરુણ અને વિશેષ તો નાટ્યાત્મક બનાવી છે. ઘટનાપ્રધાન વાર્તાઓ પાસેથી અંતે વળાંક કે ચમત્કૃતિની અપેક્ષા રહેતી. એ સંતોષવાની લેખકે સભાનતા દાખવી હોય એમ લાગે છે. પણ એથી એમની સામે ફરિયાદ કરવાનું મન થતું નથી. આકસ્મિકતામાં પણ ક્રમિકતાની સંગતિ સાધીને પ્રતીતિપૂર્વક પરિસ્થિતિની મદદથી મનઃસ્થિતિનું રૂપાંતર આલેખવાની દૃષ્ટિએ આ વાર્તા નોંધપાત્ર છે.

૧૯૭૬