ભારતીયકથાવિશ્વ−૪/પદ્મપુરાણ/અયોધ્યાના ધોબીના પૂર્વજન્મની કથા

From Ekatra Wiki
Revision as of 06:11, 21 January 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અયોધ્યાના ધોબીના પૂર્વજન્મની કથા}} {{Poem2Open}} મિથિલાના રાજા જનક એક વાર યજ્ઞ માટે ભૂમિ સમતલ કરી રહ્યા હતા ત્યારે તેમને ધરતીમાંથી એક સુંદર કન્યા મળી. રાજાએ પ્રસન્ન થઈને તેનું નામ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અયોધ્યાના ધોબીના પૂર્વજન્મની કથા

મિથિલાના રાજા જનક એક વાર યજ્ઞ માટે ભૂમિ સમતલ કરી રહ્યા હતા ત્યારે તેમને ધરતીમાંથી એક સુંદર કન્યા મળી. રાજાએ પ્રસન્ન થઈને તેનું નામ સીતા પાડ્કહ્યું. તે મોટી થઈને સખીઓ સાથે ઉદ્યાનમાં રમતી હતી ત્યારે તેણે પોપટની એક જોડી જોઈ. બંને પક્ષી એક ઊંચી જગાએ બેસીને વાતો કરતાં હતાં, ‘પૃથ્વી ઉપર રામ નામના એક સુંદર રાજા થશે. તેમની પત્ની સીતા નામથી વિખ્યાત થશે. રામ બહુ બુદ્ધિશાળી અને બળવાન હશે. સીતા સાથે હજારો વર્ષ રાજ કરશે. રામ અને જાનકીને ધન્ય છે.’

શુકયુગલને આવી વાત કરતાં સાંભળી સીતાને વિચાર આવ્યો, ‘આ બંનેને પકડીને મારા જીવનની બીજી વાતો પણ પૂછું.’

તેણે સખીઓને કહ્યું, ‘આ પક્ષીઓ સુંદર છે, તમે ચુપચાપ જઈને તેમને પકડી લાવો.’

સખીઓ શુકસારિકાને પકડી લાવી. સીતાએ કહ્યું, ‘તમે બહુ સુંદર છો. ગભરાતા નહીં, તમે કોણ છો, ક્યાંથી આવો છો? રામ અને સીતા કોણ? તમને આની જાણ થઈ કેવી રીતે? સત્વરે કહો જોઈએ. મારાથી તમારે જરાય બીવાનું નહીં.’

સીતાએ આમ પૂછ્યું એટલે બંને પક્ષી બોલ્યાં, ‘વાલ્મીકિ નામના એક મહર્ષિ છે. તેમણે રામાયણ નામનો મહાગ્રંથ રચ્યો છે. તેઓ દરરોજ રામાયણનું પઠન કરે છે, વારંવાર સાંભળવાને કારણે અમને બધું યાદ રહી ગયું છે. રામજાનકીની વાતો જાણી, સીતા સાથે શું થશે તે પણ જાણ્યું. મહર્ષિ ઋષ્યશૃંગે દશરથ રાજા પાસે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો એટલે ભગવાન વિષ્ણુ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન રૂપે જન્મ્યા. દેવાંગનાઓ તેમની કથા કહેશે. વિશ્વામિત્ર ઋષિ રામલક્ષ્મણને લઈને મિથિલા આવશે. ત્યાં બીજા રાજાઓ જે ધનુષ્યભંગ નથી કરી શક્યા તે ધનુષ્યભંગ રામ કરશે અને સીતા સાથે તેમનું લગ્ન થશે. હવે આ બધી વાતો તમે સાંભળી, અમને જવા દો.’

સીતાએ ફરી રામ અને સીતા વિશે પ્રશ્નો પૂછ્યા એટલે સારિકાને ખ્યાલ આવી ગયો કે આ સીતા છે. તેમને ઓળખીને તે સીતાને પગે પડી ગઈ. રામની દેહશોભાનું સુંદર વર્ણન કર્યું, ‘પણ તમે છો કોણ?’ એવા પ્રશ્નના ઉત્તરમાં સીતાએ પોતાનો પરિચય આપ્યો. ‘મારા મનને મોહ પમાડનારા રામ મને પરણે નહીં ત્યાં સુધી હું તમને નહીં જવા દઉં. તમારી વાતોથી મને બહુ મોહ થયો છે. તમે અહીં નિરાંતે રહો, મધુર વાનગીઓ આરોગો.’

સારિકા બોલી, ‘સાધ્વી, અમે વનપક્ષી છીએ, વૃક્ષો પર રહી બધે ફરીએ છીએ. તમારા ઘરમાં અમને સુખ નહીં મળે. વળી, હું સગર્ભા છું. મારા સ્થળે જઈ બચ્ચાંને જનમ આપીને પછી અમે અહીં આવીશું.’

તો પણ સીતાએ તેમને જવા ન દીધાં. શુકે કહ્યું, ‘સીતે, મારી પત્નીને છોડી દો. આ સગર્ભા મારા મનમાં વસેલી છે. આ બચ્ચાંને જનમ આપશે ત્યારે હું તેમને લઈને આવીશ.’

જાનકીએ ના જ પાડી. શુકને જવા કહ્યું, પણ સારિકાને તો નહીં જ. આ સાંભળી શુક દુઃખી થઈ ગયો, ‘બધા મૂગા રહેવાની સલાહ આપે છે તે સાચું. જો અમે વાતો ન કરી હોત તો? હું મારી પત્ની વિના જીવી નહીં શકું.’

તો પણ સીતા ન માની એટલે સારિકાએ શાપ આપ્યો, ‘તું જેવી રીતે મને સગર્ભાને મારા પતિથી જુદી પાડે છે તેવી રીતે તું જ્યારે સગર્ભા હોઈશ ત્યારે તારે પણ વિરહ ભોગવવાનો થશે.’ આમ કહી તે મૃત્યુ પામી.

શુકે કહ્યું, ‘હું અયોધ્યામાં જનમ લઈશ અને મારી વાતથી દુઃખી થઈને તારે પતિવિયોગ વેઠવો પડશે.’

આમ સીતાનું અપમાન કરવાને કારણે શુક ધોબી તરીકે જન્મ્યો અને તેના કહેવાથી સીતાને વનમાં જવું પડ્યું.


(પાતાળખંડ)