ભારતીયકથાવિશ્વ-૨/રામાયણની કથાઓ/સંપાતિની કથા

From Ekatra Wiki
Revision as of 15:48, 23 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સંપાતિની કથા

(વાનરો સીતાની શોધમાં નીકળ્યા હતા, ત્યારે તેમનો ભેટો જટાયુના મોટા ભાઈ સંપાતિ સાથે થયો, સંપાતિ તેમને પોતાની કથા કહે છે.)

‘ભૂતકાળમાં જ્યારે ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો ત્યારે અમે બંને ભાઈઓ જય મેળવવા છેક ઉપર જવા લાગ્યા અને ત્યાં સૂર્યનાં આકરાં કિરણો વાગવા માંડ્યાં. મારો ભાઈ સૂર્યતેજ સહન ન થયું એટલે દુઃખી થઈ ગયો. એની પીડા જોઈને મેં મારી પાંખોમાં લઈ લીધો, હું પાંખો બળી જવાને કારણે વિંધ્ય પર પડ્યો. મારા ભાઈનું શું થયું તેની મને કશી જાણ ન થઈ.’

આ સાંભળી અંગદે તેને રાવણનું નિવાસસ્થાન પૂછ્યું.

સંપાતિએ આ સાંભળી કહ્યું, ‘મારી પાંખો બળી ગઈ છે, હું વૃદ્ધ થયો છું. એટલે માત્ર બોલીને જ રામને સહાય કરી શકીશ. હું વરુણલોક જાણું છું, વિષ્ણુએ ત્રણ ડગલાં ભરીને ત્રિલોક આવરી લીધા તે પણ જાણું છું. દેવદાનવોએ કરેલા સમુદ્રમંથનની પણ મને જાણ છે. મારે રામનું કાર્ય કરવું જ જોઈએ પણ હું વૃદ્ધ છું, લાચાર છું. થોડા સમય પહેલાં મેં અલંકારોથી સજ્જ, રૂપવાન સ્ત્રીને રાવણ હરી જતો હતો તે દૃશ્ય જોયું હતું. તે યુવતી હે રામ, હે લક્ષ્મણ બોલતી હતી. શરીર પરથી અલંકારો ઉતારી ઉતારીને ફેંકતી હતી. તે સ્ત્રીનું વસ્ત્ર પર્વતશિખર પર ઝીલાતા સૂર્યતેજ જેવું હતું. તે સ્ત્રી વારેવાર રામ રામ જ બોલતી હતી. વિશ્રવાનો પુત્ર રાવણ લંકા નામની નગરીમાં રહે છે. વિશ્વકર્માએ આ નગરી ઊભી કરી હતી, તે અહીંથી સો યોજન દૂર છે. એ નગરીમાં કૌશેય વસ્ત્ર પહેરેલી સીતા રાવણના અંત:પુરમાં છે, રાક્ષસીઓ તેની ચોકી કરે છે. તમે ત્યાં જઈને સીતાને જોઈ શકશો. હું દિવ્ય દૃષ્ટિથી તેને જોઈ શકું છું. જુદાં જુદાં પક્ષીઓની ગતિ જુદી જુદી હોય છે. ધાન્ય પર જીવનારાં પક્ષી પહેલા માર્ગે ઊડે છે. વૃક્ષ પરનાં ફળ ખાનારાં પક્ષી બીજા માર્ગે ઊડે છે. ક્રૌંચ, ટીટોડી જેવાં પંખી ત્રીજા માર્ગે ઊડે છે, શ્યેન ચોથા માર્ગે અને ગીધ પાંચમા માર્ગે ઊડે છે. બળવાન, પરાક્રમી, રૂપવાન હંસો છઠ્ઠા માર્ગે અને ગરુડ તો એથીય ઊંચે ઊડે છે. અમારા બધાનો જન્મ વિનતાપુત્ર અરુણથી થયો છે. અહીં રહીને પણ હું રાવણને અને જાનકીને જોઈ શકું છું. અમારી દિવ્ય દૃષ્ટિ દૂર દૂર સુધી જઈ શકે છે. હવે તમે જઈ શકશો. હું મારા ભાઈને અંજલિ આપવા માગું છું. એટલે મને સમુદ્રકિનારે લઈ જાઓ.’ વાનરો સંપાતિને ઊંચકી સાગરકાંઠે લઈ ગયા, અને ત્યાં સંપાતિએ વિધિ કર્યો. વાનરો પાછા તેને તેના સ્થાને લઈ આવ્યા.

પછી વાનરોમાં ઉત્તમ એવા જાંબવાને ઊભા થઈને સંપાતિને પૂછ્યું. ‘સીતાને કોણે જોઈ હતી? કોણે તેનું અપહરણ કર્યું હતું? એ બધી વાત અમને કહે. એવો કોણ છે કે જે રામલક્ષ્મણની બાણવર્ષાને પણ ગણકારતો નથી?’

સીતાના સમાચાર જાણવા આતુર વાનરોને સંપાતિએ કહ્યું, ‘મેં જે સાંભળ્યું છે અને મને જે કહેવામાં આવ્યું છે તે સાંભળો. પુષ્કળ વિસ્તારવાળા આ પર્વત પર ઘણા વખતથી રહું છું. વૃદ્ધ છું. મારો પુત્ર સુપાર્શ્વ યોગ્ય સમયે મારા માટે આહાર લાવી આપે છે. ગંધર્વોમાં કામ પ્રબળ, ભુજંગોમાં ક્રોધ પ્રબળ અને મૃગોમાં ભય પુષ્કળ. અને અમને ભૂખ ભયંકર. એક દિવસ સવારે મને ભૂખ લાગી એટલે મારો પુત્ર આહાર લેવા નીકળ્યો તો ખરો, પણ સૂર્યાસ્ત સમયે તે ખાલી હાથે આવ્યો. હું ગુસ્સે થયો પણ તે ધીરજ રાખીને બોલ્યો, ‘હું નિયમ પ્રમાણે મહેન્દ્ર પર્વત સુધી ઊડ્યો હતો ત્યાં સમુદ્રકાંઠે પક્ષીઓને પકડવા ઊભો રહ્યો. ત્યારે મેં સૂર્યોદયના તેજવાળી સ્ત્રીને હરી જતા એક પુરુષને જોયો. હું તેમને પકડી લેવા દોડ્યો પણ પેલા પુરુષે મને જવા દેવા વિનંતી કરી. ગમે તેવો નીચ પણ આવી માગણી કરે તો ના પડાય નહીં, એટલે મેં તેને રોક્યો નહીં. એટલામાં મારી પાસે મહર્ષિઓએ આવીને મને આશીર્વાદ આપ્યા. પછી બધી માહિતી આપી. એ સ્ત્રી રામલક્ષ્મણનું નામ વારે વારે બોલતી હતી.

આમ કહીને સંપાતિએ પોતાનાથી બને તેટલી સહાય કરવાનું વચન આપીને ફરી પોતાની કથા કહી સંભળાવી.

‘આગળ કહ્યું તે પ્રમાણે હું વિંધ્ય પર્વત પર પડ્યો હતો. સૂર્યના તેજથી મારી પાંખો તો બળી ગઈ હતી, હું બહુ અસ્વસ્થ હતો, મને દિશાનું કે સ્થળનું ભાન રહ્યું ન હતું. પછી ધીમે ધીમે આસપાસનાં સ્થળોને ઓળખવા માંડ્યા,

અહીં આગળ એક આશ્રમમાં નિશાકર નામના ઋષિ તપ કરતા હતા. તે મુનિ સ્વર્ગે ગયા ત્યારથી માંડીને આઠ હજાર વર્ષ સુધી હું અહીં રહ્યો. વિંધ્ય પર્વત પર પડ્યા પછી ધીમે ધીમે હું તીણા દર્ભવાળી પૃથ્વી પર આવ્યો. મેં અને જટાયુએ એ ઋષિની સેવા ખાસ્સી કરી હતી. હું તે આશ્રમ પાસે ગયો. ત્યાં સુવાસિત પવન વાતો હતો. એક પણ વૃક્ષ ફળ કે ફૂલ વિનાનું ન હતું.

તે આશ્રમમાં જઈ એક વૃક્ષના મૂળ પાસે બેઠો અને નિશાકર ઋષિની રાહ જોવા લાગ્યો. પછી અત્યંત તેજસ્વી ઋષિને દૂરથી આવતા જોયા. જેવી રીતે દાતાની આજુબાજુ બધા યાચકો ચાલે એવી રીતે રીંછ, મૃગ, વાઘ, સિંહ, હાથી, સાપ તેમની આગળપાછળ ચાલતા હતા. ઋષિ આશ્રમમાં પ્રવેશ્યા એટલે રાજા જેમ અંત:પુરમાં પ્રવેશે ત્યારે મંત્રીઓ વિદાય લે તેવી રીતે બધાં પ્રાણીઓ પણ ચાલ્યાં ગયાં. ઋષિએ મને જોયો હતો એટલે તરત બહાર આવીને મને પૂછ્યું, ‘તારા રોમ નથી, તારી પાંખો બળી ગયેલી છે, એટલે ઓળખી શકાતો નથી. પહેલાં મેં માતરિશ્વા જેવા વેગવાળા બે પક્ષી જોયાં હતાં, તેઓ ધારે તે રૂપ લઈ શકતાં હતાં, બંને સહોદર હતા. હવે ખ્યાલ આવે છે: તું મોટો સંપાતિ અને નાનો એટલે જટાયુ. તમે મનુષ્ય રૂપે મારી બહુ સેવા કરી હતી. તને કયો રોગ છે? તારી પાંખો કેમ ખરી પડી, તને આવી શિક્ષા કોણે કરી?’

જ્યારે મને આમ ઋષિએ પૂછ્યું ત્યારે મેં સૂર્યની પાછળ જવાના મારા સાહસિક કાર્યની વાત કરી. એને કારણે હું બેબાકળો બની ગયો, થાકી ગયો, અત્યારે હું ખૂબ જ શરમિંદો છું. હું અને જટાયુ અભિમાની બનીને સ્પર્ધા કરતા ઊડ્યા, અમે કૈલાસ પર્વત શિખર પર મુનિઓ આગળ પ્રતિજ્ઞા લીધી, ‘સૂર્ય આથમે ત્યાં સુધીમાં અમારે તેનો સ્પર્શ કરવો. અમે પૃથ્વી પરથી ઊંચે ઊડ્યા, જુદાં જુદાં નગરો રથનાં પૈડાં જેવાં દેખાયા. ક્યાંક વાજિંત્રો સંભળાયાં, ક્યાંક રાતાં વસ્ત્રો પહેરેલી અપ્સરાઓ જોઈ, જ્યારે અમે સૂર્યમાર્ગની ખૂબ જ નજીક પહોંચી ગયા ત્યારે પૃથ્વી એક વન જેવી લાગી. હિમાલય, વિન્ધ્ય, મેરુ જેવા ઊંચા ઊંચા પર્વતો જળાશયમાં ઊભેલા હાથી જેવા દેખાયા. પછી તો અમને બહુ પરસેવો થયો, ભય લાગ્યો, અમે ભારે અસ્વસ્થ થઈ ગયા. અમને મૂર્ચ્છા આવી. અમને દિશાઓનું ભાન ન રહ્યું. અમને એવું લાગ્યું કે આ સૂર્ય જે રીતે બધાને બાળી રહ્યો છે તે જોતાં યુગનો અંત આવી ગયો છે, જટાયુ તો ધરતી પર ઊતરવા લાગ્યો, મેં પણ તેનું જોઈને પડતું નાખ્યું. મારી પાંખો નીચે જટાયુને ઢાંકી દીધો, તેને આંચ ન આવી, પણ મારી પાંખો બળી ગઈ, પછી બળી ગયેલી પાંખો સાથે હું વિંધ્ય પર્વત પર પછડાયો. હું તો વિનાનો, બળેલી પાંખોવાળો, બળ વિનાનો થઈ ગયો, હવે સામેના પર્વત શિખરેથી હું પડતું મૂકીશ.

આમ કહીને હું દુઃખી થઈને રડવા લાગ્યો, ભગવાને ઘડી ભર ધ્યાન ધર્યુર્ં અને પછી તે બોલ્યા, ‘તને નવી પાંખો આવશે, આંખોનું તેજ વધશે, નવું બળ મળશે. મેં પુરાણોમાંથી જાણ્યું છે, સાંભળ્યું પણ છે, એમ મોટી ઘટના બનશે. ઇક્ષ્વાકુ વંશના રાજા દશરથને ત્યાં મહાતેજસ્વી પુત્ર રામ જન્મશે. તે લક્ષ્મણની સાથે વનમાં જશે... રાવણ નામનો રાક્ષસ રામની પત્નીનું અપહરણ કરશે, રાવણ તેને ભોજનની લાલચો આપશે પણ સીતા તેનો અસ્વીકાર કરશે. આ જાણીને ઇન્દ્ર તેને અમૃત જેવું ભોજન મોકલશે, દેવોને પણ દુર્લભ એવું ભોજન હશે. તે અન્નને પૃથ્વી પર સીતા મૂકશે, રામ અને લક્ષ્મણ જો જીવતા હોય કે દેવલોક પામ્યા હોય તો તેમને આ અન્ન પહોંચે.

સીતાની શોધ કરવા માટે રામના દૂત વાનરો આવશે અને તેને તું સીતાના સમાચાર આપજે. અહીંથી તું બીજે ક્યાંય જતો નહીં. દેશ-કાળની રાહ જો. તને પાંખો ફૂટશે. હું અત્યારે પણ તને પાંખો આપી શકું, પણ અહીં આ રીતે રહીને લોકકલ્યાણ કર. તું આ રીતે એ બંને રાજપુત્રોનું, બ્રાહ્મણોનું, ગુરુઓનું, મુનિઓનું, ઇન્દ્રનું હિત સાધી શકીશ. હું એ બંને ભાઈઓને જોવા માગું છું, પણ હવે આ શરીર બહુ જર્જરિત થઈ ગયું છે. એટલે તે ટકાવવાની ઇચ્છા નથી.’

આ પ્રમાણે તે મુનિએ મારી ઘણી પ્રશંસા કરી અને પછી આશ્રમમાં પ્રવેશ્યા. ધીમે ધીમે હું પર્વતની બખોલોમાંથી બહાર આવ્યો. અને વિંધ્ય પર્વત પર રહ્યો. એ પછી તો સૈકાઓ વીતી ગયા. દેશકાળની પ્રતીક્ષા કરું છું, મુનિનાં વચન હૃદયમાં રાખ્યાં છે. નિશાકર મુનિ તો દેવલોક પામ્યા ત્યારથી હું તર્કવિતર્ક કરતો, સંતાપ પામતો રહ્યો છું. તેમણે આપેલી બુદ્ધિ વડે હું જીવતો હતો. અગ્નિજ્યોત જેમ અંધકારને દૂર કરે તેમ બુદ્ધિ મારાં દુઃખ નિવારતી હતી. મારા પુત્રના બળને હું જાણતો હતો એટલે મેં તેને ઠપકો આપ્યો, મૈથિલીનું રક્ષણ કેમ ન કર્યું, સીતાનો વિલાપ સાંભળતો જ કેમ રહ્યો? રામ અને લક્ષ્મણની સ્થિતિ જાણ્યા વિના તેં સીતાને બચાવી કેમ નહીં...

અને બધાના દેખતાં મને પાંખો ફૂટી, મેં વાનરોને કહ્યું, ‘જુઓ, ઋષિની કૃપાથી મને નવી પાંખો ફૂટી, નવાં બળ મળ્યાં, હવે તમે સીતાની શોધમાં લાગી જાઓ.’

(કિષ્કંધાિકાંડ, ૫૭થી ૬૨)—સમીક્ષિત વાચના