ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/માંડવ્ય ઋષિની કથા
માંડવ્ય નામથી વિખ્યાત થયેલા ઋષિ ધૃતિમાન, સર્વધર્મજ્ઞ, સત્યવાદી અને તપોરત બ્રાહ્મણ હતા. મહાતપસ્વી અને મહાયોગી એવા આ ઋષિ આશ્રમના આંગણામાંના વૃક્ષના મૂળ પાસે હાથ ઊંચા કરીને તથા મૌનવ્રત લઈને તપ કરતા હતા. આ રીતે તપ કરતાં ખાસ્સો સમય વીતી ગયો, એક સમયે દસ્યૂઓ લૂંટેલી વસ્તુઓ લઈને તેમના આશ્રમમાં આવ્યા, ઘણા રક્ષકો તેમનો પીછો કરતા હતા. તે લૂંટારા રક્ષકો આવી પહોંચે એટલામાં આશ્રમમાં લૂંટેલી વસ્તુઓ સંતાડી અને તેઓ પણ સંતાઈ ગયા. ચોર છુપાઈ ગયા એટલે રક્ષકો તે જ સમયે પીછો કરતાં કરતાં ત્યાં જઈ પહોંચ્યા અને ત્યાં તે ઋષિને જોયા. તેમણે તે તપોધનને પૂછ્યું, ‘હે દ્વિજશ્રેષ્ઠ, ચોરો ક્યા રસ્તે ગયા, હે બ્રાહ્મણ, અમને જલદી બતાવો.’ રક્ષકોની વાત સાંભળીને તપોધને સારું — ખોટું કશું ન કહ્યું. તે રાજસેવકોએ આશ્રમમાં શોધખોળ કરીને બધું દ્રવ્ય મેળવ્યું અને ચોરોને પણ સંતાયેલા જોયા. ત્યારે તે મુનિ પર રક્ષકોને શંકા આવી, ચોરોને અને મુનિને દોરડે બાંધીને રાજા આગળ તેઓ લઈ ગયા. રાજાએ ચોરોને અને મુનિને મૃત્યુદંડ દીધો. મારાઓએ મહા તપસ્વી માંડવ્યને ઓળખ્યા નહીં અને શૂળી પર ચઢાવી દીધા. તે મુનિને શૂળી પર ચઢાવીને ચોરેલું ધન લઈને મહીપાલ (રાજા) પાસે ગયા. ધર્માત્મા ઋષિ ખાસ્સો સમય શૂળી પર રહ્યા અને નિરાહાર રહીને પણ મૃત્યુ પામ્યા નહીં; ત્યાં કેટલાક ઋષિઓ આવી ચઢ્યા. તે મહાત્માને શૂળી પર ચઢેલા જોઈ મુનિઓ ભારે સંતાપ પામ્યા. રાત્રે તેઓ પક્ષીઓનું રૂપ લઈને બધી દિશાએથી આવ્યા અને પોતાનું મૂળ રૂપ ધારણ કરીને તેમણે પૂછ્યું, ‘હે બ્રહ્મન્, અમારે જાણવું છે કે તમે કયું પાપ કર્યું હતું?’
ત્યારે મુનિઓમાં શ્રેષ્ઠ તે ઋષિએ તેમને કહ્યું, ‘કોનો દોષ કાઢું, આમાં કોઈનો વાંક નથી.’
એ વાત સાંભળીને રાજા મંત્રીઓની સાથે ત્યાં આવ્યા અને ઋષિને પ્રસન્ન કરવા લાગ્યા. ‘મેં મોહ પામીને પાપ કર્યું છે, તમે મારા પર કૃપા કરો, ક્રોધ ન કરો.’
રાજાની વાત સાંભળીને મુનિ પ્રસન્ન થયા, તેમને પ્રસન્ન જોઈને મુનિને શૂળી પરથી ઉતાર્યા, શૂળીના આગલા ભાગથી ઉતારી, શૂળી ખેંચી પણ શરીરમાંથી શૂળ નીકળ્યું નહીં, એટલે શરીરમાં પેઠેલી એ શૂળનું મૂળ કાપી નાખ્યું, શરીરમાં પ્રવેશેલી શૂળી લઈને જ મુનિ બધે વિહરવા લાગ્યા, કઠોર તપ કરતા રહ્યા, શૂળની અણી શરીરમાં રહી ગઈ એટલે તેઓ લોકોમાં અણીમાંડવ્ય કહેવાવા લાગ્યા. એક સમયે આ જ્ઞાની ઋષિ ધર્મરાજ પાસે ગયા, આસન પર બેઠેલા ધર્મને જોઈને કહેવા લાગ્યા, ‘અજાણતાં મેં કયું દુષ્કૃત્ય કર્યું જેનું ફળ આવું મળ્યું? મને તમે જણાવો, અને પછી મારા તપનું ફળ જુઓ.’
ધર્મે કહ્યું, ‘તમે એક દિવસ પતંગિયાના શરીરમાં તણખલું ઘોંચી દીધું હતું, એ કર્મનું ફળ તમને મળ્યું!’
‘હે ધર્મ, મારા આવા તુચ્છ અપરાધની આટલી મોટી શિક્ષા? તમે મનુષ્ય થઈને શૂદ્ર જાતિમાં જન્મ લેશો. આજથી હું કર્મફળના સંદર્ભે એક મર્યાદા લાદું છું કે ચૌદ વર્ષની વય સુધીનાને પાપકર્મનો દોષ નહીં લાગે. ચૌદ વરસ પછીના પાપનું જ ફળ ભોગવવું પડશે.’
ધર્મરાજે આ શાપને કારણે વિદુર તરીકે જન્મ લીધો.
(આદિ પર્વ, ૧૦૧)