પરકીયા/ગમગીનીને
Revision as of 08:51, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગમગીનીને| સુરેશ જોષી}} <poem> ગમગીની, મારે તારી કાળી પાંખ જોઈએ...")
ગમગીનીને
સુરેશ જોષી
ગમગીની, મારે તારી કાળી પાંખ જોઈએ છે.
આટલો બધો સૂરજ, પોખરાજમાંનું આટલું બધું મધ
એક એક કિરણ હસે
ખેતરોમાં,
અને મારી ચારે બાજુ પુષ્કળ પુષ્કળ પ્રકાશ;
બધું ઊંચે હવામાં ગણગણતી મધમાખીના જેવું.
તેથી જ તો કહું છું
કે મને
તારી કાળી પાંખ આપ,
બહેન ગમગીની!
કોઈક વાર મને થાય:
નીલમનો પ્રકાશ હોલવી નાંખવો જોઈએ;
અને વરસાદની ત્રાંસી જાળ
પાથરી દેવી જોઈએ.
દરિયાની ખાડીમાં ભાંગીતૂટી
જીર્ણ નૌકાને જોવાનું મન થાય.
વળી જોવા ઇચ્છું
અન્ધકારમાંનું એ મોટું ઘર
અને મારી મા
પેરેફિન શોધતી,
દીવામાં પૂરતી;
નિસાસો નાંખ્યા વિના એ કદી
દીવો પ્રકટાવતી નહીં.