મણિલાલ હ. પટેલનાં કાવ્યો/આ-ગમન પછી

From Ekatra Wiki
Revision as of 02:19, 18 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''આ-ગમન પછી'''</big></big></center> <center><big>'''(શિખરિણી-સૉનેટ)'''</big></center> <poem> પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયુ તમે અહીં મારે ઘેરે, સ્વજન વચ હું એકલ ઊભી– કમાડે અંઢેલી, નયનજલ રોકી નવ શકી : રડી હર્ષે હું વા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આ-ગમન પછી
(શિખરિણી-સૉનેટ)

પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયુ તમે
અહીં મારે ઘેરે, સ્વજન વચ હું એકલ ઊભી–
કમાડે અંઢેલી, નયનજલ રોકી નવ શકી :
રડી હર્ષે હું વા વિરહ-દુઃખ? -જાણી નવ શકી

તમે આવ્યા ત્યારે મૂક રહી કશું યે નવ કહ્યું;
ન જોયું પૂરું મેં તવ મુખ અને પાંપણ ઢળી
હતું હૈયે એવું કર પકડશો, કૈંક પૂછશો ...
ઉવેખી લજ્જાને સ્વજન વચ એ ય નવ થયું!
વિના બોલ્યા, ચાલ્યા? કશું પણ કથ્થું નૈ નજરથી?
તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા એ ય શમણું!

સવારે ઊઠું ને પગથી પરનાં ચૂપ પગલાં
થઈ સાચાં મારા વિરહકૃશ પાદે ચચરતાં :
રડી આંખો ધોઉં, શિશિર ઋતુમાં અંગ સળગે
તમે? ના... ના, સૂના પથનજરને આવી વળગે!