હરીશ મીનાશ્રુની કવિતા/સ્મરણપુણ્ય : રમણિક સોમેશ્વર
Revision as of 01:07, 27 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''સ્મરણપુણ્ય : રમણિક સોમેશ્વર'''</big></big></center> <poem> પતંગિયું ને પાન એકબીજામાં અંતર્ધાન પ્રભાતિયું ઝાકળમાં ઘોળી તિલક કર્યાં એકેક કુસુમને, ઓહો વસંતવરણી ઈર્ષા આવે વૃંદાની ઓ કલ્પદ...")
પતંગિયું ને પાન
એકબીજામાં અંતર્ધાન
પ્રભાતિયું ઝાકળમાં ઘોળી તિલક કર્યાં એકેક કુસુમને, ઓહો
વસંતવરણી ઈર્ષા આવે વૃંદાની ઓ કલ્પદ્રૂમને, ઓહો
હવે?
હવે શું? -
ઉદય અને ઉદ્યાન
એકબીજામાં અંતર્ધાન
ખર્યા ચન્દ્રનું પીતપર્ણ તે થંભ્યું ઘડીભર હરિત મિનારે, ઓહો
સૂર્યમુખીને દરસ મંગળા કેસર ભીના પૂર્વ ગભારે, ઓહો
હવે?
હવે શુ?
આરત અને અજાન
એકબીજામાં અંતર્ધાન
પારિજાતની પ્રીતબ્હાવરી ગંધ પવનમાં માંડ સમાતી, ઓહો
ધૂપસળી પ્રાતઃસંધ્યારત પ્રજળી ખુદ ન્યોછાવર થાતી, ઓહો
હવે?
હવે શું?
પ્રણય અને પ્રણિધાન
એકબીજામાં અંતર્ધાન
પરોઢના ગુચ્છામાંથી એક વિહંગ ખેંચે તંત કિરણનો, ઓહો
ચૂપ જ રહેજે કવિ, અહીં અવકાશ નથી લેશે વિવરણનો, ઓહો
હવે?
હવે શું? -
કલમ અને કલગાન
એકબીજામાં અંતર્ધાન