પ્રત્યંચા/ચાર અન્ધકાર

From Ekatra Wiki
Revision as of 06:31, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાર અન્ધકાર| સુરેશ જોષી}} <poem> નો’તી થઈ સવાર; અમથો જ રસ્તે માર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચાર અન્ધકાર

સુરેશ જોષી

નો’તી થઈ સવાર;
અમથો જ રસ્તે મારતો’તો લટાર,
ભેટી ગયા ત્યાં તો મને ચાર
અન્ધકાર.

ત્રસ્ત ભીરુ
વળી જઈને કોકડું
ઊભો હતો એક –
છોકરડા શો છેક!

છુપાવાને શોધતો ખૂણો,
મારી સામે જોઈ રહ્યો દયામણો.
સામે સુરસાગરનાં પાણી
ત્યાં મેં એને ખેંચ્યો આણી.
તળાવતળિયે
જળને ખોળે
પોઢ્યો એક દુલારો
છોડ્યો જેણે શોધવો આરો.
(એની) છાતીએ ચાંપ્યો કાગળ,
અક્ષરઓથે છુપાયાં’તાં અન્ધકારનાં દળ.

છોકરડાને મેં હડસેલ્યો
અક્ષર ભેગો જઈ એ ભળ્યો.

બીજો જૈફ હતો ખંધો
એનો તો આ જૂનો ધંધો!
લપાવાનાં સૌ જાણે ઠામ,
ચિન્તા ન એને ક્યાં કરવો મુકામ.
નગર વચોવચ બેઠા ગાંધી,
એની પાછળ અંધારની આંધી;
ત્યાં આ જૈફતણો નિવાસ
બારે માસ.

ત્રીજાની થૈ કપરી દશા
મદદે ધાઈ ત્યાં વેશ્યા આયેશા.
આવી ચઢ્યો’તો છેલ્લો ઘરાક,
બેઠી આંજવા કાજળ જરાક;
ભળી ગયો ત્રીજો એ સાથ,
એને આંસુનો સંગાથ.

ચોથો બિચારો ફરે આથડે,
આશ્રય એને ક્યાંય ના જડે!
(ત્યાં) મળી અમારી દૃષ્ટોદૃષ્ટ
એને ઓળખી લીધો મેં ઝટ:
માના ગર્ભમહીં નવ માસ
એની સાથ કીધો’તો વાસ.
(વળી) હમણાંનું કો’ દુ:ખ હરાયું
હૈયે આવી બેઠું રઘવાયું;
બોલાવી લીધો મેં ઉર અન્ધાર
ભેગા થયા બે જાણે યાર.

(આમ) ચારેચારની થઈ સદ્ગતિ,
વાત તેની આ કરી યથામતિ.