ચાંદરણાં/સૂર્ય

From Ekatra Wiki
Revision as of 16:02, 22 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


12. સૂર્ય


  • સૂરજ ઉપર ચડે છે એટલે ગરમી ‘પડે’ છે.
  • સૂર્ય ડૂબવા માટે પાણીની જરૂર જોતો નથી!
  • કિરણ જતાં હોય ત્યાં સૂર્ય શા માટે જાય?
  • સૂર્યને તેનો પડછાયો મળતો નથી.
  • સૂર્ય સવારે આપેલાં કિરણો સાંજે પાછાં ખેંચી લે છે.
  • હજાર સૂર્ય ઊગતા નથી, એક જ સૂર્ય હજાર અંશમાં ખંડિત થાય છે.
  • સૂરજના સાત ઘોડા માટે આકાશમાં ઘાસ ઊગતું નથી.
  • સૂર્યએ આકાશ ગુમાવ્યું નથી, ઘીના દીવાએ ગોખલો ગુમાવ્યો છે!
  • સૂર્ય પહોંચતો નથી ત્યાં ઉધઈ પહોંચી જાય છે.
  • સૂર્ય જમીનને શું? જમીન પરના પડછાયાને પણ રોકે !
  • તડકો ઘરમાં આવે છે પણ મહેમાન થતો નથી.
  • આ ચૈતરિયો તડકો તો વેશપલટો કરીને આવેલા દુર્વાસા છે.
  • સૂર્ય દિશા નક્કી કરે કે દિશા સૂર્ય નક્કી કરે?
  • સૂર્ય એકસાથે કેટલાં કિરણની દોર પર ચાલે છે!
  • સૂર્ય બરફને પણ પરસેવો પડાવે!
  • સૂર્ય એકલો નથી જતો, પડછાયાને સાથે લઈ જાય છે!
  • સૂરજને વાવવો પડતો નથી અને ઠારવોય નથી પડતો.
  • ગ્રીષ્મ આવી અને સૂરજને ભાલા ઊગવા માંડ્યા.
  • એક સૂર્યાસ્ત કેટલા બધા દીવા પ્રગટાવી જાય છે!
  • ઝાંઝવામાં તો સૂરજનું વહાણ જ તરે!
  • ધુમ્મસ પોતાના વિલોપન માટે સૂર્યની પ્રતીક્ષા કરે છે.
  • સૂર્યકિરણ, ઝાકળને વીંધવા પૂરતું જ ભાલો બને છે.
  • સૂર્યનું એક કામ પોદળાને અડાયું બનાવી દેવાનું પણ છે!
  • એક સૂર્યને એક જ પૃથ્વી મળે છે.
  • સૂર્ય પોતાના દિવસની શરૂઆત પોતાથી જ કરે છે!
  • સૂર્યને ખબર નથી કે પોતે કેટલા દિવસોમાં વહેંચાયેલો છે.
  • સૂરજ ઊંઘે છે ત્યારે માણસ પણ ઊંઘે છે!
  • સૂરજને ખબર નથી કે રાત પણ પ્રભાવિત કરે છે!
  • સૂર્યના ભાગ્યમાં સ્વપ્ન લખ્યું ન હોય!
  • સૂરજને ભેજની ખબર પડે તો ભેજ રહે જ નહીં.
  • સૂરજને તો ઝાકળ જેવું અંગવસ્ત્ર પણ નથી ગમતું!
  • સૂર્ય જ અરીસાઓમાં વિભાજિત થાય છે, અંધકાર નહીં.
  • દીવાને આરામ આપવા પણ સૂર્યે આવવું જોઈએ.
  • દીવાઓ ભેગા કરીને આપણે સૂર્ય નથી રચી શકતા.