પ્રથમ પુરુષ એકવચન/લુત્ફેહયાત
સુરેશ જોષી
સાંજ વેળાએ ઘેર પાછા ફરીએ ત્યારે દીવાનખાનામાં કોઈ અજાણી જ વ્યક્તિને બેઠેલી જોતાં આશ્ચર્ય થાય એવું કંઈક કોઈ વાર બનતું હોય છે. હું ઘરે પાછો ફરું છું ત્યારે મારામાં કોઈ અજાણી જ વ્યક્તિને સાથે લઈને આવ્યો હોઉં એવું લાગે છે. આથી મારી પ્રત્યેના મારા મમત્વને એક આંચકો લાગે છે. મારે વિશેની થોડી અનિશ્ચિતતા, મારે વિશેની જ થોડી શંકા, હું અનુભવું છું. મને જે ખુરશી પર હંમેશાં બેસવાની ટેવ હોય તેના પર બીજું કોઈ આવીને બેસે ત્યારે પણ સહેજ અકળામણ હું અનુભવું છું. મારું પ્રિય પુસ્તક કોઈ હાથમાં લઈને અગમ્ભીરતાપૂર્વક, લગભગ બેધ્યાનપણે, એનાં પાનાં ફેરવે ત્યારે પણ મને થોડું દુ:ખ થતું હોય છે.
પછી તો જેમ સમય વીતે છે, રાત ઢળે છે, તેમ મને લાગે છે કે આ આગન્તુક મને એક ખૂણામાં, પશ્ચાદ્ભૂમાં, ધકેલી દઈને બધું તન્ત્ર પોતાના હાથમાં લઈ લે છે. મારી રુચિઅરુચિ સાથે એ ચેડાં કરે છે. મારો અવાજ એનો એ રહે છે, પણ મારા શબ્દોને એ કંઈક જુદા જ સંકેત સાથે પ્રયોજે છે. મારાં પરિચિતો આ વિશે કશુંક આશ્ચર્ય અનુભવશે, કોઈક રોષ અનુભવશે અને કોઈક આ ગફલતને ઉઘાડી પાડશે એવી આશાએ હું બેસી રહું છું. પણ કશું બનતું નથી. પોતાનું સાફસૂથરું ઘર કોઈક અણઘડ આવીને બગાડી મૂકે તેવું મને લાગે છે. પણ હું ખેદપૂર્વક અનુભવું છે કે આ મારી જગ્યા પચાવી પાડનાર આગન્તુક કેટલાકને ઝાઝો રુચતો હોય એવું લાગે છે. એનામાં મારા જેવું આખાબોલાપણું નથી, જ્યાં હું રોષથી તતડી ઊઠું છું ત્યાં એ જાણે ખૂબ વિચારમાં પડી ગયો હોય એમ, કશું બોલ્યા વિના, આંખોને સ્થિર કરીને, કેવળ જોઈ રહે છે. મને એ થાકેલો હારેલો મન્દપ્રાણ લાગે છે. પણ કેટલાક, મારી દૃષ્ટિએ લાગતી, આ ત્રુટિઓને જ સ્વસ્થતા અને ધૈર્યનાં લક્ષણ ગણીને એને બિરદાવે છે. મને એની ઈર્ષ્યા નથી આવતી, પણ એને નિમિત્તે, કેટલાંક નિકટનાં પણ, મારા સ્વભાવથી અકળાતાં હતાં તે મને સમજાવા લાગે છે.
આ વ્યક્તિ જેમ એકાએક આવી ચઢે છે તેમ જ એકાએક ચાલી જાય છે. એણે જે બધું વેરવિખેર કરી નાખ્યું હોય છે તે હું ફરી ગોઠવવા બેસી જાઉં છું. બધું જ તો જેમનું તેમ ફરી થઈ શકતું નથી. મારા કેટલાય શબ્દોને હું ફરી મારી પોતાની રીતે ઉચ્ચારી શકતો નથી. આથી કેટલીક વાર આ હકીકતનું ભાન થતાં, હું બોલતો બોલતો અર્ધેથી અટકી જાઉં છું. કેટલીક વાતો હું અસન્દિગ્ધપણે જ પ્રગટ કરવા ટેવાયેલો છું. વળી એ અભિનિવેશપૂર્વક હું ઉચ્ચારતો નથી તો મને કરાર વળતો નથી. પણ હવે જ્યાં હું એ મારા મૂળ સ્વરે બોલવા જાઉં છું ત્યાં જ મારા પરિચિતોનાં મુખ પર અણગમાનો, અને કોઈ વાર ત્રાસનો ભાવ દેખાય છે અને હું જાણે મારો ગુનો થઈ ગયો હોય તેમ બોલતો અટકી જાઉં છું.
આમ મારાથી અણજાણપણે મારા મારી સાથેના સંઘર્ષની એક નવી ભૂમિકા શરૂ થઈ જાય છે. એથી કશીક વિલક્ષણ રીતે હું મારામાં જ કશાક વિચિત્ર પ્રકારનો રસ લેતો થઈ જાઉં છું. મમત્વની પકડ વધુ દૃઢ બને છે. મનમાં ભય રહ્યા કરે છે, ‘રખેને હું મને જ ખોઈ બેસીશ તો?’ મારાં વર્તન પ્રત્યેની આ ક્ષણ ક્ષણની સાવધતાને કારણે હું ઘણી વાર મને પોતાને પણ ખૂબ જ કૃત્રિમ લાગતો હોઉં છું. આથી મારી પ્રત્યે થોડો કચવાટ અનુભવું છું અને વિના કારણે હું ધૂંધવાયેલો રહું છું.
આથી જ તો કોઈ વાર વિચારું છું કે જે કાંઈ બની રહ્યું છે તેનાથી દૂર સરી જઈને, અનાસક્ત બનીને, કેવળ સાક્ષીભાવે બધું જોયા કરવું એમાં જ ડહાપણ નથી? પણ પછી મન વળી ધૂંધવાઈને પ્રશ્ન પૂછે છે : ‘કેવળ ડહાપણ જ સર્વ કાંઈ છે? છોને થોડી ગેરસમજ થાય, નિકટનાં જોડે પણ સંઘર્ષ થાય, સ્વત્વ તો ખોવાનું ન બને. એટલું જ શું મહત્ત્વનું નથી? બધાંને અનુકૂળ થઈને રહેવા જતાં ધીમે ધીમે હું મને જ વધુ ને વધુ પ્રતિકૂળ થતો જઈશ તો શું થશે?
બાળપણથી જ ગીતાના શ્લોકો બોલતો આવ્યો છું. પછી અભ્યાસકાળ દરમિયાન શાંકરભાષ્ય, ટિળકભાષ્ય તથા શ્રી અરવિન્દના દૃષ્ટિકોણથી ગીતા સમજવાનો પ્રયત્ન કર્યો છે. એક છાપ પડી છે કે કર્મ વિશ્રાન્તિમાં ગીતાકારને રસ નથી. આસક્તિવિશ્રાન્તિ સિદ્ધ કરીને કર્મરત રહો. પણ એક વાત ખૂબ ગમી ગયેલી અને જીવનને અમુક તબક્કે, કંઈક અનુચિત રીતે, એણે મારા અહંકારને પોષ્યો પણ હશે. ગીતામાં ભગવાને કહ્યું કે સ્વધર્મને વળગી રહો, એમ કરતાં મરણ આવે તો તેય શ્રેયસ્કર જ નીવડશે.
પછી તો બીજી ફિલસૂફીનો સ્વાદ ચાખ્યો, પ્રશ્ન થયો : ‘સ્વધર્મ’ શબ્દમાંના આ ‘સ્વ’ અને ‘ધર્મ’ જોડાય છે શી રીતે? એ ક્યારથી જોડાય છે? ‘સ્વ’ સિદ્ધ થયા વિના એને કશો ધર્મ છે એમ કહી શકાય ખરું? પછી અસ્તિત્વવાદે શીખવ્યું કે કાર્ય દ્વારા ‘સ્વ’ સિદ્ધ કરતા જઈએ એમાંથી જ આપણો ‘ધર્મ’, એટલે કે આપણાં આગવાં લક્ષણો, પ્રગટ થતાં આવે. આથી સ્વત્વ છે જ અને તેને વફાદારીપૂર્વક ટકાવી રાખવાનું છે એવી જ એક પતિવ્રતાના જેવી જવાબદારી હતી તેનો ભાર હળવો થયો.
વળી સાથે એક બીજી સમજ પણ ધીમે ધીમે ખીલતી આવી : માનવવ્યવહારનો પાયો જ સન્દિગ્ધતા પર રચાયેલો છે. એમાં કશાય વર્તન પરત્વે એકવાક્યતાની આશા રાખવી તે ભ્રામક છે. પૂરું અદ્વૈત સિદ્ધ કરી આપે એવો પ્રેમ માનવીના ભાગ્યમાં ક્યાં છે? આથી આપણા એક જ કાર્યને નિમિત્તે સૌ સૌ પોતપોતાની રીતે નિર્ણય બાંધે ને અભિપ્રાયો ઉચ્ચારે એમ બનવાનું જ. એથી વિક્ષુબ્ધ કે વિચલિત થવાનું આપણને ન પરવડે.
આ દિશામાં આગળ જતાં એમ લાગ્યું કે પોતાને વિશેનાં પરસ્પરવિરોધી મન્તવ્યો છે. આપણને આપણી પ્રત્યે વધુ સાવધ અને સન્નદ્ધ રાખે છે. એવું નથી હોતું ત્યારે આપણે ધીમે ધીમે જડતાના પર્યાયરૂપે આત્મતુષ્ટિમાં સરી પડીએ છીએ. પછી એક સ્થિતિ એવી આવે છે જ્યારે આપણે, આપણને વિઘાતક લાગે એવું કશું બને ત્યારે પણ, પરમહંસની અદાથી નિલિર્પ્ત બનીને બેસી રહી છીએ. આ એક પ્રકારનો આત્મઘાત છે.
પ્રિયજનોને આપણને અનુકૂળ સુખસંવેદ્ય એવી પરિસ્થિતિ કે અનુભવોનું નિર્માણ કરવા પૂરતાં વાપરવાં એ પ્રિયજનોનું જ અપમાન નથી? મહત્ત્વનો અને આપણા વિકાસમાં સમર્પક એવો વિરોધ તો પ્રિયજનોનો જ હોઈ શકે. થતા રહેતા અનુભવો પરત્વે સદોદ્યત રહેવું અને પ્રામાણિકપણે આત્મનિરીક્ષણ કરવું – આ બે જો બની શકે તો ‘લુત્ફેહયાત’નો અનુભવ થાય.
17-12-77