છોળ/ચબરખી

From Ekatra Wiki
Revision as of 00:31, 29 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચબરખી


અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો
કંઈ કેટલે કાળ ફરીથી મનમાન્યાને હેરવો!

દૂર દેશથી ઊડઊડતી લ્યો આવી એક ચબરખી,
આછી એની રંગ-સુગંધી જોતાંને હું હરખી
માંહી લખ્યું કે આવી પહોંચું પાંગરતા પાનેરવો!
અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો…

નવસેરાં લૈ મીંડલાં માથે બોર ઢળકતું રાખો.
બાજુબંધ અણવટ વીંછિયાં કૈં ચણિયે ઘૂઘરી ટાંકો
ન અડવી રે’ ના કેડ્ય કનકના કંદોરાને ભેરવો!
અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો…

વળગું જૈ કોટે કે પોંખું મીઠું મલકતાં ચ્હેરે?
ના ના સઈ મારે તો ઈને ફાગણની રંગલ્હેરે,
ફરફરતી આ ચૂંદલડીની ઝીણી ઝપટમાં ઘેરવો!
અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો…

કેમ વિતાવ્યા માસ આવડાં મનડું એ જ વિમાસે
હવે ઘડી બે ઘડીય મુજને જુગ શી લાંબી ભાસે,
હીંચ નહીં નહીં લેત અધીરા ઉર-ધબકારા કેરવો!
અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો…

૧૯૬૦