પ્રથમ પુરુષ એકવચન/ચેતનાનું બૃહત્ પરિમાણ

From Ekatra Wiki
Revision as of 05:02, 7 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચેતનાનું બૃહત્ પરિમાણ| સુરેશ જોષી}} {{Poem2Open}} સાંજ ઢળે છે. વાતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચેતનાનું બૃહત્ પરિમાણ

સુરેશ જોષી

સાંજ ઢળે છે. વાતાવરણને હું સમજવા મથું છું. એમાં થોડોક નારકી દાહ છે, થોડું સ્વર્ગીય સુખ છે. એ બે તન્તુઓ એકબીજામાં એવા તો ઓતપ્રોત થઈ ગયા છે કે એને છૂટા પાડી શકાતા નથી. મન જ્યારે આવું કશુંક પારખવા મથે છે ત્યારે શબ્દો કાચા પડે છે. નરક અને સ્વર્ગ – બંનેનાં પરિમાણોને સમાવવાનું એમનું ગજું નથી. નીતિની ફૂટપટ્ટીથી માપેલું જીવન તો ક્યારનું સંકેલીને ઊંચે મૂકી દીધું છે. નીત્શેનો ઉન્માદ, રિલ્કેની ચેતનાનો વિસ્તરતો અવકાશ, ગટેના ફાઉસ્ટની સંવેદના – આ બધાંનો મને લોભ છે. આથી હું કેવળ સુખ કે આનન્દની પ્રતીક્ષા કરતો બેઠો નથી કે રોમેન્ટિકોને હોય છે તેવી વિષાદપૂર્ણ વિહ્વળતાનું મને આકર્ષણ નથી. ચક્રાકાર ગતિનાં આવર્તનોમાં હું ઘણી વાર ફસાઈ જાઉં છું. આથી પ્રગતિનો સીધી રેખાએ ચાલતો માર્ગ મને જડતો નથી. અતિશયતા જે વેદના લાવે છે તે મારે માટે પથ્ય છે, કારણકે એથી મારી ચેતનાના બૃહત્ પરિમાણની મને ઝાંખી થાય છે. કોઈક વાર તિરસ્કારની ભંગી મને મોહિત કરી જાય છે. કોઈક વાર એકાદ આંસુના સ્ફટિકમાં આકાશના ઘુમ્મટને મુગ્ધ બનીને જોયા કરું છું. યાતના લોહીના લયને ચાબુક ફટકારીને દ્રુત બનાવી દે છે. બધું જ અનુભવી લેવાના લોભમાંથી હું ઊગરી ગયો છું. આથી મારું મન કોઈ દુ:ખની કે સુખની સીમામાં પુરાઈને રહેવા ઇચ્છતું નથી. માનવીમાત્રના અનુભવના સ્પન્દનથી હું ઝાઝો દૂર રહેવા ઇચ્છતો નતી. મારું નાનકડું હૃદય ઊંચાં શિખરો અને ઊંડી ગર્તાને એક સાથે આવરી લે છે. આમ કરવા જતાં જો છિન્નભિન્ન ને વિશીર્ણ થઈ જવાય તો કોઈ મને એક સ્નેહભર્યા દૃષ્ટિપાતથી ફરીથી અખણ્ડ કરી દઈ શકશે એની મને પ્રતીતિ છે.

આથી વાતાવરણની કે પરિસ્થિતિની, શરીરની પ્રતિકૂળતાની ફરિયાદ કરવાનું મને છાજતું નથી. આ જેવો છે તેવો વર્તમાન જ મારા સર્વ આનન્દનો જનક બની રહે એવું હું ઇચ્છું છું. અસીમ માટેની મહત્ત્વાકાંક્ષા હોઈ શકે. પણ મારો પુરુષાર્થ મારી સીમા આંકે નહિ ત્યાં સુધી મને સુખનો અનુભવ થાય નહિ. સદાકાળને માટે વણપુરાયેલી રહેવા નિર્માયેલી ઇચ્છા સાથે જેણે પાનું પાડ્યું છે તે સમગ્ર માનવતા સાથે અભિન્ન બનતાં અચકાશે નહિ. લખવા વિશે કશો મોટો દાવો કરવો તે બાલિશતા છે. તેમ છતાં એ નિમિત્તે ચેતનામાં જગત ગોઠવાતું આવે છે, સાકાર થતું આવે છે. ઉપનિષદમાં તો જગતને બ્રહ્મનું ઉચ્છ્વસિત કહ્યું છે. રવીન્દ્રનાથે કહ્યું હતું તેમ ઈશ્વર નર્યો ઈશ્વર નથી ભુવનેશ્વર છે. માટે જ એને ઓળખવો હોય તો ભુવનને ઓળખો. જે લીલાપુરુષ છે તેને ઓળખવા હોય તો એની લીલામાં તદ્રૂપ થતાં આવડવું જોઈએ. આથી ભાષા દ્વારા એ લીલાને ઓળખવાનું કામ સર્જકનું છે.

સમાજ સર્જક પાસે હવે કશું ઈચ્છે છે ખરો? સર્જક હોવા જોઈએ એવી સભાનતા સમાજમાં છે ખરી? સાહિત્યકળાનો રસાનુભવ જેને માટે આવશ્યક હતો એવો વર્ગ ધીમે ધીમે લુપ્ત થતો જાય છે. સર્જકો પણ અનુચિત સ્પર્ધા રાગદ્વેષનો ભોગ બનતા દેખાય છે. આવી સ્થિતિમાં સર્જનકર્મ એ એકાન્તમાં કરવાની પ્રવૃત્તિ બની રહે છે. છતાં સમાજ સર્જક પાસે એક સામાજિક તરીકે ઘણી અપેક્ષા રાખે છે. એણે જીવનસંઘર્ષથી દૂર ન રહેવું જોઈએ, એણે વાસ્તવિકતા ઓળખવી જોઈએ, માનવજીવનની સમસ્યાઓ પારખવી જોઈએ, એટલું જ નહિ એના ઉકેલો પણ સૂચવવા જોઈએ.

આ બધું છતાં સર્જક ગાળ પણ ઘણી ખાતો હોય છે. એને વાણીવિલાસમાં રાચનાર કહેવામાં આવે છે. એ તરંગોમાં રાચે છે, એ કલ્પનાને જ વશ વર્તે છે. સમાજમાં લોકોનાં સુખદુ:ખમાં સંડોવાતો નથી, નિલિર્પ્ત થઈને રહે છે, સમાજને બદલવામાં કશો સક્રિય ફાળો આપતો નથી. એક વ્યક્તિ તરીકે સર્જકનેય પોતાની આશાઆકાંક્ષા હોય છે, એને પણ એનાં સુખદુ:ખ હોય છે. એ પણ ભય પામે છે, એને પણ સંઘર્ષમાં સંડોવાવું પડતું હોય છે છતાં એને લોકોત્તર ગણીને એની પાસે અસાધારણ ત્યાગની અપેક્ષા રાખવામાં આવે છે.

આજે વાતાવરણ સર્જનપ્રવૃત્તિને પ્રતિકૂળ છે એવું ઘણાને લાગતું હશે, છતાં મરણોન્મુખ સ્થિતિમાં પણ સર્જકનો કણ્ઠ કોઈ રૂંધી શક્યું નથી. સર્જકે તિતિક્ષા પણ કેળવવાની રહે છે. આથી સર્જક કશી અનુકૂળતાની સમાજ પાસે યાચના કરતો નથી. એને સમાજ સામે કશી ફરિયાદ હોતી નથી. સમાજ એના સર્જનને લુપ્ત ન થવા દે એવો લોભ પણ એને નથી. જ્યાં સુધી માનવતા જીવન્ત હશે ત્યાં સુધી સર્જન લુપ્ત નહિ થાય.

ઘણી વાર પ્રશ્ન થાય છે : આ બધું લખવાનો અર્થ શો? ઘણું બધું તો લખ્યા પછી મને પોતાને જ અજાણ્યું લાગવા માંડે છે. કોઈ એ વાંચે, એના હૃદયને એ હલાવી જાય એવી મારી ઇચ્છા નથી. ઘણી વાર એ અજાણપણે, ક્યાંક ઊંડે ઊંડે, પ્રચ્છન્ન રહીને, એકાદ નાનું શું ચિહ્ન મૂકી જાય એથી વિશેષની મેં ઇચ્છા રાખી નથી. વાચાળ બનેલી વેદનાને મહા પ્રયત્ને મેં મૌનનું ગૌરવ સમજાવ્યું હોય ને જે શબ્દોનું ટોળું છૂટું મૂકી દે તેને મેં વાર્યું હોય ને આ બધાંને અન્તે એકાદ નિરુપદ્રવી વાક્ય ટપકી પડ્યું હોય તો એના પર અન્યમનસ્ક બનીને નજર ફેરવી જનાર એના સન્દર્ભને શી રીતે સમજે? ચાર પાંચ વાર અટકી અટકીને, બીજી અનેક આકસ્મિક જ ઊભી થયેલી વાતોમાં વધુ રસ લઈને, કોઈ મારી આખી ઉન્નિદ્ર રાત્રિની મથામણ પછી તારવેલી પાંચેક પંક્તિને વાંચે ત્યારે કાફકાની જેમ મનેય લખેલું બધું બાળી મૂકવાનું મન થાય.

આથી લખ્યા છતાં જાણે કશું બન્યું જ નથી, લખવા જોડે મારે કશો સમ્બન્ધ જ નથી, લખવાને નિમિતે નજીકના મિત્રોમાં પણ સહેજ સરખો વિક્ષોભ ન જાગે એવી રીતે વર્તવાનું જ હવે તો ઠીક લાગે છે. જે અંગારા દઝાડતા હતા તેને ઠારીને, જે હૃદયના ધબકવાના લયને દ્રુત બનાવે તેને શાન્ત પાડીને, ઠાવકા થઈને વર્તવાનું ડહાપણ મને સમજાતું જાય છે. આ ગઈ સાંજની વાતાવરણમાં છવાયેલી ઉદાસી સાથે મારે અંગત રીતે કશો સમ્બન્ધ નહોતો. પણ એકાએક શાન્ત બની ગયેલો પવન, દુ:સ્વપ્નને જોતાં હોય તેમ સ્તબ્ધ થઈ ગયેલાં વૃક્ષો, ક્યાંકથી સંભળાતું કોઈ અસહાય શિશુનું ક્રન્દન, ઉત્તરમાંથી આવતી દૂષિત હવા આ બધું મળીને જે વિષાદને સાકાર કરી મૂકતું હતું તેને મૂર્ત કર્યા વિના ખંધા થઈને બેસી રહેવાનું મને રુચતું નહોતું. કોઈને કદાચ આ જ ક્ષણોમાં આનન્દનો ઉદ્રેક થયો હોય તો તેને હું નકારી કાઢતો નથી. જુદી જુદી ચૈતસિક વાસ્તવિકતાઓ મૂર્ત થઈ ઊઠે, સ્મરણમાં રહી જાય એવું કશુંક રચાઈ આવે તે મહત્ત્વનું છે – સુખદુ:ખની વાત ગૌણ છે, ઉદાસી ખતરનાક નથી. ઉદાસીનતા ખતરનાક છે. જે હૃદય આ જગત તરફ અભિમુખ જ થયાં નથી, જે પ્રત્યક્ષતાથી મુખ ફેરવીને જ ચાલે છે તેને આપણી ચેતનાના પરિસ્પન્દે સ્પન્દિત કરી શકવા જેટલી સમૃદ્ધ સજીવતા તો આપણે સિદ્ધ કરેલી હોવી જ જોઈએ. આમ છતાં વજિર્નિયા વુલ્ફને થઈ હતી તેવી નિર્વેદની લાગણી પણ થઈ આવે છે. લેખનની કળા વિકસાવવાની બધી ઇચ્છાવાસના લુપ્ત થઇ જાય છે. કોઈ પુસ્તકને રૂપે મારી ચેતનાને પ્રોત્સાહિત કરવાનો ઉત્સાહ રહેતો નથી. મારા મનને એના ઘાટ પ્રમાણે ઢાળવાનો ઉદ્યમ રુચતો નથી. પુસ્તક તો ઠીક, એક પરિચ્છેદની સીમામાં પણ મારું મન ગોઠવાતું નથી, એ પંકિતઓ વચ્ચેથી એ નાસી જ છૂટે ને હું કેવળ ઠાલાપણાનો ખોટો રણકો સાંભળતો બેસી રહું છું. ઘણી વાર આવું ઠાલાપણું પણ મને અર્થગર્ભ લાગ્યું છે. એ નવી સભરતાનું પાત્ર બની રહે એવી સુખદ પરિસ્થિતિ પણ મેં અનુભવી છે. આ લખવું તે અઘરું નથી, પણ એનું સંયોજન, સ્થાપત્ય પરિશ્રમથી મને ક્લાન્ત કરી નાખે છે. ઘણી વાર વાક્ય નાહકનું ભારેખમ બની જાય છે, ઘણી વાર હળવેથી ઊડી જઈ શકે એવા શબ્દની નાજુક પાંખ પર મેં વિચારનો ટનબંધી બોજો લાદી દીધો હોય છે. એક પરિચ્છેદ પૂરો થાય, એના પર નજર નાખું, જરા અસન્તોષની લાગણી થાય : હું સહેજ ધૂંધવાઈને એને સુધારવાની મથામણ કરું ને બધું સરખું ગોઠવાયેલું લાગે ત્યાં બીજા પરિચ્છેદના પ્રારમ્ભની જવાબદારીનો ભાર વર્તાવા લાગે. આયાસહીનતાથી લખનારા પ્રતિભાશાળીઓ હશે તેની ના નહિ. પણ મને તો બે પરિચ્છેદ વચ્ચે મોટા માનસિક વિરામની જરૂર લાગે છે. સમયનો તકાજો તો ઊભો જ હોય છે. થોડી વાર જાણે બારાખડીનો, વિરામચિહ્નોનો, પરિચય જ નહિ હોય એમ વર્તું છું. ધીમે ધીમે મનના હળવા વાતાવરણમાં થોડા ભીરુ શબ્દો વચ્ચે સારો મેળ જામે છે; પ્રસન્નતા છવાઈ જાય છે ને એકાદ સરસ ઝરૂખો, એકાદ સરસ તોરણ ઊપસી આવે છે.

આ દરમિયાન કોઈએ પોતાની કૃતિ પરત્વેનો ‘બે લીટીનો પ્રતિભાવ’ માગ્યો હોય છે તે મહિનાથી લખ્યો નથી તેનું ભાન થાય છે. કોઈના પત્રમાં તીખા વ્યંગનો અણસાર હતો, પણ એનેય ગળી ગયો છું. મનમાં થાય છે કે હવા જેવું હળવું પણ પોલાદ જેવું નક્કર કશુંક રચવું જોઈએ. થોડી કાવ્યપંક્તિના તન્તુઓ ગૂંચવાઈ ગયા છે તેને ઉકેલ્યા નથી. એકબે પાત્રની આછી રેખાઓ ઊપસી આવી હતી. પણ એ પાત્રોને સજીવન કરી શકાયાં નથી. જો મનને ફરવા ન દઉં, કશી અધીરાઈથી એને ચંચળ કરી મૂકું નહીં તો કદાચ આ બધું જ શક્ય છે. પણ જડ થઈ જવાનો ભય મને એક નવી વેદના તરફ હડસેલી મૂકે છે.

9-2-81