તારાપણાના શહેરમાં/સૌંદર્યબોધ

From Ekatra Wiki
Revision as of 01:15, 13 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સૌંદર્યબોધ

સ્હેજ કોમળ રંગ તડકો, સ્હેજ વાદળ રંગરંગ
ફૂલની એવી તરસ જાગી કે ઝાકળ રંગરંગ

એક પડછાયો પડ્યો એવો, સકળજળ રંગરંગ
એનો પડઘો એમ હૈં ડૂબ્યો કે ખળખળ રંગરંગ

હર ગતિ કે હર સ્થિતિ કે હર કોઈ સ્થળ રંગરંગ
એક એની શક્યતા ને સર્વ અટકળ રંગરંગ

મય–સમય* ફીણ્યા કરે હર પળ ધવલ છળ રંગરંગ
ખોબલે લૂંટાવ પરપોટા પળેપળ રંગરંગ

એ ભલે નિર્લેપ છે પણ એમ કૈં નીરસ નથી
સાવ તો અમથાં નથી હોતાં કમળદળ રંગરંગ

સ્વપ્નમાં પણ કૈં લખ્યાની કલ્પના સુધ્ધાં નથી
જાગીને જોઉં તો મારો કોરો કાગળ રંગરંગ

* મહાભારતમાં આવે છે તેવા માયાવી સ્થપતિ જેવો સમય; મયથી છકેલો સમય