તારાપણાના શહેરમાં/દશા ન હોય

From Ekatra Wiki
Revision as of 02:32, 14 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દશા ન હોય

આંખોનાં દ્વાર આમ અમસ્તાં ભીનાં ન હોય
તેં ધુમ્મસી નગરમાં ઉતારા કર્યા ન હોય

તારી જરૂર ત્યારે વધુ હોય છે મને
જ્યારે તને મળી શકું એવી દશા ન હોય

યાદોની તીક્ષ્ણતાય મટી ગઈ સમય જતાં
પાણીમાં રહીને પથ્થરો લીસા થયા ન હોય

દિવસોનાં પંખી ઊડી ગયાં એકસામટાં
જાણે કોઈ અવાજથી ચોંકી ગયાં ન હોય

ચાલો ઘરે જઈને હવે જોઈએ ‘ફના’
અહીંયાં નથી તો ક્યાંક ત્યાં પહોંચી ગયા ન હોય