ઇદમ્ સર્વમ્/વૈશાખની આત્મીયતા

From Ekatra Wiki
Revision as of 10:48, 7 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વૈશાખની આત્મીયતા| સુરેશ જોષી}} {{Poem2Open}} વૈશાખ સાથે મારે વિશિષ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વૈશાખની આત્મીયતા

સુરેશ જોષી

વૈશાખ સાથે મારે વિશિષ્ટ પ્રકારની આત્મીયતા છે. અક્ષયતૃતીયા આવી ગઈ. પવનનો મિજાજ બદલાયો, વૃક્ષોનો પર્ણમર્મર બદલાયો. સમુદ્રની ભરતીનો લય બદલાયો. આ લય જોડે મારા પ્રાણના લયનો સમ્બન્ધ છે, એથી નર્યું સુખ જ પ્રાપ્ત થાય છે એવું નથી, દુ:ખ પણ. સાચી રીતે કહું તો સુખદુ:ખ બધું એકાકાર કરી નાખે એવું કશુંક ઉત્કટ અને ઉન્મત્ત લોહીમાં ધબકવા માંડે છે. પવનમાં ઝૂલતી ડાળીઓને જોઈ રહું છું. જે બે શાખાઓ દૂર હતી તેને પણ પવન આલિંગનમાં ભેગી કરે છે. મોગરાની સુગન્ધથી હવા તરબતર છે. સ્વપ્નોમાં અનેક જન્મોની કથાઓની સેળભેળ થઈ જાય છે. દિવસો, મહિનાઓ અને વર્ષોમાં ગણાતું આયુષ્ય બહુ નાનું પડે છે. આ વૈશાખે ખબર પડે છે કે આપણામાં જ એવું કશુંક છે જે કાળને ગાંઠતું નથી. એને તો અનેક જન્મો ઓછા પડે છે.

પૂર્વે બંગાળમાં જન્મમરણ એકાકાર કરી નાખનારો કાળવૈશાખીનો ઝંઝાવાત ફુંકાયો. માનવી તો જાણે તણખલાની જેમ ઊડી ગયો. દિવાસળીનાં ખોખાં જેવાં ઘરો પણ ઊડ્યાં. ‘પ્રકૃતિનું તાંડવ’ કહીને છાપાંઓ એને વર્ણવશે. આ ઝંઝાવાત આગળ માનવીનું કશું ચાલતું નથી. એ તોફાન ચાલી જાય છે પછીની શાન્તિ ભયંકર હોય છે. કારણ કે ત્યારે મૃત્યુના પ્રચણ્ડ પડછાયા સિવાય કશું દેખાતું નથી, એની એક રેખા આપણને સ્પર્શી જાય છે ને આપણે ધ્રૂજી ઊઠીએ છીએ.

સહેજ પવન આવે તો તેથી બચવા બારીબારણાં બંધ કરીને સાવ સલામત રહીને જીવનારો વર્ગ મોટો છે, સરુનાં વૃક્ષોમાંથી સાગરના ઘુઘવાટ જેવો સંભળાતો પવન સાંભળ્યા કરવાનો પણ નશો ચઢે છે. આત્મગૌરવ જાળવી રાખવા મથીએ, પણ જ્યારે ચારે બાજુનો પ્રચણ્ડ લય હિલોળા લેતો હોય ત્યારે સ્વસ્થતાનું તાળું વાસીને બેસી રહેવાનું કેમ ગમે? લોકોને ભારે શોખ હોય છે દોષો અને ભૂલો ગણાવવાનો. મેં જોયા છે એ લોકોને. આખો વખત ફોટો પડાવવા બેઠા હોય એમ ચહેરો રાખીને બેસી રહે છે. એમના મુખ પર હોય છે મૃદુ સ્મિત જેનું મૂળ હૃદયમાં હોતું નથી. આ સ્મિતથી વિશેષ જુગુપ્સાજનક બીજું કશું નથી. એવી જ કૃત્રિમ એમની વાણી – સૌજન્યનું પોલિશ કરીને ચમકતી બનાવેલી. એઓ પ્રશંસા કરે તો આકાશે ચડાવી દે, પણ પછી એમનું સાચું સ્વરૂપ પ્રકટ થાય. એમનો બરડ અહંકાર તડ દઈને તૂટે, એની કચ્ચરો આપણને વાગે, એમની મહત્તાની પાદપીઠ પરથી એઓ ત્રાડ નાખે ત્યારે બધા નકાબ સરી પડે. ત્યારે જે જુગુપ્સાજનક દૃશ્ય નજરે પડે તે જીરવી ન શકાય. આ મૃદુભાષી, મૃદુ સ્મિત કરનારા, ભાષાને પણ ઇસ્ત્રીબંધ રાખનારા લોકો રોજ હારતોરા માટે ડોક ઝુકાવતા હોય છે. એમની છબીઓ જોઈને એમનેય કંટાળો નહીં આવતો હોય? હું નથી ધારતો કે એમને કોઈ મિત્ર હોઈ શકે. જેમ રેડિયોએક્ટિવ ક્ષેત્રમાં અમુક હદ પછી આગળ નહીં વધી શકાય, તેમ આ લોકોના સમ્બન્ધમાં પણ તમે એમના સમાન આસને બેસો તો એમનાં ભંવાં ઊંચા ચઢે. એ જે કાંઈ કરે તે ઉપકાર ગણીને તમારે માથે ચઢાવવાનું. નાના બાળકની જેમ જીદ કરીને સૌથી ઊંચા આસને એઓ બેસવાના.

આવા લોકો અમાનુષીકરણની ભારે ખતરનાક પ્રવૃત્તિ ચલાવ્યા કરતા હોય છે. એમની મૃદુ ભાષા, એમનું મૃદુ સ્મિત એ અમાનુષીકરણના ઘાતકી યંત્રના જ ભાગો છે. એઓ માનવીઓના વ્યક્તિત્વને લોપે છે. કરોડરજ્જુને તોડે છે, પેટને ટટળાવે છે. ખભા પર પોતાની મહત્તાનું વજન મૂકીને એમના ‘અંતેવાસીઓ’ને ખૂંધા બનાવી દે છે. એમની આજુબાજુની સૃષ્ટિ વામણાઓની ને વેંતિયાઓની હોય છે. એ આખો સમાજ નર્યો જુગુપ્સાજનક હોય છે. એમની સૃષ્ટિના સૂરજ, ચંદ્ર ને તારા જુદા છે. એમની આબોહવા જુદી છે. માણસ દેવ બનવા ઇચ્છે તે એની મહત્ત્વાકાંક્ષા છે. પણ આ લોકો પોતે જ દેવ છે એવી જાહેરાત કરે છે. ને એમના સિવાયના લોકોને પેટે ચાલનારાં પ્રાણી બનાવી મૂકીને જ જંપે છે, સંસ્કૃતિ તો એમનાં અસ્થિ સુધ્ધાં સાચવતી નથી. મોહેં-જો-ડેરોમાંથી આવા માણસોના અવશેષ મળ્યાનું જાણમાં નથી. એઓ એટલે ઊંડે દટાઈ જાય છે કે ત્યાં કોઈ ખોદકામ કરનારાની કોદાળી પહોંચતી નથી.

એમની અમાનુષીકરણની પ્રવૃત્તિ કેટલી ખતરનાક છે તે સમાજને સમજાયું નથી. એમને કારણે અર્ધમાનવ અર્ધસરિસૃપ એવો એક વર્ણસંકર વર્ગ અસ્તિત્વમાં આવે છે. હવે તો આ વર્ગની વસતી ખતરનાક રીતે વધતી જાય છે, એની વય યુવાન હોવા છતાં એ વૃદ્ધની જેમ વર્તે છે. એની જડતાને એ સ્વસ્થતાને નામે ખપાવે છે. આ અમાનુષીકરણનો શિકાર બનેલાઓને પારખવા અઘરા નથી.

એમના શબ્દો કૃત્રિમ હોય છે, એમાંથી ખુશામતની બદબૂ આવે છે. એઓ લખે ત્યારે તો નવીનો હોવાનો દેખાવ કરે છે. પણ એમની ભાષાનો સૌથી મોટો શણગાર તો એને વળેલી ફૂગ છે. ફૂગવાળા માણસો અમાનુષીકરણની ખતરનાક પ્રવૃત્તિનાં કરુણ પરિણામો છે. આમ બલિ થઈ જઈને એઓ સમસ્ત માનવજાતિને લાંછન લગાડે છે. પણ એને જ એઓ સૌથી મોટો શણગાર સમજે છે. જીવવું એ એમને મન ગૌણ પ્રવૃત્તિ છે, પડછાયો બનવું એ સૌથી મોટું લક્ષ્ય છે. બહારના બધા દમામ ને ધમપછાડા પાછળ આવા ગરીબડા પડછાયા સિવાય કશું રહ્યું નથી હોતું.

આ અમાનુષીકરણ કરનારાઓની એક આગવી ભાષા હોય છે, એ કાનૂની હોય છે, શિષ્ટ હોય છે. આ આવરણો પાછળ એની કાતિલ ધાર હોય છે. ‘મહત્તા’ શબ્દના ત્રણ અક્ષર ભેગા કરવા મથતા હોય છે. પણ એક અક્ષરનો હું એમના હાથમાં આવતો નથી. ઓસ્ટે્રલિયાના માઓરી વિશે એવું કહેવાતું કે એ જેટલા નરમુંડ એકઠાં કરે તેટલી એમની મહત્તા. આ લોકોનું પણ એવું જ હોય છે. હવે તો એવો એક વર્ગ ઊભો થશે જે આ નરમેધના વિધિમાં ભાગ નહીં લે, એનું પૌરોહિત્ય નહીં કરે. વ્રાત્યોનો વર્ગ હવે ઊભો થવો જ જોઈએ, નહીં તો અમાનુષીકરણ ક્યાં જઈને અટકશે તે કહેવાશે નહીં. સિંહ ઓછા થવા માંડ્યા છે તેની આપણે ચિન્તા કરીએ છીએ. હિમાલયના પાડા ઓછા થવા માંડ્યા છે તેની આપણે ચિન્તા કરીએ છીએ પણ જે માનવી બે પગ પર ઊભો રહે, જેનું મસ્તક અણનમ હોય, જેની કરોડરજ્જુ સાબૂત હોય તે પણ હવે નિ:શેષ થતો જાય છે તેની ચિન્તા આપણે ક્યારે કરીશું?

ભાગવતપુરાણ વંચાતા રહે છે, આચાર્યોનાં પ્રવચનો પણ ચાલુ છે. વિદ્યાપીઠોનાં દબદબાભર્યાં દીક્ષાન્ત પ્રવચનો પણ ચાલુ છે. દરરોજ જાડા કાળા અક્ષરે છાપાંમાં અગ્રલેખો લખાતા રહે છે. પણ રવીન્દ્ર સરોવરના ગુંડાઓથી પણ આ ખતરનાક વર્ગને હજુ કોઈ જ આંગળી ચીંધીને બતાવતું નથી. માનવી આનન્દ શ્વસીને જીવતો નથી, ભય શ્વસીને જીવે છે. એના શરીરમાં આનન્દનો કંપ નથી. એ ભયથી ધ્રૂજે છે, ભગવાનનો અભય મુદ્રાવાળો હાથ આ અમાનુષીકરણ કરનારાઓએ ખણ્ડિત કર્યો છે. એથી હાહાકાર વર્તી રહ્યો છે.

‘તમે તો લાગણીનાં ઘેલાં કાઢો છો. તમારું મન રોગિષ્ઠ છે, તમે તો ગાંડા થઈ ગયા છો. તમને તો પર્સીંક્યુશન મેનિયા થયો છે.’ આવું બધું ભગવાન બુદ્ધને શરમાવે એવા અનુકમ્પાભર્યા સ્મિતથી કહેવાના. પણ હવે એ અનુકમ્પાની આપણને જરૂર નથી. અમે તો સાચે જ ભ્રાન્તિના રોગમાંથી મુક્ત થયા છીએ. જે પારખવાનું હતું તે પારખી લીધું છે. રોટલીનો ટુકડો આંચકી લેવા સિવાય બીજી શી શિક્ષા તમે કરી શકવાના હતા? એથી પેટ ભૂખે મરે, આત્મા નહીં મરે. તમારી જોડે તો જન્મોજન્મનો હિસાબ છે, એ ચૂકતે થાય નહીં ત્યાં સુધી ભગવાનને પણ ક્ષીરસાગરમાં સુખની નિદ્રા લેવા નહીં દઈશું. અંગત સ્વાર્થનો પ્રશ્ન નથી; દુ:ખની કસોટીએ ચઢીને તવાઈને જ જીવ્યા છીએ. એ કપરા સંઘર્ષને કારણે મરણ પણ હવે બાજુમાં આવીને જોડાજોડ બેસી ગયું છે. એવી ક્ષણે સ્વાર્થના બેચાર કણ વીણીને પેટ ભરવાની દાનત નથી, પણ એક પ્રશ્ન અમે તમને સદાકાળ પૂછતા રહીશું. શા માટે તમે તમારા આત્માને મારી નાખ્યો? શા માટે માનવીનો માનવી બની રહેવાનો મૂળભૂત હક્ક તમને ન રુચ્યો? કયા દેવની આરાધના માટે તમે નરમેધ રચ્યો? જન્મ જન્માંતર સુધી આ પ્રશ્નો અનેક મુખે ઉચ્ચારાઈને પડઘા પાડ્યા જ કરશે. એનાથી છટકીને તમે દૂર ભાગી નહીં શકો.