સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/હરિને ભજતાં

From Ekatra Wiki
Revision as of 11:16, 27 May 2021 by ArtiMudra (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          હરિને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણી રે, જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે. વહાલે ઉગાર્યો પ્રહ્લાદ, હરણાકંસ માર્યો રે; વિભીષણને આપ્યું રાજ્ય, રાવણ સંહાર્યો રે. વહાલે નરસિંહ મહેતાને હાર હાથોહાથ આપ્યો રે; ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. વહાલે મીરાં તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે; પાંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે. આવો હરિ ભજવાનો લહાવો, ભજન કોઈ કરશે રે; કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોનાં દુઃખ હરશે રે. પ્રેમળદાસ

         

ભાષા અને ભાવ બંને દૃષ્ટિએ આ મારાં પ્રિય ભજનોમાંનું એક છે. આનો ભાવ સીધેસીધો બાળબોધ છે. આની શ્રદ્ધા પણ બાળબોધ ભોળી જ છે. આમાં સિદ્ધ કર્યું છે કે વેદકાળથી તે મીરાં અને નરસિંહના સમય સુધી ભગવાને જાતે આવીને ભક્તોની ભીડ ભાંગી છે. ભગવાન ભક્તોનાં દુઃખ હરે છે, એમનાં કામ જાતે કરે છે, અને હર વખતે એમને ઉગારે છે, એવી શ્રદ્ધાથી આ ભજન લખાયું છે. આવાં ભજનોથી ભોળા લોકોને થાય છે કે ભગવાનની ભક્તિ કરીશું, તો સૌ સંકટ દૂર થશે. પણ અનુભવ તો હંમેશ એવો થતો નથી. મીરાંએ ઝેર પીધું પણ તેની અસર ન થઈ, માટે મીરાં ભક્ત અને સોક્રેટિસે ઝેર પીધું ને એ મરી ગયા માટે એ ઓછા ધર્મનિષ્ઠ, એમ કોઈ કહી શકે? હિરણ્યકશ્યપે મારવાના અનેક પ્રયત્ન કર્યા છતાંયે પ્રહ્લાદ મર્યો નહિ, એ ભક્તિનો મહિમા; અને ઈશુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર મરી ગયા, એ શું ભક્તિની વિફળતા? દુખમાંથી બચાવવા છેલ્લી ઘડીએ ભગવાન દોડી આવે જ છે, એ કેવળ કવિની ભાવના છે, લોકોને ભક્તિના માર્ગ તરફ ખેંચવા માટે મૂકેલું પ્રલોભન છે. એની પાછળ નિરપવાદ સત્ય છે, અનુભવ છે, એમ માનવાનું કારણ નથી. હરિને ભજતાં કોઈની લાજ હજી નથી ગઈ — આનો સાચો અર્થ એટલો જ કે જે માણસ દૃઢતાથી ઈશ્વર ઉપર નિષ્ઠા રાખે છે, તે ગમે તેવાં કઠણ સંકટ આવે તોય ચારિત્રયભ્રષ્ટ થતો નથી. સાચા ભક્તવીરો માટે કાવ્યમય આશ્વાસનની જરૂર નથી રહેતી. તેઓ ભગવાન સાથે સાટુ કરતા નથી. ‘મહાભારત’માં ધર્મરાજાએ કહ્યું છે કે, સદાચાર અને ઈશ્વરનિષ્ઠાના બદલામાં મને સુખ મળે, રાજ મળે, એવું કશું હું માગતો નથી; અપેક્ષા પણ નથી. મારો સ્વભાવ છે, મારા હૈયાને સંતોષ છે, એટલા માટે જ હું ભગવાનની ભક્તિ કરું છું અને સદાચારને વળગી રહું છું. માણસને થવું જોઈએ કે ભક્તિમાં આનંદ છે, હૃદયનું સમાધાન છે, ચારિત્રયની મજબૂતી છે, અને વાતાવરણ પવિત્રા થાય છે. ભક્તિને જોરે માણસ ઇંદ્રિયો ઉપર વિજય મેળવી શકે છે, અને એથી ચારિત્રયની દૃઢતા કેળવાય છે. ભક્તિનું ફળ સત્ત્વરક્ષા અને આત્મનિષ્ઠા એ જ છે. બીજાં ફળો મળે કે ન મળે, એ કેવળ અકસ્માત છે. [‘ભજનાંજલિ’ પુસ્તક : ૧૯૭૪]