અર્વાચીન કવિતા/ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી

From Ekatra Wiki
Revision as of 16:58, 13 July 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી
(૧૮૫૭ – ૧૯૩૭)
ચમેલી, બુલબુલ, હરિધર્મશતક

બાલાશંકર અને મણિલાલ દ્વિવેદી જેવા મસ્ત પ્રેમીઓની પ્રેમમસ્તીને પોતાની કરી લઈને જાણે લખાયાં હોય તેવાં ત્રણસો અને ચારસો પંક્તિનાં બે નાનકડાં પુસ્તકો ‘ચમેલી’ અને ‘બુલબુલ’માં*[1] આપણા સાહિત્યના એક સુપરિચિત અભ્યાસી ડાહ્યાભાઈ દેરાસરીના પ્રણયની વિમલ મધુર નિવેદનાથી નીતરતા ઉદ્‌ગારો તદ્દન તળપદી છતાં મનોરમ સાહજિક બાનીમાં પ્રગટેલા જોવા મળે છે. બંને કાવ્યોનું સ્વરૂપ, નિરૂપણરીતિ, શૈલી વગેરે લાક્ષણિક છે. ‘ચમેલી’ કાવ્ય આખું હરિગીત છંદમાં છે. ‘બુલબુલ’માં એ જ હરિગીતની બે પંક્તિ વચ્ચે દોહરાની બબ્બે પંક્તિ મૂકેલી છે. આ હરિગીત ફારસી ‘ગઝલ’ના પ્રચલિત છંદોરૂપને મળતો જ છંદ છે. દેરાસરીએ તેમાં વચ્ચે દોહરો મૂકી તેમાંથી એક નવું જ મધુર રૂપ સાધ્યું છે. આ કાવ્યોની બીજી લાક્ષણિકતા તેમના વિષયમાં અને રજૂઆતમાં છે. બાલાશંકર તથા મણિલાલની પ્રેમમસ્ત ગઝલોની અસરથી આ પ્રેરાયેલાં હોય તોપણ આ પ્રેમભાવના આપણી મૌલિક, એતદ્દેશીય, સર્વસમર્પણ કરી પ્રિયમય થઈ જવાની ભાવનાની વધારે નજીક છે. એવી જ રીતે કાવ્યની રજૂઆતમાં ફારસી શૈલીનો અતિરેક થવા દીધા સિવાય એ ભાવનાને આપણી ઘરાળુ સાદી લાડભરેલી ભાષામાં અને વાસ્તવિકતા ઉપર મૂકેલી છે. અને છતાં ભાવનાની સૂક્ષ્મતાને સ્પર્શતી, શરીરનાં સ્થૂલ તત્ત્વોને પણ અપાર્થિવ પ્રણયથી સુંદર કરતી બાની કવિ લાવી શક્યા છે. બંને કૃતિઓની અંદર કાવ્યદેહની પૂર્ણતા નથી. ‘ચમેલી’માં એકના એક ભાવોને વધારે પડતા ખેંચીને લંબાવેલા છે, અને તેથી તેમાંની લાગણી કૃત્રિમ અને મચડેલી બની જાય છે. ‘બુલબુલ’માં પણ કલ્પના ચંદ્ર ચકોર આદિ બેચાર રૂપકોના બહુ મર્યાદિત ક્ષેત્રમાં ફર્યા કરે છે. વળી તેના તેર ખંડોમાંથી બધા એકસરખી ઉત્કૃષ્ટતાવાળા નથી. ઘરાળુ શબ્દો કેટલીક વાર ઘણા રુક્ષ પણ બની જાય છે. દલપતશૈલીની પ્રાસાદિકતા અને સરળતા આ કાવ્યોમાં છે તો તેની વિવર્ણતા પણ કેટલેક ઠેકાણે શોચનીય રીતે આવી ગઈ છે. એમ છતાં ચમેલીના જેવી મીઠી ખુશબોવાળાં તથા બુલબુલના ટહુકારનું માધુર્ય ધારણ કરતાં આ બે શિષ્ટ શૃંગારનાં એક જ છંદમાં આટલા વિસ્તારથી લખાયેલાં આ આપણાં પ્રથમ અર્વાચીન કાવ્યો છે. એમાંથી વિવર્ણ પંક્તિઓને બાદ કરી નાખતાં બાકીનામાંથી સુંદર ઊર્મિકો ઉપજાવી શકાય તેમ છે. આ કાવ્યોની ઉતમ પંક્તિઓ ખૂબ જાણીતી થઈ ગયેલી છે. બોલચાલની સાદી ભાષા દ્વારા કવિ મસ્તી અને ગહનતા બતાવે છે :

જગ છો ગમે તે કહો તેને, હું તો ચમેલી કહીશ જા.
...મઘમઘ થતાં મુજ હેતનાં ફુલડાં કુંળે ચરણે ધરું.
...તારું રૂપાળું ને મનોહર મુખ મને વિસરે નહિ.
...એકી ટશે હું ચશચશી તુજ નેનથી પ્રીતઘેલડી,
પીધા કરી અમી મસ્ત થાઉં ફાંકડી અલબેલડી!

‘બુલબુલ’માં સાદા અલંકારોનું તથા દોહરાનું મુક્તક જેવું સૌંદર્ય વિશેષ છે :

પ્રિય તુજ નેન સરોવરે કીકી અંબુજ જોડ,
ઝૂકે શી અહા લહેરથી મુજ મન પૂરણ કોડ.
...અર્ધ નિશાકરથી રૂડું પ્યારી તુજ કપાળ,
મંગળ સમ મહીં શોભતો, ગોળ ચાંદલો લાલ!
વિખરી વાંકી અને કાળી-લલિત લટ શોભતી બાળી,
અટકી ભાલે જ રૂપાળી!! અરે જા, શું ખસેડે છે!

આ સૌંદર્યદર્શન બુલબુલના મીઠા ટહુકાર જેવું જ મધુર છે, અને દીર્ઘજીવી તાજગીથી ભરેલું છે. દેરાસરીનું એક બીજું નાનું કાવ્ય ‘હરિધર્મશતક’ છે તેમાં તેમણે ધર્મના પંથોના અનિષ્ટ અંશોનો પરિહાસ કરેલો છે. શ્રીકૃષ્ણ શર્માને નામે નોંધાયેલાં ત્રણ કાવ્યપુસ્તકો ‘સુબોધચંદ્રિકા’ ‘કવિરવિ’ અને ‘શ્રીમધૂપદૂત કાવ્ય’ (૧૮૮૮)માંથી પહેલું ઉપલબ્ધ નથી, બીજાની પ્રસિદ્ધિની સાલ મળતી નથી. ‘કવિરવિ’ની ભાષા શિષ્ટ અને સુંદર છે. ‘કવીરવીની વિરચું કલાઓ.’ એમ કહી તેણે કવિતા વિશે થોડુંક લખ્યું છે. એમાં ‘ભુંડા કવિને’ મારેલા થોડા ચાબખા ધ્યાન ખેંચે તેવા છે. લેખકનું ‘શ્રી મધૂપદૂત કાવ્ય’ મેઘદૂતની ઢબે ગુજરાતીમાં લખાવા લાગેલાં દૂતકાવ્યોમાંના પ્રથમ પુસ્તક રૂપે ઐતિહાસિક મહત્ત્વનું છે. આ મહત્ત્વાકાંક્ષી વિષયને ન્યાય આપવા જેટલી શક્તિ લેખક બતાવી શક્યા નથી; અને તેથી કાવ્યની વિરૂપતા વધારે વરવી બની છે. લેખકે કાવ્યમાં બાર સર્ગો પાડી, તેમાં એક કરતાં વધારે છંદો લીધા છે; અને તે પણ પૂરા શુદ્ધ નથી. નિરૂપણ ઘણું નબળું છે. શૈલીમાં લેખક દલપતની ઘણો નજીક છે. કયા વિષયો સૌંદર્યના કે રસના વિભાવો બની શકે તેની તેને ખાસ ગમે નથી દેખાતી; જેમ કે,

કમલ કહ્યું વિકાસી સૂર્યને કાજ જેવું,
મુખ પર ખીલ ખીલ્યા મોતિ શો લેખિ લેઊં.

સૌંદર્યના સારા એવા રૂઢ બનેલા વિભાગને પણ તે બહુ કઢંગી રીતે રજૂ કરે છે. કવિએ સાધેલી વધારેમાં વધારે રસવત્તા નીચેના જેવી પંક્તિઓમાં જોવા મળે છે, પણ તે બહુ જૂજ પ્રસંગે :

જો આ રસ્તો રસ-રસિત છે, આ રસે આરસેથી
...હોશે શું આ સ્વરગ પળવાનો રૂડો માર્ગ સાટે?

કાવ્યના વિષયમાં એક નાનકડી ચમત્કૃતિ છે. આ વિરહીની પ્રિયા અંતે પિયરથી ઘેર આવે છે ત્યારે ત્યાંથી કાવ્યપ્રકાશ, માઘ, વાચસ્પતિકોશ, કથાસરિત્સાગર વગેરે અનેક ગ્રંથો પતિને રસાસ્વાદ આપવા લેતી આવે છે! ‘પ્રેમીને પત્ર’ (૧૮૮૯) નામની એક લાક્ષણિક કૃતિ ‘એક નવીન’ના ઉપનામથી જાણીતા નાટકકાર ડાહ્યાભાઈ ધોળશાએ લખેલી છે. બસો કરતાં વધારે કડીનું આ કાવ્ય અનેક છંદોમાંથી પસાર થતું કાવ્યરસની કેટલીક મનોરમ છટાઓ ધારણ કરે છે. આખી કૃતિમાં વિચારની તથા વસ્તુની સમગ્રતા સધાઈ નથી. કાવ્યની બાની જેમ કેટલીક વાર ઘણી ઊંચી ટોચ સાધે છે તેમ તે કદીક લથડી પણ પડે છે. છતાં એમાં કવિત્વછટાનો જે મઘમઘાટ છે તે ખૂબ આકર્ષક છે. કાવ્યના લેખકનું માનસ એક પ્રકારની મસ્તી અને રસની આર્દ્રતાથી ભરેલું છે. કાવ્યમાં અર્વાચીન નવી કવિતાની છટાઓ છે અને તેમાંની કેટલીક બાલાશંકર વગેરેમાંથી ઝિલાયેલા જેવી હોઈ કેટલીકવાર તે બાલાશંકરના જેવી જ ઉન્નત છટા-ધારણ કરે છે. કવિ પોતાની શૈલીમાં શિષ્ટ સંસ્કૃતની અસર, તેમજ ભાષાના ગમે તે સ્વરૂપને કાવ્ય માટે પ્રયોજવાની હિંમત બતાવે છે. અમદાવાદમાં રહેતા મિત્રોની આ કથા એલિસબ્રિજ પુલને પણ કવિતોચિત રંગોથી રંગી આપે છે. કાવ્યનો પ્રધાન રસ ઘેરી મૈત્રીનો, સ્થાયી પ્રણયનો છે. તેમાં વિનોદ, અદ્‌ભુત ચમત્કારો વગેરે બીજા રસોની છાંટ પણ કવિ લઈ આવે છે. કાવ્યનો પ્રારંભ ઘણી મધુર બાનીથી થાય છે :

સ્વસ્તિ! સુધાકર! તને દૂર દેશવાસી,
છો ગંડુ લોક કરતા જગમાંહિ હાંસી;
આ પોયણું અહિં પડ્યું ચિમળાઇ આજે;
હા! હા! હરિ! જરિક પત્રપીયૂષ પાજે.

આ મિત્રોની મૈત્રીમાં અર્વાચીન જીવનનું એક મનોહર ચિત્ર પણ આવે છે :

નવનવિ કવિતા તે આપણે ગાઈ પ્રીતે,
રસિક થઈ ઉમંગે ચર્ચતા શુદ્ધ રીતે;
અધિક જનતણી તે મંડળી ભવ્ય ભાળી,
મુખ વિકસિત થતાં પ્રેમી નેત્રો નિહાળી.
...વિધવિધ વિષયોની વાત ત્યાં કેવી થાતી!
મનહર જળકી’તી કાંતિની સાથ શાંતિ;
ઝણણઝણણ કેવી થાતી’તી તે જ ઠાર,
સરિતતટનિવાસી સાધુ કેરી સતાર!

કાવ્યના પ્રારંભનો ત્રીસેક કડી સુધીનો ભાગ આવી બાનીમાં પ્રીતિના મનોહર ઉદ્‌ગારો રજૂ કરે છે. કાવ્યનો પાછળનો ભાગ શિથિલ અને અસ્પષ્ટ વસ્તુનિરૂપણમાં વેરાઈ ગયો છે, તેમ છતાં આખું કાવ્ય એક બળવાન કલ્પનાશીલ સર્જક માનસની છાપ મૂકી જાય છે. જેઠાલાલ દેવનાથ પંડ્યાનું ‘સ્વાર્પણ’ (૧૮૯૩) આખી કૃતિ તરીકે નબળી અને ચમત્કાર વગરની છતાં વિષય તરીકે એક લાક્ષણિક મહત્ત્વની રચના છે. સહ્યાદ્રિના શિખર પર શિવાજીનું ચિત્ત બેઠું છે. તે દેશદાઝ અને પ્રેમશૌર્યથી ઊછળે છે. ભારતભૂમિ પર અંધારી રાત્રિ છે. તે ભારતભૂમિનો ભૂતકાળ સ્મરે છે. તેવામાં તેને ભારતભૂમિનો વિલાપ સંભળાય છે, અને તે સ્વાર્પણની પ્રતિજ્ઞા કરે છે. કાવ્યના વિચારમાં નર્મદની અને શૈલીમાં નરસિંહરાવની અસર દેખાય છે. પ્રચારવેડામાં સરી ગયા સિવાય લેખક કાવ્ય સાધવાનો ઠીકઠીક ગંભીર રીતે પ્રયત્ન કરે છે. કાવ્યનો ભૂતકાળના ચિંતનને લગતો ભાગ તેનો સારામાં સારો અંશ છે. તેમાંની થોડીક પંક્તિઓમાંથી કવિના કલ્પનાબળનો તથા કદીક મધુર રૂપ લેતી શૈલીનો ખ્યાલ આવશે :

લગીર ઝાંખ પ્હણે દૂર ઉત્તરે,
ગગનચુંબી હિમાલયની દિશે,
અવધમાં રસીલા જયી રામનું
સ્મરણ શું નથી ચિત્ત ઉછાળતું?
...કુરુતણા રણવીર કહાં ગયા,
રણમુખે મદહર્ષિત મ્હાલતા?
...અતિ ભયંકર ભીમ તણી ગદા,
ઉછળી આવતી શત્રુદળે સદા,
ગજવતી દશ દિશ રિપુદળે,
દિન ગયા જ ગયા ફરી શું મળે?
....જય અલંકૃત ભર્તભૂ ઓપતી,
મદભર્યું મુખ કૈંક હસાવતી;
અનુભવે અવળી સ્થિતિ આ સમે,
વદન ખેદ ભરેલ જણાય ને.

કલાપીના સાથી તરીકે જાણીતા ‘સંચિત્‌’ – રૂપશંકર ઉદયશંકર ઓઝાનાં ‘શ્રી સંચિત્‌નાં કાવ્યો’ (૧૯૩૮)માં ૧૮૯૩થી ૧૯૨૯ સુધીનાં કાવ્યો મળી આવે છે. લેખકની ભાષા શિષ્ટ છે. ભક્તિભાવનાં ભજનો, ગઝલો, ખંડકાવ્યો પ્રકૃતિવર્ણનો વગેરે પ્રકારનાં એમણે ઘણાં કાવ્યો લખેલાં છે. લેખકની ભાષા સરળ, પ્રાસાદિક અને શિષ્ટ હોવા છતાં તેમની શૈલીમાં કશી મૌલિક લાક્ષણિકતા નથી. ભજનોમાંથી કોક જ રસની ચમત્કૃતિ ધારણ કરે છે. કલાપી અંગેનાં તથા પ્રકૃતિવર્ણનનાં કેટલાંક કાવ્યો કલાપીની શૈલીની લગભગ નજીક આવે તેવાં છે. ગઝલોમાંની કેટલીક સનમને અંગેની રસાવહ બની છે. તેમાં કલાપીની છાયા વિશેષ દેખાય છે. વિચારની કે શૈલીની કે તત્ત્વદર્શનની ઊંચી ટોચ લેખક ભાગ્યે સાધી શક્યા છે. જીવણરામ લક્ષ્મીરામ દવે – જટિલની કેટલીક કૃતિઓ ‘જટિલપ્રાણપદબંધ’ (૧૮૯૪ ?)માં સંગ્રહાયેલી છે. આ લેખક કવિ કરતાં યે ત્રિભુવન પ્રેમશંકર અને હરિલાલ ધ્રુવનાં કાવ્યોના ભાષ્યકાર તરીકે વિશેષ જાણીતા છે અને તેમનું એ કાર્ય વિશેષ મહત્ત્વનું છે. ત્રિભુવન પ્રેમશંકરના ‘સ્વરૂપપુષ્પાંજલિ’નું વિવરણ તેમણે ‘રસાત્મા’ના તખલ્લુસથી લખેલું છે. જોકે વિવેચનમાં તેઓ રસદૃષ્ટિ કરતાં પોતાના તત્ત્વજ્ઞાનના પરિચયનું પ્રદર્શન કરવાની વૃત્તિ વિશેષ બતાવે છે, તોપણ એટલા ગાંભીર્યથી કાવ્યનું અનુશીલન તે ગાળામાં ઘણું વિરલ હતું. એમની અલ્પસંખ્ય પદ્યકૃતિઓમાં અર્વાચીન ઢબનાં ઊર્મિકાવ્યો ઉપરાંત સંસ્કૃતમાંથી ‘ભામિનીવિલાસ’નું તથા કેટલાંક અંગ્રેજી કાવ્યોનાં ભાષાંતર પણ છે. કલાપીએ લખેલા ‘હમીરજી ગોહેલ’નું હાડપિંજર અને તેના રસાદિની યોજના પણ એમને હાથે થઈ હતી, એ પણ એમનો એક નાનોસૂનો ફાળો ન ગણાય. તેમની શૈલીમાં મુખ્યત્વે ત્રિભુવન પ્રેમશંકર તથા મણિલાલ, બાલાશંકરની અને કંઈક નરસિંહરાવની પણ અસર છે. પદ્યબંધ વગેરે ઠીક છે, પણ તેમાં કશી લાક્ષણિક ચમત્કૃતિ નથી. આ પુસ્તકમાં સંઘરાયેલાં કાવ્યોમાં ચંદ્ર અને કુમુદનો પ્રેમ, તથા તેને જોઈને અદેખાઈથી બળતી ચંદ્રપત્ની વાદળીને વિષય કરી લખેલું ‘કુમુદીનો ચંદ’ સારું કહેવાય તેવું છે. પણ તેમની આ સંગ્રહમાં ન આવેલી સૌથી મોટી મહત્ત્વાકાંક્ષી કૃતિ હરિલાલ ધ્રુવને અંગે લખેલું ૧૧૦ કડીનું ‘સુહૃદમિત્રનો વિરહ અને તત્સંબંધિની કથા’ છે. અને તે આપણાં વિરહકાવ્યોમાં પ્રૌઢ કોટિનું ગણાય તેવું છે.

આજે હવે ઉર ઝભાયું ઉંડા જ ઘાવે,
ચાલ્યો હુલાસ, ઘટ ઘેરિ રહી નિરાશા,
એ આર્દ્ર ઊર ધરતો ખગરાજ ખોયો.
વ્હેવા જ તો અતુટિતા જલધાર દ્યો સૌ.


  1. * આ બંને પુસ્તકોની પ્રથમાવૃત્તિની સાલ મળી નથી. ‘બુલબુલ’ની બીજી આવૃત્તિ ૧૮૯૦માં નોંધાયેલી છે.