આંગણે ટહુકે કોયલ/રમવાને ગ્યા’તાં અમે
૩૧. રમવાને ગ્યા’તાં અમે
રમવાને ગ્યા’તાં અમે સૈયર ચોકમાં,
મોતી ખોવાણું મારું રમતાં હો જી રે.
જડ્યું હોય તો આલો મારાં નાનાં નણંદબા,
આપું મારા હૈયા કેરો હારલો હો જી રે.
રમવાને ગ્યા’તાં અમે...
જડ્યું હોય તો આલો મારા નાના દેરીડા,
આપું તમને રેશમિયો રૂમાલ હો જી રે.
રમવાને ગ્યા’તાં અમે...
જડ્યું હોય તો આલો મારા નાના ભાણેજડા,
આપું તમને સોનેરી ખેસ હો જી રે.
રમવાને ગ્યા’તાં અમે...
લોકગીતોની અનેક ખાસિયતોમાંથી એક છે એની સ્ત્રૈણ અભિવ્યક્તિ. લોકગીતોનાં રચયિતાઓ મહદ્અંશે મહિલાઓ હતાં એટલે પોતાનું સંવેદન ઠાંસી ઠાંસીને લોકગીતોમાં ભરી દીધું હોય એ સહજ છે પણ જે લોકગીતો પુરૂષોએ-લોકકવિઓએ રચ્યાં હશે એમાં પોતાની વાત કરવાને બદલે માનુનીનાં મનોવલણોના જ રંગો ઉપસાવ્યાં છે. પુરૂષોના હર્ષ, શોક, વિરહ, યાતના, મજાક-મશ્કરી જેવા ભાવોનું નિરૂપણ લોકગીતોમાં નથી એમ ન કહી શકાય પણ બિલોરી કાચ લઈને શોધવું પડે એમ કહેવું પડે, એનું કારણ એ છે કે પુરૂષના જીવનમાં પણ બધા જ રસોનું આવાગમન થતું જ રહે છે પણ એ ઝટ દઈને વ્યક્ત નથી થઇ જતો, હૈયામાં સંઘરી રાખે છે, જયારે વામાઓનું ભાવપરિવર્તન તેજ હોય છે. એની હસતી આંખો બીજી સેકન્ડે અશ્રુથી આચ્છાદિત થઇ જાય ને ત્રીજી સેકન્ડે અણગમો છલકાવી શકે, મર્દને દર્દ થાય તોય પોતાના સિવાય કોઈને કળાવા ન દે, એટલે જ લોકગીતોમાં ચોતરફ નારી...નારી જ નજરેપડે છે. ‘રમવાને ગ્યા’તાં અમે સૈયર ચોકમાં ...’ રાસ રમીને આવેલી રમણીનું ગીત છે. નવી નવી પરણીને આવેલી વહુવારુ કોઈ તહેવાર, જાગરણ અવસરે સહિયારો સાથે રાસડા લેવા ગઈ, પગના ઠેકા અને તાળીઓના તાલે રાસ રમાતા હોય, લોકગીતો ગવાતાં-ઝીલાતાં હોય, ચોમેર આનંદના ઓઘ ઉછળતા હોય એમાં પોતે પહેરેલું આભૂષણ કે અન્ય કોઈ વસ્તુ ખોવાઈ જાય એ સ્વાભાવિક છે. નાયિકાનું મોતી ખોવાઈ ગયું છે એટલે એ નણંદ, દિયર, ભાણેજને વિનવે છે કે જો કોઈને મોતી મળ્યું હોય તો પરત કરે જેના બદલામાં પોતે સોનાનો હાર, રેશમી રૂમાલ, સોનેરી ખેસ આપવા તૈયાર છે. અહિ સવાલ એ છે કે ખોવાયેલું મોતી આટલું કિંમતી હશે કે એના બદલામાં નાયિકાને આવી વસ્તુ આપવી પડે? હા, અહિ ‘મોતી’ એટલે જન્મથી માંડી સાસરવાસી થઇ ત્યાં સુધી પિયરમાં વીતાવેલાં ‘કુંવારાં વર્ષો’! ‘કુંવારપ’ નામનું મોતીડું ખોવાઈ ગયંન છે. પિયરવાસમાં લાડકવાયી દીકરી અને બેનડી બનીને રહી હોય, આખું ઘર બેનાને માનસન્માન આપે, માતા ઘરકામ શીખવે, ભૂલ થાય તો મીઠડું ખીજાઈને માફ કરીદે. પિતા હંમેશા ઉપરાણું લે, ભાઈ ક્યારેય વ્હાલુડીની આંખે આંસુ ન આવવા દે. સવારે મોડી ઉઠે તોય ચાલે, કામ ઓછું કરે તો પણ કોઈ કંઈ ન કહે, સખીઓ સાથે હરેફરે, વ્રતો ઉજવે, મેળામાં મહાલવા જાય, કોઈની રોકટોક નહિ. માસુમ સસલી જેવી દીકરી પરિવારનું સૌથી લાડકું પાત્ર કારણ કે એ થોડાં વર્ષોની જ મહેમાન હોય છે. આંખનો પલકારો થતાં જ એ કન્યા બની, મંગળફેરા ફરી, સાસરે સિધાવીને ‘વહુ’ બની જાય છે. સાસરિયાં સારાં હોય ને દીકરીની જેમ રાખે તોય એણે ‘દીકરીપણું’ છોડીને ‘વહુપણું’ અપનાવી લેવું પડે છે. આ ‘દીકરીપણું’ એ જ ‘મોતીડું’ ને એ હવે ક્યાં પાછું હાથ આવવાનું છે...! દરેક સાસરવાસી સ્ત્રીનાં ‘મોતીડાં’ ખોવાયાં છે માટે આ લોકગીત એ સૌનું બની ગયું. લોકગીત એટલે કોઈ એક કે મુઠ્ઠીભર વ્યક્તિની વાત જનસમૂહનું પ્રતિનિધિત્વ કરીને ગીતરૂપે ગવાતી હોય. પ્રથમ નજરે એવું લાગે કે લોકગીત કોઈ એક નારીની વાત કરે છે, વાસ્તવમાં સમૂહજીવનમાં જીવતા લોકોનાં આચાર-વિચાર, સુખ-દુઃખ, સુવિધા-સમસ્યા લગભગ સમાન હતાં એટલે ‘રેન્ડમ સેમ્પલિંગ’ની જેમ એક સ્ત્રી જેવી જ સ્થિતિ મોટાભાગની બહેનોની હતી.