આંગણે ટહુકે કોયલ/પાંદડું ઉડી ઉડી
૩૩. પાંદડું ઉડી ઉડી
પાંદડું ઉડી ઉડી જાય રે, પરદેશી લાલ પાંદડું,
પાંદડાની માયા મુને લાગી, પરદેશી લાલ પાંદડું
માડી મારો સસરો આણે આવ્યા,
માડી હું તો સસરા ભેળી નૈં જાઉ,
સાસુડી મેણાં બોલે, પરદેશી લાલ પાંદડું.
પાંદડું ઉડી ઉડી...
માડી મારો જેઠજી આણે આવ્યા,
માડી હું તો જેઠજી ભેળી નૈં જાઉ,
જેઠાણી મેણાં બોલે, પરદેશી લાલ પાંદડું.
પાંદડું ઉડી ઉડી....
માડી મારો પરણ્યો આણે આવ્યા,
માડી હું તો પરણ્યા ભેળી ઝટ જાઉં,
પરણ્યોજી મીઠું બોલે, પરદેશી લાલ પાંદડું.
પાંદડું ઉડી ઉડી...
લોકગીતના ગાયક પાસે શું હોવું જોઈએ?એની ભાગ્યે જ ક્યાંય ચર્ચા થઇ છે એટલે આ વાત અહિ જરૂર ચર્ચવી જોઈએ. સૌથી પહેલા તો ભૂતકાળમાં ડોકિયું કરીએ તો સ્પષ્ટ ચિત્ર નજરે પડશે કે પુરોગામી લોકગાયકો-ગાયિકાઓએ ગાયનની તાલીમ લીધી ન્હોતી છતાં એમને લોકો એકચિત્તે સંભાળતા હતા. એ ગાયકોનાં લોકગીતો, ભજનો રેડિયો પર પ્રસારિત થવાનાં હોય તો શ્રોતાઓ રાહ જોતા. એ લોકો શાસ્ત્રીય સંગીત ન્હોતા શીખ્યા તોય એનો જાદુ કેમ ચાલતો? અર્થ એ છે કે લોકસંગીતના ગાનાર પાસે ‘ફોકવોઈસ’ એટલે લોકસંગીતને અનુરૂપ કંઠ હોવો જોઈએ, કંઠમાં ખટક હોવી અતિજરૂરી છે ને જો કાકુ સ્વર નીકળી શકતો હોય તો ઉત્તમોત્તમ. એ પછી ગાયકીમાં ભાવ આવવો અનિવાર્ય છે. ભાવ ત્યારે જ આવે જયારે લોકગીત-ભજનમાં એકરસ થયેલી સંવેદના ગાયક પોતે આત્મસાત કરે! ‘હો રાજ રે! વાવડીનાં પાણી ભરવાં ગ્યા’તાં, મને કેર કાંટો વાગ્યો...’ જેવું લોકગીત ગાનારે વાવ જોઈ જ ન હોય તો? માથે હેલ લઈને પાણી કેમ ભરાય છે-એ અનુભવ્યું કે જોયું જ ન હોય તો? એણે કેરડો કે એનો કાંટો જ ન જોયા હોય તો ભાવ આવે ક્યાંથી? વળી ગાયકને તળપદા-લોકબોલીના શબ્દોનું જ્ઞાન હોવું એટલું જ આવશ્યક છે, નહીંતર અનર્થ થાય. ઘણાંબધાં ગીતોનું કલેક્શન પણ રાખવું જોઈએ, દરેક રસનાં ગીતો એમની પાસે હોય એ ઇચ્છનીય છે. લોકગીતો સ્ત્રીઓનાં મનોવલણો છે એટલે સ્ત્રીમનનાં સ્પંદનોને ઝીલવાં, સમજવાં પડે તો જ લોકગીતોને ઠીકઠીક ન્યાય આપી શકાય. સ્ત્રીને સહનશીલતાની મૂર્તિ કહી છે. ઘણા લોકોને આ વિશેષણ ખૂંચે છે પણ એ વાત સ્વીકારવી જ પડે કે કુદરતે મહિલાઓને સ્ટ્રેસ ઝીરવવાની ક્ષમતા વધુ આપી છે. કોઈપણ પ્રકારના માનસિક તાણ વખતે સ્ત્રી તમાકુ ચોળીને મોઢામાં મુકતી નથી! પાન-ફાકી ખાતી નથી, બીડી-સિગારેટ પીતી નથી, દારૂ કે ડ્રગ્સનું સેવન કરતી નથી, એ શું સાબિત કરે છે? પરાપૂર્વથી માનુનીઓ માર, મેણાં ખાતી આવી છે, એમની સવાર વહેલી પડે અને રાત મોડી, છતાં કોઈ ફરિયાદ નહિ. ઘરની વહુવારુને ભાગ્યે જ જશ મળે તોય એને વાંધો નથી હોતો ને એમની આ ભીષણ સ્થિતિમાંથી જ અનેક લોકગીતો અવતર્યાં છે. ‘પાંદડું ઉડી ઉડી જાય રે...’ પરણ્યા પછી પિયરમાં આણે (થોડાં દિવસ કે મહિના રોકવા) આવેલી પરિણીતાનું આ લોકગીત છે. પોતાને તેડવા માટે સસરા આવ્યા પણ એની સાથે તે જવા નથી માગતી કેમકે એની સાસુ મેણાં બોલશે એવી એને બીક છે. જેઠ આણે આવ્યા પણ ફરી પાછો જેઠાણીનાં મેણાંનો માર સહન કરવો પડશે એવી દહેશત છે એટલે જેઠ સાથે પણ એને જવું નથી. અંતે પોતાનો પિયુ આવ્યો ને એ તરત જ સાથે જવા તૈયાર થઈ ગઈ કેમકે પ્રિયતમ તો મીઠું મીઠું બોલે એવો ‘મીઠડો’ છે. આમેય પરણેતર માટે પતિથી વિશેષ બીજું કોણ હોય? એવો ભાવ આ લોકગીત પ્રગટ કરે છે એટલે જ પરિવારના અન્ય પુરુષો સાથે જવાને બદલે પતિ તેડવા આવે એની રાહમા હતી. અભણ લોકોની કોઠાસૂઝથી સર્જાયેલાં અને એવા જ લોકોએ પોતાના મધુરા કંઠે ગાયેલાં આ લોકગીતો આજે એમ. એ, એમ. ફિલ. અને પીએચ. ડી. ના વિષય બન્યાં છે. નિરક્ષર કે અર્ધશિક્ષિતોનું મનાતું આ સર્જન વિદ્વાનોને વિચારવા મજબૂર કરી શકે એટલું સક્ષમ છે. ગુજરાતની કોલેજો અને યુનિવર્સિટીઓમાં આ ગીતો આજે ગવાય છે અને રસપૂર્વક સંભળાય છે એ જ બતાવે છે કે આજ અને આવતીકાલ લોકસંગીતની છે.