આંગણે ટહુકે કોયલ/કાન તારે તળાવ
૬૦. કાન તારે તળાવ
હાં રે કાન તારે તળાવ રૂમઝુમતી રમવા નીસરી,
રમવા નીસરી રે સુધબુધ વિસરી.
હાં રે કાન તારે તળાવ પગ કેરાં ઝાંઝર વિસરી,
રમવા નીસરી રે સુધબુધ વિસરી.
હાં રે કાન...
હાં રે કાન તારે તળાવ કેડનો કંદોરો વિસરી,
રમવા નીસરી રે સુધબુધ વિસરી.
હાં રે કાન...
હાં રે કાન તારે તળાવ હાથ કેરો ચૂડલો વિસરી,
રમવા નીસરી રે સુધબુધ વિસરી.
હાં રે કાન...
હાં રે કાન તારે તળાવ નાક કેરી નથણી વિસરી,
રમવા નીસરી રે સુધબુધ વિસરી.
હાં રે કાન...
હાં રે કાન તારે તળાવ કાનનાં કુંડળ વિસરી.
રમવા નીસરી રે સુધબુધ વિસરી.
હાં રે કાન...
હાં રે કાન તારે તળાવ માથાની ટીલડી વિસરી,
રમવા નીસરી રે સુધબુધ વિસરી.
હાં રે કાન...
અંગ્રેજીમાં એક કહેવત છે- Drama Is An Art Of Make Believe અર્થાત્ નાટક એ માની લેવાની કળા છે. નાટકમાં સ્ટેજ પર બધું બતાવી શકાતું નથી, બતાવાય નહીં અને શક્ય પણ નથી. ઘણુંબધું પ્રેક્ષકોની સમજણ પર છોડવું પડે છે. શાણા નાટ્યરસિકો થોડામાં ઘણું સમજી જતા હોય છે. લોકગીતમાં તો જરાક ઈશારો જ કરવાનો હોય છે બાકીનું ગાનારા, સંભાળનારા, વિવેચન કરનારા માટે અધ્યાહાર રાખી દેવાતું હોય છે. લોકગીત હિમશિલા જેવું હોય, માત્ર ટોચ દેખાતી હોય પણ અનેકભાગ અંદર અણદીઠા પડી રહ્યા હોય ને એ અણદીઠા હિસ્સાના દરેક વ્યક્તિએ પોતાનીરીતે યોગ્ય અર્થ મેળવવા પડે. ‘કાન તારે તળાવ રૂમઝુમતી રમવા નીસરી...’ ભાગ્યે જ ગવાતું અને સંભળાતું મજાનું લોકગીત છે. કથાવસ્તુ એવી છે કોઈ ગોપી કૃષ્ણને કહે છે કે હું તારે તળાવ રમવા ગઈ હતી પણ સ્થિતિ એ થઇ કે માથાથી લઈ પગ સુધીનાં ટીલડી, નથણી. ચૂડલો, કંદોરો, ઝાંઝર જેવાં મારાં આભૂષણો ત્યાં જ વિસરી ગઈ! ભૂલકણા હોવું કે આપણી વસ્તુ કયાંક ભૂલી જવી એ માનવસ્વભાવ છે, એમાં નવું શું છે? જો કશું જ નવું ન હોય તો આ લોકગીત રચાયું ન હોય એટલે એમાં કંઇક હશે તો ખરું જ, કશુંક અધ્યાહાર રખાયું છે. ગોપી સજીધજીને કાનુડાને તળાવ ગઈ, પગથી માથા સુધી અલંકૃત થઈને ગઈ એ બરાબર પણ આ બધા અલંકારો ત્યાં જ ભૂલી ગઈ એનો અર્થ એ કે ત્યાં એણે તમામ દાગીના શરીર પરથી ઉતાર્યા હશે. હવે સવાલ એ આવ્યો કે એવું કેમ? રૂમઝુમતી રમવા નીસરી એમ એ કહે છે તો રાસ રમવામાં ઘરેણાં કાઢવાની જરૂર ખરી? ના, તો શા માટે અલંકારો કાઢ્યા? એ વાતનો લોકગીતમાં ક્યાંય ઉલ્લેખ નથી. બસ, એ જ શ્રૃંગાર છે! લોકગીતની ‘ટચી’ અપીલ ત્યાં જ છે. તળાવમાં ન્હાવા ગઈ હોય તો કદાચ સોના-ચાંદીના દાગીના ઉતારવા પડ્યા હોય...આપણી સમજણ પહોંચે એવા અને એટલા અર્થ કરી શકીએ! અહિ ગોપી કોણ? એનો કાન કોણ? કશી જ ખબર નથી. નાયિકા આપણી આજુબાજુ રહેતી કોઈ સામાન્ય નારી હોઈ શકે ને એનો માનીતો પુરૂષ એ એનો કાન! ગામથી દૂરના કોઈ જળસ્ત્રોત પર બન્નેનું મિલન થયું હોય એ વાતને અહિ લોકગીતમાં ગૂંથીને રસપ્રદ બનાવવા પ્રયાસ કર્યો હોય એવું પણ બને. આ તો લોકગીત છે આમાં નાટક કરતાં પણ વધુ રહસ્ય ઘૂંટાયેલું હોય છે, નાટકમાં અંતે પર્દાફાશ થાય પણ લોકગીતમાં વર્ષો સુધી રહસ્યોદઘાટન ન થાય એવું પણ બને!