આંગણે ટહુકે કોયલ/સોના સીંકલડી ને
૭૪. સોના સીંકલડી ને
સોના સીંકલડી ને ગંગાની ગરણી
તેમાં તુળસી વન રોપાવો, હો રામ,
પાણી રે ગ્યાં’તાં રામની વાડી.
સરખી સાહેલી પાણી રે ગ્યાં’તાં,
સૈયર મેણાં બોલ્યાં, હો રામ!
અમે રે પરણ્યાં ને તુળસી કુંવારા,
એવાં સૈયર મેણાં બોલી, હો રામ!
ઘેર આવી તુળસી ઢોલિયા ઢાળે,
ઢોલિયે ચડી તુળસી પોઢ્યાં, હો રામ!
કે રસ ધીડી માથડાં દુખે,
કે રસ આવ્યા તાવ, હો રામ!
નથી રે દાદા, માથડાં દુખ્યાં,
નથી રે આવ્યાં તાવ, હો રામ!
સરખી સાહેલી જળ ભરવા ગ્યાં’તાં,
સૈયર મેણાં બોલી, હો રામ!
કો’તો તમને તુળસી, સૂરજ પરણાવું,
ચંદર વરનાં માગાં, હો રામ!
સૂરજનાં, દાદા! તેજ ઘણેરાં,
ચંદર રાતે ખંડત, હો રામ!
કો’ તો તમને તુળસી, શંકર પરણાવું,
હનુમાન વરનાં માગાં, હો રામ!
શંકરની દાદા! જટા મોટેરી,
હનુમાન તેલે ટપકતા, હો રામ!
કો’તો તમને તુળસી, ગણેશ પરણાવું,
ઠાકોર વરનાં માગાં, હો રામ!
ગણેશની દાદા! ફાંદ મોટેરી,
ઠાકોર વર પરણાવો, હો રામ!
પેર્યા પીતાંબર પેર્યાં છે વાઘાં,
માથડિયે મેલ્યા મુગટ, હો રામ!
વેદકાલીન વાતો, પૌરાણિક કથાઓ, સત્યઘટનાઓ કે પછી દંતકથાઓનો આધાર લઈ લોકકવિઓએ કંઈ કેટલાંય લોકગીતો રચી નાખ્યાં છે જેનાથી ગુજરાતી લોકસંગીતનો ઉદધિ હરહંમેશ ઘૂઘવતો રહે છે. તુલસીવિવાહનું આપણે ત્યાં ખૂબ મહાત્મ્ય છે. દિવાળી પછી અગિયારમા દિવસે, કારતક સુદ અગિયારસ એટલે કે દેવદિવાળીના રોજ તુલસીવિવાહ થાય છે. અમુક રાજ્યોમાં દિવાળી બાદ પૂનમે દેવદિવાળી ઉજવાય છે એટલે ત્યાં પૂનમે તુળસીવિવાહનું મહાત્મ્ય છે. તુલસીજીનાં લગ્ન થઇ જાય પછી જ મનુષ્યના વિવાહનાં મુહૂર્તો નીકળે છે, ભારતીય શાસ્ત્રોમાં તુલસીવિવાહ અંગે કેટલીય કથા-દંતકથા પ્રચલિત છે પણ એ બધી વાતોનો સાર એ છે કે જલંધર નામનો અસુરનું અજેય અને પરાક્રમી હોવાનું મુખ્ય કારણ એની પત્ની વૃંદાનું પતિવ્રત હતું પણ દેવોની વિનતી સાંભળીને વિષ્ણુ ભગવાને જલંધરને મારવાનું નક્કી કર્યું ને વ્યૂહરચનાના ભાગ તરીકે વૃંદાને સ્પર્શ કરીને ભ્રષ્ટ કરી ને એમ જલંધર મરાયો, વૃંદાએ સતી થયા પૂર્વે ભગવાનને શાપ આપ્યો કે તમે પથ્થર બની જશો...જેને આજે આપણે શાલીગ્રામ તરીકે પૂજીએ છીએ અને શાલિગ્રામની પૂજા તુલસીપત્ર વિના અધૂરી ગણાય છે. વૃંદા જ્યાં સતી થયાં ત્યાં તુલસીનો છોડ ઊગ્યો હતો એવું મનાય છે ‘સોના સીંકલડી ને ગંગાની ગરણી...’ લોકગીતના રચનાકારને આવી કોઈ કથા સાથે નિસ્બત નથી એ તો તુલસીને સામાન્ય કન્યાની જેમ ઘરકામ કરતાં જુએ છે ને એના લગ્ન કરાવી નાખે છે! એણે તો તુલસીને સાહેલી સાથે જળ ભરવા ગયેલી યુવતી ગણ્યાં. સખીઓ મેણાં બોલે ને તુલસીને લાગી આવે, પિતા કારણ પૂછે તો તુલસી એનું મારણ બતાવે છે કે મારા વિવાહ કરી દો. પિતા સૂરજ, ચંદ્ર, શિવ, હનુમાન, ગણેશ જેવાં ઠેકાણાં બતાવે પણ તુલસીજી ઠાકોરજી પર પસંદગી ઉતારી પૂર્વજન્મનું વચન પૂર્ણ કરે છે. લોકગીતની આ જ તો મજા છે, કોઈ ‘હાઇપ્રોફાઈલ’ વ્યક્તિને સાવ સામાન્ય બનાવી સહજ વ્યવહાર કરાવવો અને જે યુગમાં આપણે જીવીએ છીએ એ કાળનું જ વર્તન એની પાસે કરાવવું...!